કોણ છે મિસ ઇન્ડિયા બનેલાં 19 વર્ષીય અનુકૃતિ વાસ?

અનુકૃતિ વાસની તસવીર

ઇમેજ સ્રોત, BLUEOCEANIMC

ચેન્નાઈનાં 19 વર્ષીય યુવતી અનુકૃતિ વાસે ફેમિના મિસ ઇન્ડિયા 2018નો ખિતાબ જીત્યો છે. ગત વર્ષનાં વિજેતા માનુષી છિલ્લરે અનુકૃતિને તાજ પહેરાવ્યો હતો.

હરિયાણાનાં મીનાક્ષી ચૌધરી પહેલાં અને આંધ્ર પ્રદેશનાં શ્રેયા રાવ રનર-અપ બન્યાં હતાં.

બોલિવૂડ સ્ટાર આયુષ્માન ખુરાના તથા ડાયરેક્ટર કરણ જોહરે આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

અનુકૃતિ મોડેલ હોવા ઉપરાંત અભિનેત્રી પણ છે. તેઓ ચેન્નાઈની લોયેલા કોલેજમાં ફ્રેન્ચ સાહિત્ય સાથે સેકન્ડ યર બીએમાં અભ્યાસ કરી રહ્યાં છે.

ફેમિના મિસ ઇન્ડિયાની આ 55મી આવૃત્તિ હતી. આ કાર્યક્રમમાં કરીના કપૂર ખાન, જેકલિન ફર્નાન્ડિઝ માધુરી દીક્ષિત સહિતનાં કલાકારોએ પર્ફૉર્મન્સ કર્યું હતું.

કોણ છે અનુકૃતિ?

ઇમેજ સ્રોત, BLUEOCEANIMC

એક વીડિયોમાં અનુકૃતિ કહે છે, "હું તમિલનાડુના ત્રિચીમાં ઉછરી છું, ત્યાં છોકરી બંધિયાર જિંદગી જીવે છે. છ વાગ્યા બાદ બહાર નથી નીકળી શકતી. મને એ માહોલ પસંદ ન હતો.

"હું એ સ્ટીરિયોટાઇપ તોડવા માગતી હતી, એટલે મેં મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લેવાનો નિર્ણય કર્યો.

"હું આપને કહેવા માગુ છું કે તમને પણ બંધન તોડીને બહાર નીકળો અને જ્યાં પહોંચવા માગતા હો, ત્યાં પહોંચવા માટે પ્રયાસ કરો."

29 અન્ય સ્પર્ધકોને પાછળ રાખીને અનુકૃતિએ આ તાજ જીત્યો હતો.

ઇરફાન પઠાણ, બોબી દેઓલ, મલ્લાઇકા અરોરા ખાન, કૃણાલ કપૂર, ડિઝાઇનર ગૌરવ ગુપ્તા અને પત્રકાર ફે ડિસોઝા સ્પર્ધાનાં જજ હતાં.

સ્પર્ધાના સાઉથ ઝોનના રાકૂલ પ્રિતસિંહે તેમને સ્પર્ધા માટે તૈયાર કર્યાં હતાં.

ટોમબૉયની છાપ

ઇમેજ સ્રોત, BLUEOCEANIMC

અનુકૃતિ કહે છે કે તેમની છાપ 'ટોમબૉય' જેવી છે. તેમને બાઇકો ચલાવવાનો ક્રેઝ છે.

અનુકૃતિ કહે છે,"હું ઍથ્લિટ છું. મારાં મિત્રોનું કહેવું છે કે પેરાગ્લાઇડિંગ ખૂબ જ રોચક છે. જો મને તક મળે તો હું ચોક્કસપણે હિમાચલ પ્રદેશમાં પેરાગ્લાઇડિંગ કરવા ચાહીશ.

"સાંભળ્યું છે કે ત્યાં વિશ્વનું બીજા નંબરનું સૌથી સારું પેરાગ્લાઇડિંગ થાય છે."

અનુકૃતિ આ પહેલા ફેમિના મિસ તામિલનાડુ તથા રજનીગંધા પર્લ્સ મિસ બ્યુટીફૂલ સ્માઇલના ખિતાબ જીતી ચૂક્યાં છે.

અનુકૃતિને ફરવાનું અને એડવેન્ચર ટૂર્સ કરવાનું પણ પસંદ છે. તેઓ હવે મિસ વર્લ્ડ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

ઇમેજ સ્રોત, BLUEOCEANIMC

અનુકૃતિનાં માતા સિંગલ મધર છે. અનુકૃતિ મોડલિંગ ક્ષેત્રે કારકિર્દી ઘડવા માગે છે. તેઓ 'મિસ વર્લ્ડ 2018'નો ખિતાબ જીતીને ખુદને અભિનેત્રી તરીકે સ્થાપિત કરવા માગે છે.

યુટ્યુબ ચેનલ 'પોપ ડાયરીઝ'ને આપેલાં ઇન્ટર્વ્યૂમાં અનુકૃતિએ કહ્યું હતું કે તેમને સોનમ કપૂર, કાયલી કરડાશિયાં તથા રણવીરસિંહ તેમને પસંદ છે.

તેમણે 1970ના દાયકામાં પ્રચલિત મોટી ફ્રેમવાળા ચશ્માનો ટ્રેન્ડ ફરી આવે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો