દેશભરમાં ઊભાં થયેલા હિંસક ટોળાંની માનસિકતા શું છે?

પ્રતીકાત્મક તસવીર Image copyright AFP

સમાજશાસ્ત્રમાં ટોળાંની માનસિકતા (મોબ સાયકૉલોજી) વિશે આમ પણ ઓછો અભ્યાસ થતો હતો. થોડો વિલક્ષણ લાગતો આવો અભ્યાસ પ્રાચીન ગણાવા લાગ્યો હતો, કેમ કે સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું તંત્ર મજબૂત થવા લાગ્યું તે સાથે સ્થિરતા વધવા લાગી હતી.

ટોળાંની માનસિકતાનો હવે અભ્યાસ થાય ત્યારે જૂના સમયની વાત થતી હોય તે રીતે કરવામાં આવે છે. ફ્રાન્સની ક્રાંતિમાં લોકજુવાળ કઈ રીતે ઉઠ્યો હતો કે પછી કુ ક્લક્સ ક્લેનના રંગભેદી ટોળાં કઈ રીતે હિંસા પર ઉતરી આવતા હતા તેની જ વાતો આપણે કરતા હોઈએ છીએ.

મોબ સાયકૉલોજીની ચર્ચા થાય ત્યારે તેમાં અશ્વેત વ્યક્તિ પર ધોળા લોકોનું હિંસક ટોળું તૂટી પડે તે પ્રકારનું વર્ણન જ વધારે થતું રહેતું હતું.

પ્રખ્યાત માનસશાસ્ત્રીઓ ગૉર્ડન અલપૉર્ટ અને રૉજર બ્રાઉન પણ ટોળાંની માનસિકતાના વિષયને અભ્યાસ કરવા લાયક સારો વિષય બનાવી શક્યા નહોતા.

અભ્યાસીઓ એમ માનીને ચાલતા રહ્યા કે આ વિષય સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્રનો છેવાડાનો વિષય છે અને સમાજમાં ક્યારેય બનતી ઘટનાનો અછડતો વિષય છે.

પરંતુ આજે લિન્ચ-મોબ (ભેગા મળીને હિંસા કરનારું ટોળું) ખરા અર્થમાં હિરો બની રહ્યું છે. વર્તમાન સમયના ઇતિહાસનું એક અગત્યનું સામાજિક પાસું તે બની રહ્યું છે.


ટોળાંનું હીરો સ્વરૂપ

Image copyright Getty Images

નિરીક્ષકો ધ્યાન દોરે છે કે ટોળું એક હીરો તરીકે બે સ્વરૂપમાં પ્રગટ થાય છે. પ્રથમ સ્વરૂપમાં આ ટોળું બહુમતીના રાજકારણનો એક હિસ્સો લાગે છે, જે શાસકોની નીતિઓને પ્રગટ કરતું રહે છે.

શું ખાવું અને શું પહેરવું ત્યાં સુધીની દરેક બાબતમાં નિયંત્રણો નાખવાના પ્રયત્નો તેમાં દેખાય છે. આ ટોળું પોતાને બહુ વાજબી ગણે છે. પોતાની હિંસાને વ્યવહારુ અને જરૂરી ગણે છે.

અફ્રાઝૂલ અને અખલાકના કિસ્સામાં જોવા મળેલો ટોળાનો પ્રતિસાદ અથવા તો કઠુઆ અને ઉનાવના બળાત્કારના કેસમાં આરોપીઓના બચાવ માટેનો પ્રયાસ એ દર્શાવે છે કે ટોળું પોતાને ઇતિહાસ ઘડનારું માની બેસે છે.

નૈતિકતાનો અમલ કરનારા સમાંતર શાસન તરીકે ટોળું પોતાની જોતને જોતું થાય છે. અહીં ટોળું, ખાસ કરીને હિંસક ટોળું (લિન્ચ-મોબ), આપખુદ શાસનતંત્ર સાથે જોડાયેલો એક હિસ્સો બની જાય છે.

નાગરિક સમાજની વિવેકબુદ્ધિ પર અને જાહેર ચર્ચા માટેનો માહોલ ઊભો કરવાના સમાજના પ્રયત્નો પર આ ટોળું પાણી ફેરવી દે છે.

Image copyright Getty Images

ટોળાનું બીજું સ્વરૂપ કેવું હોઈ શકે તે આપણે હાલમાં જ બાળકોને ઉઠાવી જતી ગેંગ વિશેની અફવાઓમાં જોયું.

અહીં ટોળું એક ઊંડી ચિંતાની લાગણીને કારણે હિંસક બની જાય છે. બદલાઈ રહેલા સમાજમાં બાળકોને ઉપાડી જવાની ઘટના બહુ ચિંતા કરાવે તેવી છે.

સ્વાભાવિક છે કે કોઈ પણ સમાજને પોતાના સંતાનો માટે ભય જન્મે જ. દેશભરમાં બાળકોને ઉપાડી જવાની અફવા પછી ટોળું જે રીતે હિંસા પર ઉતરી રહ્યું છે, તેની પાછળ જૂદી જ માનસિકતા કામ કરી રહી છે.

અહીં હિંસા સત્તાના મદના કારણે નહિ, પણ ચિંતાની લાગણીને કારણે ઊભી થાય છે. બંને પ્રકારનાં ટોળાંના વર્તનના મૂળમાં શંકા છે, પણ તેની અસર જુદીજુદી રીતે થાય છે.

એકમાં લઘુમતીને સત્તા સામે પડકાર ફેંકતી ગણવામાં આવે છે. જ્યારે બીજામાં અજાણ્યા અને બહારના માણસોને ગુનેગાર ગણી લેવામાં આવે છે.


ટેકનૉલૉજીને કારણે મુશ્કેલી

Image copyright AFP

બંનેમાં વિશેષ પ્રકારનો વાયરસ છે અને તે છે ડિજિટલ. ડિજિટલ ટેક્નોલોજીને કારણે પ્રાચીન સમયથી પ્રચલિત અફવાની તાકાતને વધારાનું બળ મળે છે. અફવા બહુ ઝડપથી ફેલાઈ જાય છે.

અગાઉના સમયમાં અફવા ઓછી ઘાતક સાબિત થતી હતી. કેમ કે તેને ફેલાવા માટેના સાધનોની મર્યાદાઓ હતી. આજે અફવાને ફેલાવા માટે બહુ ખતરનાક સાધન મળ્યું છે- ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન.

હકીકતમાં એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે ડિજિટલ હિંસા નાના નગરો અને ગામડાંઓમાં વધારે ખતરનાક રીતે ફેલાઈ જાય છે.

ગ્રાઉન્ડ રિપોર્ટ : 'બાળકચોરી' મુદ્દે હત્યા બાદ

બીજા પ્રકારના ટોળાંની હિંસા દેશવ્યાપી બની છે તે સ્પષ્ટ છે. બહુ ઝડપથી તે ફેલાવા લાગી છે, જેના કારણે અખબારોને મજા પડી ગઈ છે.

અખબારો સમગ્ર ઘટનાક્રમને આકર્ષક ડાયાગ્રામ દોરીને બતાવી રહ્યા છે. દરેક જગ્યાએ એક જ રીતે હિંસાની શરૂઆત થાય છે.

દરેક હિંસાનો બનાવ બીજા બનાવની નકલ હોય તેવો લાગે છે. દરેક કિસ્સામાં અફવા આખરે પાયાવિહોણી સાબિત થાય છે.

Image copyright FACEBOOK
ફોટો લાઈન અસમમાં ટોળાંએ આ બંને યુવકોની હત્યા કરી નાખી હતી

બાળકો ઉપાડી જતા હોવાની શંકાના આધારે ત્રિપુરામાં ત્રણ જણને રહેંસી નાખવામાં આવ્યા.

સોશિયલ મીડિયામાં ફેલાયેલા ફેક મેસેજને કારણે એક માણસને ક્રિકેટના બેટ અને લાકડીઓ વડે ફટકારવામાં આવ્યો. વ્હૉટ્સઍપના એક મૅસેજને કારણે તામિલનાડુમાં હિન્દી બોલનારા એક માણસને માર પડ્યો.

અગરતાલામાં પણ બે લોકોને બાળકોને ઉપાડી જવાની શંકાના આધારે મારી નાખવામાં આવ્યા. ટોળાને તરત જ શંકા જાગે છે અને તે તાત્કાલિક હિંસા પર ઊતરી આવે છે. આવા કિસ્સામાં ન્યાય મળે તેવી ભાગ્યે જ કોઈ શક્યતા હોય છે.

આવી હિંસાને ભયમાંથી ઉદ્ભવેલી ચિંતા તરીકે ખપાવીને તેને ચલાવી લેવાની વૃત્તિ દેખાઈ આવે છે. ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં મોટા પ્રમાણમાં બહારના લોકો કામ કરવા માટે આવ્યા છે.

સત્તાવાળાઓ આવી હિંસાને કાબૂમાં લેવા થોડા પ્રયાસો કરતા હોય છે, પણ તેને માત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગણી લેવી જોઈએ નહીં.

તેને સમાજમાં ઊભી થયેલી વિષમતા અને સમાજમાં આવેલા પરિવર્તનોને લોકો નથી સમજી શક્યા તે સ્થિતિ તરીકે જોવી જોઈએ.

તેમાં એક પરિવર્તન છે માઇગ્રેશન એટલે કે કામકાજ માટે અન્યત્ર વસવાટ. કામકાજ માટે લોકો વતન છોડીને બીજે વસી રહ્યા છે, તેના કારણે દરેક જગ્યાએ બહારના લોકોની સંખ્યા વધી રહી છે.

વક્રતા એ છે કે આવો વર્ગ મોટા ભાગે વંચિત અને ગરીબ હોય છે. તેને સ્થાનિક લોકો એક જોખમ તરીકે ગણે છે. તે હજી નવા સમાજનો હિસ્સો બની શક્યો નથી. સોશિયલ મીડિયામાં ફેલાતા ફેક મૅસેજને કારણે તેની વિરુદ્ધની ખોટી માન્યતાઓ દૃઢ થતી જાય છે.


તર્કહીન હિંસા

Image copyright Getty Images

હાલમાં થયેલી હિંસાની વક્રતા એ છે કે અગરતાલામાં 33 વર્ષના જે માણસને ખોટી અફવાઓ દૂર કરવા માટે રાખવામાં આવ્યો હતો, તેને જ ટોળાએ માર્યો. આ કિસ્સાની એક બીજી બાજુ પણ છે.

અગરતાલામાં ભોગ બનેલા સુકાન્તા ચક્રવર્તીને કામ સોંપાયું હતું કે તેણે ગામેગામ ફરવું. ગામમાં જઈને લાઉડ સ્પીકરથી લોકોને અફવાઓથી દૂર રહેવા માટે જણાવવું. તેની સાથે બીજા બે માણસો પણ હતા. તેમના પર હુમલો થયો હતો.

ચક્રવર્તીના કિસ્સામાં ટેકનૉલૉજીની દંતકથા પણ વણાઈ જાય છે. ઢોલ પીટીને લોકોને સંદેશો આપવાની જૂની પદ્ધતિમાં પ્રગતિ થઈ અને લાઉડ સ્પીકર સુધી પહોંચી, પણ હવે તેનો સામનો એસએમએસ જેવી અત્યાધુનિક ટેકનૉલૉજી સામે હતો.

પોતે સરકાર વતી કામ કરે છે તેવો દાવો ચક્રવર્તીએ કર્યો તો પણ લોકોએ તેમના પર હુમલો કર્યો. આ કિસ્સો દર્શાવે છે કે ટે ટેક્નૉલૉજી કઈ રીતે સમાજમાં રહેલી બર્બરતા અને ક્રૂરતાને ઝડપી બનાવી દે છે.

લિન્ચ મોબને ઉશ્કેરતી ડિજિટલ હિંસાને જુદા પ્રકારની સામાજિકતાની જરૂર છે.

ભારતમાં મૌખિક, લેખિત અને હવે ડિજિટલ એમ ત્રણેય યુગ સમાંતર ચાલી રહ્યા છે, ત્યારે ત્રણેય પ્રકારના યુગની હિંસામાં થોડી અતિશયોક્તિ પણ જોવામાં આવશે.

ટેકનૉલૉજીની ઝડપ અને ટોળાંની વિવેકહિનતા બંનેનો સંયોગ થાય તે બદલાતા સમાજની બહુ ખતરનાક નિશાની છે.

(શિવ વિશ્વનાથન જાણીતા શિક્ષણશાસ્ત્રી છે અને વૈકલ્પિક વિચારો અને કલ્પના પર કામ કરતી સંસ્થા 'કૉમ્પોસ્ટ હીપ' સાથે સંકળાયેલા છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ