BBCના રિપોર્ટ બાદ સગીરા પર બળાત્કારના આરોપીની ધરપકડ

પીડિતા

ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના બે વર્ષ જૂના એક બળાત્કારના કેસમાં પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરી છે.

આ કેસ અંગે બીબીસીએ 19 જૂનના રોજ બળાત્કાર પીડિત સગીરા પર એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જે બે વર્ષથી ન્યાયની રાહ જોઈ રહી હતી.

વાત એવી છે કે ગામના જ એક 55 વર્ષના આધેડે પીડિતા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ પીડિતા મા બની પરંતુ આરોપી વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નહોતી.


શું છે સમગ્ર કહાણી

દિલ્હીથી 680 કિલોમીટર દૂર ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના એક ગામમાં એક સગીરા પર બળાત્કાર થયા બાદ તે મા બની હતી. આ ઘટનાને લગભગ દોઢ વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો હતો છતાં ન્યાય મળ્યો નહતો.

વાત વર્ષ 2016ની છે જ્યારે આ બાળકીનું પેટ બહાર દેખાવા લાગતા પાડોશની મહિલાઓને તપાસ કરી તો માલૂમ પડ્યું હતું કે બાળકીના પેટમાં એક બળાત્કારીનું બાળક છે.

બળાત્કારનો આરોપ ગામના જ 55 વર્ષના એક વ્યક્તિ પર લાગ્યો જેના પર વિશ્વાસ મૂકીને બાળકીના પિતાએ તેને લખનઉ મોકલી હતી.


'ચાકૂની અણીએ બળાત્કાર'

પિતા અને બાળકી બંને અભણ છે. તેની માતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે. ગરીબી રેખા હેઠળ જીવતા આ પરિવારની ઓળખ માત્ર અનુસૂચિત જાતિ તરીકે છે.

મોટી દીકરીનું લગ્ન તો પિતાએ માંડમાંડ કરી દીધું પરંતુ આ બાળકીના લગ્ન અંગે પિતા ચિંતિત હતા.

આરોપીએ બાળકીના પિતાને કહ્યું હતું કે લખનઉમાં ગરીબ બાળકીઓનાં લગ્ન માટે સરકાર આર્થિક મદદ કરે છે. એટલા માટે તેને મારી સાથે મોકલી દે જેથી થોડી મદદ મળી જાય.

તમે આ વાંચ્યું કે નહીં?

પિતાએ કહ્યું હતું, "મદદ તો દૂર, તેણે મારી દીકરી સાથે લખનઉમાં ચાકૂની અણીએ બળાત્કાર કર્યો. નાનપરા (બહરાઇચનો એક પ્રદેશ)માં ફરી બળાત્કાર કર્યો. એટલું જ નહીં ઘરે પરત ફરતી વખતે પણ તેની સાથે આવું જ કર્યું."

ઘરે આવીને તો તેણે ડરને કારણે કંઈ ના કહ્યું, પરંતુ છ મહિના બાદ કહાણી બહાર આવતા પીડિતાના પિતાએ 24 જૂન 2016ના રોજ પોલીસ ફરિયાદ કરી.

કાયદામાં એવી વ્યવસ્થા છે કે જો કોઈ અનુસૂચિત જાતિના વ્યક્તિ સાથે અપરાધ કરે, તો તેને આગોતરા જામીન નથી મળી શકતા. ધરપકડ બાદ આરોપીને જામીન આપવા કે નહીં તે કૉર્ટ નક્કી કરે છે.

પરંતુ બે વર્ષ બાદ પણ આ કેસમાં ના કોઈ ધરપકડ થઈ હતી, ના તો પીડિતાને વળતર મળ્યું હતું. આ દરમિયાન સગીરાએ બાળકને પણ જન્મ આપ્યો.

આર્થિક રીતે કંગાળ પરિવારને માથે નવજાત બાળકની પણ જવાબદારી આવી. મામલો એ વાત પર ગૂંચવાયો હતો કે જો બાળકનું ડીએનએ આરોપીના ડીએનએ સાથે મળે તો કાર્યવાહી થશે.


સિસ્ટમ કેટલી કારગર?

બળાત્કાર માટે સિસ્ટમમાં કડક કાયદો, દિશા-નિર્દેશ અને ન્યાયી સંસ્થાઓ બનાવેલી છે, પરંતુ શું દર વખતે તે પીડિતાના પક્ષમાં કામ કરે છે?

આ મામલાની તપાસ માટે બળાત્કાર પીડિતા અને તેના પિતાને મળ્યા બાદ બીબીસી એ પોલીસ સ્ટેશન પહોંચ્યું જે આ ગુનાની તપાસ કરી રહ્યું હતું.

જ્યારે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા તો માલૂમ પડ્યું કે મુખ્ય અધિકારી હાજર નથી. તેમના અમલદારે જણાવ્યું હતું કે લખનઉમાં ડીએનએ તપાસ સંબંધી 5500 મામલાઓ બાકી પડેલા છે, રિપોર્ટ આવ્યા વિના કોઈની ધરપકડ ના કરી શકાય.

અમે પૂછ્યું હતું કે અનુસૂચિત જાતિ-જનજાતિ કાયદા અંતર્ગત પીડિતાને વળતર મળ્યું હતું?

અમલદારે કબૂલ્યું હતું કે એફઆઈઆર અને મેડિકલ તપાસના આધારે પીડિતાને 50 ટકા રકમ તાત્કાલિક મળવાપાત્ર છે.

ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2016માં કેન્દ્ર સરકારના નવા નિયમો અંતર્ગત અનુસૂચિત જાતિ અને જનજાતિની બળાત્કાર પીડિતાને કુલ પાંચ હજાર રૂપિયા વળતર આપવામાં આવે છે.

જો તે ગેંગરેપની પીડિતા હોય તો સવા લાખ રૂપિયાની જોગવાઈ છે. મતલબ કે આ મામલામાં પીડિતા અઢી લાખ રૂપિયાની હકદાર છે.

પરંતુ આ મામલે કોઈ વળતર આપવામાં આવ્યું નહોતું. પરંતુ બાજુના રૂમમાં વળતરનું કામ સંભાળતા અધિકારીઓને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું તપાસ અધિકારી લેખિતમાં આપે પછી વળતર મળે છે.

હવે આ કાર્યવાહી સીઓ ઑફિસ અંતર્ગત પહોંચી. અમે જ્યારે સીઓના અમલદારને આ અંગે પૂછ્યું તો તેમણે કહ્યું, "આમ તો બે વર્ષ પહેલાં જ વળતર ચૂકવી દેવું જોઈતું હતું. પરંતુ કોઈ વાત નહીં, કાલે મોકલાવી દઈએ."

આ વાત જેટલી હલકી રીતે કહેવામાં આવી એટલી નાની નહોતી. જો બે વર્ષ પહેલાં પીડિતાને વળતર ચૂકવી દેવામાં આવ્યું હોત, તો તેને ન્યાયની લડતમાં અથવા તેના બાળક માટે કામ લાગ્યું હોત.


મેડિકલ રિપોર્ટમાં સગીરાની ઉંમર 19 વર્ષ કેવી રીતે?

ફોટો લાઈન બે વર્ષ પહેલાંની પીડિતાની તસવીર

પીડિતાના પિતા મુજબ જ્યારે બળાત્કાર થયો ત્યારે બાળકીની ઉંમર 14 વર્ષ હતી. મેજિસ્ટ્રેટ સમક્ષ પણ તેની ઉંમર 14 વર્ષ નોંધાવામાં આવી હતી. પરંતુ એફઆઈઆરમાં તેની ઉંમર 20 વર્ષ લખવામાં આવી હતી.

જો પીડિતાની ઉંમર 18 વર્ષથી નાની છે તો એફઆઈઆરમાં પૉક્સો ઍક્ટ હેઠળની કલમો પણ લગાવવી જોઈતી હતી.

પરંતુ આ મામલે આવું ના થયું. અધિકારીને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે બે વર્ષ પહેલાં થયેલા મેડિકલ રિપોર્ટ બતાવ્યા.

પીડિતાની સાચી ઉંમર જાણવા માટે તેના હાથના હાડકાંનો ઍક્સ-રે મેડિકલ રિપોર્ટ સાથે જોડવામાં આવ્યો હતો. મેડિકલ રિપોર્ટમાં તેની ઉંમર 19 વર્ષ લખેલી હતી.

પરિવારનો દાવો છે હતો કે ઘટના સમયે બાળકીની ઉંમર 14 વર્ષ હતી તો રિપોર્ટમાં તેની ઉંમર 19 વર્ષ કેવી રીતે થાય?

પરંતુ અમલદારે કહ્યું કે ઍક્સ-રે તો જૂઠું ના બોલે.

ફોટો લાઈન પીડિતાના પિતા મજૂરી કરીને દીકરીના બાળકને ઉછેરે છે

જ્યારે રિપોર્ટને ધ્યાનથી જોવામાં આવ્યો, તો અમને પોલીસ તપાસ અંગે શંકા ઉપજી.

વાત એવી છે કે પીડિતાની ઉંમર નક્કી કરવા માટે જ્યારે મેડિકલ કાર્ડ બનાવવામાં આવ્યું હતું ત્યારે ઍક્સ-રે પર કાળી શાહીથી નંબર લખેલો હતો 1278. પરંતુ એફઆઈઆરમાં રિપોર્ટ સાથે જોડેલા ઍક્સ-રે પર નંબર હતો 1378.

પરંતુ પહેલાં દિવસના મેડિકલ કાર્ડમાં 1278ના 2ની જગ્યાએ બ્લૂ શાહીથી 3 લખી દેવામાં આવ્યું હતું. ફાઇનલ રિપોર્ટ પણ અડધો કાળી અને બ્લૂ શાહીથી લખવામાં આવ્યો હતો.

આ છેડછાડ અંગે અમે પોલીસ અધિકારીને પૂછ્યું તો તેમણે કોઈ ઉત્તર ના આપ્યો.

એફઆઈઆર 24 જૂન 2016ના રોજ થઈ અને મેજિસ્ટ્રેટ સામે પીડિતાનું નિવેદન 25 દિવસ બાદ કરવામાં આવ્યું.

જોકે, સુપ્રીમ કૉર્ટના 2014ના આદેશ મુજબ પીડિતાનું નિવેદન 24 કલાકની અંદર થઈ જવું જોઈએ. આ બાબતે ઢીલ કરવા અંગે પોલીસે મેજિસ્ટ્રેટને લેખિતમાં કારણ જણાવવાનું હોય છે.

પીડિતાને પિતાને પોલીસ તપાસ પર ભરોસો નથી કારણ કે તેમનો આરોપ હતો કે આરોપીએ પૈસાના જોરે પોલીસ તપાસને પ્રભાવિત કરી છે.


કોઈ આયોગ દ્વારા ના મળી મદદ

આશ્ચર્યની વાત તો એ છે કે પીડિતાના વકીલે પણ આ ગરબડ ના પકડી અને વળતર માટે પણ કોઈ અરજી ના કરી.

પોલીસ અને કાયદાથી પીડિતાના પિતાને નિરાશા મળી તો તેમણે ગામના પ્રધાનની મદદથી દેશના 11 સર્વોચ્ચ પદ પર બેઠેલા લોકો અને સંસ્થાઓ પાસે મદદ માગી. પરંતુ બે વર્ષમાં કોઈ ના આવ્યું.

વડા પ્રધાન, મુખ્યમંત્રી, જિલ્લા અધિકારી, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ, રાજ્ય અનુસૂચિત જાતિ-જનજાતિ આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ-જનજાતિ આયોગ, પરિવહન મંત્રી, ધારાસભ્ય, રાષ્ટ્રીય મહિલા આયોગ, રાજ્ય મહિલા આયોગ, ડીઆઈજી આ બધાને અરજીઓ કરવામાં આવી હતી.

3 જૂન 2018ના રોજ મામલાની જાણકારી જિલ્લા અધિકારી માલા શ્રીવાસ્તવને ફોન અને ઈ-મેઇલ દ્વારા આપવામાં આવી હતી. 11 જૂનના રોજ ફરીથી તેમને આ અંગે પૂછવામાં આવ્યું તો જવાબ મળ્યો કે કાર્યવાહી થઈ રહી છે.

વળતર અંગે તેમણે જણાવ્યું હતું કે સંબંધિત વિભાગને જાણકારી આપી દેવામાં આવી છે.

ત્યારબાદ ઉત્તર પ્રદેશના રાજ્ય અનુસૂચિત જાતિ-જનજાતિ આયોગના અધ્યક્ષ બૃજલાલ પાસે ફોન કરી આ અંગે જાણકારી માગવામાં આવી તો તેમણે કહ્યું હતું કે પીડિત પરિવારને લખનઉ આવવું પડશે અહીં કોઈ પ્રતિનિધિ હાજર નથી કે તેમની પાસે જાય.


યુવકે હોસ્પિટલનો ખર્ચ ઉઠાવ્યો

પીડિતાના પરિવારને આર્થિક સહાય અંગે કોઈ જાણકારી પણ નહોતી અને કોઈ અધિકારીઓ તેમને આ અંગે જણાવ્યું પણ નહોતું.

ના કોઈ આરોપીની ધરપકડ થઈ, ના કોઈ ડીએનએ રિપોર્ટ આવ્યો, ના કોઈ વળતર મળ્યું, ના સારવાર થઈ. એટલે સુધી કે કાયદાની મદદ પણ ના મળી.

સંબંધીના જે યુવકે હોસ્પિટલનો ખર્ચ ઉઠાવ્યો તેની સાથે જ યુવતી તેની પત્ની બનીને પખારપુરમાં રહે છે. તેના બાળકનું ભરણપોષણ પીડિતાના પિતા કરી રહ્યા છે.

પરિવારનું કહેવું હતું કે જ્યારે મામલો સામે આવ્યો હતો ત્યારે આરોપીએ 15 હજાર રૂપિયા આપી ગર્ભપાત કરાવવાની વાત કરી હતી.

બે વર્ષ સુધી આ કેસમાં ના કોઈ ચાર્જશીટ દાખલ થઈ હતી કે ના કેસ આગળ વધ્યો હતો.


જો પીડિતા અનુસૂચિત જાતિ-જનજાતિથી હોય તો

Image copyright Getty Images
 • અપરાધી અનુસૂચિત જાતિ-જનજાતિની વ્યક્તિ ન હોય તો અનુસૂચિત જાતિ-જનજાતિ (અત્યાચાર પ્રતિબંધક) અધિનિયમ, 1989 લાગુ કરવામાં આવે
 • મેડિકલ રિપોર્ટ અને એફઆઈઆર થવા પર વળતરની 50 ટકા રકમ પીડિતાને તાત્કાલિક મળવાપાત્ર છે.
 • પીડિતા, સાક્ષી અને આશ્રિત લોકોની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે (સેક્શન 15A(1))
 • પીડિતાને અધિકાર છે કે તેઓ દસ્તાવેજને રજૂ કરવા માટે, સાક્ષીઓને રજૂ કરવા માટે સ્પેશ્યલ કૉર્ટ અથવા ઍક્સક્લૂઝિવ સ્પેશિયલ કૉર્ટમાં અરજી દાખલ કરી શકે. (સેક્શન 15A(4))
 • સ્પેશ્યલ કૉર્ટ અથવા ઍક્સક્લૂઝિવ સ્પેશિયલ કૉર્ટની જવાબદારી છે કે તેઓ પીડિતા અને સાક્ષીઓને સુરક્ષા પ્રદાન કરે, તપાસ, પૂછપરછ અથવા ટ્રાયલ દરમિયાન તેમની અવરજવરનો ખર્ચ આપે, તેમના સામાજિક પુનર્વસનની વ્યવસ્થા કરે. (સેક્શન 15A (6))
 • જો પીડિતા અથવા સાક્ષીઓને ધમકાવવામાં આવે છે તો તપાસ અધિકારી અને પોલીસ સ્ટેશનના એસએચઓને રિપોર્ટ લખવો પડશે (સેક્શન 15A(9))
 • એફઆઈઆરની કૉપી મફ્તમાં પીડિત પક્ષને આપવી પડશે.
 • રાજ્ય સરકારની જવાબદારી છે કે પીડિતાના તાત્કાલિક આર્થિક મદદ કરવામાં આવે. (સેક્શન 11(b))
 • એફઆઈઆર અથવા ફરિયાદના સમયે જ પીડિતાને આ કાયદા અંતર્ગત તેમના અધિકારોની જાણકારી મળી જવી જોઈએ. (સેક્શન 11(h))
 • વળતર અંગે જાણકારી આપવી પણ સરકારની જવાબદારી છે (સેક્શન 11(K))
 • કેસ અને ટ્રાયલની તૈયારી અંગ જાણકારી આપવી અને ન્યાય માટે કાયદાની મદદ પહોંચાડવી એ પણ આ કાયદા અંતર્ગત રાજ્ય સરકારની જવાબદારી છે (સેક્શન 11(m))
 • પીડિતાને અધિકાર છે કે તે એનજીઓ, વકીલો અને સામાજિક કાર્યકર્તાની મદદથી લઈ શકે છે. (સેક્શન 12)
 • એક્સક્લૂઝિવ સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયા બાદ 2 મહિનાની અંદર કેસની પતાવટ કરવામાં આવે. (સેક્શન 14)

જો પીડિતા 18 વર્ષથી નાની હોય

Image copyright Getty Images
 • 18 વર્ષથી નાની ઉંમરના બાળક સાથે જાતીય હિંસા થાય તો આરોપી વિરુદ્ધ પૉક્સો ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. (પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ ફ્રોમ સેક્સ્યૂઅલ ઓફેન્સિસ ઍક્ટ, 2012)
 • પોલીસને લાગે કે બાળકને સુરક્ષા અને સંભાળની જરૂર છે તો રિપોર્ટ લખ્યાને 24 કલાકની અંદર તેની વ્યવસ્થા કરે છે. (સેક્શન 19 (1)(5))
 • પોલીસને ફરિયાદ મળતાની 24 કલાકની અંદર બાળ કલ્યાણ સમિતિ અને સ્પેશિયલ કોર્ટને સૂચના આપવાની હોય છે. જો સ્પેશિયલ કોર્ટ ના હોય તો સેશન્સ કોર્ટને જાણકાર આપવાની હોય છે. (19(1)(6))
 • જે પોલીસ અધિકારી આ મામલે તપાસ કરી રહ્યા હોય તેની જવાબદારી બને છે કે જ્યારે તેઓ બાળકની પૂછપરછ કરે તો આરોપી કોઈપણ રીતે બાળકના સંપર્કમાં ના હોય. (સેક્શન 24(3))
 • આ કાયદા અંતર્ગત રાજ્ય સરકાર દરેક જિલ્લામાં સ્પેશ્યલ કોર્ટ બનાવવામાં આવે જેથી બને તેટલી જલદીથી ટ્રાયલ પૂરી થઈ શકે (સેક્શન 28(1))
 • આ કાયદા અંતર્ગત લેખિત ગુનાઓ માટે જો કોઈ વ્યક્તિ સામે ટ્રાયલ ચાલશે તો જ્યાંસુધી વાસ્તવિકતા સાબિત ના થાય ત્યાંસુધી કોર્ટ એવું માનશે કે આરોપીએ આ ગુનો કર્યો છે
 • પોલીસ રિપોર્ટ અથવા કોઈ ફરિયાદને આધારે સ્પેશિયલ કોર્ટ મામલા અંગે જાતે પણ કાર્યવાહી કરી શકે છે. (સેક્શન 33(1))
 • સ્પેશિયલ કોર્ટની કાર્યવાહી બાદ 30 દિવસની અંદર બાળકનું નિવેદન લેવું જરૂરી છે. આ બાબતે મોડું થવા અંગેનું કારણ લેખિતમાં આપવું જરૂરી છે. (સેક્શન 35(1))
 • સ્પેશિયલ કોર્ટ દ્વારા વ્યક્તિગત કાર્યવાહી બાદ એક વર્ષની અંદર ટ્રાયલ પૂરી થઈ જવી જોઈએ. (સેક્શન 3(2))
 • જો બાળકનાવાલીઓ કાયદાકીય મદદ લેવામાં અસમર્થ હોય તો લીગલ સર્વિસ ઑથોરિટી તેમને વકીલની વ્યવસ્થા કરી આપશે. (સેક્શન (40))
 • રાજ્ય સરકાર પીડિત બાળકને ટ્રાયલથી પહેલાં અને ટ્રાયલ દરમિયાન એનજીઓ અને નિષ્ણાંતોની મદદ અપાવશે. (સેક્શન 39)
 • જો કોઈ બાળકી બળાત્કારને કારણે ગર્ભવતી થાય તો ગુનેગારને ઓછામાં ઓછી 10 વર્ષની સજા અથવા ઉંમરકેદ થઈ શકે છે.

બળાત્કાર પીડિતા માટે કાયદો

Image copyright Getty Images
 • સુપ્રીમ કોર્ટના આદેશ (વર્ષ 2014) મુજબ પોલીસને રિપોર્ટ કર્યા બાદ 24 કલાકની અંદર પીડિતાને મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન માટે હાજર કરવાના રહેશે. કોઈપણ વિલંબનું કારણ લેખિતમાં આપવાનું રહેશે.
 • ક્રિમીનલ લૉ(એમેન્ડમેન્ટ) ઍક્ટ, 2013 સેક્શન 357 C અંતર્ગત દરેક સરકારી અથવા ખાનગી હોસ્પિટલ બળાત્કાર પીડિતાની મફ્તમાં સારવાર કરશે.
 • લીગલ સર્વિસ ઑથોરિટી ઍક્ટ, 1987 અંતર્ગત કોઈપણ મહિલા, બાળક, અનુસૂચિત જાતિ અને જનજાતિની વ્યક્તિને રાજ્યની લીગલ સર્વિસ ઑથોરિટી વકીલની વ્યવસ્થા કરી આપશે.
 • પીડિતા આર્થિક મદદ અથવા વળતર માટે લીગલ સર્વિસ ઑથોરિટીને અરજી આપી શકે છે.
 • મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની યોજનાઓ અંતર્ગત પીડિત મહિલાને કાયદાકીય મદદ, ચિકિત્સા અને કાઉન્સેલિંગ મફતમાં આપવામાં આવશે.
 • બળાત્કાર પીડિતા કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી શકે છે. ભલે ઘટનાસ્થળ એ વિસ્તારમાં આવતું હોય કે ના આવતું હોય. આ એફઆઈઆરને ઝીરો એફઆઈઆર કહેવામાં આવે છે.
 • જો કોઈ પોલીસ અધિકારી એફઆઈઆર દાખલ ના કરે તો ક્રિમિનલ લૉ (એમેન્ડમેન્ટ) ઍક્ટ, 2013 સેક્શન 166A અંતર્ગત તેમને 6 મહિનાથી 2 વર્ષ સુધીની સજા અને દંડ થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ