બ્લૉગ : આ ટ્રોલ્સ ભસ્માસુર છે, તેને પાળવાનું બંધ કરો

  • રાજેશ જોશી
  • રેડિયો એડિટર, બીબીસી હિન્દી
વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images

ટ્રોલ્સના કાંટા જેવા જખ્મોને ફક્ત એ લોકો પંપાળે છે, જે લોકોને સોશિયલ મીડિયાની ભાષામાં લિબટાર્ડ, સેક્યુલર, ખાનગ્રેસી જેવાં વિશેષણોથી ઓળખવામાં આવે છે. હવે વિદેશી મંત્રી સુષમા સ્વરાજ પણ ટ્રોલ્સના શિકારોની યાદીમાં સામેલ છે.

સુષમા સ્વરાજને ન તો સ્યૂડો-સેક્યુલર કહી શકો, ન લિબટાર્ડ કહી શકો કે ન ખાનગ્રેસી.

ભલે તેમનું રાજકીય ઘડતર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં ન થયું હોય પણ તેઓ ભારતીય જનતા પાર્ટીના મહત્ત્વપૂર્ણ નેતાઓ પૈકી એક છે.

રાજનીતિમાં તેમના કરિયરની શરૂઆતથી જ તેઓ કૉંગ્રેસ વિરોધી રહ્યાં છે. સોનિયા ગાંધી સાથેની તેમની પ્રતિદ્વંદ્વિતાના કિસ્સા પ્રચલિત છે.

2004માં એનડીએના ચૂંટણી હાર્યા બાદ તેમને જાહેરાત કરી હતી કે જો સોનિયા ગાંધી વડાં પ્રધાન બન્યા તો તેઓ પોતાનું માથું મૂંડાવી લેશે. જો કે એવું કરવાનો વારો ન આવ્યો.

હાલમાં સુષમા સ્વરાજ સમાચારોમાં છે કેમ કે, સોશિયલ મીડિયામાં શિકાર તરીકે શોધી રહેલા ટ્રોલ્સ તેમને અડફેટે લઈ રહ્યા છે.

શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Reuters

લખનઉમાં એક દંપતીએ પાસપોર્ટ ઓફિસમાં પોતાની સાથે થયેલા દૂરવ્યવહારની જાણકારી ટ્વિટરથી સુષ્મા સ્વરાજને આપી, ત્યાર બાદ દંપતીને પાસપોર્ટ આપી દેવાયો હતો.

ફરિયાદ કરનાર મહિલા હિંદુ હતી અને તેમણે એક મુસલમાન સાથે લગ્ન કર્યાં હતાં.

દંપત્તીએ દાવો કર્યો હતો કે પાસપોર્ટ ઓફિસમાં તેમના આ સંબંધ અંગે સવાલ ઉઠાવાયો હતો.

જે બાદ તેમણે સુષમા સ્વરાજની મદદ માગી હતી. તેમની માંગણી માની લેવાઈ હતી.

જોકે, ટ્રોલ કરાયા બાદ સુષમા સ્વરાજે કહ્યું કે તેઓ વિદેશમાં હતાં અને તેમની ગેરહાજરીમાં શું નિર્ણય લેવાયો એ વિશે તેમને જાણકારી નથી.

જોકે, આ મહિલા હિંદુ છે એમ છતાં મુસ્લિમ સાથે લગ્ન કરે એ સંઘ પરિવારની પરિભાષા પ્રમાણે મોટો અપરાધ છે.

તેમને સંઘની ભાષામાં લવ જેહાદ કહેવાય છે.

ઇમેજ સ્રોત, BBC/SAMIRATMAJ MISHRA

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ કહે છે કે લવ જેહાદ કરીને મુસ્લિમ છોકરાઓ હિંદુ છોકરીઓને ભરમાવીને લગ્ન કરે છે.

સંઘના આ તર્કથી સંમત લોકોના દૃષ્ટિકોણથી જોઈએ તો લવ જેહામાં સામેલ હિંદુ મહિલાએ પહેલાં તો સુષમા સ્વરાજને ફરિયાદ કરવાની વેબકૂફી કરી અને પછી બીજી હિમાયત સુષમા સ્વરાજે પાસપોર્ટ આપીને કરી હતી.

પાંથીમાં સિંદૂર પૂરનાર સુષમા સ્વરાજ ગઈકાલ સુધી પવિત્ર હિંદુ નારીનું પ્રતીક ગણાતાં હતાં અને હવે અચાનક મુસ્લિમ તરફી થઈ ગયાં.

રાજકીય પક્ષોએ જ ઉછેર્યા

ઇમેજ સ્રોત, @meaindia

સંઘ પરિવારના આ પ્રચારની અસર આપણી આસપાસના લોકો, રસ્તાઓ, ગલીઓ અને મહોલ્લાઓમાં તો દેખાઈ જ છે પણ સોશિયલ મીડિયા પર તેનું નગ્ન સ્વરૂપ દેખાય છે.

કારણકે ત્યાં કોઈના પર પણ ટ્રોલ્સ થૂંકી શકાય છે અને પકડાઈ જવાનો ભય પણ રહેતો નથી.

એટલે જ કૅપ્ટન સરબજીત ઢીલ્લોં નામના ટ્વિટર હૅન્ડલથી સુષમા સ્વરાજ માટે લખાયું, "આ મોટાભાગે મરી ગયેલી મહિલા છે, જે ઉધાર માંગેલી કિડની પર જીવી રહ્યાં છે અને એ કિડની પણ ગમે ત્યારે કામ કરવાનું બંધ કરી શકે છે."

ઇન્દ્રા વાજપેયીના ટ્વિટર હૅન્ડલથી અન્ય એક ટ્વીટ, "શર્મ કરો મૅડમ, શું આ તમારી મુસ્લિમ કિડનીની અસર છે."

ઇમેજ સ્રોત, Getty Images

તમે જાણો જ છો કે થોડા સમય પહેલાં જ સુષમા સ્વરાજની કિડની બદલવામાં આવી હતી.

સંઘ પરિવારના લવ જેહાદના પ્રચારના પ્રભાવમાં ટ્રોલ્સે તેમની બીમારીને પણ હિંદુ અને મુસ્લિમ સાથે જોડવામાં કોઈ સંકોચ રાખ્યો નથી.

જોકે, પોતાના વિરોધીઓ પર હુમલો કરાવવા માટે ટ્રોલ્સને ઉછેરવાનું કામ તમામ રાજકીય પાર્ટીઓ કરે છે.

કેટલાક ટ્રોલ ઓછા તેજાબી હોય છે તો કેટલાંક વધારે તેજાબી હોય છે.

આ ઘટનાક્રમમાં યાદ કરો નિખિલ દાધીચનું નામ, ગયા વર્ષે બેંગ્લૌરમાં પત્રકાર ગૌરી લંકેશની હત્યા બાદ નિખિલ દાધીચ નામના આ ગુજરાતી વેપારીએ ટ્વીટ કર્યું હતું કે, "એક કૂતરી, કૂતરાંની મોતે શું મરી બધાં જ ગલૂડિયાં બૂમો પાડવાં લાગ્યાં છે."

તેમના ટ્વિટર હૅન્ડલમાં નિખિલ એ વખતે ગર્વથી એલાન કરતા હતા કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને ફૉલો કરે છે.

'વડા પ્રધાનનું મૌન ડરાવે છે'

ઇમેજ સ્રોત, Getty Images

સોશિયલ મીડિયા પર ઝેર ફેલાવાનાર નિખિલ દાધીચ જેવા હિન્દુત્ત્વવાદી ટ્રોલર્સ પોતાના પ્રોફાઇલ પર શાનથી લખે છે - ઑનર્ડ ટુ બી ફૉલોડ બાઇ ઑનરેબલ પ્રાઇમ મિનિસ્ટર.

જેમાં ધમકી, ગાળો અને બ્લૅકમેલની ભાષા વાપરતા લોકો પણ છે, જે માને છે કે તેમના પર વડા પ્રધાન મોદીનો હાથ છે કારણકે વડા પ્રધાન તેમણે ફૉલો કરે છે.

હજુ સુધી એવા કોઈ સંકેત મળ્યા નથી કે આ પ્રકારના ટ્રોલ્સને ફૉલો કરવાનું બંધ કરી દીધું હોય.

આલોચનાની એમ પણ નરેન્દ્ર મોદી પર બહું અસર થતી નથી, તેમના માટે પોતાને વિક્ટિમ કે ષડયંત્રના શિકાર ગણાવવું સરળ થઈ જાય છે.

જ્યારે નિખિલ દાધીચે વડા પ્રધાન મોદીની આડ લઈને ગૌરી લંકેશને કૂતરી અને તેમની હત્યાનો વિરોધ કરી રહેલા લોકોને ગલૂડિયાં ગણાવે છે.

ત્યારે ભારતીય જનતા પાર્ટીના આઇટી સેલના અમિત માલવીયએ સત્તાવાર નિવેદનમાં કહ્યુ હતુ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય લોકોને ફૉલો કરે છે. તેઓ વાણી સ્વાતંત્ર્ય પર વિશ્વાસ રાખે છે.

તેમણે કહ્યું, "કોઈ વ્યક્તિને વડા પ્રધાનના ફૉલો કરવા માત્રથી ચરિત્રનું પ્રમાણપત્ર મળી જતું નથી."

આ વિવાદ બાદ કન્નડ સિનેમાના એક્ટર પ્રકાશ રાજે સવાલ ઉઠાવ્યો હતો કે, "જે લોકોને વડા પ્રધાન ટ્વિટર પર ફૉલો કરે છે. જેમાંથી કેટલાક ભયકર ક્રૂર છે, આમ છતાં વડા પ્રધાન આંખો બંધ કરી રાખે છે...વડાપ્રધાનનું મૌન ડરાવનારું છે."

આશા કરવી જોઈએ કે વડાપ્રધાન મોદી અને વિદેશી મંત્રી સુષમા સ્વરાજ વચ્ચે સીધી વાતચીત થતી જ હશે.

આ વખતે તેમણે સોશિયલ મીડિયા પર તેમના ટ્રોલ્સની ટિપ્પણીઓને રી-ટ્વીટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

પણ શું તેઓ આ વિશે ક્યારેય વડાપ્રધાન મોદી સાથે સીધી વાતચીત કરવાની હિંમત કરશે કે - મોદીજી, આ ટ્રોલ્સ ભસ્માસુર છે. તેને પાળવાનું બંધ કરો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો