મધર ટેરેસાએ સ્થાપેલી સંસ્થામાં બાળકોના વેચાણનો આક્ષેપ

મિશનરીઝ ઓફ ચેરિટીની સભ્ય 3,000 સાધ્વીઓ વિશ્વભરમાં કાર્યરત છે Image copyright Reuters
ફોટો લાઈન મિશનરીઝ ઑફ ચેરિટીની સભ્ય 3,000 સાધ્વીઓ વિશ્વભરમાં કાર્યરત છે

પૂર્વ ભારતના ઝારખંડસ્થિત મિશનરીઝ ઑફ ચેરિટીમાં કામ કરતી એક મહિલાની 14 વર્ષના એક બાળકના વેચાણ બદલ ધરપકડ કરવામાં આવી છે.

આ કેન્દ્રની બે અન્ય મહિલા કર્મચારીઓને પણ અટકાયતમાં લેવામાં આવી છે અને તેમને બાળક વેચવાની અન્ય સંભવીત ઘટનાઓ બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે.

રાજ્યની બાળ કલ્યાણ સમિતિ(સીડબલ્યુસી)એ ફરિયાદ નોંધાવી એ પછી પોલીસે ઉપરોક્ત કાર્યવાહી કરી હતી.

આ બાબતે પ્રતિભાવ મેળવવા બીબીસીએ મિશનરીઝ ઑફ ચેરિટીનો સંપર્ક સાધ્યો હતો, પણ તેમના તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો.

બીબીસીના નિરજ સિંહાને એક પોલીસ અધિકારીએ કહ્યું હતું, "કેન્દ્રમાંથી કેટલાંક અન્ય બાળકોનું વેચાણ કરવામાં આવ્યું હોવાની માહિતી પણ અમને મળી છે.

"અમે એ બાળકોની માતાઓનાં નામ મેળવ્યાં છે અને વધુ તપાસ કરી રહ્યા છીએ."

ઝારખંડની રાજધાની રાંચીમાં આવેલા મિશનરીઝ ઑફ ચેરિટીના કેન્દ્રમાંથી પોલીસે 1.40 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?


શું છે મિશનરીઝ ઓફ ચેરિટી?

Image copyright Getty Images
ફોટો લાઈન મિશનરીઝ ઑફ ચેરિટી અપરણીત ગર્ભવતી મહિલાઓ માટે આશ્રય કેન્દ્રો ચલાવે છે

1997માં મૃત્યુ પામેલાં નોબેલ પુરસ્કાર વિજેતા મધર ટેરેસાએ મિશનરીઝ ઑફ ચેરિટીની સ્થાપના 1950માં કરી હતી. આ સંગઠનની સભ્ય 3,000 સાધ્વીઓ વિશ્વભરમાં કાર્યરત છે.

મધર ટેરેસાએ રુગ્ણાલય, સૂપ કિચન્સ, શાળાઓ, લેપર કોલોનીઓ અને ત્યજી દેવાયેલાં બાળકો માટે અનાથાશ્રમો શરૂ કર્યાં હતાં.

મિશનરીઝ ઑફ ચેરિટી અપરણીત ગર્ભવતી મહિલાઓ માટે કેન્દ્રો ચલાવે છે, પણ બાળકોને દત્તક આપવાની વ્યવસ્થા હવે કરતી નથી.


સીડબલ્યુસી શું કહે છે?

સીડબલ્યુસીનાં અધ્યક્ષા રૂપા કુમારીએ બીબીસીને કહ્યું હતું, "ઉત્તર પ્રદેશમાં એક નવજાત બાળક 1.20 લાખ રૂપિયામાં એક દંપતીને વેચવાની ઘટનાની તપાસ અમે કરી રહ્યા છીએ.

"તેમાં દંપતીને એવું જણાવવામાં આવ્યું હતું કે તેમની પાસેથી હોસ્પિટલમાં થયેલા ખર્ચના પૈસા લેવામાં આવ્યા છે."

રૂપા કુમારીના જણાવ્યા મુજબ, 19 માર્ચે ચેરિટીમાં આવેલી ગર્ભવતી મહિલાએ એક પુત્રને જન્મ આપ્યો હતો અને એ છોકરો દંપતીને 14 મેએ વેચવામાં આવ્યો હતો.

રૂપા કુમારીએ ઉમેર્યું હતું કે ગર્ભવતી મહિલાને હોસ્પિટલે લઈ જવામાં આવી ત્યારે સીડબલ્યુસીને જાણ કરવી જોઈતી હતી.

અન્ય શહેરોમાં લોકોને 50,000થી 70,000 રૂપિયામાં બાળકો વેચવામાં આવ્યાં હોવાની માહિતી પણ સીડબલ્યુસીને મળી છે.

મિશનરીઝ ઑફ ચેરિટીના રાંચી કેન્દ્રમાં રહેતી 13 ગર્ભવતી મહિલાઓને સીડબલ્યુસીએ અલગ-અલગ સ્થળોએ મોકલી આપી છે.


ભારતમાં બાળકોને દત્તક લેવાના આકરા કાયદા

જિલ મેકગિવરિંગ, બીબીસી ન્યૂઝ

ભારતમાં બાળકને કાયદેસર દત્તક લેવા માટે કેટલાક મહિનાઓથી વર્ષો સુધીનો સમય લાગી શકે છે.

સંખ્યાબંધ લોકો બાળકો દત્તક લેવા ઇચ્છતા હોય છે, પણ તેમાંથી બહુ ઓછા લોકો બાળકોને કાયદેસર દત્તક લઈ શકે છે.

બાળકોને દત્તક લેવાના નિયમોમાં સરકારે ઑક્ટોબર, 2015માં ફેરફાર કર્યા હતા. દત્તક લેવા માટે ઉપલબ્ધ બાળકોનો રાષ્ટ્રીય ડેટાબેઝ ઉપલબ્ધ છે અને બાળકોને દત્તક લેવાની પ્રક્રિયા ઑનલાઇન કરવામાં આવી છે.

આ વ્યવસ્થાના ટેકેદારો કહે છે કે નવી વ્યવસ્થાને લીધે પ્રક્રિયા ઝડપી તથા વધારે પારદર્શક બની છે અને સંભવિત પેરન્ટ્સ દેશભરમાંથી બાળક દત્તક લઈ શકે છે.

જોકે, કેટલીક ઍડોપ્શન એજન્સીઓએ આ ફેરફારનો વિરોધ કર્યો હતો.

અનાથ બાળકો અને તેમને અનુરૂપ પેરન્ટ્સને શોધવાની પ્રક્રિયામાંથી, સરકારી ફેરફારને લીધે ઍડોપ્શન એજન્સીઓની બાદબાકી થઈ ગઈ હતી.

મિશનરીઝ ઑફ ચેરિટી એકલી મહિલા કે અપરિણીત દંપતીને બાળક દત્તક આપવાનો વિરોધ કરતી હતી. તેથી સંસ્થાએ આ પ્રક્રિયામાં સામેલ થવાનું બંધ કર્યું હતું.

ભારતમાં બાળકને દત્તક લેવા સાથે લાંબા સમયથી કલંક સંકળાયેલું છે. ભૂતકાળમાં વિસ્તારીત પરિવારોમાં આંતરિક રીતે બાળકોને દત્તક લેવા-આપવામાં આવતાં હતાં.

બાળકને દત્તક લેવા ઇચ્છતું દંપતી બ્લેક માર્કેટનો આશરો અને હોસ્પિટલ કે અનાથાશ્રમમાંથી બાળક સીધું દત્તક લઈ લે એ બાબતે સતત ચિંતા રહે છે.

હોસ્પિટલો કે અનાથાશ્રમો કાયદેસરની વ્યવસ્થાનો હિસ્સો નથી, ત્યારે બાળતસ્કરીનો વેપાર શરૂ થવાનું જોખમ મોટું છે.

12,000 લોકોના વેઇટિંગ લિસ્ટ સામે 2015-16ના નાણાકીય વર્ષમાં કાયદેસર 3,011 બાળકો જ દત્તક આપવામાં આવ્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ