એ મરાઠા સરદાર, જેણે ભારતમાં સૌપ્રથમ અનામત લાગુ કરી

શાહુજી મહારાજની તસવીર Image copyright COURTESY: FACEBOOK / INDRAJIT SAWANT
ફોટો લાઈન શાહુજી મહારાજ

લગભગ પાંચેક હજાર વર્ષોથી ભારતમાં જ્ઞાતિ વ્યવસ્થા પ્રવર્તે છે. જેને લઈને સમાજને વિવિધ જ્ઞાતિઓમાં વહેંચવામાં આવ્યો છે.

હાલમાં ભારતમાં જે જ્ઞાતિ આધારિત અનામત પ્રથા છે તેનો પાયો મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નખાયો હતો.

કોલ્હાપુર રાજ્યના રાજા શાહુજી મહારાજે આ અનામત પ્રથા શરૂ કરી હતી.

આ મામલે કોલ્હાપુરના ઇતિહાસકાર ઇન્દ્રજીત સાવંત કહે છે, "વર્ષ 1902માં શાહુ મહારાજે તેમના રાજ્યમાં સામાજિક રીતે પછાત વર્ગને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 50 ટકા અનામત આપી હતી."

"આ એક ક્રાંતિકારી નિર્ણય હતો. શાહુજીએ આ માટે એક મેમૉરેન્ડમ રજૂ કર્યું હતું જેને કડક રીતે અનુસરવામાં આવતું હતું."


કઈ રીતે અનામતની શરૂઆત થઈ?

Image copyright BBC / SWATI PATIL RAJGOLKAR

ઇન્દ્રજીત સાવંતના કહેવા પ્રમાણે ઇતિહાસમાં ડોકિયું કરીને જોવામાં આવે તો નીચી જ્ઞાતિ સાથે આભડછેટ એ સમાજનો એક ભાગ હતો.

ત્યારે એવા પણ લોકો હતા જેમણે અસમાનતા સામે કડક પગલાં લીધાં અને આ દૂષણને દૂર કરવાના પ્રયત્નો કર્યા.

19મી સદીની વાત છે જ્યારે કોલ્હાપુર રાજ્ય પર રાજા રાજર્શી શાહુજી મહારાજનું શાસન ચાલતું હતું.

આ એ સમય હતો જ્યારે લોકો ગંભીર રીતે જ્ઞાતિ વ્યવસ્થામાં માનતા હતા.

ઊંચી જ્ઞાતિના લોકો હંમેશાં એ વાતનું ધ્યાન રાખતા કે તેમનાથી ભૂલથી પણ નીચી જાતિના લોકો એટલે કે દલિતોનો સ્પર્શ ન થઈ જાય.

તમે આ વાંચ્યું કે નહીં?

ઇન્દ્રજીત સાવંત આ અંગે કહે છે, "આ ભેદભાવને નાબૂદ કરવા માટે શાહુજીએ એક મેમૉરેન્ડમ બનાવ્યું હતું."

"કઈ ઉચ્ચ જ્ઞાતિઓને તેમાંથી બાકાત રાખવી એ સ્પષ્ટ રીતે લખેલું હતું."

"શાહુજી મહારાજ જ્યારે રાજા બન્યા ત્યારે તેમના મંત્રીમંડળમાં 100 ટકા અધિકારીઓ ઉચ્ચ જ્ઞાતિ (બ્રાહ્મણ, પારસી અને શનવીના)ના હતા."

"જોકે, શાહુ મહારાજના શાસનની છેલ્લી ઘડીએ તેમના મંત્રીમંડળમાં 90 ટકા નીચી જ્ઞાતિના અધિકારીઓ આવી ગયા હતા."

ઇન્દ્રજીત સાવંત જણાવે છે, "હાલમાં ભારતમાં જે અનામત પ્રથા છે તેનો લાભ સામાજિક રીતે પછાત વર્ગોને મળે છે."

"આ વ્યવસ્થાનો પાયો શાહુ મહારાજે બનાવેલી અનામત પરથી લેવામાં આવ્યો હોય તેવું કહી શકાય."


પાણી માટે એક દલિત થયા લોહીલૂહાણ

Image copyright BBC / SWATI PATIL RAJGOLKAR

શાહુજી મહારાજ સામાજિક અસામાનતાના ખૂબ જ વિરોધી હતા. તેમનો એક પ્રસંગ અહીં રજૂ કરવામાં આવ્યો છે.

વાત વર્ષ 1919ની, એ દિવસે ખૂબ જ તડકો હતો. આકાશમાંથી આગ જેવી લૂ ઝરતી રહી હતી.

આ સમયે મહારાજના રાજ્યમાં તબેલાની રખેવાળી કરવાની જવાબદારી ગંગારામ કાંબલેને સોંપવામાં આવી હતી.

ગંગારામ એક દલિત હતા. તેઓ એક નાના તળાવ નજીક કામ કરી રહ્યા હતા અને તેમના સાથી કામદારો બપોરે જમ્યા બાદ ઝાડ નીચે આરામ કરી રહ્યા હતા.

થોડીવારમાં ત્યાં ભારે હોબાળો થયો અને લોકો તળાવ તરફ દોડવા લાગ્યા. તળાવ પર મરાઠા સૈન્યના સૈનિક સંતરામ અને તેમના સાથીઓ ગંગારામને કોરડા વીંઝી રહ્યા હતા.

ગંગારામ પર આરોપ હતો કે તેમણે તળાવનું પાણી અભડાવ્યું છે. સંતરામ દ્વારા ગંગારામને એટલો માર મારવામાં આવ્યો હતો કે તેઓ લોહીલૂહાણ થઈ ગયા હતા.


એક દલિતે ચાલુ કરી રેસ્ટોરાં

Image copyright COURTESY: INDRAJTT SAWANT, KOLHAPUR
ફોટો લાઈન ગંગારામ કાંબલે

જ્યારે આ ઘટના ઘટી ત્યારે શાહુ મહારાજ દિલ્હીની મુલાકાતે હતા. થોડા દિવસો બાદ જ્યારે શાહુ મહારાજ પરત આવ્યા ત્યારે ગંગારામ તેમના સાથીઓ સાથે તેમને મળવા પહોંચી ગયા.

મહારાજને જોઈને ગંગારામ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા પોતાના પર થયેલા અત્યાચારની ક્રૂરતા વર્ણવતા તેમણે મહારાજાને પોતાની જખમી પીઠ બતાવી.

ગંગારામ પર થયેલા આ અત્યાચાર જોઈને શાહુ મહારાજ ખૂબ ગુસ્સે ભરાયા અને તેમના જ કોરડા વડે તેમને સજા કરી.

ત્યારબાદ શાહુ મહારાજે એક ફતવો જાહેર કર્યો કે તેમના રાજ્યમાં જાહેર સ્થળોએ નીચી જ્ઞાતિના લોકો સાથે કોઈપણ જાતનો ભેદભાવ કરવામાં ના આવે.

સાથે જે મહારાજે ગંગારામને કહ્યું હતું કે હું તને મારી નોકરીમાંથી રજા આપું છું. તું તારો પોતાના ધંધો ચાલુ કર અને હું તેમાં મદદ કરીશ.


મહારાજે પીધી દલિતની ચા

Image copyright INDRAJIT SAWANT / DR DEVIKARANI PATIL

શાહુ મહારાજની સરકારી નોકરી છોડ્યા બાદ ગંગારામે કોલ્હાપુરના ભાઉસિંહજી રોડ પર પોતાની રેસ્ટોરાં શરૂ કરી હતી.

જોકે, ત્યાં કોઈ ચા પીવા જતા નહોતા. મહારાજને પણ આ વાતની જાણ થઈ. સમાજમાં તાત્કાલિક નવો સુધારો આવવો એ અઘરી બાબત છે અને આ અંગે શાહુ મહારાજ જાણતા હતા.

શાહુ મહારાજ ખૂબ જ હોશિયાર હતા અને દરેક બાબતને પોતાના બુદ્ધિ કૌશલ્યથી બદલવાના તેઓ સતત પ્રયાસો કરતા રહેતા હતા.

એક દિવસ તેઓ પોતાના મંત્રીમંડળ અને સૈનિકો સાથે કોલ્હાપુરની મુલાકાતે નીકળ્યા. આ સમયે તેમણે પોતાનો કાફલો ગંગારામની રેસ્ટોરાં તરફ વાળ્યો.

ત્યાં પહોંચીને તેઓએ ગંગારામના હાથની બનાવેલી ચા પીધી અને પોતાના બ્રાહ્મણ મંત્રીઓને પણ પીવા કહ્યું. મહારાજના આદેશનો અનાદર કરવાની હિંમત કોઈનામાં નહોતી.

આ ઘટનાના ત્રણ વર્ષ બાદ ગંગારામે શાહુ મેમોરિયલ બનાવવા માટે એક સમિતિનું ગઠન કર્યું. વર્ષ 1925માં કોલ્હાપુરના નર્સરી બાગ ખાતે દલિત સમુદાયે 'શાહુ મહારાજ મેમોરિયલ' બંધાવ્યું. જે સમગ્ર ભારતમાં દલિતો દ્વારા બંધાવવામાં આવલું પહેલું મેમોરિયલ હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ