બુલેટ ટ્રેન સામેનો ખેડૂતનો વિરોધ ખરેખર કોના માટે છે?

 • હરેશ ઝાલા
 • બીબીસી ગુજરાતી માટે
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના વડા પ્રધાન શિંઝો એબે સાથે

મહારાષ્ટ્ર બાદ ગુજરાતના ખેડૂતો પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વિકાસનું ગ્રીન સિગ્નલ નથી આપી રહ્યા.

બુલેટ ટ્રેન માટે ખેડૂતો પોતાની જમીન નહીં આપવાનો નિર્ધાર કરીને હાઈ કોર્ટના દરવાજા ખખડાવી ચૂક્યા છે.

જોકે, બુલેટ ટ્રેનને દોડતી કરવા માટે રચાયેલા નૅશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશનના અધિકારીઓને વિશ્વાસ છે કે તેઓ ખેડૂતોને જમીન આપવા માટે મનાવી લેશે.

હાલ ખેડૂતોમાં આ પ્રોજેક્ટ માટે થઈ રહેલા જમીન સંપાદન અને તે માટેના વળતરના મુદ્દે પ્રશ્નો છે.

ખેડૂતો કહે છે કે, મલ્ટી સ્ટેટ પ્રોજેક્ટ હોવા છતાં રાજ્ય સરકાર જમીન સંપાદન કરી રહી છે.

તેમાં તે પણ જમીન સંપાદન કાયદા 2013નો ભંગ કરીને ખેડૂતોની જમીન 2011ની જંત્રી પ્રમાણે વળતર આપીને સંપાદિત થઈ રહી છે.

દસ દિવસ પહેલાં ખેડા જિલ્લાના નૈનપુર ખાતેથી 'ખેડૂત સંપર્ક અભિયાન'નો પ્રારંભ થયો છે.

ગુજરાત ખેડૂત સમાજ દ્વારા આયોજીત આ અભિયાન હેઠળ રાજ્યના 192 ગામના 2500 ખેડૂત પરીવારોનો સંપર્ક કરવામાં આવશે.

આ વિશે વાત કરતાગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે કહ્યું કે, ખેડૂતોને બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી ખેડૂતોને થનારી અસર વિશે જાગૃત કરવામાં આવશે.

શું છે ખેડૂતોની ચિંતા

ઇમેજ સ્રોત, T G Patel

ઇમેજ કૅપ્શન,

ખેડૂત કાનભા ચૌહાણ

નૈનપુર ગામ ખેડૂત કાનભાઈ ચૌહાણ પાસે 5 વીઘા જમીન છે. તેમને બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે તેમની જમીનનું સંપાદન થવાની નોટિસ મળી છે.

તેમણે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "મારો 15 સભ્યોનો પરિવાર આ જમીનમાંથી ઉત્પન્ન થતી ખેત પેદાશ પર નભે છે. અમને અમારી જમીન આપવી પોસાય તેમ નથી."

શું તમે આ વાંચ્યું?

આવો જ સૂર છાપરા ગામના ખેડૂત માનુભાઈ ચૌહાણનો પણ છે. તેમના પરિવારની 17 ગુંઠા ખેતીની જમીન, સંયુક્ત પરિવારનાં છ થી સાત મકાન અને તબેલા સંપાદનમાં જાય છે.

જો તે સરકારને જમીન આપે તો તેમના પરિવારના 40 થી 50 સભ્યો છત વિહોણા થઈ જશે.

મનુભાઈએ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો વિરોધ કરતા કહ્યું, "ખેડા જિલ્લો રાજ્યનો બગીચો છે. અહીંના ખેડૂતો બાગાયતી પાક લઈ સારી એવી આવક મેળવે છે.”

“હું મારી એક વીઘા જમીન પર ટિંડોરાં અને ગલકાની ખેતી કરું છું. મને વરસે તેમાંથી પાંચેક લાખની રૂપિયાની આવક થાય છે."

ઇમેજ સ્રોત, T G Patel

ઇમેજ કૅપ્શન,

ખેડૂત મનુભાઈ ચૌહાણ

તેમણે ઉમેર્યું, "આવી સ્થિતિમાં કયા ખેડૂતને તેની ફળદ્રૂપ જમીન એક રેલ પ્રોજેક્ટ માટે આપવાની ઇચ્છા થાય, જે પ્રોજેક્ટ માત્ર અમીરો માટે છે. તેનું ભાડું પણ એટલું હશે કે સામાન્ય ખેડૂત કે સામાન્ય નાગરીક પ્રવાસ ન કરી શકે."

તેમની બીજી ફરિયાદ એ પણ છે કે પંદર દિવસ પહેલાં તેમને જમીન સંપાદનની નોટિસ મળી છે. તેમાં વળતર અંગે કોઈ સ્પષ્ટતા નથી.

તેમણે કહ્યું, "ઘર સામે ઘર કે જમીન સામે જમીન આપવાની વાત હોય તો પણ એ જોવું પડે કે ફૂળદ્રૂપ જમીન આપે છે કે પડતર અને ખરાબાની જમીન.”

“જો પડતર કે ખરાબાની જમીન આપતા હોય તો તે ખેડૂત માટે શું કામની. આ સંજોગોમાં જમીન કે ઘર સંપાદન માટે આપવાનું હું કે અમારો સંયુક્ત પરિવાર વિચારી પણ શક્તા નથી."

બુલેટ ટ્રેન માત્ર અમીરો માટે?

ઇમેજ સ્રોત, Getty Images

મનુભાઈની આ વાતનો પડઘો રેલવેના વિશેષજ્ઞની એક અખબારી મુલાકાતમાં પણ જોવા મળે છે.

દિલ્હીમાં ફરી રહેલી મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કરનારી એજન્સીના ભૂતપૂર્વ વડા અને 'મેટ્રો મેન' તરીકે ઓળખાતા, ઈ શ્રીધરને 'હિંદુસ્તાન ટાઇમ્સ' અખબારને આપેલી એક મુલાકાતમાં બુલેટ ટ્રેનને ભદ્ર વર્ગ (એલીટ ક્લાસ) માટે જ હોવાની ટિપ્પણી કરી છે.

તેમણે એ મુલાકાતમાં જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન માત્ર સમાજના એક ભદ્ર વર્ગ માટે જ હશે.

તે અત્યંત ખર્ચાળ અને સામાન્ય માણસોની પહોંચથી દૂર છે. ભારતને આધુનિક, સાફ, અને ઝડપી રેલવે વ્યવસ્થાની જરૂર છે.

ઇમેજ સ્રોત, T G Patel

ઇમેજ કૅપ્શન,

ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ

ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે બુલેટ ટ્રેનની જરૂરિયાત વિશે જ પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું, "ભારતીય રેલવેના એન્જિનિયર્સે તાજેતરમાં એક એન્જિન વિકસાવ્યું છે, જે પ્રતિ કલાક 225 કિલોમીટરની ઝડપથી દોડી શકે છે."

"ઉપરાંત અમદાવાદ અને મુંબઈ વચ્ચેના હાલના રેલવે ટ્રેકના આધુનિકીકરણ પાછળ જો માત્ર 25 કરોડનું રોકાણ કરવામાં આવે તો હાલના જ ટ્રેક પર 150 થી 200 કિલોમિટરની ઝડપથી ટ્રેન દોડાવી શકાય તેમ છે."

"તો પછી રાજ્યની ફળદ્રૂપ જમીનનું સંપાદન કરી એક લાખ દસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે જાપાનથી બુલેટ ટ્રેન આયાત કરવાની શી જરૂર છે."

ખેડૂતોની કાયદાકીય લડાઈ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

આ સંદર્ભે સુરત જિલ્લાના ખેડૂતોએ એક જાહેર હિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી છે.

ખેડૂતોના વકીલ આનંદવર્ધન યાજ્ઞિકે ખેડૂતો વતી એવી દલીલ કરી હતી કે આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની એજન્સી નૅશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમીટેડ કરી રહ્યું છે.

આ પ્રોજેક્ટ મલ્ટી સ્ટેટ છે, તેવા સંજોગોમાં જમીનનું સંપાદન કેન્દ્ર સરકારે કરવું જોઈએ.

તેની જગ્યાએ મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય સરકાર જમીન સંપાદન કરે છે, જે ગેરકાયદેસર છે.

તેમની બીજી રજૂઆત એવી હતી વર્ષ 2013ના જમીન સંપાદન કાયદા પ્રમાણે સરકારી પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરતાં પહેલાં સરકાર જે-તે વિસ્તારની જમીનના જંત્રીના ભાવ સુધારવા જોઈએ અને બજારના વર્તમાન દર જેટલા થવા જોઈએ.

તેને બદલે આ જમીન સંપાદન માટે સરકાર 2011ની જંત્રી પ્રમાણે જમીન સંપાદન કરવાની કોશિશ કરી કાયદાનું ઉલ્લંઘન કરે છે. રાજ્ય સરકારે કાયદામાં આ શરત કાઢી નાખી છે.

ઇમેજ સ્રોત, T G Patel

ઇમેજ કૅપ્શન,

ખેડૂતોના વકીલ આનંદવર્ધન યાજ્ઞિક

આનંદવર્ધન યાજ્ઞિકે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "મૂળ કાયદામાં પુનઃવસન અને પુનઃસ્થાપનની જે શરતો હતી તે ગુજરાત સરકારે ઉડાડી દીધી છે."

"આજ રીતે આ કાયદા હેઠળ કોઈ પણ પ્રોજેક્ટના અમલ પહેલાં જે-તે ગામની મંજૂરી અતિ આવશ્યક હતી, તે શરતનો પણ છેદ ઉડાડી દીધો છે."

મહત્ત્વના અન્ય મુદ્દા વિશે તેમણે કહ્યું, "કાયદા પ્રમાણે આ પ્રકારના પ્રોજેક્ટના આવવાથી સમાજ ઉપર કેવી અસર થશે, તેને લાભ થશે કે ગેરલાભ, તે શરત પણ સરકારે કાઢી નાખીને કોઈ સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવામાં આવ્યું નથી."

સરકારી અધિકારીઓ શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આ ટ્રેન જે જિલ્લામાંથી પસાર થવાની છે, ત્યાંના કલેક્ટર હેઠળ કામ કરતા જમીન સંપાદન અધિકારીઓ દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા થઈ રહી છે.

આ વિશે સુરત જિલ્લાના નાયબ કલેકટર (જમીન સંપાદન) એમ કે રાઠોડે બીબીસીને કહ્યું, "ખેડૂતોની માંગ છે કે નવી જંત્રી બજાર દરે નક્કી કરવી જોઈએ અને તેના આધારે તેમને વળતર મળવું જોઈએ."

"રાજ્ય સરકારના જમીન સંપાદનના કાયદા હેઠળ જે જંત્રી અમલમાં છે અને છેલ્લાં ત્રણ વર્ષના વેચાણના જે દર છે, તે મુજબ વળતર અપાઈ રહ્યું છે."

તેમને વળતર કે અન્ય કોઈ બાબતે વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કરતાં કહ્યું, "આ સંદર્ભે ખેડૂતોએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે. હવે આ મુદ્દો કોર્ટમાં હોવાથી હું કંઈ વધુ નહીં કહી શકું."

ખેડૂતોનો વિરોધ વાજબી છે : બુલેટ ટ્રેનના અધિકારી

ઇમેજ સ્રોત, Getty Images

બુલેટ ટ્રેનની યોજનાને કાગળ પરથી વાસ્તવિક સ્વરૂપ આપવા માટે કેન્દ્ર સરકારે એક કંપની બનાવી છે.

નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ (NHSRCL) નામે ઓળખાતી આ કંપની ભારત સરકારી અને જે રાજ્યોમાં વિવિધ હાઈ સ્પીડ રેલવેના પ્રોજેક્ટ્સ હાથ ધરાઈ રહ્યા છે, ત્યાંની રાજ્ય સરકારોનું સંયુક્ત સાહસ છે.

આ કંપનીના પબ્લિક રિલેશન ઓફિસર (PRO) ધનંજય કુમારે કહ્યું, "ખેડૂતોનો વિરોધ સંપૂર્ણ રીતે વાજબી છે. ઘર અને જમીન એમની મિલકત છે, જો એનું સંપાદન થવાનું હોય તો કોઈ પણ વ્યક્તિ વિરોધ કરે એ ખૂબ જ સહજ બાબત છે.”

“આ માટે અમે એટલા માટે જવાબદાર છીએ કે અમે તેમને આ પ્રોજેક્ટ વિશે અને ખેડૂતોની જમીન સંપાદન કરવાને બદલે તેમને શું વળતર મળશે તેની સાચી અને યોગ્ય માહિતી આપવામાં મોડું કર્યું છે."

ગુજરાતના ખેડૂતોની જેમ મહારાષ્ટ્રમાં પણ ખેડૂતો બુલેટ ટ્રેનનો વિરોધ કરી રહ્યા છે.

જોકે, ધનંજય કુમારના દાવા પ્રમાણે હવે ખેડૂતોમાં જમીન સંપાદન મામલે વિરોધ ઘટી રહ્યો છે.

તેમણે એમ પણ દાવો કર્યો કે, NHSRCL ની રચના બાદ માળખાકીય વ્યવસ્થાઓ ગોઠવવામાં થયેલા વિલંબને કારણે રાજકીય પક્ષોને આ મામલે રાજકારણ કરવાની તક મળી છે.

વળતરમાં નોકરી નહીં માત્ર રોકડા નાણાં

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત વિશે વાત કરતા ધનંજય કુમારે કહ્યું, "જમીન એ રાજ્યોનો વિષય હોવાથી અમે રાજ્ય સરકાર દ્વારા જ જમીન સંપાદન કરી રહ્યા છીએ. ગુજરાતમાં પણ અમારે ખેડૂતો સાથે સંવાદ નથી થયો એટલે વિરોધ થઈ રહ્યો છે."

"ગુજરાતમાં ખેડૂતો પ્રોજેક્ટની વિરોધમાં નથી. તેમને વળતર વિશેના પ્રશ્નો છે. અમે વર્ષ 2016માં જમીન સંપાદન કાયદામાં થયેલા સુધારા અનુસાર ખેડૂતોને વળતર આપીશું. એટલું જ નહીં જંત્રી કરતાં 25 ટકા વધુ કિંમત ચૂકવવાના છીએ."

ધનંજય કુમારના જણાવ્યા અનુસાર સમગ્ર પ્રોજેક્ટ એલીવેટેડ હશે એટલે તેમને બુલેટ ટ્રેનના ટ્રેક અને તેની સાથે જોડાયેલા રોડ માટે ખેડૂતો પાસેથી તેમના ખેતરમાં માત્ર 17 મીટર જમીનનો પટ્ટો જ સંપાદન કરવાનો છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ખેડૂતોને જમીનને બદલે જમીન કે ઘરને બદલે ઘર કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં નોકરી સ્વરૂપે વળતર નથી આપવાનું. વળતર તરીકે માત્ર નાણાં જ ચૂકવવામાં આવશે.

તેમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે પ્રોજેક્ટ માટે જરૂરી સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ હજી સુધી પૂર્ણ થયું નથી.

ઇમેજ સ્રોત, Getty Images

તેમણે 'મેટ્રો મેન' ઈ શ્રીધરનના નિવેદન વિશે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કરતાં કહ્યું, "અમારું 'ટાર્ગેટ ઓડિયન્સ' રોડ કે ફ્લાઇટ દ્વારા અમદાવાદ મુંબઈ વચ્ચે મુસાફરી કરતા બિઝનેસમેન છે. અમે તેમને આકર્ષવા માગીએ છીએ.”

“ફ્લાઇટમાં પણ અમદાવાદથી મુંબઈ પહોંચવા માટે કુલ પાંચ કલાક જેટલો સમય લાગે છે.”

“આ સમયમાં ટ્રાફિક જામ, એરપોર્ટ દોઢથી બે કલાક અગાઉથી પહોંચવાનું, હવાઈ મુસાફરી અને મુંબઈ પહોંચ્યા બાદ ફરીથી ટ્રાફિકમાં કામના સ્થળે પહોંચવાના સમયની ગણતરી કરી છે.”

“જ્યારે બુલેટ્ર ટ્રેનથી આ પાંચ કલાકનો સમય બેથી અઢી કલાકનો થઈ જશે કારણ કે મુસાફરો મુંબઈના ટ્રાફિકને ભેદીને સીધા જ તેમના કામના સ્થળે બુલેટ ટ્રેનમાંથી ઉતરશે."

શું છે આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ?

ઇમેજ સ્રોત, Getty Images

 • મુંબઈ થી અમદાવાદ વચ્ચે 508.17 કિલોમિટરનો હાઈ સ્પીડ રેલ કોરીડોર બનશે
 • જેના ઉપર હાઈ સ્પીડ ટ્રેન દોડાવવામાં આવશે.
 • તેમાં મુંબઈ - અમદાવાદ વચ્ચે 12 સ્ટેશન બનાવવામાં આવશે જ્યાં આ ટ્રેન ઊભી રહેશે.
 • કુલ 508.17 કિલોમિટરના અંતરમાંથી માત્ર 21 કિલોમિટરનો ટ્રેક જ જમીનમાં રહેશે જ્યારે બાકીનો ટ્રેક એલિવેટેડ હશે.
 • આ માટે જાપાન સરકાર સાથે ભારત સરકારે કરાર કર્યાં છે.
 • જાપાન સરકાર રૂપિયા 88 હજાર કરોડનું ધિરાણ ભારતને 50 વર્ષ માટે 0.01 ટકાના દરે આપશે.
 • બાકીના પૈસા ભારતીય રેલ્વે બજાર કે સરકારની ગ્રાન્ટમાંથી ઊભા કરવા પડશે.
 • 2014-15ના અંદાજ પ્રમાણે પ્રોજેકટ કોસ્ટ રૂપિયા 98 હજાર કરોડ થતો હતો.
 • હવે આ પ્રોજેક્ટ કોસ્ટ રૂપિયા 1 લાખ 10 હજાર કરોડનો થઈ ગયો છે.
 • આઈઆઈએમ અમદાવાદના એક અભ્યાસ પ્રમાણે આ પ્રોજેક્ટને વાયેબલ બનાવવા માટે દૈનિક એક લાખ પેસેન્જરની મુસાફરી કરવી જરૂરી છે.
 • તેનું ભાડું પ્રતિ પેસેન્જર રૂપીયા 4000 થી 5000 હોય તો પ્રોજેકટ નફો કરતો થાય.
 • આ પ્રોજેક્ટ માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા થઈ નથી. પરંતુ જાપાન સરકારની ભલામણના આધારે કોન્ટ્રાકટ અપાયો છે.
 • મુંબઈ-અમદાવાદ વચ્ચેનું અંતર 2.07 કલાક કાપી શકાશે.
 • શરૂઆતમાં પ્રતિ ટ્રેન માત્ર 750 પેસેન્જરને એક સમયે લઈ જઈ શકાશે બાદમાં ક્ષમતા 1250ની કરાશે.
 • દર 20 મિનિટે એક ટ્રેન દોડશે.
 • હાલમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દૈનિક 20 ટ્રેન દોડે છે, જેમાં દૈનિક 20,000 મુસાફરો મુસાફરી કરે છે.
 • અમદાવાદ-મુંબઈ વચ્ચે દૈનિક 10 ફ્લાઈટ છે જેમાં દૈનિક 2500 થી 3500 પેસેન્જરો મુસાફરી કરે છે.
 • નૅશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દૈનિક બુલેટ ટ્રેનની 70 ટ્રિપ દોડાવવા માંગે છે. એટલે કે દૈનિક 52,500 મુસાફરો સફર કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો