ગ્રાઉન્ડ રિપોર્ટ : મહારાષ્ટ્રમાં બાળકચોરીની શંકામાં પાંચની હત્યા બાદ તણાવ અને અજંપો

  • પ્રવીણ ઠાકરે, સંજય તિવારી
  • બીબીસી ટીમ
મારઝૂડ કરી રહેલી ભીડ

ઇમેજ સ્રોત, DEEPAK KHAIRNAR

ગુજરાતમાં બાળકચોરી મુદ્દે મારામારીની અનેક ઘટનાઓ અને હત્યાના બનાવ બાદ મહારાષ્ટ્રમાં પણ હત્યાકાંડ સર્જાયો છે, જેમાં પાંચ લોકોની હત્યા કરવામાં આવી છે.

પોલીસનાં કહેવા પ્રમાણે, ધૂળે જિલ્લાના આદિવાસી વિસ્તારના એક ગામમાં બાળકચોરી કરવાની શંકામાં પાંચ લોકોની ઢોરમાર મારી હત્યા કરવામાં આવી હતી.

પોલીસના કહેવા પ્રમાણે, મૃતકો સોલાપુર જિલ્લાના મંગલવેઢે વિસ્તારના રહેવાસી હતા.

આ ઘટના ધૂળેથી 80 કિલોમીટર દૂર સાકરી તહસીલના રાઇનપાડા ગામમાં ઘટી હતી.

આ રૂમમાં ગોંધી રાખ્યા

ઇમેજ સ્રોત, MANOHAR BOROS

ઇમેજ કૅપ્શન,

રૂમમાં ગોંધી રાખીને પીડિતોને મારવામાં આવ્યા

પોલીસના કહેવા પ્રમાણે, રવિવારે થયેલી ઘટનામાં મૃત્યુ પામેલા પાંચ લોકો સોલાપુરના રહેવાસી હતા, જેમની ઓળખાણ ભારત શંકર ભોસલે (45), દાદારાવ શંકર ભોસલે (36), રાજૂ ભોસલે (47), અગળૂ શ્રીમંત હિંગોલે (20) અને ભારત માવલે (45) તરીકે થઈ છે.

જોકે, પોલીસે હજુ એ જણાવ્યું નથી કે આ લોકો ધૂળે જિલ્લાના રાઇનપાડા ગામમાં શા માટે આવ્યાં હતાં.

ધૂળેના પોલીસ અધિકારી રામકુમારે બીબીસીને જણાવ્યું, ''બપોરે લગભગ એક વાગ્યે આ લોકો એક બસ દ્વારા ગામમાં પ્રવેશ્યા હતા. તે વ્યક્તિઓને સંદિગ્ધ માનીને સ્થનિકોએ કેટલાક સવાલ-જવાબ કર્યાં.

''ત્યારબાદ તેમને એક રૂમમાં બંધ કરી મારવામા આવ્યો અને આ દરમિયાન જ તેમનાં મૃત્યુ થયાં હતાં.''

દેશભરમાં અફવાઓને કારણે લોકો અજાણ્યાં લોકો પર હુમલો કરી રહ્યાં છે અને ધૂળે જિલ્લામાં બનેલી આ ઘટના મહારાષ્ટ્રની પહેલી ઘટના નહોતી.

ગત અઠવાડિયે જ નંદુરબાર જિલ્લાના શહાદા વિસ્તારમાં પણ ભીડે બાળક ચોરીની શંકા પર ત્રણ લોકો પર હુમલો કર્યો હતો.

જેમાં આ ત્રણ લોકો ઘાયલ થયા હતા અને તેમની કારને પણ સળગાવી દેવામાં આવી હતી.

આવી જ ઘટનાઓમાં નાસિક જિલ્લાના સટાના અને ધૂળે જિલ્લાના સિરપુર વિસ્તારમાં પણ ભીડે અજાણ્યાં લોકો પર હુમલા કર્યાં હતાં.

ગામનાં લોકોનો વિરોધ

ઇમેજ સ્રોત, NILESH PARDESHI

ઇમેજ કૅપ્શન,

ઘટના બાદ ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

પોલીસ અધિકારી રામકુમાર પ્રમાણે, ઘટનાની જાણકારી મળ્યાં બાદ ઘટના સ્થળે પહોંચેલા પોલીસદળે ગામનાં લોકોનાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે વધુ પોલીસકર્મીઓને મોકલવાની ફરજ પડી હતી.

પોલીસે અત્યારસુધી આ મામલે 12 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 20 સંદિગ્ધોની અટકાયત કરી છે. આ ઘટનામાં સામેલ અન્ય લોકોની શોધ થઈ રહી છે.

જે ગામમાં આ ઘટના થઈ છે, ત્યાં રવિવારની બજાર ભરાઈ હતી, જેનાં કારણે પણ મોટી ભીડ એકઠી થઈ હતી. અન્ય ગામોનાં લોકો પણ સામેલ હતા.

ધૂળે જિલ્લાના ગાંધીવાદી કાર્યકર્તા જશપાલ સિસોદિયાએ ઘટના પર પ્રતિક્રિયા આપતા બીબીસીને જણાવ્યું, ''જે રીતે ક્રૂરતાપૂર્વક આ લોકોને મારવામાં આવ્યાં છે તે આઘાતજનક છે.

''સામાન્ય આદિવાસી કે ગામનાં લોકો આટલાં ક્રૂર કઈ રીતે હોઈ શકે છે? આ ભીડની મૂરખાઈ હતી. લોકોને લાગે છે કે તેઓ ભીડમાં સામેલ થઈને મન ફાવે તેવું વર્તન કરશે તો તેમની ઓળખાણ સામે નહીં આવે.''

ધૂળે જિલ્લાના મંત્રી દાદા ભૂસેએ બીબીસી મરાઠીને જણાવ્યું, ''આ ખૂબ જ ગંભીર અને દુ:ખદ ઘટના છે.

''અફવાઓના કારણે પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે, જે લોકો અફવાઓ ફેલાવી રહ્યાં છે અને આ રીતનો ગુનો કરી રહ્યાં છે, તે લોકો સામે કડક પગલાં લેવામાં આવશે.''

ગુજરાતની જેમ અફવાઓ

ઇમેજ સ્રોત, DEEPAK KHAIRNAR

ગુજરાતની જેમ જ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હાલ સોશિયલ મીડિયા દ્વારા બાળકચોરો સક્રિય હોવાની અફવા ફેલાય રહી છે.

તેમાં પણ ધૂળે અને નંદુરબાર જિલ્લામાં એવી અફવા ફેલાય છે કે બાળકોની ચોરી કરનારી ટોળીઓ ફરી રહી છે.

પોલીસે અફવા રોકવા માટે પોસ્ટર્સ પણ છપાવ્યા છે, પરંતુ અફવાઓ હજુ પણ ફેલાય રહી છે.

ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, દ્વારકા, કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં બાળકચોરીની આશંકાએ લોકો સાથે મારઝૂડની ઘટનાઓ ઘટી છે. અમદાવાદના વાડજમાં એક ભિક્ષુકાની હત્યા કરી નાખવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો