TOP NEWS : UNની માનવાધિકાર પરિષદમાંથી નીકળી ગયું અમેરિકા

નિક્કી હેલીની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(યુએનએચઆરસી)માંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે. અમેરિકન વિદેશમંત્રી માઇક પૉમ્પિયો અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાનાં રાજદૂત નિક્કી હેલીએ એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતાં આ જાહેરાત કરી.

હેલીએ જણાવ્યું, ''જ્યારે કથિત માનવાધિકાર પરિષદ વેનેઝૂએલા અને ઇરાનમાં થઈ રહેલા માનવાધિકારના ઉલ્લંઘન અંગે કંઈ ના બોલી શકે અને કૉંગો જેવા દેશોને નવા સભ્ય તરીકે આવકારે, ત્યારે તે માનવાધિકાર પરિષદ તરીકે ઓળખાવાનો અધિકાર ગુમાવી દે છે.''

આ જાહેરાતને પગલે પરિષદના પ્રમુખ ઝેદ બિન રાદ અલ-હુસૈને જણાવ્યું છે કે અમેરિકાએ માનવાધિકારનું રક્ષણ કરવામાં પાછળ ના હટવું જોઈએ.

હેલીએ ગત વર્ષે પણ યુએનએચઆરસી પર 'ઇઝરાયેલ વિરુદ્ધ કિન્નાખોર અને ભેદભાવથી ગ્રસ્ત' હોવાનો આરોપ લગાવ્યો હતો.

એ વખતે તેમણે એવું પણ કહ્યું હતું કે અમેરિકા પરિષદમાં પોતાનાં સભ્યપદની સમીક્ષા કરશે.

'રાહુલ ગાંધી વડા પ્રધાન બને'

ઇમેજ સ્રોત, EPA

'એબીપી ન્યૂઝ'ની વેબસાઇટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીના પૂર્વ સહાયક સુધીન્દ્ર કુલકર્ણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિષ્ફળ ગણાવતાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે જોવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

પાકિસ્તાન અને ચીન સાથે ભારતના વિવાદોને ગણાવતાં કુલકર્ણીએ જણાવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોટી સમસ્યાઓને ઉકેલવામાં 'નિષ્ફળ' ગયા છે.

મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતાં કુલકર્ણીએ કહ્યું, ''રાહુલ કોમળ હૃદય ધરાવનાર નેતા છે. હું આશ્વત છું કે તેઓ દેશના આગામી વડાપ્રધાન બનશે અને તેમને બનવું પણ જોઈએ. ભારતને આવા નેતાની જરૂર છે.''

અહીં મહત્ત્વપૂર્ણ છે કે કુલકર્ણી ભાજપ સાથે લગભગ 13 વર્ષ સુધી અનૌપચારિક જોડાયેલા રહ્યા હતા.

2009માં લોકસભાની ચૂંટણી વખતે તેમણે અડવાણી સાથે કામ કર્યું હતું અને તેમના સહાયક હતા.

સિંહને રંજાડ્યા છે તો....

ગુજરાતી અખબાર 'દિવ્ય ભાસ્કર'ના અહેવાલ મુજબ, ગીર વિસ્તારમાં સિંહદર્શન શરૂ કરવામાં આવશે. આ વિસ્તારમાં લગભગ 35 સિંહોનો નિવાસ છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને વન, પોલીસ, પ્રવાસન તથા અન્ય વિભાગોના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી.

આ બેઠકમાં સિંહોરહેઠાણના તમામ વિસ્તારોને વન્ય પ્રાણી વર્તુળ જૂનાગઢ હેઠળ લાવવાનો નિણય લેવામાં આયો હતો.

અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'એ રાજ્યના રાજ્યકક્ષાના વન મંત્રી રમણલાલ પાટકરને ટાંકતા લખ્યું છે:

"તમામ સિંહોને રેડિયોકૉલર પહેરાવવામાં આવશે, જેથી કરીને સિંહોની હિલચાલમાં કશું સંદિગ્ધ જણાય તો તેમને મદદ પહોંચાડી શકાય."

રાજ્યના વન મંત્રી ગણપત વસાવાને ટાંકતા અખબાર જણાવે છે બેઠકમાં સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે ગેરકાયદેસર લાયન શો, સિંહો પાછળ વાહન દોડાવી તેમને રંજાડવા, સિંહોના ગેરકાયદેસર વીડિયો ઉતારવા જેવા ગુનાઓ સિંહોના શિકાર સમાન ગણાશે.

આ માટે સાત વર્ષની સજાની જોગવાઈ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે..

મને મારી પત્નીએ આવવા ન દીધો

રશિયા ફૂટબૉલ વર્લ્ડ કપ દરમિયાન મેક્સિકોના ચાર ફૂટબૉલ ફેન્સ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, કારણ કે તેઓ પોતાના મિત્રનું કટાઉટ લઈને ફરી રહ્યા છે.

2014થી આ મિત્રો રોડ-ટ્રિપ દ્વારા રશિયા પહોંચવાનો પ્લાન કરી રહ્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ જેવિર નામના મિત્ર કથિત રીતે તેમની પત્નીનાં દબાણ હેઠળ સામેલ થઈ ન શક્યા.

અંગ્રેજી વેબસાઇટ 'ડેઇલી મેલ'ના અહેવાલ પ્રમાણે, આથી મિત્રોએ જેવિરના કટાઉટ સાથે પ્રવાસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. તેના ટીશર્ટ પર લખ્યું છે, 'મને મારી પત્નીએ આવવા ન દીધો.'

જેવિરને એકલું ન લાગે એ માટે તેઓ તેમની યાત્રાની દરેક વાતોને ફેસબૂક પર પોસ્ટ કરી રહ્યા છે. ફૂટબૉલ ફેન્સ પણ તેના કટાઉટ સાથે ફોટોગ્રાફ પડાવીને જેવિરનો ઉત્સાહ વધારવા પ્રયાસ કરી રહ્યા છે.

'દેશવિરોધી' ગીત પર નાચ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

બિહારના રોહતાસ જિલ્લાના નસીરગંજમાં દેશદ્રોહના આરોપસર પાંચ સગીર સહિત આઠ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તેમના ઉપર 'દેશવિરોધી' ગીત પર નાચવાનો આરોપ છે.

અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, 'ચાંદ જુલુસ'ના કાર્યક્રમ દરમિયાન કેટલાક સગીરો અને યુવાનો ડીજે ઉપર ડાન્સ કરી રહ્યા હતા.

ત્યારે ડીજે પર અચાનક જ એક ગીત વાગ્યું હતું, જેનો સાર હતો, 'અમે પાકિસ્તાનના 'મુજાહિદ' છીએ, અમે આ સૃષ્ટિના સંરક્ષક છીએ, જો તમે અમને ભૂલથી પણ પડકારશો તો અમે તમને કાપી નાખીશું.'

આ ડાન્સનો વીડિયો વાઇરલ થતાં પોલીસ સક્રિય બની હતી અને આઠ શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. ઉપરાંત બજરંગ દળના સ્થાનિક નેતાએ પણ આ કેસમાં ફરિયાદ દાખલ કરી હતી.

રોહતાસના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સત્યવીર સિંહાના કહેવા પ્રમાણે, "મુખ્ય આયોજક રાજા ખાન, ડીજે વગાડનાર આશીષ કુમાર, તેના ડ્રાઇવર મુકેશ કુમાર તથા 14 થી 17 વર્ષના પાંચ સગીરોની ધરપકડ કરવામાં આવી છે."

એક સગીરના પિતાના કહેવા પ્રમાણે, "ગીત માંડ ત્રણથી ચાર મિનિટ વાગ્યું હતું, બાળકોને 'મુજાહિદ'નો મતલબ પણ ખબર નહીં હોય, તેઓ માત્ર ધૂન પર નાચ્યા હશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો