ગ્રાઉન્ડ રિપોર્ટ હાપુડઃ મુસલમાન, ગાય અને હત્યારા ટોળાનું સત્ય

ઘટનાસ્થળે પડેલું સ્લિપર

માટી પર પડેલાં કથ્થઈ રંગના ડાઘા દર્શાવે છે કે અહીં કોઈનું લોહી વહ્યું છે. હત્યારા ટોળાએ એક વ્યક્તિની હત્યા કરી હતી, મૃતક મુસલમાન છે એ પણ નિર્વિવાદ છે અને ગાયનું હોવું કે ન હોવું એ વિવાદના કેન્દ્રમાં છે.

આ ઘટના જે ગામમાં બની હતી એ મદાપુરના રહેવાસીઓ કહી રહ્યા છે કે મોહમ્મદ કાસિમને ચોરેલી ગાયની હત્યાના નામે મારી નાખવામાં આવ્યા.

પોલીસ ફરિયાદમાં આ કિસ્સાને 'ક્રોધાવેશ'ની ઘટના ગણાવવામાં આવ્યો છે.

લોકોનાં ટોળાએ 60 વર્ષના સમીઉદ્દીનને પણ ઢોરમાર માર્યો હતો. તેઓ છેલ્લા બે દિવસથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

આ ઘટના રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી અંદાજે 65 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં બની હતી.


ગાયને ચરાવવાનો જૂનો ઝઘડો

ફોટો લાઈન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલ સમીઉદ્દીન

મોહમ્મદ વકીલ ખેતી તથા પશુપાલનનું કામ કરતા સમીઉદ્દીનના ભત્રીજા છે.

તેઓ કહે છે, "મારા કાકા એ દિવસે પશુઓ માટે ચારો લેવા તેમના ખેતરે ગયા હતા. કાસિમ ક્યાંકથી આવી રહ્યો હતો અને તે કાકાને ઓળખતો હોવાથી તેમની સાથે વાત કરતા કરતા તેમના ખેતરમાં આવ્યો હતો."

રાજપૂતોની મોટી વસતી ધરાવતા બાજુના બઝેડા ખુર્દ ગામના ઢોર ચરવા માટે સામાન્ય રીતે આ બાજુ આવતાં હોય છે.

મદાપુર મુસ્તફાબાદમાં મુસલમાનોની મોટી વસતી છે. ગામલોકોના જણાવ્યા અનુસાર, બઝેડા ખુર્દનાં ઢોરને જાણીજોઈને મદાપુર મુસ્તફાબાદ તરફ ધકેલવામાં આવે છે.


ખેતરને નુકસાન થાય તો ખેડૂત શું કરે?

ફોટો લાઈન બઝેડા ખુર્દમાં આવેલું મંદિર

બીજી તરફ મદાપુર મુસ્તફાબાદના લોકોના જણાવ્યા મુજબ, તેઓ ગાય-વાછરડાંની હત્યા કરીને ખાઈ જતા હોવાનો આક્ષેપ તેમના પર કરવામાં આવે છે.

સમીઉદ્દીનના ભાઈ પ્યારે મોહમ્મદ આક્રોશ સાથે સવાલ કરે છે, "પોતાના ખેતરને નુકસાન થતું હોય તો ખેડૂત ઢોરને ભગાડે કે નહીં? ઢોરને ઘેરી લે કે નહીં?”

"એ લોકો એવી દલીલ કરી રહ્યા છે કે તેમણે તેમનાં જાનવર તેમના ખેતરમાં બાંધી રાખ્યાં છે."

મોહમ્મદ વકીલના જણાવ્યા અનુસાર, સમીઉદ્દીનની ભેંસ ત્યાં અગાઉથી જ હતી અને ઢોરની લે-વેચનો ધંધો કરતો કાસિમ પણ ત્યાં હતો.

બાજુનાં ખેતરોમાં બીજા બે લોકો કામ કરી રહ્યા હતા, પણ બઝેડા ખુર્દ તરફથી લોકોનાં ટોળાને આવતું જોઈને એ બન્ને નાસી ગયા હતા અને કાસિમ તથા સમીઉદ્દીન ટોળાના હાથમાં આવી ગયા હતા.


લાલ રંગનું તૂટેલું સ્લિપર

ફોટો લાઈન મદાપુર મુસ્તફાબાદમાં આવેલી મસ્જિદ

મુસલમાનોના બાહુલ્યવાળું મદાપુર મુસ્તફાબાદ અને રાજપૂતોના બાહુલ્યવાળું બઝેડા ખુર્દ ગામ એકમેકની બાજુમાં આવેલાં છે એટલું જ નહીં, ગામમાં મંદિર, મસ્જિદ, દુકાન, મકાન અને ખેતરો પણ એ રીતે આવેલાં છે.

મોહમ્મદ વકીલ અમને નહેરની પાર આવેલા તેમના કાકાના ખેતરમાં લઈ ગયા હતા. એ ખેતરમાં લોકોનાં ટોળાંએ સમીઉદ્દીન અને કાસિમને ઢોરમાર માર્યો હતો, જેમાં 45 વર્ષના કાસિમનું મૃત્યુ થયું હતું.

સીસમ, પોપલાર અને જાંબુનાં વૃક્ષો વચ્ચે આવેલા ખેતરની માટી પર લોહીનો ડાઘો સ્પષ્ટ દેખાય છે. લાલ રંગનું એક સ્લિપર પણ દેખાય છે.

એ સ્લિપરની પટ્ટી ભાગવાના પ્રયાસમાં કે કોઈના પગ તળે દબાવાને કારણે તૂટી હશે. સ્લિપર કાસિમનું છે કે સમીઉદ્દીનનું છે એ ખબર નથી.

પોલીસે બઝેડા ખુર્દ ગામના બે લોકોની હત્યા, હત્યાના ઇરાદા સાથેનો હુમલો અને હથિયાર સાથે હુલ્લડ કરવાના આરોપસર (ભારતીય દંડ સંહિતાની કલમક્રમાંક 302, 307, 147 તથા 148) ધરપકડ કરી છે. બન્ને લોકો હાલ કસ્ટડીમાં છે.


'ભેંસ ખરીદવા નીકળ્યા હતા'

ફોટો લાઈન હાપુડના પોલીસ વડા સંકલ્પ શર્મા

પોલીસ વડા સંકલ્પ શર્માના જણાવ્યા મુજબ, "આ બન્ને આરોપીઓ ભીડને ભડકાવનારાઓમાં સામેલ હોવાનું પોલીસ માને છે."

બઝેડા ખુર્દ અને મદાપુર મુસ્તફાબાદથી દૂર પિલખુઆ શહેરના સિદ્દીકપુરા મોહલ્લામાં કાસિમનું ઘર આવેલું છે. બે માળની ઇમારતમાં ભાડાનો એક ઓરડો.

કાસિમના મૃત્યુનો શોક વ્યક્ત કરવા લોકો સતત આવતા રહે છે, જેમને ઘરની સામેની ગલીમાં મૂકવામાં આવેલી ખુરશીઓ પર બેસાડવામાં આવે છે.

કાસિમના ભાઈ મોહમ્મદ નદીમના જણાવ્યા મુજબ, તેમને કોઈએ ફોન કરીને જણાવ્યું હતું કે "તેમના ભાઈને માર મારીને 100 નંબરની જિપ્સીમાં રાખવામાં આવ્યો છે."

નદીમ હોસ્પિટલે પહોંચ્યા ત્યાં સુધીમાં કાસિમ મૃત્યુ પામ્યા હતા.

નદીમે કહે છે, "કાસિમ ઘરેથી 60-70 હજાર રૂપિયા લઈને નીકળ્યા હતા. તેમને કોઈએ કહેલું કે સારી કિંમતમાં ભેંસ મળી જશે. એ પછી લોકોએ તેમને ઘેરીને તેમની હત્યા કરી હતી."


'એક કેસમાં બે ફરિયાદ નહીં નોંધીએ'

ફોટો લાઈન કાસિમની કબર

પોસ્ટમોર્ટમ પછી રાતે અઢી વાગ્યે કાસિમનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો અને મંગળવારે સવારે તેમને દફનાવી દેવામાં આવ્યા હતા.

જોકે, કાસિમના પરિવારજનો કહે છે કે તેમને પોલીસ ફરિયાદ નોંધાવવા દેવાઈ ન હતી.

મોહમ્મદ સલીમ કહે છે, "એક કેસમાં અમે બે ફરિયાદ નહીં નોંધીએ એવું પોલીસ કહે છે."

મોહમ્મદ સલીમને શંકા છે કે હુમલામાં ઘાયલ થયેલા સમીઉદ્દીન અને બીજો પક્ષ "સમજૂતિ કરી લેશે તો અમે વચ્ચે લટકી જઈશું." આ વાત તેમણે પોલીસને પણ જણાવી છે.

કાસિમના ભાઈ સલીમ કહે છે, "આ કેસમાં મને મુખ્ય સાક્ષી બનાવવાની ખાતરી પોલીસે આપી છે."


અજ્ઞાત લોકો સામે ફરિયાદ

ફોટો લાઈન 18 જૂનની ઘટનામાં મૃત્યુ પામેલા કાસિમ

18 જૂને બનેલી આ ઘટનામાં યાસીન નામની વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તે ફરિયાદ અજ્ઞાત લોકો વિરુદ્ધની છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે બઝેડા તરફથી આવી રહેલા એક મોટરસાયકલચાલકે સમીઉદ્દીનને ટક્કર મારી હતી.

સમીઉદ્દીને વિરોધ કર્યો એટલે બઝેડા ગામના 25-30 લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને તેમણે સમીઉદ્દીન તથા કાસિમને લાકડીઓ વડે માર માર્યો હતો.


અખબારી અહેવાલ

'અમર ઉજાલા' દૈનિકના પહેલા પાને 19 જૂને આ ઘટનાના સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. તેમાં ગાય તથા વાછરડાનો ફોટોગ્રાફ છે.

એ ગાય તથા વાછરડું ઘટનાસ્થળેથી મળી આવ્યાં હોવાનું જણાવવામાં આવ્યું છે અને ફોટોગ્રાફમાં પોલીસ કર્મચારીઓ પણ દેખાય છે.

દૈનિકે અહેવાલમાં જણાવ્યું હતું કે "ઘટનાસ્થળેથી બે ગાય અને એક વાછરડી મળી આવી હતી."


ગાય કે હથિયાર ન મળ્યાં

ફોટો લાઈન ખેતરની માટીમાં સ્પષ્ટ દેખાતો લોહીનો ડાઘ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે. તેમાં ગંભીર રીતે ઘવાયેલા કાસિમને ઘેરીને કેટલાક લોકો ઊભા છે.

"બે મિનિટ મોડા પહોંચ્યા હોત તો ગાય કાપેલી મળી હોત" અને "ત્રણ ગાય ખૂંટા સાથે બાંધેલી છે." એવાં વાક્યો વીડિયોમાં સાંભળવા મળી રહ્યાં છે.

ખુદને બઝેડા ખુર્દના રહેવાસી ગણાવતા રામકુમાર કશ્યપ કહે છે, "કેટલીક સ્ત્રીઓ ચારો લેવા ખેતરમાં ગઈ હતી.”

"તેમણે આવીને જણાવ્યું હતું કે ચાર જણ ગાયોને લઈને જઈ રહ્યા છે. અહીંથી લોકો ગયા તો સામેની બાજુના લોકોએ ગોળીબાર શરૂ કર્યો હતો. તેથી બે જણ ભાગી ગયા હતા, પણ બે સપડાઈ ગયા હતા."

જોકે, પોલીસના જણાવ્યા મુજબ, ઘટનાસ્થળેથી તેમને કોઈ ગાય કે ગાયની કતલનો કોઈ સામાન મળ્યો નથી.


ક્રોધાવેશનું પરિણામ?

ફોટો લાઈન સમીઉદ્દીનના ભાઈ મોહમ્મદ યાસીન

વ્યવસાયે ટ્રક ડ્રાઈવર મોહમ્મદ યાસીન તેમના ઘાયલ ભાઈ સાથે હાલ હાપુડની એક ખાનગી હોસ્પિટલમાં છે.

પોલીસ ફરિયાદ નોંધાવનાર મોહમ્મદ યાસીનને સવાલ કરવામાં આવ્યો હતો કે આ ઘટના ગાયને કારણે બની હોવાનું ગામના હિંદુ-મુસલમાનો કહે છે, પણ પોલીસ ફરિયાદમાં ગાયનો ઉલ્લેખ જ નથી અને ઘટના ક્રોધાવેશનું પરિણામ હોવાનું જણાવવામાં આવ્યું છે. આવું શા માટે?

આ સવાલના જવાબમાં મોહમ્મદ યાસીને કહ્યું હતું, "ગામમાં અને પોલીસ સ્ટેશનમાં હું તો બહુ મોડો આવ્યો હતો...જે રીતે એ લોકો બોલતા ગયા એ બધું લખીને મારી સહી લઈ લેવામાં આવી હતી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ