ધોળાવીરા : પાંચ હજાર વર્ષ જૂનું ગુજરાતનું 'સ્માર્ટ સિટી'

પ્રતિકાત્મક તસવીર

ભુજથી લગભગ 200 કિલોમીટર ઉત્તરમાં ખડીરબેટ આવેલો છે. આ જ બેટ પર ધોળાવીરા ગામ વસ્યું છે.

કચ્છના કોઈ પણ સામાન્ય ગામ જેવું જ ભાસતું આ ગામ એક અસામાન્ય ઇતિહાસ ધરબીને બેઠું છે.

ગામથી એકાદ કિલોમીટર દૂર ઉત્તર તરફ જઈએ તો 'કોટડા ટિંબા' વિસ્તાર આવે છે. બસ, આ જ વિસ્તાર ગામને અસામાન્ય બનાવે છે.

અહીં જ પાંચ હજાર વર્ષ પહેલાં એ સમયની આધુનિક સંસ્કૃતિનું નગર ધોળાવીરા ધમધમતું હતું.


ધોળાવીરા- આંતરરાષ્ટ્રીય બંદર

'આઈઆઈટી ગાંધીનગર' અને 'આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા' દ્વારા હાલમાં જ કરાયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે આ 'પુરાતત્ત્વીય શહેર'માં પાંચ હજાર વર્ષ પહેલાં પાણીનું અદભૂત વ્યવસ્થાપન કરાયું હતું.

છેલ્લા કેટલાક સમયમથી અહીં 'ગ્રાઉન્ડ પૅનિટ્રેટિંગ રડાર(જીપીઆર)' દ્વારા જમીન સ્કૅન કરવામાં આવી રહી છે.

આ જ સ્કૅનિંગ થકી જાણવાં મળ્યું કે એ સમયે પણ શહેરમાં ડેમ, નહેર, જળાશયો, વાવ, કૂવા જેવી જડબેસલાક અને અફલાતૂન વ્યવસ્થા ઊભી કરાઈ હતી.

સિંધુ ખીણની સંસ્કૃતિ 'મૉર્ડન ટાઉન પ્લાનિંગ' માટે જાણીતી હતી.

આ સંસ્કૃતિનાં શહેરો એમના મકાનો, સ્થાપત્યો, જાહેર સ્થળો, ગટરવ્યવસ્થા માટે આજે પણ આદર્શ માનવામાં આવે છે.

વજન નિયમન, માપ, સિરૅમિક, કળા અને કૌશલ્યોમાં સિંધુ ખીણની સંસ્કૃતિએ ભારે મહારત હાંસલ કરી લીધી હતી.

રણમાં વસેલું હોવા છતાં ધોળાવીરા સિંધુ સંસ્કૃતિનું મહાનગર હતું અને અત્યંત સમૃદ્ધ હતું.

રણને કારણે ઊભી થયેલી પાણીની અછતને પહોંચી વળવા એ સમયે સિંધુ ખીણની સંસ્કૃતિનું ઇજનેરી કસબ કામે લગાડવામાં આવ્યું હતું.

'ડૅક્કન કૉલેજ ઑફ આર્કિયોલોજી'ના વાઇસ ચાન્સેલર પ્રોફેસર વસંત શિંદે આ અંગે વાત કરતાં બીબીસીને જણાવે છે, ''સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોએ કચ્છના રણમાં એ સમયનું આધુનિક શહેર વસાવ્યું હતું.''

તેઓ ઉમેરે છે, ''એ લોકો માટે ધોળાવીરાનું વેપારી મહત્ત્વ હતું કારણ કે ધોળાવીરા એક 'આંતરરાષ્ટ્રીય બંદર'ની ગરજ સારતું હતું''


જળ વ્યવસ્થાપન અને ઇજનેરી કસબ

Image copyright Getty Images

પ્રોફેસરના મતે ધોળાવીરા વસાવતા પહેલાં ત્યાં સર્વે કરાયો હતો. ધોળાવીરાનું ભૌગોલિક સ્થાન એને વેપારી બંદર તરીકે વિકસાવી શકે એમ હતું.

જોકે, મુશ્કેલી એ હતી એ સ્થળની ચારેય તરફ રણ આવેલું હતું. જોકે, સિંધુ ખીણના લોકોએ આ મુશ્કેલીઓનો પણ ઉકેલ શોધી લીધો હતો.

આ અંગે વાત કરતા પ્રોફેસર શિંદે જણાવે છે, ''ધોળાવીરાની બન્ને તરફ મનસર અને મનહર નામની મોસમી નદીઓ આવેલી છે.''

''ચોમાસા દરમિયાન જ આ નદીઓમાં પાણી રહે છે. એટલે એ લોકોએ આ જ પાણીને શહેરમાં વાળવાનો ઉપાય કર્યો.''

''તેમણે બન્ને નદીઓ પર અલગઅલગ સ્થળોએ ચેકડેમ બનાવ્યા અને ચોમાસામાં જ્યારેજ્યારે તેમાં પાણી કે પૂર આવ્યું એ તમામ પાણી એમણે શહેરમાં વાળી લીધું.''

''આ પાણીના સંગ્રહ માટે શહેરમાં ભૂગર્ભ ટાંકીઓ બનાવાઈ અને અન્ડરગ્રાઉન્ડ વૉટર ટનલ' થકી તેમણે આ ત્રણેય ટાંકીઓને જોડી દીધી. અને એ રીતે તેમણે પાણીની સમસ્યાને દૂર કરી લીધી.''

પ્રોફેસર ઉમેરે છે કે આવી રીતે સિંધુ ખીણના લોકો રણમાં પણ સમૃદ્ધી તાણી લાવ્યા.

તેમના મતે જો આ 'હડપ્પન ટૅક્નિક'નો ઉપયોગ કરવામાં આવે તો કચ્છના રણને હરિયાળું બનાવી શકાય એમ છે.


પ્રાચીન વિશ્વની ત્રણ મહાન સંસ્કૃતિ

Image copyright Getty Images
ફોટો લાઈન મિસરની સંસ્કૃતિ દરમિયાન બનાવાયેલા ચિત્રો

આજથી લગભગ પાંચેક હજાર વર્ષ પહેલાં વિશ્વમાં ત્રણ મુખ્ય સંસ્કૃતિઓ અસ્તિત્વ ધરાવતી હતી.

નાઇલ નદીના કિનારે પ્રાચીન મિસરની સંસ્કૃતિએ આલિશાન નગરો અને ભવનો બનાવ્યા હતા.

પશ્ચિમ અને મધ્ય-પૂર્વ એશિયામાં ટાઇગ્રીસ-યુફ્રેટીસ નદીના કિનારે મેસેપોટેમિયાની સંસ્કૃતિ વિકસી હતી.

એ જ વખતે સિંધુ નદીના કિનારે પણ એક સંસ્કૃતિ વિકસી. જેને એ સમયની સૌથી આધુનિક અને શહેરી સંસ્કૃતિ ગણવામાં આવી.


ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિનાં શહેરો

Image copyright Getty Images

હાલના ભારતના પશ્ચિમમાં અને પાકિસ્તાનના પૂર્વમાં સિંધુ નદીના કિનારે વિકસેલી હોવાને કારણે તેને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવી.

પાકિસ્તાનમાં આવેલું હડપ્પા આ સંસ્કૃતિનું મહત્ત્વનું કેન્દ્ર હોવાને કારણે તે 'હડપ્પન સંસ્કૃતિ' તરીકે પણ જાણીતી છે.

સિંધુ ખીણની આ સંસ્કૃતિના મૂળ ઉત્તરમાં છેક અફઘાનિસ્તાન સુધી અને દક્ષિણમાં છેક ગુજરાત સુધી વિસ્તર્યાં હતાં.

હડપ્પા, ગનેરીવાલા, મોહેંજો-દડો, ધોળાવીરા, કાળીબંગળ, રાખીગઢી, રુપર અને લોથલ એ આ સંસ્કૃતિનાં મહત્ત્વનાં શહેરો હતાં.

કચ્છમાં આવેલું ધોળાવીરા અને અમદાવાદ નજીક આવેલું લોથલ ગુજરાતમાં આવેલી સિંધુ ખીણની સંસ્કૃતિની પુરાતત્ત્વીય સાઇટ્સ છે.

પ્રોફેસર શિંદે આ સંસ્કૃતિને ભારતીય સંસ્કૃતિનો પાયો ગણે છે. તેમના મતે ભારતનું આજનું જીવન એ જ સંસ્કૃતિના પાયા પર રચાયેલું છે.


સિંધુ સંસ્કૃતિનો સમયગાળો

Image copyright Getty Images

'આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઇન્ડિયા' સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો ઈ.સ.પૂર્વે 1500થી ઈ.સ.પૂર્વે 3 હજાર વર્ષ સુધીનો ગણે છે.

જોકે, કેટલાક સંશોધકો સિંધુ ખીણની સંસ્કૃતિને આથી પણ વધુ પ્રાચીન ગણાવે છે.

'ઇન્ડસ વૅલી સિવિલાઇઝેશન' નામના પુસ્તકના લેખક ડૉ. સમર કંદુના મતે 6 હજાર વર્ષ પહેલાં આ સંસ્કૃતિની શરૂઆત થઈ હતી.

પ્રોફેસર શિંદે પણ આ સમયગાળો પાંચ હજાર વર્ષ કરતાં વધુ હોવાનું માને છે.

બીબીસી સાથેની વાતચીતમાં પ્રોફેસર જણાવે છે, ''રાખીગઢી અને અન્ય સાઇટ્સ પર હાલમાં જ થયેલા ઉત્ખનન દરમિયાન એવા સંકેતો મળ્યા હતાં કે સિંધુ ખીણની સંસ્કૃતિ ઓછામાં ઓછી સાડા પાંચ હજાર વર્ષ પ્રાચીન છે.''


પતનની વાત

અત્યંત આધુનિક અને રસપ્રદ સિંધુ ખીણની સંસ્કૃતિનું પતન કઈ રીતે થયું એ અંગે પણ મતમતાંતર પ્રવર્તે છે.

એક મત એવો છે કે આર્યોના ભારતમાં આગમને સિંધુ ખીણની સંસ્કૃતિનો નાશ કર્યો.

બ્રિટિશ આર્મી ઑફિસર અને આર્કિયોલોજિસ્ટ સર રૉબર્ટ ઍરિક માર્ટિમર વ્હિલરનો દાવો હતો કે મધ્ય એશિયામાંથી ઉતરી આવેલા આર્યોના ધાડાંએ આ સંસ્કૃતિનો નાશ કર્યો હતો.

જોકે, પ્રોફેસર શિંદે આ દાવાને ફગાવી દેતા જણાવે છે, ''ક્લાઇમેટ ચેન્જ(જળવાયું પરિવર્તન)ને કારણે આ સંસ્કૃતિનું પતન થયું હતું.''

તેઓ ઉમેરે છે, ''એ વખતે માત્ર દક્ષિણ એશિયામાં જ નહીં, પણ વિશ્વ આખામાં જળવાયું પરિવર્તન અનુભવાયું હતું. મિસર અને મેસેપોટેમિયાની સંસ્કૃતિના વળતા પાણી પણ આ જ કારણે થયા હતા.''

સિંધુ ખીણની સંસ્કૃતિના બૅકગ્રાઉન્ડ પર બનેલી 'મોહેંજો-દડો' ફિલ્મમાં આ સંસ્કૃતિના વિનાશનું કારણ જળને ગણાવાયું છે.

'નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઓશનોગ્રાફી' આ સંસ્કૃતિનું પતન પાણીને કારણે થયું હોવાના સંકેત આપે છે.

ઇન્સ્ટિટ્યુટના સંશોધનમાં એવા સંકેતો મળ્યા છે કે કચ્છના દરીયા કાંઠે આવેલી ભનાયક ત્સુનામીએ ધોળાવીરાનો ભોગ લઈ લીધો હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ