'71 યુદ્ધ : રૉને પહેલેથી જ જાણ હતી કે પાક. ક્યારે હુમલો કરશે

1971ના યુદ્ધની તસવીર Image copyright BHARATRAKSHAK.COM

જો કોઈ પણ વ્યક્તિ ભારતની ગુપ્તચર સંસ્થા 'રિસર્ચ એનાલિસિસ વિંગ(રૉ)'ની દિલ્હીના લોદી રોડ સ્થિત ઑફિસમાં જાય, તો ગોપનીયતા પ્રત્યે તેમનો જે જુસ્સો કે સનક જોવા મળશે તે કંઈક અલગ હશે.

અહીં બહારના કોઈ પણ વ્યક્તિને અંદર આવવાની મનાઈ છે. બીજી એક મહત્ત્વની વાત એ કે અહીં ઑફિસની બહાર કોઈ નામ કે પદની તખ્તી જોવા નહીં મળે.

રૉના પ્રમુખ 11માં માળે બેસે છે. ઇમારતની પાછળ એક લીફ્ટ છે જે સીધી તેમની ઑફિસ સુધી જાય છે.

પરસ્પરની વાતચીતમાં કોઈ પણ અધિકારી ‘રૉ’ શબ્દની જગ્યાએ 'આર એન્ડ ડબલ્યૂ' બોલવાનું પસંદ કરે છે.


બાંગ્લાદેશની લડાઈમાં રૉની ભૂમિકા

Image copyright Getty Images
ફોટો લાઈન 1971માં પૂર્વ પાકિસ્તાનને મુક્ત કરાવવાનું અભિયાન શરૂ કરતા ભારતીય સૈનિકો

રૉની ઉપલબ્ધિઓની વાત કરવામાં આવે તો સૌથી પહેલા બાંગ્લાદેશની રચનામાં તેમની ભૂમિકા અંગે વિચાર જરૂર આવે.

ભારતીય સેના ત્યાં પહોંચે એ પહેલાં મુક્તિ વાહિનીનું ગઠન અને પાકિસ્તાન સેના સાથે તેમના સંઘર્ષમાં રૉની ભૂમિકા મહત્ત્વની હતી.

રૉના ભૂતપૂર્વ એડિશનલ સચિવ બી રમને પોતાના પુસ્તક 'ધ કાઓબૉય્ઝ ઑફ રૉ'માં લખ્યું છે કે વર્ષ 1971માં રૉને એ વાતની જાણકારી હતી કે પાકિસ્તાન ક્યારે ભારત પર હુમલો કરવાનું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

80ના દાયકામાં રૉના પ્રમુખ રહી ચૂકેલા આનંદ કુમાર વર્માએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આ સૂચના વાયરલેસ મારફતે આવી હતી. જ્યારે આ ગુપ્ત કોડવર્ડવાળી સૂચનાને 'ડીકોડ' કરવામાં આવી, તો ભૂલથી નિર્ધારિત તારીખ કરતા બે દિવસ આગળની તારીખની સૂચના આપવામાં આવી હતી."

"વાયુ સેનાને ચેતવી દેવામાં આવી હતી, જેથી તેઓ હાઈ ઍલર્ટ થઈ ગયા. પરંતુ 2જી ડિસેમ્બર સુધી હુમલો ના થયો ત્યારે વાયુ સેનાના પ્રમુખે રૉના ચીફ રામેશ્વર કાવને કહ્યું કે તમારી માહિતી કેટલી દમદાર છે? વાયુ સેનાને આટલા દિવસો સુધી હાઈ ઍલર્ટ પર ના રાખી શકાય."

વર્માએ જણાવ્યું, "કાવે કહ્યું કે તમે વધુ એક દિવસ થોભી જાઓ. એર ચીફ માર્શલ પી.સી લાલ આ વાત સાથે સહમત થઈ ગયા. જ્યારે પાકિસ્તાન દ્વારા 3 ડિસેમ્બરના રોજ હુમલો કરવામાં આવ્યો ત્યારે ભારતીય વાયુ સેના સંપૂર્ણ રીતે તૈયાર હતી."


સિક્કિમનું ભારતમાં વિલિનીકરણ

વર્ષ 1974માં સિક્કિમનું ભારતમાં વિલિનીકરણ થવા પાછળ રૉની જબરદસ્ત ભૂમિકા હતી.

રૉના એક પૂર્વ અધિકારી આર કે યાદવ જેમણે રૉ પર એક પુસ્તક 'મિશન આર એન્ડ ડબલ્યૂ'માં લખ્યું તેમાં ઉલ્લેખ કર્યો છે કે 'સિક્કિમનાં વિલિનીકરણની યોજના રૉ પ્રમુખ કાવે જરૂર બનાવી હતી, પરંતુ એ સમય સુધીમાં તો ઇંદિરા ગાંધી આ ક્ષેત્રની નિર્વિવાદ નેતા બની ચૂક્યાં હતાં.'

તેઓ લખે છે, "બાંગ્લાદેશની લડાઈ જીત્યા બાદ તેમનામાં ગજબનો આત્મવિશ્વાસ જોવા મળતો હતો. ત્યારબાદ સિક્કિમના ચોગ્યાલે એક અમેરિકન મહિલા સાથે લગ્ન કરી લીધા, જેને કારણે સીઆઈએ દ્વારા એ ક્ષેત્રમાં પગ પેસારો કરવાનો શરૂ થયો."

આર કે યાદવે જણાવ્યું, "કાવ સાહેબે સૌથી પહેલાં ઇંદિરા ગાંધીને સિક્કિમનું ભારતમાં વિલિનીકરણ કરવાની સલાહ આપી હતી. સરકારમાં માત્ર ત્રણ લોકોને આ અંગે જાણ હતી.”

"ઇંદિરા ગાંધી, પી એન હક્સર અને રામેશ્વરનાથ કાવ. કાવ સાહેબ સાથે રૉના માત્ર ત્રણ અધિકારીઓ આ ઑપરેશન પર કામ કરી રહ્યા હતા.”

"એટલે સુધી કે કાવ સાહેબના નંબર 2ના અધિકારી શંકરન નાયરને આ વાતની શંકા પણ ના ગઈ. આખરે 3 હજાર વર્ગ કિમીના ક્ષેત્રને ભારતમાં ભેળવી દેવામાં આવ્યું."


કહૂટા પરમાણુ પલાન્ટની જાણ

Image copyright Getty Images
ફોટો લાઈન મોરારજી દેસાઈ સાથે જનરલ જિયા ઉલ-હક

કહૂટા સ્થિત પાકિસ્તાનના પરમાણુ પ્લાન્ટ તૈયાર થવાની સૌપ્રથમ જાણકારી રૉના જાસૂસોએ આપી હતી.

તેમણે કહૂટામાં વાળંદની દુકાન પરથી પાકિસ્તાની પરમાણુ વૈજ્ઞાનિકોના વાળના નમૂનાઓ જમા કર્યા હતા. આ નમૂનાને ભારત લાવી પરીક્ષણ કરવામાં આવ્યું તો જાણ થઈ કે તેમાં રેડિએશનના અંશો હતા.

આ વાત પરથી એવી જાણ થઈ કે પાકિસ્તાને 'વેપન ગ્રેડ' યુરેનિયમને વિકસિત કરી લીધું છે અથવા તો કરવાની ખૂબ નજીક છે.

એવું પણ કહેવામાં આવતું કે એક એજન્ટને વર્ષ 1977માં પાકિસ્તાનના કહૂટા પરમાણુ પ્લાન્ટની ડિઝાઇન પણ હાથ લાગી ગઈ હતી.

પરંતુ તત્કાલિન ભારતીય વડા પ્રધાન મોરારજી દેસાઈએ આ ડિઝાઇનને દસ હજાર ડૉલરમાં ખરીદવાની ઑફર ઠુકરાવી દીધી હતી. એટલુ જ નહીં તેમણે આ વાત પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ જિયા ઉલ-હકને પણ જણાવી દીધી.

મેજર જનરલ વી કે સિંહ જેઓ રૉમાં ઘણાં વર્ષો સેવા આપી ચૂક્યા છે તેમણે રૉ પર 'સીક્રેટ્સ ઑફ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' નામે એક પુસ્તક પણ લખ્યું હતું.

તેઓ લખે છે, "પાકિસ્તાનના કહૂટા પરમાણુ પ્લાન્ટની બ્લૂ પ્રિન્ટ રૉના એક એજન્ટને હાથ લાગી ગઈ હતી. તેમણે ભારતને આ પ્રિન્ટ આપવા માટે દસ હજાર ડૉલરની માગણી કરી હતી. તે સમયે મોરારજી દેસાઈ વડા પ્રધાન હતા.”

"જ્યારે તેમને આ ઑફર અંગે જણાવવામાં આવ્યું તો તેમણે ના પાડી દીધી અને જિયાને ફોન કરીને જણાવી દીધું કે કે અમારી પાસે તમારા પરમાણુ પ્લાન્ટની જાણકારી છે.

"ત્યારબાદ જનરલ જિયાએ રૉના એ એજન્ટને પકડાવી 'એલિમિનેટ' કરાવી દીધો."


જ્યારે જનરલ મુશર્ફની વાતચીત રેકર્ડ કરવામાં આવી

Image copyright Getty Images

વર્ષ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન જ્યારે પાકિસ્તાનના સેના અધ્યક્ષ જનરલ પરવેઝ મુશર્રફ ચીનની યાત્રા પર હતા, ત્યારે તેમના ચીફ જનરલ સ્ટાફ લેફ્ટિનન્ટ જનરલ અઝીઝ ખાને ફોન કરીને તેમને જણાવ્યું હતું કે વડા પ્રધાન નવાઝ શરીફે પાકિસ્તાની વાયુ સેના અને નેવીના પ્રમુખોને બોલાવીને ફરિયાદ કરી હતી કે જનરલ મુશર્રફે તેમને કારગિલ લડાઈ અંગે અંધારામાં રાખ્યા હતા.

રૉએ આ ટેલિફોનીક વાતચીતને રેકર્ડ કરી હતી અને ભારતે આ રેકોર્ડિંગને અમેરિકા સહિત ભારતમાં રહેતાં દરેક દેશના રાજદૂતોને મોકલી હતી.

વી કે સિંહ જણાવે છે, "આ વાતચીતનું જે રેકોર્ડિંગ કરવામાં આવ્યું એ કોઈ નવી વાત નહોતી. રૉ આવું કરતું આવ્યું છે. આ વાતચીત ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી."

"આપણે જે પણ જાણકારીઓ ગુપ્ત રીતે મેળવીએ છીએ, ત્યારે તેમનો ઉપયોગ કરવો જોઈએ ના કે પ્રચાર. જો આપણે તેનો પ્રચાર કરીએ તો સામેના પક્ષને આપણા સ્રોત અંગે જાણ થઈ જાય છે.”

"જેવી જ આ જાણકારી જાહેર થઈ પાકિસ્તાનને ખબર પડી ગઈ કે અમે લોકોએ સેટેલાઇટ લિંક 'ઇન્ટરસેપ્ટ' કરી રહ્યા છીએ. ત્યારબાદ તેઓ સાવધાન થઈ ગયા હતા."


આઈએસઆઈ પણ ટેપિંગના ખેલમાં સામેલ

Image copyright Getty Images
ફોટો લાઈન આઈએસઆઈના પૂર્વ પ્રમુખ હમીદ ગુલ (વચ્ચે)

પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઈએસઆઈના પ્રમુખ હમીદ ગુલ રૉના આ કારનામાને મોટી બાબત નહોતા માનતા.

તેમણે બીબીસીને જણાવ્યું, "આ ટેપને સાર્વજનિક કરીને રૉએ એવું સાબિત કરી દીધું કે તેઓ એક સત્તાવાર સંસ્થા નથી. ટેપ કરવું કોઈ મોટી બાબત નથી. અમે પણ ઘણી બાબતો રેકોર્ડ કરીએ છીએ."

તેઓ ઉમેરે છે, "હું જ્યારે આઈએસઆઈમાં હતો અને 1987માં રાજીવ ગાંધી શ્રીલંકા પર ચઢાઈ કરવા માગતા હતા ત્યારે અમારી પાસે એવી ખબરો આવી રહી હતી કે અમે કોઈ ક્રિકેટ મેચ જોઈ રહ્યા છીએ."

"તમે આઈએસઆઈને જુઓ તેમણે અફઘાનિસ્તાનમાં એક 'સુપર પાવર'ને હરાવ્યું અને એ પણ અમેરિકાની કોઈ પણ જાતની 'ટ્રેનિંગ' વિના."


રામેશ્વર કાવ હતા રૉના જનક

ફોટો લાઈન રૉના પહેલા નિયામક રામેશ્વરનાથ કાવ

1982માં ફ્રાંસની (બાહ્ય) ખુફિયા એજન્સી 'એસડીઈસીઈ'ના પ્રમુખ કાઉંટ એલેક્ઝાડ્રે દે મેરેંચને જ્યારે કહેવામાં આવ્યું હતું કે, તે 70ના દાયકાના વિશ્વના પાંચ સર્વશ્રેષ્ઠ ખુફિયા એજન્સી પ્રમુખોના નામ ગણાવે, ત્યારે તેમણે આ પાંચ નામોમાં કાવનું નામ પણ સામેલ કર્યું હતું.

કાવ એટલા 'લો પ્રોફાઇલ' હતા કે તેઓ જીવિત હતા ત્યાંસુધી તેમની તસવીર કોઈ સમાચાર પત્ર કે પત્રિકામાં નહોતી છપાઈ.

તેમની સાથે કામ કરી ચૂકેલા રૉના એક પૂર્વ એડિશનલ નિદેશક જ્યોતિ સિન્હા જણાવે છે, "શું તેમની સંસ્કારિતા હતી. વાત કરવામાં તેમની એક ખાસ ઢબ હતી અને કોઈને દુ:ખ ના પહોંચે એ બાબતનું તેઓ ધ્યાન રાખતા.”

“તેમનું એક વાક્ય મને ખૂબ પસંદ હતું કે જો કોઈ તમારો વિરોધ કરે તો તેને ઝેર આપી શા માટે મારવામાં આવે, શા માટે તેને મધ આપીને મારવામાં ન આવે."

"આ વાક્યનો અર્થ હતો કે વિરોધીઓને મીઠી રીતે આપણી તરફ લઈ લેવા જોઈએ. અમે એ જમાનામાં યુવાન હતા અને કાવ સાહેબને હીરોની જેમ પૂજતા હતા."


શીખ વિદ્રોહીઓની ગંભીરતા સમજવામાં ભૂલ

Image copyright Getty Images

રૉ પર સૌપ્રથમ ત્યારે સવાલો ઉઠાવવામાં આવ્યા, જ્યારે તે શીખ વિદ્રોહીઓની ગંભીરતાને સરકાર સુધી પહોંચાડવામાં અસફળ રહ્યું.

કાશ્મીરની ઘટનાઓનું વિશ્લેષણ ના કરી શકવું પણ રૉ વિરુદ્ધ હતું. પરંતુ એ પણ સ્વાભાવિક છે કે તેને આઈએસઆઈના કારનામાઓ સાથે સરખાવીને જોવામાં આવે.

જ્યારે આઈએસઆઈના એક પૂર્વ પ્રમુખને તેમના મૃત્યુના થોડા દિવસો પહેલાં પૂછવામાં આવ્યું કે શું રૉ એક ગુપ્ત એજન્સીના રૂમમાં તેમના ઉદ્દેશ્યોમાં સફળ રહ્યું છે?

હમીદ ગુલનો જવાબ હતો, "તેઓ પાકિસ્તાનના માઇન્ડ સેટને ક્યારેય પણ ના બદલી શક્યા. તેઓ અમારી યુનિવર્સિટીના કેમ્પસમાં પ્રવેશ્યા અને તેમણે હંમેશા પાકિસ્તાનને 'ડિ-સ્ટેબિલાઇઝ' કરવાનો પ્રયત્ન કર્યો.”

"અહીં શિયા-સુન્ની હુલ્લડો કરાવવામાં અને બલૂચિસ્તાનમાં હિંસા ભડકાવવામાં પણ તેમનો હાથ હતો. રૉને સૌથી મોટો ફટકો અફઘાનિસ્તાનમાં પડવાનો છે.”

“અમેરિકા જ્યારે આ જંગ હારશે તો ભારત દ્વારા અફઘાનિસ્તાનમાં કરાયેલા રોકાણને માઠી અસર પડશે.”

"ભારત હંમેશાં સોવિયત સંઘ સાથે જોડાયેલું રહ્યું છે અને એવું પણ કહેતું આવ્યું છે કે તેઓ નિરપેક્ષ છે.”

“આજે પૂરી દુનિયામાં 'ગ્લોબલ ઇમ્પીરિયલિઝ્મ' વિરુદ્ધ માહોલ બની રહ્યો છે. ભારતનો વંચિત વર્ગ પણ આ અનુભવી શકે છે. "


રૉ અને આઈએસઆઈ

Image copyright AFP
ફોટો લાઈન પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મુશર્રફ

બીજી તરફ રૉના પૂર્વ એડિશનલ ડિરેક્ટર જ્યોતિ સિન્હા માને છે કે આઈએસઆઈને ત્યાંની સેનાનું સમર્થન મળેલું છે.

જ્યોતિ સિન્હા કહે છે, "આઈએસઆઈએ નાની-મોટી લડાઈઓ જીતી હશે, પરંતુ યુદ્ધમાં તેમની હાર થઈ છે. બીજી તરફ રૉ ભલે નાની-મોટી લડાઈ હાર્યું હોય, પરંતુ તે યુદ્ધ હંમેશાં જીત્યું છે.

આઈએસઆઈએ પાકિસ્તાનને સુરક્ષિત રાખવા માટે જે પણ પગલાં લીધા તે તેમના દેશ પર જબરદસ્ત બોજ બની ગયા."

"તેમણે વિચાર્યું કે જો ઇસ્લામિક આતંકવાદને ભારત વિરુદ્ધ એક હથિયાર રૂપે ઉપયોગ કરવામાં આવે તો ભારત વિખેરાઈ જશે. જિયા ઉલ-હકે તેને 'સ્ટ્રેટેજિક બ્લીડિંગ ઇન્ડિયા ટૂ ડેથ બાય હન્ડ્રેડ વૂન્ડ્સ'નું નામ આપ્યું હતું. હવે આ નીતિની ભારે કિંમત તેઓ જ ચૂકવી રહ્યા છે. "

રૉના બીજા એક પ્રમુખ એ એસ દુલત માને છે કે રૉએ ઘણી ઘટનાઓને અંજામ આપ્યો છે, પરંતુ તેનો શ્રેય લેવાનો પ્રયત્ન નથી કર્યો.


અમેરિકા સાથે સંબંધ સુધારવામાં રૉની ભૂમિકા

Image copyright Getty Images
ફોટો લાઈન લડાઈ પહેલાં ભારત તરફ પલાયન કરી રહેલા પૂર્વી પાકિસ્તાની

ગુપ્ત એજન્સીઓની સફળતાઓ અને અસફળતાઓ હંમેશા બહાર નથી આવતી.

આનંદ કુમાર વર્માએ એક ઘટના યાદ કરતા જણાવ્યું, "આ વાત 1980-81ની છે જ્યારે ઇંદિરા ગાંધી ચૂંટણી જીત્યાં હતાં. તેઓ ઇચ્છતાં હતાં કે આપણે અમેરિકા સાથે નવી રીતે કામ શરૂ કરીએ."

"અમેરિકાના રક્ષા વિભાગ પેંટાગાન ભારત વિરુદ્ધ હતો કારણ કે તેમનું માનવું હતું કે સોવિયત સૈનિક અધિકારીઓ અમને સલાહ આપી રહ્યા છે.”

“અમેરિકન વિદેશ મંત્રાલય અને રક્ષા મંત્રાલય વચ્ચે ભારત પ્રત્યે અલગઅલગ વિચારો હતા. બીજી તરફ ભારતના વિદેશ મંત્રાલયના લોકો સોવિયત સંઘ પ્રત્યે ઝૂકેલા હતા."

વર્માએ કહ્યું, "ઇંદિરા ગાંધી ઇચ્છતા હતા કે અમેરિકાની, ભારત પ્રત્યે નીતિની સમીક્ષા કરવામાં આવે, પરંતુ તેમનાં જ વિદેશ મંત્રાલયના લોકો તેમની વિરુદ્ધ હતા. ત્યારે આર એ ડબલ્યૂ ચિત્રમાં આવ્યું.”

તેમણે ભારતના વિદેશ મંત્રાલય અને અમેરિકાના રક્ષા મંત્રાલયને વિશ્વાસમાં લીધા વિના એક બીજી લિંક તૈયાર કરી અને અમેરિકાને સમજાવ્યું કે ભારત તેમની સાથે પોતાની નીતિમાં પરિવર્તન કરવા માગે છે.

વર્ષ 1982માં ઇંદિરા ગાંધીને અમેરિકા જવાનું આમંત્રણ મળ્યું. તેઓ ત્યાં ગયાં અને એક એવું પગલું ભર્યું જે પ્રોટોકલ વિરુદ્ધ હતું. તેમણે ઉપ રાષ્ટ્રપતિ જોર્જ બુશને રાજકીય મહેમાન તરીકે ભારત આવવાનું આમંત્રણ આપ્યું.

સામાન્ય રીતે વડા પ્રધાન 'હેડ ઑફ ધ સ્ટેટ' એટલે કે રાષ્ટ્રપતિને પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપી શકે છે. બુશે ઇંદિરાનું આમંત્રણ સ્વીકાર્યું અને ત્યાંથી ભારત-અમેરિકાના સંબંધોનો નવો પાયો નખાયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ