જમ્મુ કાશ્મીરમાં યુતિ તૂટવાથી કોને ફાયદો, કોને નુકસાન?

  • ભરત શર્મા
  • બીબીસી સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પીડીપીનાં પ્રમુખ મહેબૂબા મુફતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પીડીપીનાં પ્રમુખ મહેબૂબા મુફતી

"અમે ત્રણ વર્ષ પહેલાં જે સરકાર રચી હતી, જે ઉદ્દેશ માટે બનાવી હતી, એ ઉદ્દેશ હાંસલ કરવામાં અમે કેટલાં સફળ થયાં છીએ એ બાબતે વિગતવાર ચર્ચા થઈ હતી. ગત દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં જે ઘટનાઓ બની છે તેની તમામ માહિતી મેળવ્યા બાદ અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષના વડા અમિત શાહ સાથે ચર્ચા કરી હતી. એ પછી આજે અમે નિર્ણય કર્યો છે કે યુતિ સરકારમાં જોડાયેલા રહેવું શક્ય નથી."

ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના જમ્મુ કાશ્મીરના પ્રભારી રામ માધવે આ ટૂંકા નિવેદનમાં વર્તમાન સમયના સૌથી દિલચસ્પ રાજકીય પ્રયોગ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

2014ના અંતિમ દિવસોમાં જમ્મુ-કાશ્મીરના મતદારોએ કોઈ એક પક્ષના હાથમાં સત્તાની ચાવી ન આપી ત્યારે આ પ્રયોગ શરૂ થયો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી(પીડીપી)ને 28 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને 25, નેશનલ કોન્ફરન્સને 15 અને કોંગ્રેસને 12 બેઠકો મળી હતી.

44ના જાદુઈ આંકડે પહોંચવા માટે બે પક્ષો માટે હાથ મિલાવવાનું જરૂરી બની ગયું હતું.

અનેક દિવસો સુધી ચાલેલી રાજકીય ગતિવિધિ બાદ આખરે એવી યુતિ આકાર પામી હતી, જેની લોકોએ કલ્પના પણ નહીં કરી હોય.

પીડીપી અને ભાજપે હાથ મિલાવીને સરકાર રચવાનો નિર્ણય કર્યો હતો.

વિરોધીઓએ તેને 'તકવાદી યુતિ' ગણાવી હતી, જ્યારે આ યુતિના તરફદારોએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર માટે આ મોટો દિવસ છે.

મહેબૂબા મુફતીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, PDP PRO

ઇમેજ કૅપ્શન,

મહેબૂબા મુફતી

2015માં રચાયેલી સરકાર તૂટી પડી પછી પીડીપીનાં પ્રમુખ મહેબૂબા મુફતીના ચહેરા પર નિરાશા સ્પષ્ટ જોવા મળી હતી.

તેમણે કહ્યું હતું, "લોકોની લાગણીથી વિપરીત આ યુતિ રચાઈ હતી.

"તેમ છતાં મુફતી સાહેબ યુતિ માટે તૈયાર થયા હતા, કારણ કે તેઓ કેન્દ્રમાં મજબૂત સરકાર બનાવી ચૂકેલા પક્ષ સાથે હાથ મિલાવતા હતા.

"આ યુતિ મોટા વિઝન સાથે રચવામાં આવી હતી."

સરકારમાંથી નીકળવાના ભાજપના નિર્ણયથી ઝટકો લાગ્યો હતો કે કેમ એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું, "નહીં. મને કોઈ આઘાત લાગ્યો ન હતો, કારણ કે આ યુતિ સત્તા માટે ન હતી. તેનો હેતુ મોટો હતો."

મહેબૂબા મુફતી ભલે ગમે તે કહે, પણ આંચકો લાગવાની વાત તો છે જ.

કોને નફો, કોને નુકસાન?

ઇમેજ સ્રોત, EPA

અત્યારે એ જાણવું રસપ્રદ થઈ પડશે કે યુતિ તોડવાનો નિર્ણય અત્યારે શા માટે લેવામાં આવ્યો અને તેનાથી કોને ફાયદો તથા કોને નુકસાન થશે?

જાણકારો માને છે કે આ નિર્ણયનો લાભ લેવાના પ્રયાસ ભાજપ કરશે.

જમ્મુ કાશ્મીર પર ઝીણવટભરી નજર રાખતાં વરિષ્ઠ પત્રકાર અનુરાધા ભસીન કહે છે, "ભાજપને ફાયદો થઈ શકે છે.

"ભાજપે યુતિ બનાવી, સરકારમાં સામેલ થયો, આકરું વલણ લીધું અને પીડીપીને નુકસાન કર્યું, કારણ કે એ યુતિમાં સીનિયર પાર્ટનર હતો.

"સલામતી સંબંધી નિર્ણયો દિલ્હીમાં લેવામાં આવતા હતા, પણ ચહેરો પીડીપીનો જ હતો."

ભાજપે આવું શા માટે કર્યું એવા સવાલના જવાબમાં તેઓ કહે છે, "ભાજપ આ નિર્ણયનો ઉપયોગ ચૂંટણીની વ્યૂહરચના તરીકે કરી શકે છે.

"ભાજપ આ નિર્ણયનો લાભ માત્ર જમ્મુ કાશ્મીરમાં જ નહીં, દેશના અન્ય રાજ્યોમાં લેવાના પ્રયાસ પણ કરશે, કારણ કે કાશ્મીરનો મુદ્દો માહોલ ઊભો કરવાનું કામ કરે છે."

કેટલાક લોકો ભાજપના નિર્ણયને રાજકીય પગલું માને છે, કારણ કે ભાજપ પાકિસ્તાન અને કાશ્મીર મુદ્દાનો ઉપયોગ 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ કરી શકે છે.

ભાજપ સરકારમાંથી નીકળી ગયો હોય અને કોંગ્રેસ કે બીજા રાજકીય પક્ષે પીડીપી તરફ દોસ્તીનો હાથ લંબાવીને સરકાર બચાવવાની ઑફર કરી હોય તેવું અન્ય રાજ્યોની માફક અહીં થયું નથી.

પરિસ્થિતિ કેમ વણસી?

ઇમેજ સ્રોત, EPA

કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે એવું જણાવ્યું હતું કે પીડીપી સાથે હાથ મિલાવવાનો કોઈ સવાલ જ નથી.

નેશનલ કોન્ફરન્સે જમ્મુ-કાશ્મીરમાં વહેલામાં વહેલી તકે ચૂંટણી યોજવાની માગ કરી હતી.

કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સને ભાજપ-પીડીપીની યુતિ તૂટવાથી કોઈ ફાયદો થશે કે નહીં, એવા સવાલના જવાબમાં અનુરાધા કહે છે, "હું એવું નથી માનતી. કાશ્મીરમાં હાલત ખરાબ છે.

"ગયા વર્ષે બે બેઠકોની પેટાચૂંટણી યોજાઈ હતી. તેમાં એક બેઠક પર પાંચ ટકા મતદાન થયું હતું, જ્યારે બીજી બેઠકની ચૂંટણી થઈ શકી ન હતી."

શું આ યુતિ નિષ્ફળ જવા થવા માટે રચાઈ હતી કે ખરેખર કંઈક સારું થઈ શકે તેમ હતું?

અનુરાધા કહે છે, "ભાજપ-પીડીપીની યુતિથી કાશ્મીરમાં પરિસ્થિતિ બદલાશે એ ગેરસમજ હતી.

"બે અલગ પ્રકારના પક્ષોની યુતિ રચાઈ ત્યારે લાગ્યું હતું કે આ ખોટું થયું છે. એકમતી ન હતી. રાજ્ય વિભાજનકારક વ્યૂહરચના અનુસાર ચાલતું હતું.

"બન્ને પક્ષોએ હિસ્સો વહેંચી લીધો હતો. એક રીતે પીડીપી કાશ્મીરનું ધ્યાન રાખતી હતી, જ્યારે ભાજપ પાસે જમ્મુ હતું.

"વહીવટના નામે કશું થતું ન હતું. એક પક્ષ કંઈક કહેતો હતો તો બીજો પક્ષ કંઈક અલગ કહેતો હતો."

જોકે, સરકારની રચના વખતે બન્ને પક્ષો વચ્ચે યુતિનો એજન્ડા બન્યો હતો, પણ તેના અમલનો સમય આવ્યો, ત્યારે કદાચ વાંધો પડ્યો હશે.

કોઈ વિકલ્પ બચ્યો હતો?

ઇમેજ સ્રોત, Getty Images

કેટલાક જાણકારોનું કહેવું છે કે ભાજપ અને પીડીપી પાસે આ યુતિનો અંત લાવવા સિવાયનો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. અત્યારે ભાજપને ફાયદો ભલે થાય, પણ બીજો રસ્તો ન હતો.

વરિષ્ઠ પત્રકાર અલ્તાફ હુસૈને શ્રીનગરથી બીબીસીને જણાવ્યું હતું કે યુતિ તોડવાનો નિર્ણય ભાજપે કર્યો છે. તેથી તેને લાભ થાય એવી આશા રહેશે.

યુતિ તૂટવાના કારણ બાબતે તેઓ કહે છે, "બન્ને પક્ષ માટે પરિસ્થિતિ ઘણી ખરાબ હતી. વહીવટી સ્તરે ખાસ કોઈ પ્રગતિ દેખાતી ન હતી."

જાણકારો માને છે કે પીડીપીએ ભાજપ સાથે હાથ મિલાવ્યો એટલે કાશ્મીર ખીણના લોકો પીડીપીથી નારાજ હતા, જ્યારે ભાજપે પીડીપી સાથે સરકાર રચી એટલે જમ્મુમાં લોકો ભાજપથી નારાજ હતા.

જોકે, આવું તો પાછલાં ચાર વર્ષથી હતું તો યુતિ આજે જ કેમ તૂટી?

અલ્તાફ હુસૈન કહે છે, "કાશ્મીર ખીણપ્રદેશના લોકો નારાજ હતા, પણ ભાજપને જમ્મુમાં તેની વોટ બેન્ક પરથી પકડ ઢીલી પડતી હોવાની ચિંતા થવા લાગી હતી."

ભાજપ અને પીડીપીની ક્યાં ભૂલ થઈ?

ઇમેજ સ્રોત, PMO INDIA

ઇમેજ કૅપ્શન,

નરેન્દ્ર મોદી અને મહેબૂબા મુફતી

અલ્તાફ હુસૈન કહે છે, "પીડીપી સાથે હાથ મિલાવ્યા બાદ ભાજપે તેનો એજન્ડા આગળ વધારવાના પ્રયાસ ન કર્યા હોય એવું નથી.

"પહેલાં બે ધ્વજ, પછી ગૌમાંસ, મસરત આલમની મુક્તિ અને હાલમાં કઠુઆ દુષ્કર્મ કાંડ. આ બધી ઘટનાઓ વિશે બન્ને પક્ષનું વલણ અલગ-અલગ હતું."

કાશ્મીરના જાણકારો એવું પણ કહે છે કે મહેબૂબા મુફતી મુખ્ય પ્રધાન જરૂર હતાં, પણ ભાજપ તરફથી નિર્ણય જમ્મુમાંથી નહીં, દિલ્હીથી થતા હતા.

અલ્તાફ હુસૈનના જણાવ્યા મુજબ, પીડીપીના મતદારો તેનાથી નારાજ હતા. તેનો પુરાવો એ છે કે આ વખતે સૌથી વધુ વિરોધ પ્રદર્શન પીડીપીનો ગઢ ગણાતા દક્ષિણ કાશ્મીરમાં જ થઈ રહ્યું છે.

નેશનલ કોન્ફરન્સ આ પરિસ્થિતિનો ફાયદો લઈ શકશે કે કેમ, એવા સવાલના જવાબમાં તેઓ કહે છે, "કાશ્મીરમાં મતદાનની ટકાવારીની હાલત શું છે એ આપણે બધા જાણીએ છીએ.

"જે લોકો ચૂંટણીના રાજકારણમાં હિસ્સેદાર છે તેઓ પીડીપીથી નારાજ હોય તો તેનો થોડો લાભ નેશનલ કોન્ફરન્સને થઈ શકે એ દેખીતું છે."

જે થવાનું હતું એ થઈ ગયું, હવે આગળ શું થશે, એવા સવાલના જવાબમાં અલ્તાફ હુસૈન કહે છે, "ચૂંટણી થશે, પણ કાશ્મીરમાં શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવી અને લોકોને મતદાન કેન્દ્રો સુધી લાવવાનું કામ મોટો પડકાર બની રહેશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો