આ વર્ષે અમરનાથ યાત્રા માટે કેવી છે સલામતીની વ્યવસ્થા?

અમરનાથ યાત્રાનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, PTI

સજ્જડ સલામતી વચ્ચે આ વર્ષની અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સોમવારે 4,047 શ્રદ્ધાળુઓનો સમૂહ જમ્મુથી રવાના થયો હતો.

પરંપરાગત રીતે શ્રદ્ધાળુઓ 45 કિમીના પહેલાગામ રૂટ તથા 16 કિમીના બાલટાલ રૂટ મારફત પવિત્ર ગુફાની મુલાકાત લે છે.

સોમવાર સુધીમાં 13,816 શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફાના દર્શન કરી ચૂક્યા છે.

આ વર્ષે રક્ષા બંધનની દિવસ એટલે કે 26 ઓગસ્ટ સુધી અમરનાથ યાત્રા ચાલતી રહેશે.

યાત્રાળુઓની સંખ્યા વધવાની ધારણા

ઇમેજ સ્રોત, Getty Images

આ વર્ષે અત્યાર સુધીમાં બે લાખથી વધુ યાત્રાળુઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગયા વર્ષે કુલ બે લાખ, સાઠ હજાર લોકોએ અમરનાથ યાત્રા કરી હતી.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે યાત્રાળુઓનું પ્રમાણ વધશે એવું માનવામાં આવે છે.

તેનું એક મોટું કારણ એ છે કે આ વર્ષે અમરનાથ યાત્રા 60 દિવસ સુધી ચાલવાની છે. ગત વર્ષોમાં અમરનાથ યાત્રા 45 દિવસ સુધી ચાલતી હતી.

જોકે, આ વર્ષે તીર્થયાત્રીઓની સૌથી વધુ સંખ્યાનો રેકોર્ડ તૂટવો મુશ્કેલ છે.

સૌથી વધુ સંખ્યામાં લોકો અમરનાથ યાત્રાએ ગયા હોય તેવો રેકોર્ડ 2011માં નોંધાયો હતો. એ વર્ષે છ લાખ, ત્રીસ હજાર શ્રદ્ધાળુઓએ અમરનાથનાં દર્શન કર્યાં હતાં.

એ પછી દર વર્ષે યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

રસપ્રદ હકીકત એ પણ છે કે 1990 સુધી અમરનાથ તીર્થયાત્રીઓની સંખ્યા દસથી પંદર હજાર વચ્ચે જ રહેતી હતી.

1990ના દાયકામાં ભારતમાં શરૂ થયેલા ઉદારીકરણે દેશમાં તીર્થસ્થાનો સાથે જોડાયેલા પ્રવાસન ઉદ્યોગને પણ વેગ આપ્યો હતો.

કેવી છે સલામતીની વ્યવસ્થા?

ઇમેજ સ્રોત, BILAL BAHADUR/BBC

દર વર્ષની માફક સરકારે આ વર્ષે પણ સલામતીની પૂરતી વ્યવસ્થા કરી છે. આ વર્ષે યાત્રાને સફળ બનાવવા માટે લગભગ 40 હજાર પોલીસ કર્મચારીને તહેનાત કરવામાં આવ્યા છે.

ગયા વર્ષે તીર્થયાત્રીઓની સલામતી માટે લગભગ 14 હજાર જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા અને આ વર્ષે સલામતીરક્ષકોનું પ્રમાણ ત્રણેક ગણું વધારે છે, જે વ્યાપક વ્યવસ્થાનો સંકેત આપે છે.

આ વર્ષે જમ્મુ-કાશ્મીર પોલીસ ઉપરાંત, પેરા-મિલિટરી, નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ અને સૈન્યના જવાનોને પણ તહેનાત કરવામાં આવ્યા છે.

આ વર્ષે અમરનાથ યાત્રા શરૂ થવાના એક દિવસ પહેલાં જમ્મુ પોલીસની ઇન્સ્પેક્ટર જનરલ એસ. ડી. સિંહ જામવાલે પોલીસ, સૈન્ય, પેરા-મિલિટરી અને ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ યાત્રાની સલામતીને હાઈ-અલર્ટમાં રાખવાના સંકલ્પનો તેમણે પુનરોચ્ચાર કર્યો હતો.

રેડિયો ફ્રિકવન્સીનો ઉપયોગ

ઇમેજ સ્રોત, JK INFORMATION DEPARTMENT

અમરનાથ યાત્રામાં સામેલ વાહનોને ટ્રેક કરવા માટે આ વર્ષે પહેલીવાર રેડિયો ફ્રિકવન્સીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

બીજી તરફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે તેની મોટરસાઇકલ ટુકડીને કૅમેરા તથા અન્ય જીવનરક્ષક ઉપકરણોથી સજ્જ કરી છે.

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં જેવી ઉગ્રવાદી ઘટનાઓ બની છે તેને કારણે ઉગ્રવાદીઓ આ વર્ષે અમરનાથ યાત્રાને નિશાન બનાવશે એવી આશંકા દર્શાવવામાં આવી રહી છે.

એ આશંકાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસથી માંડીને ગુપ્તચર એજન્સી સુધીનું કોઈ પણ ચૂક કરવા ઇચ્છતું નથી.

અત્યંત મુશ્કેલ યાત્રા

ઇમેજ સ્રોત, BILAL BAHADUR/BBC

અમરનાથ ગુફા 12,720 ફૂટની ઉંચાઈ પર આવેલી છે. ત્યાં માત્ર પગપાળા કે ખચ્ચર પર બેસીને જ પહોંચી શકાય છે.

અમરનાથ યાત્રાના બે રૂટ છે, જે પૈકીનો એક પહેલગામનો છે અને બીજો બાલટાલનો છે.

પહેલગામ રૂટ પરથી અમરનાથ ગુફા 45 કિલોમીટર દૂર આવેલી છે અને એ રૂટ મારફત અમરનાથ ગુફા પહોંચવામાં ત્રણથી પાંચ દિવસ લાગે છે.

બાલટાલના રૂટ પરથી અમરનાથ ગુફા માત્ર 16 કિલોમીટરના અંતરે આવેલી છે, પણ સીધું ચઢાણ હોવાને કારણે એ રૂટને અત્યંત મુશ્કેલ ગણવામાં આવે છે.

અમરનાથની યાત્રાએ જવા ઇચ્છતા લોકોને એક મહિના સુધી દરરોજ પાંચ કિલોમીટર ચાલવાની પ્રેક્ટિસ કરવાની સલાહ આપવામાં આવે છે.

એ ઉપરાંત ઊંડા શ્વાસ લેવાની અને પ્રાણાયમની પ્રેક્ટિસ કરવાની સલાહ પણ આપવામાં આવે છે.

છ સપ્તાહથી વધારે ગર્ભવતી મહિલાઓ, 13 વર્ષથી નાનાં બાળકો અને 75 વર્ષથી મોટા વૃદ્ધોને અમરનાથ યાત્રાની પરવાનગી આપવામાં આવતી નથી.

આ યાત્રા દરમ્યાન સાડી નહીં પહેરવાની સલાહ મહિલાઓને આપવામાં આવે છે. તમામ યાત્રીઓ વાધરીવાળાં બૂટ જ પહેરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

અમરનાથ યાત્રા મહત્ત્વપૂર્ણ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images

અમરનાથ ગુફાને હિંદુઓ પવિત્રતમ ગણે છે અને તેનું કારણ શંકર ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે. ભગવાન શંકર ત્રણ મુખ્ય હિંદુ દેવતાઓ- બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ પૈકીના એક છે.

અમરનાથ ગુફામાં ભગવાન શંકરનું લિંગ રચાવાની પ્રક્રિયા પણ રસપ્રદ છે.

વાસ્તવમાં ગુફાની છતમાંથી ટપકતાં પાણીનાં ટીપાં ફ્રીઝિંગ પોઇન્ટ પર જામીને લિંગના આકારની વિશાળ આકૃતિ રચે છે.

આ ગુફા સુધીની યાત્રાને અમરનાથ યાત્રા કહેવામાં આવે છે. આ યાત્રા દર વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં યોજવામાં આવે છે.

વ્યાસ પૂર્ણિમાથી શરૂ થતી યાત્રાની પૂર્ણાહૂતિ શ્રાવણી પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે થાય છે.

દક્ષિણ કાશ્મીરમાં આવેલી અમરનાથ ગુફા સુધી પહોંચવા માટે યાત્રીઓએ પહલગામ, ચંદનવાડી, પીસૂ ઘાટી, શેષનાગ અને પંજતારિણીમાંથી પસાર થવું પડે છે.

યાત્રા સાથે જોડાયેલી કથાઓ

ઇમેજ સ્રોત, Getty Images

અમરનાથ યાત્રા શ્રાઇન બોર્ડની પોતાની એક વેબસાઇટ છે. તેમાં અમરનાથ ગુફા બાબતે અનેક દિલચસ્પ કથાઓ હોવાનું જણાવવામાં આવ્યું છે.

એક કથા અનુસાર, પાર્વતીએ એક વખત શિવને તેમના અમર હોવાનું રહસ્ય પૂછ્યું હતું. એ રહસ્ય જણાવવા માટે ભગવાન શિવે નિર્જન સ્થળ શોધવું પડ્યું હતું, જેથી તેમની વાતો કોઈ સાંભળી ન શકે.

પોતાના અમરત્વ વિશેની કથા પાર્વતીને જણાવવા માટે ભગવાન શિવે અમરનાથ ગુફાની પસંદગી કરી હતી.

અમરનાથ જવાના માર્ગમાં તેમણે તેમને બળદ નંદીને પહેલગામમાં છોડ્યો હતો. પછી ચંદનવાડીમાં તેમણે તેમની જટામાંથી ચંદ્રને મુક્ત કર્યો હતો.

ભગવાન શિવે તેમના ગળામાંના સાપને શેષનાગમાં છોડ્યો હતો, જ્યારે પુત્ર ગણેશને મહાગણેશ પર્વત પર છોડ્યા હતા.

જીવન માટે જરૂરી પાંચ તત્વ (જમીન, જળ, વાયુ, અગ્નિ અને આકાશ)ને તેમણે પંજતારિણીમાં છોડ્યાં હતાં.

એ પછી અમરનાથ ગુફામાં પહોંચીને ભગવાન શિવે તેમના અમરત્વનું રહસ્ય પાર્વતીને જણાવ્યું હતું.

અમરનાથની ગુફા સંબંધે પણ એક પૌરાણિક કથા છે. એ મુજબ, પ્રાચીન કાળમાં કાશ્મીર ખીણ સંપૂર્ણપણે જળમગ્ન હતી.

એ વખતે કશ્યપ મુનિએ અલગ-અલગ નદીઓ તથા નાળાં બનાવીને કાશ્મીર ખીણમાંથી પાણી બહાર કાઢ્યું હતું.

એ વખતે ભૃગુ ઋષિ હિમાલયની યાત્રાએ નીકળ્યા હતા અને તેમણે બધાની પહેલાં અમરનાથ ગુફા નિહાળી હતી.

અમરનાથ ગુફાનો ઉલ્લેખ છઠ્ઠી સદીમાં લખવામાં આવેલાં ભૃગુસંહિતા, નીલમાતા પુરાણ અને અમરનાથ માહત્મ્યમાં મળે છે.

એ ઉપરાંત અન્ય ગ્રંથોમાં પણ અમરનાથ ગુફાનો ઉલ્લેખ જોવા મળે છે.

જમ્મુ-કાશ્મીરી લેખક કલ્હણના 11મી સદીના ગ્રંથ રાજતરંગિણી અને અબુલ ફઝલના સોળમી સદીના ગ્રંથ આઈને અકબરી (વોલ્યૂમ-ત્રણ)માં પણ જોવા મળે છે.

હિંદુ તીર્થનું મુસ્લિમ કનેક્શન

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR

ઇમેજ કૅપ્શન,

અમરનાથ ગુફાના શોધક મનાતા બૂટા મલિકના વંશજો

અમરનાથ ગુફાની શોધનું શ્રેય બૂટા મલિક નામના એક મુસ્લિમને ફાળે જાય છે.

બૂટા મલિકના પરિવાર સાથે જોડાયેલા ગુલામ હસન મલિકે તેમના પૂર્વજ તથા અમરનાથ યાત્રા સાથે જોડાયેલી આખી કહાણી બીબીસી હિન્દી માટે માજિદ જહાંગીરને ગયા વર્ષે જણાવી હતી.

ગુલામ હસન મલિકે જણાવ્યું હતું, "અમારા પૂર્વજ બૂટા મલિક પહાડો પર ઘેટાં-બકરાંને ચરાવવાનું કામ કરતા હતા. પહાડ પર તેમની મુલાકાત એ સાધુ સાથે થઈ હતી અને તેઓ દોસ્ત બની ગયા હતા.

"એક વખત બહુ ઠંડી લાગતી હતી એટલે બૂટા મલિક એ ગુફામાં ચાલ્યા ગયા હતા. ગુફામાં પણ ઠંડી લાગતી હતી એટલે સાધુએ બૂટા મલિકને કાંગડી(ગળામાં લટકાવવાની સગડી) આપી હતી. બીજા દિવસે સવારે એ કાંગડી સુવર્ણની થઈ ગઈ હતી."

ગુલામ હસન મલિકના જણાવ્યા મુજબ, બૂટા મલિક ગુફામાંથી નીકળ્યા ત્યારે તેમને સાધુઓનું એક જૂથ મળ્યું હતું, જે ભગવાન શિવને શોધી રહ્યું હતું.

બૂટા મલિક સાધુઓને ગુફામાં લઈ ગયા ત્યારે ત્યાં બરફનું વિશાળ શિવલિંગ જોવા મળ્યું હતું. એ પછી બૂટા મલિકને સમજાયું હતું કે તેમને સૌપ્રથમ જે સાધુ મળ્યા હતા એ સાક્ષાત્ શિવ હતા.

તેમના દાવામાં સચ્ચાઈ હોય કે નહીં, પણ તેમણે વિશ્વને અમરનાથ ગુફાનું મહત્ત્વ જણાવ્યું હતું.

કદાચ એ જ કારણસર બૂટા મલિકના મૃત્યુ પછી પણ, અમરનાથ ગુફામાં કરવામાં આવતા દાનનો કેટલોક હિસ્સો તેમના પરિવારને આપવામાં આવે છે.

ક્યારથી થયો પ્રારંભ?

અમરનાથ યાત્રાનો પ્રારંભ ક્યારથી થયો એ બાબતે કોઈ વિશ્વાસપાત્ર માહિતી ઉપલબ્ધ નથી, પણ દર વર્ષે વધતી યાત્રાળુઓની સંખ્યાને ધ્યાનમાં લઈને 2000ની સાલમાં અમરનાથ શ્રાઇન બોર્ડની રચના કરવામાં આવી હતી.

આ શ્રાઇન બોર્ડ અમરનાથ યાત્રાની સંપૂર્ણ વ્યવસ્થા સરકારી એજન્સીઓ સાથે મળી કરે છે.

રાજ્યપાલ એન. એન. વોહરા આ શ્રાઇન બોર્ડના અધ્યક્ષ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો