Top News: રમતમાં જુગારની છૂટ આપવા માટે કાયદાપંચનું સૂચન

જુગારની પ્રતિકાત્મક તસવીર Image copyright Getty Images

'ધ હિંદુ'મા પ્રકાશિત સમાચાર અનુસાર ભારતના કાયદા પંચે ગુરુવારે સરકારને સોંપેલા એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ચોક્કસ નિયંત્રણો રાખીને રમતમાં જુગારને છૂટ આપવી જોઈએ.

કાયદા પંચે અહેવાલમાં એમ પણ જણાવ્યું છે કે, રમતગમતમાં જુગારને છૂટ આપ્યા બાદ મળનારી આવકનો ઉપયોગ જાહેર હિતની પ્રવૃત્તિ માટે કરવો જોઈએ.

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ બીએસ ચૌહાણના વડપણ હેઠક કાર્ય કરતા પંચના આ અહેવાલમાં જણાવાયુ છે કે ગેરકાયદેસર જુગારને રોકવાનું અશક્ય છે.

આથી તેની અવેજીમાં રમતગમતમાં રમતા જુગારને 'નિયંત્રિત' કરવાનો વિકલ્પ જ યોગ્ય છે.

રમતોમાં 'કૅશલેસ' જુગારને છૂટ આપવાથી આવકમાં વધારો થશે અને ગેરકાયદેસર જુગારને ફટકો પડશે.

પંચે જુગારમાં થતી આવકને ઇન્કમ ટૅક્સ અને જીએસટી (ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ)ના કાયદા હેઠળ આવરી લેવા પણ સૂચન કર્યું છે.

સૌથી રસપ્રદ બાબત એ છે કે, પંચે જુગાર પર નિયંત્રણો રાખીને છૂટ આપવાના સૂચનના ટેકામાં મહાભારતનો સંદર્ભ ટાંક્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો મહાભારતકાળમાં જુગાર પર નિયંત્રણો હોત તો યુધિષ્ઠિર તેમના ભાઈઓ અને પત્નીને દાવ પર ન લગાડી શક્યા હોત.


કર્ણાટક સરકારે ખેડૂતોનું 34 હજાર કરોડનું દેવું માફ કર્યું

Image copyright Getty Images

કર્ણાટકના ખેડૂતોને મોટી રાહત આપતા રાજ્ય સરકારે ખેડૂતોનું 34 હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કર્યાની જાહેરાત કરી હોવાનું ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ અખબાર જણાવે છે.

કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ વિધાનસભામાં બજેટ જાહેર કરતી વખતે સંબંધિત જાહેરાત કરી છે.

જે અનુસાર બે લાખ રૂપિયા સુધીનું દેવું ધરાવતા ખેડૂતોનું કરજ તબક્કાવાર માફ કરવામાં આવશે.

આ ઉપરાંત જે પણ ખેડૂતોએ કરજ ચૂકવી દીધું છે તેમને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વાર રૂ. 25 હજાર કે લૉનની રકમ એમ જે પણ ઓછી રકમ હશે એ પરત આપવામાં આવશે.

અહીં નોંધનીય છે કે કુમારસ્વામીએ તેમના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોનું દેવું માફ કરવાનું વચન આપ્યું હતું.


દારૂના અડ્ઢાઓ પર જિગ્નેશ, અલ્પેશ, હાર્દિકની જનતારેડ

Image copyright JigneshMevanai/FB

'ગુજરાત સમાચાર'ના અહેવાલ અનુસાર ગાંધીનગરમાં જિગ્નેશ મેવાણી, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલે જનતારેડ પાડી ડીએસપીની ઓફિસ સામે જ દારૂ પકડ્યો હતો.

અખબાર એવું પણ નોંધે છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનું પુરવાર કરતા આ દરોડાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી.

આ દરમિયાન મેવાણીએ આરોપ લગાવ્યો હતો કે 'કમલમ્ અને ગાંધીનગર'ના ઇશારે જ રાજ્યમાં દારૂનો વેપાર ધમધમી રહ્યો છે.

તેમણે માત્ર અમદાવાદને પણ દારૂ મુક્ત કરવા રાજ્યના ગૃહમંત્રીને પડકાર ફેંક્યો હતો.

આ ત્રણેય નેતાઓ એવી ચિમકી પણ ઉચ્ચારી હતી કે આવનારા બે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ શહેરો અને ગામડામાં જઈને આ રીતે જનતારેડ પાડવામાં આવશે.

આ દરમિયાન બુધવારે સોલામાં થયેલા કથિત લઠ્ઠાકાંડમાં આરોપીને ના શોધી શકનારી પોલીસે દેસી દારૂ પીને બીમાર પડી ગયેલા લોકો વિરુદ્ધ દારૂ પીવાનો ગુનો દાખલ કર્યો હોવાનું પણ અખબાર નોંધે છે.


અમેરિકામાં ત્રણ હજાર ઇમિગ્રન્ટ બાળકોનું ડીએનએ પરિક્ષણ કરાશે

Image copyright Getty Images

'બીબીસી ન્યૂઝ' અનુસાર અમેરિકાના અધિકારીઓને આદેશ અપાયો છે કે અમેરિકામાં શરણાર્થી શિબિરોમાં રહેતા પ્રવાસી બાળકોનું ડીએનએ પરિક્ષણ કરવામાં આવે કે જેથી તેમનાં માતા-પિતાને તેમનો કબ્જો સોંપી શકાય.

અમેરિકા-મેક્સિકો સરહદ પર લગભગ ત્રણ હજાર બાળકોને ગેરકાયદે અમેરિકામાં પ્રવેશેલાં તેમનાં મા-બાપથી અલગ કરી દેવામાં આવ્યાં હતાં.

અમેરિકન સરકારે ટ્રમ્પ સરકારની 'ઝીરો ટૉલરન્સ' નીતિ હેઠળ અમેરિકા-મેક્સિકો સરહદે સંબંધિત પગલું ભર્યું હતું.

બાળકોથી અલગ કરાયા બાદ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશેલા લોકોને જેલમાં પૂરી દેવાયા હતા.

અલગ કરાયેલા બાળકોને કસ્ટડી સેન્ટરમાં મોકલી દેવાયાં હતાં.

જેને પગલે ટ્રમ્પ સરકારને ફટકાર લગાવતાં અમેરિકાની એક કોર્ટે આદેશ આપ્યો હતો કે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને 10 જુલાઈ સુધીમાં તેમનાં માતા-પિતાને સોંપી દેવામાં આવે.


ઇસરો અંતરિક્ષમાં માનવ મોકલવા માટેના ક્રુ મોડ્યુલનું સફળ પરીક્ષણ

Image copyright Getty Images

'હિંદુસ્તાન ટાઇમ્સ'માં પ્રકાશિત સમાચાર અનુસાર ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન - ઇસરો)એ અંતરિક્ષમાં માનવ મોકલવા માટેના કાર્યક્રમમાં એક મહત્ત્વનું પગલું ભર્યું છે.

ગુરુવારે સવારે ઇસરોએ ભારતના ભાવિ અંતરિક્ષયાત્રીઓ (ઍસ્ટ્રૉનૉટ)ને અંતરિક્ષમાં સુરક્ષિત લઈ જવા માટેની કેપ્સ્યુલનું સફળ પરીક્ષણ કર્યું હતું.

સમાચારમાં જણાવ્યા અનુસાર 'પૅડ અબૉર્ટ' અથવા 'ક્રૂ બેઇલઆઉટ સિસ્ટમ' તરીકે ઓળખાતા આ પરીક્ષણને શ્રીહરીકોટામાં સવારે 7 વાગ્યે કરવામાં આવ્યું હતું.

અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત આ પરીક્ષણ કરનારો ચોથો દેશ બન્યો છે.

આ પરીક્ષણથી ઍસ્ટ્રૉનૉટ્સને સુરક્ષિત રીતે અંતરિક્ષમાં પહોંચાડવા અને પરત લાવવાનો માર્ગ મોકળો થયો છે.

એટલું જ નહીં જો અંતરિક્ષમાં પહોંચવામાં કોઈ મુશ્કેલી ઊભી થાય તો ઍસ્ટ્રૉનૉટ્સને સુરક્ષિત રીતે પરત લાવી શકાશે.

નોંધનીય છે કે ઇસરો અંતરિક્ષયાત્રીઓ માટેના સ્પેસ સ્યુટ, રિકવરી સિસ્ટમ, ક્રૂ ઍસ્કેપ સિસ્ટમ્સ જેવી વ્યવસ્થાઓ વિકસાવી ચૂક્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો