‘પંચમદા’ના જન્મદિને વાંચો એમના મૃત્યુ સમયની વાત

આર.ડી. બર્મનની તસવીર Image copyright Getty Images

રાહુલ દેવ બર્મન એટલે કે 'આરડી' એટલે કે 'પંચમ'. ભારતીય ફિલ્મ-સંગીતના એક એવા સંગીતકાર કે જેમના સર્જને પારંપરિક ફિલ્મ-સંગીતના સંસારમાં વિદ્રોહ જન્માવ્યો. બળવો પોકાર્યો.

આજે આરડી બર્મનનો જન્મદિવસ છે, પરંતુ અમે વાત કરી રહ્યા છીએ એમના અંતિમ દિવસોની.

જે સંગીતકારે નવાનવા કીર્તિમાન સ્થાપિત કર્યા એ જ પોતાના અંતિમ દિવસોમાં અત્યંત એકલા પડી ગયા હતા.

મૃત્યુ સમયે ગણ્યાગાંઠ્યા મિત્રો જ તેમની પાસે હાજર હતા.

અપાર સફળતા અને ફિલ્મી દુનિયાના ટોચનાં નામો સાથે ઘરોબો હોવા છતાં પણ આવું કેમ થયું?

એક સમય હતો કે આર. ડી. બર્મન દરેક નિર્માતાની પ્રથમ પસંદ હતા. તો એવું કેમ થયું કે જીવના ઉત્તરાર્ધમાં તેમને ફિલ્મો મળવાની બંધ થઈ ગઈ?


પંચમ અને ઉતાર-ચઢાવ

Image copyright Getty Images

'પંચમ અનમિકસ્ડ' ડૉક્યુમૅન્ટરીમાં કેટલાય જાણીતા ગાયકો, સંગીતકારો, કલાકારો તેમજ આર. ડી. બર્મનના અંગત લોકોએ એના કેટલાય કારણો દર્શાવ્યાં છે.

આ ડૉક્યુમૅન્ટરી બ્રહ્માનંદ સિંહે બનાવી હતી અને તેને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળી ચૂક્યો છે.

અભિનેતા શમ્મી કપૂરે આર.ડી. બર્મન અંગે કહ્યું હતું, ''દરેકના જીવનમાં ઉતાર-ચઢાવ તો આવે જ છે પણ પંચમ પોતાના ઉતારને સાચવી ના શક્યા.”

શું તમે આ વાંચ્યું?

શમ્મી કપૂરની ફિલ્મ 'તિસરી મંઝિલ'માં આર. ડી. બર્મને ઉત્તમ સંગીત આપ્યું હતું અને તમામ ગીતો સુપરહિટ રહ્યા હતા.

સિનેમા હૉલમાં આ ફિલ્મ રજૂ થઈ અને ચારેય બાજુ આર. ડી. બર્મનનું નામ ગુંજવા લાગ્યું.

આર. ડી. બર્મનના અંગત મિત્ર અને ગીતકાર જાવેદ અખ્તર કહે છે, ''આપણે ત્યાં પ્રતિભાની કદર કોઈ નથી કરતું, માત્ર વર્તમાન જ જોવામાં આવે છે. એને લીધી જ આપણે આર. ડી. જેવા જીનિયસને ગુમાવી દીધો.''


'અંતિમ સફળતા' ના જોઈ શક્યા

Image copyright Getty Images

80ના દાયકામાં થોડી એવી સફળતા મળી એ મળી પણ એ બાદ આર. ડી.ને ફિલ્મો મળતાં બંધ થઈ ગઈ હતી.

બહુ લાંબી રાહ જોયા બાદ 90ના દાયકાની પ્રારંભમાં વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ '1942 અ લવ સ્ટોરી'માં સંગીત આપવાની તેમને તક મળી.

ફિલ્મના તમામ ગીતો સુપર હિટ સાબીત થયા પણ અફસોસ કે આ સફળતા જોવા ખુદ આર. ડી. જ ના રહ્યા.

પોતાની અંતિમ સફળતા જોયા પહેલાં જ તેમણે દુનિયામાંથી વિદાય લઈ લીધી.

ચાર જાન્યુઆરી 1994એ 55 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું.

એ ફિલ્મના ગીતકાર જાવેદ અખ્તર જણાવે છે, ''પંચમ એક એવી વ્યક્તિ હતી, જેણે પોતાની જાતને સંગીતના બાદશાહ તરીકે સ્થાપિત કરી હતી.”

“એનો એ તાજ છીનવાઈ પણ ગયો પણ તોય '1942'માં શાનદાર સંગીત આપીને તેમણે સાબિત કરી દીધું કે સંગીતનો શહેનશાહ તો એ જ છે.”

“પણ, અફસોસ કે એ બાદશાહનો જીવ તખ્ત પર ફરીથી બેસે એ પહેલાં જ જતો રહ્યો.''

ગાયક ભૂપિન્દર કહે છે, ''અત્યંત દુઃખની વાત છે કે જે માણસ એક સમયે કેટલાય મિત્રોથી ઘેરાયેલો રહેતો હતો એ પોતાના અંતિમ દિવસોમાં અત્યંત એકલો પડી ગયો હતો.''


બેમિસાલ પંચમ

Image copyright Getty Images

આર. ડી.ને નજીકથી જાણનારા લોકો જણાવે છે કે શરૂઆતથી જ પંચમ એક વિલક્ષણ પ્રતિભા હતા. તેમણે પિતા એસ.ડી. બર્મન (સચિનદા)નાં કેટલાંય ગીતો રેકર્ડ કર્યાં પણ તેમણે ક્યારેય ક્રૅડિટ ના લીધી.

આર. ડી. બર્મનના પત્ની અને પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલે જણાવે છે, ''મેં એક વખત પંચમને પૂછ્યું હતું કે તમે ક્રૅડિટ કેમ નથી લેતા. તેઓ બોલ્યા હતા કે પિતાજી માટે જ તો કામ કરી રહ્યો છું. મારું નામ ના પણ આવે તો શું ફેર પડે છે."

આશા ભોંસલે એક રસપ્રદ કિસ્સો સંભળાવે છે.

એસ.ડી. બર્મન બીમાર પડ્યા બાદ જ્યારે આર. ડી. બર્મન નિર્માતાઓ પાસે પોતાનું સંગીત લઈને જતા હતા ત્યારે એ નિર્માતાઓ તેમને કહેતા, ''યાર પંચમ, તારા સંગીતમાં એ વાત નથી, જે તારા પિતાના સંગીતમાં હતી. કંઈક બીજું સંભળાવ.''

કંઈક આવું જ શક્તિ સામંતે પણ તેમને કહ્યું હતું. એ વખતે આર. ડી.એ ધીમેથી આશા ભોંસલેને કહ્યું હતું. ''જો હવે કેવી મોજ પડે છે!''

પંચમે એમને કહ્યું, ''મારા પિતાએ એક ધૂન બનાવી છે, જેનો ક્યારેય ઉપયોગ નથી કરાયો. કહો તો એ સંભળાવું.''

અને પંચમે પિતાના નામે ખુદની જ ધૂન સંભળાવી દીધી.

ધૂન સાંભળતા જ શક્તિ સામંત બોલી ઉઠ્યા, ''વાહ-વાહ. શું વાત છે? મેં કહ્યું હતું ને કે તારા પિતાની વાત જ કંઈક જૂદી છે.''

શમ્મી કપૂર જણાવે છે, '''ગાઇડ' અને 'આરાધના'નું સંગીત એસ. ડી. બર્મને આપ્યું હતું પણ, 'ગાતા રહે મેરા દિલ...' અને 'કોરા કાગઝ થા યે મન મેરા...' જેવા ગીતો પંચમે રેકર્ડ કર્યા હતા.''


ગુલઝારને શું કહ્યું તેમણે?

Image copyright Getty Images

આર. ડી.ના વધુ એક અંગત મિત્ર હતા ગુલઝાર. તેઓ જણાવે છે, ''ફિલ્મ 'ઇજાઝત'નું ગીત 'મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ' જ્યારે હું એમને સંભળાવી રહ્યો હતો તો પંચમને લાગ્યું હું એમને કોઈ સીન સંભળાવી રહ્યો છું.”

“જ્યારે મેં કિધુ કે આ ગીત છે તો એમણે નૉટબુક મારી તરફ ધકેલતાં કહ્યું, કાલે તું કોઈ ન્યૂઝપેપર લઈને આવીશ અને કહીશ કે ચાલ ગીત બનાવી દે.”

ગુલઝાર જણાવે છે કે આર. ડી. બર્મન ભારે ઉતાવળા માણસ હતા.

સંગીત સર્જતી વખતે તેઓ વ્યાકુળ બની જતા. એ વખતે જો કોઈ તેમને ગરમાગરમ ચા આપે તો એ ઠંડી પડે એની પણ રાહ નહોતા જોતા.

ગરમ ચામાં પાણીમાં નાખીને એ પી લેતા.

જોકે, આટલા ઉતાવળા હોવા છતાં એમના સંગીતમાં એક સ્થિરતા હતી.

આર. ડી. બર્મન માટે કેટલાય ગીતો ગાનારા અમિત કુમાર જણાવે છે કે એક વખત આર.ડી.એ જાતે જ કહ્યું હતું. ''યાર, મારી પાસે ઢગલો આઇડિયાઝ્ છે પણ કોઈ ને સમજી જ નથી શક્યું. મેં હજુ સુધી કંઈ જ કર્યું નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ