સંજૂનો હીરો અને જેને દુનિયા ઓળખે છે એ સંજય દત્ત એક છે?

ફિલ્મ 'સંજૂ' Image copyright SPICE PR

સુકેતુ મહેતાના ચર્ચાસ્પદ પુસ્તક 'મેક્સિમમ સિટી'માં એક મજેદાર કિસ્સો વર્ણવામાં આવ્યો છે. 'મિશન કાશ્મીર' ફિલ્મના શૂટિંગ વખતની આ વાત છે.

ફિલ્મના ડિરેક્ટર વિધુ વિનોદ ચોપરાની પ્રોડક્શન ઓફિસમાં એક દિવસ કોઈ છોકરાનો ફોન આવ્યો અને કહ્યું કે 'અબુ સાલેમ તમને યાદ કરી રહ્યા છે.'

સાંજ સુધીમાં સામેથી ફોન કરવામાં ના આવ્યો એટલે ફરીથી ફોન આવ્યો અને ધમકીની ભાષામાં જણાવવામાં આવ્યું કે 'એનું ભેજું ઉડાવી દઈશું.'

મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તે વખતે ભયનો માહોલ હતો. ચોપરાના મિત્ર મનમોહન શેટ્ટી પર થોડા વખત પહેલાં જ અંડરવર્લ્ડનો હુમલો થયો હતો.

રાકેશ રોશન પર ગોળીબાર થયો હતો. ગુલશન કુમારની ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવી હતી તે ઘટનાને પણ બહુ દિવસો થયા નહોતા.

ડરી ગયેલા વિધુ વિનોદ ચોપરાએ પોતાના એક શુભચિંતકને ફોન કર્યો અને તેમના માધ્યમથી દેશના ગૃહ પ્રધાન એલ. કે. અડવાણી સુધી વાત પહોંચાડવામાં આવી હતી.

તેમને તંત્ર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપવામાં આવી.


Image copyright AFP

આમ છતાં બીજા દિવસે સુકેતુ મહેતાએ જોયું કે વિનોદ તણાવરહિત હતા. એ દરમિયાન તેમને બીજો એક ફોન આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું કે 'ચિંતા ના કરો, તમે અમારા ભાઈ જેવા છો.'

ખુશ થઈ ગયેલા ચોપરાએ લેખકને જણાવ્યું કે એ ચમત્કાર ગૃહ પ્રધાન અડવાણીના કારણે નહોતો થયો, પણ તેમની ફિલ્મના હિરો સંજય દત્તના કારણે થયો હતો.

સંજય દત્ત અને અબુ સાલેમ બંને મુંબઈ બૉમ્બ બ્લાસ્ટના કાવતરામાં આરોપીઓ હતા. સાલેમ જ હથિયારો ભરેલી મારુતિ વાન સંજય દત્તના ગેરેજમાં મૂકી ગયો હતો.

તેના કારણે મુંબઈ બૉમ્બ બ્લાસ્ટના સહઆરોપી ન. 87ને બીજા સહઆરોપી નં. 117નો ફોન ગયો કે ''તારા માટે મેં બે વર્ષ જેલમાં કાઢ્યા છે. વિનોદ મારા ભાઈ જેવા છે.''

''હું જેલમાં હતો ત્યારે પણ તેમણે મને સાથ આપ્યો હતો.'' ફોન ગયો તે સાથે જ ધમકી પાછી લઈ લેવામાં આવી.

રાજકુમાર હિરાણીની સંજય દત્ત વિશેની ફિલ્મ 'સંજૂ' હાલમાં જ રજૂ થઈ, તેમાં સંજયનું જે ચિત્રણ કરવામાં આવ્યું છે તેની સાથે આ કિસ્સો બંધબેસતો નથી.

રણબીર કપૂરે ફિલ્મમાં રજૂ કરેલો સંજય દત્ત તો અહીં 'બાબા' છે, જે પોતે ષડ્યંત્રોનો ભોગ બનેલો છે.


Image copyright Getty Images

તેમને ફસાવવા માટે ક્યારેય તેમના મિત્રો નિમિત્ત બને છે, ક્યારેક કોઈ અજાણ્યો ફોન તેમને ફસાવી દે છે તો ક્યારે દેશનું મીડિયા. અહીં સંજયને સંજોગોનો શિકાર બનેલા છે.

સંજય દત્તના જૂના મિત્ર વિધુ વિનોદ ચોપરા આ ફિલ્મના નિર્માતા છે. તમે આ ફિલ્મને સંજય દત્ત માટે આભાર વ્યક્ત કરવા માટેની ‘થેંક યૂ નોટ’ જેવી ફિલ્મ પણ કહી શકો છો.

આ ફિલ્મ સંજય દત્તની દૃષ્ટિથી જ બનવાની હતી, તે પહેલેથી નક્કી હતું. પરંતુ, હાલના જમાનાના સૌથી સફળ અને સૌના પ્રિય એવા રાજકુમાર હિરાણીનો આવું સમાધાનકારી વલણ દુઃખદ છે.

કરોડો રૂપિયા અને ઊચ્ચ કક્ષાની ટૅક્નોલોજી તથા સર્જનાત્મકતા સાથે બનાવાયેલી ફિલ્મ 'સંજૂ' અભિનેતા સંજય દત્તની પીઆર ફિલ્મથી વધારે કશું બની શકી નથી.

એવું પણ નથી કે ફિલ્મમાં બધી જ હકીકતો છુપાવી દેવાઈ છે કે ખોટી વાતો રજૂ કરવામાં આવી હોય.

ફિલ્મના પ્રથમ ભાગમાં ડ્રગ્ઝના કારણે સંજયનું જીવન કેવી રીતે ગર્તામાં જતું રહ્યું હતું તે બહુ સારી રીતે રજૂ થયું છે.

ફિલ્મમાં એવું દર્શાવ્યું છે કે અમેરિકા જતી વખતે તેણે જૂતાની અંદર ડ્રગ્ઝ સંતાડી દીધી હતી.

એ જ રીતે તેની મા મરી રહી હતી ત્યારે પણ તે એ જ કમરામાં બેસીને ડ્રગ્ઝ લેતો હતો તે પણ દર્શાવ્યું છે. પણ આ બાબતો કેવાં પાત્રો દ્વારા રજૂ કરવામાં આવી તે સૌથી મોટી ચાલાકી છે.


તથ્યોના સ્પિન-ઑફની હિરાણી સ્ટાઇલ

Image copyright AFP

દાખલા તરીકે પ્રોમોમાં સંજયનું કન્ફેશન લેવાયું હતું કે 'હું 350 છોકરીઓ સાથે સૂઈ ગયેલો છું.' આ જ વાત ફિલ્મમાં કેવી રીતે લેવાઈ છે તે જુઓ!

સંજયનો સ્વાર્થી દોસ્ત સંજયની જીવનકથા લખવા આવેલી અનુષ્કા શર્માની કાન ભંભેરણી કરે છે અને કહે છે કે જો તમે સંજયને પૂછશો તો એ તો ખોટું જ બોલવાનો.

હવે થાય છે એવું કે લેખિકા સંજયને આ બાબતમાં સીધું પૂછી લે છે ત્યારે તે આશ્ચર્યની વચ્ચે, પત્નીની હાજરીમાં જ કબૂલ કરી લે છે.

હવે પાત્રને નીચું દેખાડનારી આ આખી વાત, તે કેટલો સત્યવક્તા છે તેની વાહવાહ કરનારી બાબત બની જાય છે.

આ વાત બાજુએ મૂકી દઈએ તો પણ આખી ફિલ્મ મહિલાઓ માટે અપમાનજનક જોક્સથી ભરેલી છે.

તેનો ઉપયોગ સંજય દત્તના પાત્રની આછકલાઈ બતાવવા માટે નહીં, પરંતુ મનોરંજનના એક સસ્તા સાધન તરીકે કરવામાં આવ્યો છે.

જોકે હિરાણી આ પહેલાં પણ ‘થ્રી ઇડિયટ્સ’ના ‘ચમત્કાર - બળાત્કાર’વાળા દૃશ્યમાં આવું કરી ચૂક્યા છે.

આ જ રીતે અંડરવર્લ્ડના ગુંડાઓ સાથે તેની વાતચીતનો મામલો 'બે બદામ'ના અખબારના તંત્રીના મોઢે સંભળાવી દેવામાં આવી છે, જેથી તેની કોઈ અસર જ ઊભી ન થાય.

2000ની સાલ સુધી તે ગુંડાઓ સાથે વાતચીત કરતો રહેતો હતું તેનું રેકૉર્ડિંગ ઉપલબ્ધ છે.

એ રેકૉર્ડિંગ્સમાં કદાચ શરાબ પીને તે છોટા શકીલ સાથે ફોન પર મજાક-મશ્કરી કરતો સંભળાય છે. ટાડામાં તેની ધરપકડ થઈ તેનાં સાત વર્ષ પછી તે આ વાતચીત કરતો રહ્યો હતો.


સંજય દત્તનું ફિલ્મી કૅરિયર

Image copyright AFP/GETTY IMAGES

દાઉદ ઇબ્રાહિમ સાથે કથિત રૂપે તેમનો પરિચય વર્ષ 1991માં થયો હતો. એ સમયે તે દુબઈમાં ફિરોઝ ખાન સાથે ‘યલગાર’નું શૂટિંગ કરી રહ્યા હતા.

દાઉદના ભાઈ અનીસ ઇબ્રાહિમ સાથે તેમની મુલાકાતો થતી રહી.

લેખક યાસિર ઉસ્માનની ‘જગરનૉટ’ દ્વારા પ્રકાશિત સંજય દત્તની જીવનકથામાં એ કબૂલાતનામાનું વિગતવાર વિવરણ કરવામાં આવ્યું છે, જેને પાછળથી સંજય દત્તે પાછું ખેંચી લીધું હતું.

તાજેતરમાં જ સંજય દત્ત દ્વારા આ જીવનકથાના પ્રકાશકને પણ કાનૂની નોટિસ મોકલાવી.

આ બધું વર્ષ 1992માં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી એ પહેલાંની વાતો છે, પરંતુ ફિલ્મમાં તેનો ઉલ્લેખ નથી.

2013માં 'તહલકા' મૅગેઝીને આના વિશે અહેવાલ છાપ્યો હતો.

તે અહેવાલ લખનારાં પત્રકાર નિશિતા ઝાએ એમ પણ લખ્યું હતું કે કઈ રીતે સુકેતૂ મહેતાએ તેમની સાથે વાતચીત કરવાનો એમ કહીને ઇન્કાર કર્યો હતો કે તેમના એક નજીકના મિત્ર સંજય દત્ત વિશે તેમના પુસ્તકમાં લખાયેલાં એક પ્રકરણથી ખુશ નથી.

મહેતા નથી ઇચ્છતા કે તેમનાં વ્યક્તિગત સંબંધો વધુ બગડે.

વાતને છુપાવવા માટેની આ એજ વાત છે, જે 'સંજૂ' ફિલ્મમાં જોવા મળે છે.

એક અભિનેતાની જિંદગી વિશે હોવા છતાં આ ફિલ્મમાં સંજય દત્તની માત્ર બે ફિલ્મોનો જ ઉલ્લેખ જોવા મળે છે.

તેમની પ્રથમ ફિલ્મ રૉકી અને બીજી ખુદ હિરાણીની ‘મુન્નાભાઈ એમબીબીએસ.’

આ ઉપરાંત એક દૃશ્યમાં ‘ખલનાયક’નું પોસ્ટર દેખાય છે અને બીજા એક દૃશ્યમાં હીરો ‘મિશન કશ્મીર’ના કૉસ્ચ્યુમમાં જોવા મળે છે.

સંજય દત્તે પોતાની કારકિર્દીમાં 180થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ અહીં ના તો મહેશ ભટ્ટની સુંદર ફિલ્મ ‘નામ’નો ઉલ્લેખ છે કે ન ‘સડક’નો.

ન તેમની ઍક્શન હીરો તરીકેની ઓળખ બદલનારી ‘સાજન’નો ઉલ્લેખ છે કે નથી તેમને ફિલ્મફૅયર અપાવનારી ફિલ્મ ‘વાસ્તવ’નો.

શું એની પાછળનું એક કારણ એ છે કે તેમની તમામ હીટ ફિલ્મો તેમની ‘બૅડ બૉય’ ઇમેજનું પડદા પર સ્પિન-ઑફ છે અને એટલા માટે જ તાજી પીઆર એક્સરસાઇઝમાં એ ફિલ્મોને ભુલાવી દેવી જ યોગ્ય છે?


સંજય દત્તની મુસ્લિમ ઓળખ

Image copyright AFP

સંજય દત્તની કહાની હકીકતમાં વિભાજિત થઈ રહેલા શહેર અને સમગ્ર રીતે બદલાઈ રહેલા હિંદુસ્તાનની કથા છે.

તમે સંજય દત્ત સામે આર્મ્સ એક્ટમાં ગુનો સાબિત થયો, તેનું જજમેન્ટ વિગતે વાંચશો તો કેટલીક વાતો સમજાશે.

તેમાં તેમના વકીલોએ એવી દલીલો કરી હતી કે બાબરી વિધ્વંસ પછી મુંબઈમાં લઘુમતી કોમમાં ભયનો માહોલ હતો અને તેના કારણે જ સંજય દત્ત રાઇફલ રાખવા મજબૂર થયા.

તેને બાદમાં થયેલા બૉમ્બ વિસ્ફોટ સાથે તેને જોડવી ના જોઈએ એવી દલીલો વકીલોની હતી.

એમ પણ કહેવાયું હતું કે તે પોતે પણ એક પ્રકારના આતંકવાદનો (સાંપ્રદાયિક રખમાણોનો) ભોગ બનેલો છે.

તેથી તેની સામે ટાડા નીચે કેસ ચલાવવો તે આ કાનૂનના હાર્દની વિરુદ્ધમાં છે.

હિંસા કરવાવાળા અને હિંસાનો ભોગ બનેલાને એક જ ત્રાજવે તોળવા ના જોઈએ એમ કહેવાયું હતું.

ફિલ્મ 'સંજૂ'માં એકપણ વાર સંજય દત્તની મુસ્લિમ ઓળખને છતી થવા દેવાઈ નથી.

તેની રગોમાં મુસ્લિમ માનું લોહી વહે છે એવો ઉલ્લેખ માત્ર એક ગુંડાએ આપેલી ધમકીમાં વણી લેવાયો છે.

આવું કદાચ અનાયાસે થયું હશે, તેમ માની લઈએ તો પણ સત્તાધારી પક્ષના ખેલાડીઓને આખી વાતથી કેવી રીતે અલગ રાખી દેવામાં આવ્યા તે ચાલાકી સૌથી ખતરનાક છે.

'બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી' તેવો ઉલ્લેખ છે, પણ તોડી પાડનારાનો ઉલ્લેખ નથી.

વર્ષ 1993માં થયેલા મુંબઈના રમખાણોમાં મુસ્લિમોની તબાહીનો ઉલ્લેખ છે, પણ તેના માટે જવાબદાર લોકોનો ઉલ્લેખ નથી.

હિરાણીની અગાઉની ફિલ્મોમાં મહત્ત્વનો ભાગ બનેલાં ઝહિર, મકસૂદ, ફરહાન અને સરફરાઝ જેવા મુસ્લિમ પાત્રો સંપૂર્ણ રીતે ગાયબ છે.

એટલું જ નહિ, જે 'હિંદુ હૃદયસમ્રાટ'ના દરબારમાં હાજર થઈને સંજય દત્તે મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવાની કોશિશ કરી હતી, તેનો ફિલ્મમાં કોઈ ઉલ્લેખ પણ નથી.

હકીકતોનો પોતાની અનુકૂળતા પ્રમાણે રજૂ કરવાની મહારત ધરાવતા લેખક અભિજાત જોશી અને ઍડિટર હિરાણીની જુગલબંધી અહીં બરાબર જામી છે.

અફસોસ એ વાતનો છે કે આ કલાકારો દોસ્ત સંજય દત્તની પીઆર મશીનરી માટે પોતાની કલાને વાપરી રહ્યા છે.


રાજૂ હિરાણીના પ્રિય ‘આઉટસાઇડર’ હીરોનો અંત

Image copyright Getty Images

રાજકુમાર હિરાણીની અગાઉની ફિલ્મો દર્શકોને નૈતિકતાનો પાઠ ભણાવતી હતી. તેમની ફિલ્મો માણસને સારો બનાવવાની અને ભૂલો સમજવાની પાઠશાળા હતી.

દર્શકોએ પણ તેને સ્વીકારી હતી. આ જ ફૉર્મ્યુલા 'સંજૂ'માં પણ છે. પરંતુ એક બાબતમાં અગાઉની ફિલ્મો કરતાં આ ફિલ્મ જુદી છે અને એ બાબત ખૂબ અગત્યની છે.

‘મુન્નાભાઈ એમબીબીએસ’થી લઈને ‘પીકે’ સુધી રાજૂ હિરાણીએ સિસ્ટમની ખામીઓ બતાવવા માટે પોતાના મુખ્ય પાત્રને હંમેશા સિસ્ટમમાંથી બહાર રહેલો કોઈ 'આઉટસાઇડર' જ પસંદ કર્યો હતો.

મુન્નાભાઈનું પાત્ર એક આઉટસાઇડરનું હતું, જે એલીટ ડૉક્ટરો, કૉર્પોરેટ મૅનેજરો, સ્વાર્થી બિઝનેસમૅન અને ઢોંગી જ્યોતિષીઓથી બનેલા આપણા નાગરિક સમાજના ખરા હત્યારા અને તેનું બિહામણં સ્વાર્થીપણું આપણી સામે મૂકી દેતું હતું.

તે એંસીના દાયકાના હીરોની જેમ સમાજના વંચિતોનો નાયક હતો.


Image copyright SPICE PR

'થ્રી ઇડિયટ્સ' પણ આ જ ફોર્મ્યુલાને આગળ વધારતી હતી અને તેમાં દર્શાવાયું હતું કે કઈ રીતે આપણી ગોખણપટ્ટીની વિદ્યા આપતી શિક્ષણ પદ્ધતિ નવયુવાનોનો ભોગ લઈ રહી છે.

તે સમજાવવા માટે પણ તેમણે શિક્ષણ વ્યવસ્થાની બહારના એક અભણ, ગરીબ, અજાણ્યા ફૂંસુક વાંગડૂને કથાના નાયક તરીકે પસંદ કર્યો હતો.

‘પીકે’ આ ફોર્મ્યુલાને સૌથી ઊંચાઈ પર લઈ જતી હતી. જેમાં સમાજમાં વ્યાપ્ત અંધવિશ્વાસને દેખાડવા માટે તેમણે એક એલિયનને હાજર કરી દીધો હતો.

આ રીતે રાજકુમાર હિરાણી પોતાની ફિલ્મોને નિરપેક્ષ પ્રકારની એક નૈતિક ઊંચાઈએ લઈ જતા હતા.

આ બધા જ પાત્રો વ્યવસ્થા માટે આઉડસાઇડર હતા. તેના કારણે તે સિસ્ટમની ટીકા કરે ત્યારે તે ઈમાનદાર લાગતાં હતાં અને દર્શકોનાં દિલમાં ઊતરી જતાં હતાં.

'સંજૂ' ફિલ્મમાં પણ એ જ ફૉર્મ્યુલા છે, પણ તેમાં સંજય દત્તનું પાત્ર બિલકુલ ઊલટું છે.

Image copyright SPICE PR

પોતાના પ્રિય ઇનસાઇડરને સમાજ અને ઇન્ડસ્ટ્રી ફરી કઈ રીતે મોભાનું સ્થાન આપે તે માટેની કહાણી તેઓ ઘડી રહ્યા છે.

તેના કારણે જ્યારે તેમના પાત્રથી ‘સંજૂ’ આપણને ન્યાયતંત્ર અને મીડિયાની ખામીઓ દેખાડવાની કોશિશ કરે છે, ત્યારે ગુનેગાર પોતે જ જજ બની ગયો હોય તેવી સ્થિતિ ઊભી થાય છે.

અને ત્યાંજ 'સંજૂ' અને ડિરેક્ટર હિરાણી પોતાનો ઈમાનદાર અવાજ ગુમાવી બેસે છે. સંજય દત્તના દરેક અપરાધ માટે ફિલ્મ બીજા કોઈને દોષ આપતી આગળ વધે છે.

ડ્રગ્ઝની લત લગાવવા માટે જવાબદાર તેનો પૈસાનો લોભી મિત્ર છે અને દોસ્તની પ્રેમિકા સાથે સંબંધ માટે પોતાની પ્રેમિકાની ચડામણી જવાબદાર હતી.

ઘરમાં લાઇસન્સવાળા ત્રણ ત્રણ હથિયારો હતા, છતાં ગેરકાયદે રીતે એકે-56 રાખવા માટે ધમકી ભરેલો ફોન જવાબદાર હતો.

અંડરવર્લ્ડના ગુંડાઓ સાથે દોસ્તી રાખવા માટે તેમને ના પાડી દેવાથી થનારા સંભવિત હુમલાનો ભય જવાબદાર હતો. અને સૌથી ઉપર 'આતંકવાદી'નો થપ્પો લાગ્યો તે માટેની જવાબદારી મીડિયા પર ઢોળી દેવાઈ.


નવા વિલન તરીકે મીડિયા

હા, ફિલ્મે પોતાના માટે એક નવો વિલન પસંદ કર્યો છે. તે વિલન છે, વર્તમાન સમયમાં સૌથી આસાન નિશાન બનેલું મીડિયા!

લાંબા અને ક્લાઇમેક્સના સીનમાં અભિનેતા સંજય દત્ત જેલના રેડિયો પર 'અખબાર'ની કહાણી સંભળાવી રહ્યો છે.

કઈ રીતે વેચાણ વધારવા માટેની લડાઈમાં અખબાર જાતે સનસનાટીભરી ખબરો પેદા કરવા લાગ્યું તેની વાત તે કરી રહ્યો છે.

પોતે આવા પીળા પત્રકારત્વનો ભોગ બન્યો છે એવું તેણે કહેવું છે. આ સીન દ્વારા 'લગે રહો મુન્નાભાઇ'ની યાદ અપાવીને દર્શકો સાથે વધુ એક ભાવનાત્મક ખેલ ખેલવામાં આવે છે.

અહીં વાસ્તવિક જીવનના સંજય દત્તને કલ્પનાના મુન્નાભાઈના પાત્રમાં બેસાડી દેવાની કોશિશ થઈ રહી છે.

પરંતુ વાસ્તવિકતા એ છે કે સંજય દત્તના ગુના કોઈ કાલ્પનિક પાત્રનાં અપરાધ નથી, જે માત્ર કથા બદલી નાખવાથી તે બદલાઈ જશે.


Image copyright SPICE PR

ફિલ્મમાં છેલ્લે ક્રેડિટ્સ સાથે આવતું ગીત અતિની કક્ષાએ પહોંચે છે, જેના શબ્દો છે 'બાબા બોલતા હૈ, અભી બસ હો ગયા.' તે વખતે પોતાનું આરોપનામું સંભળાવવા રણબીર કપૂરની સાથે ખુદ સંજય દત્ત પરદા પર આવી જાય છે.

મીડિયા પર તેમનો આ ગુસ્સો જોઈને એવું લાગે છે કે આ છેલ્લાં ગીતનાં ડિરેક્ટર હિરાણી નથી, પણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે છે.

સાચી વાત એ છે કે મીડિયામાં બોલીવૂડની ખબરોને ભ્રષ્ટ કરવામાં અને તેને માત્ર એક પીઆર એક્સરસાઇઝ પૂરતી મર્યાદિત કરી દેવામાં ખુદ ફિલ્મ ઉદ્યોગનો જ હાથ છે.

ખબરોને પ્રચારમાં ફેરવી નાખવાની બીમારી 'પ્રેજ થ્રી'માંથી બહાર આવીને અખબારોના મુખ્ય પેજ પર આવી ગઈ છે.

ફિલ્મ ઉદ્યોગ નકારાત્મક ખબરો માટે મીડિયાને દોષ દે છે એ તો પેલા જેવું થયું, જેમાં રાજકીય પક્ષો ફેક ન્યૂઝ અને ટ્રોલિંગ માટે મીડિયાને દોષ દે છે.

આ આગ તે લોકોએ જાતે લગાવી છે. ફિલ્મ ઉદ્યોગ પણ એક રીતે મીડિયા ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છે.

જો મીડિયા ‘ફેક રિયાલિટી’ મેન્યુફેક્ચરિંગ કરી રહ્યું હોય તો આજે તેનું સૌથી ઉત્તમ ઉદાહરણ આ ફિલ્મ 'સંજૂ' જ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ