મનોરંજનની બદલાતી દુનિયામાં હવે ક્યાં સુધી ટકશે ટીવી?

  • ઝુબૈર અહમદ
  • બીબીસી સંવાદદાતા, મુંબઈથી પાછા આવીને
ડિજિટલ મીડિયા

પોતાના ઘરના રસોડામાં ઓછાં કપડાં પહેરેલી એક યુવતી ફોન પર કોઈ સાથે વાત કરી રહી છે.

કૅમેરા, લાઇટ અને ઍક્શનના અવાજ સાથે જ તેઓ ટેક આપવામાં મશગૂલ થઈ જાય છે.

તાજેતરમાં આવી રહેલી નવી વેબ સિરીઝનું આ દ્રશ્ય છે.

આ સિરીઝ મુંબઈની વિઝુઅલ કન્ટેન્ટ બનાવતી કંપની 'ધી વાયરલ ફીવર' એટલે કે ટીવીએફ પોતાની યૂટ્યૂબ ચેનલ પર લૉન્ચ કરશે.

જેના સબ્સ્ક્રાઇબ કરનાર લોકોની સંખ્યા 38 લાખ છે.

આ પ્રેક્ષકોમાં યુવાનોની મોટી સંખ્યા છે અને પ્રોગ્રામ બનાવનાર પણ પ્રેક્ષકોની જેમ જ ઓછી વયના છે, આ ડિજિટલ ઇન્ડિયા છે.

આ ભારતના નવયુવકોની દુનિયા છે, અહીં ટીવી આઉટ અને ડિજિટલ પ્લેટફૉર્મ ઇન જેવી સ્થિતિ છે.

મુંબઈના યુવા ગ્રાફિક ડિઝાઇનર વિજય પિસલ અને તેમનાં પત્ની વૈશાલી પિસલ એક કૂલ કપલ છે.

તેમના ઘરમાં ડીટીએચ કનેક્શન નથી. તેઓ ન્યૂઝ અને તેમના મનપસંદ પ્રોગ્રામ મોબાઇલની મદદથી ડિજિટલ પ્લટફૉર્મ પર જોવાનું પસંદ કરે છે.

મોબાઇલ પર મનોરંજન

વિજય કહે છે, "અમે મોટાભાગે યૂટ્યૂબ પર પ્રોગ્રામ જોઈએ છીએ. તેના પર ઘણી બધી જાણકારી અને કાર્યક્રમો હોય છે."

"બાળકો માટે મનોરંજનના કાર્યક્રમો પણ હોય છે. અમે અમારાં બાળકોને કેટલાક કાર્યક્રમો મોબાઇલ પર જ બતાવીએ છીએ."

"જો કોઈ પ્રોગ્રામ આખા પરિવારને સાથે જોવો હોય તો કમ્પ્યૂટર સ્ક્રીન પર જ જોઈએ છીએ."

ઇમેજ કૅપ્શન,

ટીવીના બદલે મોબાઇલ પર પ્રોગ્રામ જોવા ટેવાયેલા વિજય અને વૈશાલી પિસલ

પિસલ પરિવાર જેવો આખો એક વર્ગ છે, જે લોકો ભારતીય મીડિયા સંદર્ભે નવું વલણ ધરાવે છે.

આ વલણ ટીવી બ્રૉડકાસ્ટર્સ, કેબલ અને સૅટેલાઇટ ઑપરેટર્સ માટે ખતરારૂપ છે. આ વલણ ઝડપથી ક્રાંતિ સ્વરૂપે ફેલાઈ રહ્યું છે.

છેલ્લાં એક વર્ષમાં લાખો પ્રેક્ષકોએ ટીવી કનેક્શન બંધ કરીને ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફૉર્મ અપનાવ્યાં છે.

મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા પર સૌથી વધુ સમય વિતાવનાર યુવા પેઢી આ ડિજિટલ ક્રાંતિમાં સૌથી આગળ છે.

એક્સાઇટમેન્ટની ચાહ

સ્મૉલ સ્ક્રીન પર થઈ રહેલી આ ક્રાંતિને આગળ ધપાવતી કન્ટેન્ટ કંપનીઓમાં એઆઈબી અને ટીવીએફ ઘણી આગળ છે.

સમીર સક્સેના ટીવીએફના સંસ્થાપકોમાંના એક છે.

સક્સેનાનું કહેવું છે, "એક કહાણી કહેવા માટે અલગ-અલગ માધ્યમ હોય છે, એક તો થઈ ગયું સિનેમા જે મોટા પડદા પર છે, અન્ય એક આપણું ટીવી છે."

"અન્ય એક માધ્યમ મોબાઇલ છે જ્યાં આપણે તમામ પ્રોગ્રામ જોઈ શકીએ છીએ, લૅપટોપ પર પણ જોઈ શકીએ છીએ. આ એક નવો યુગ છે."

તમે આ વાંચ્યું કે નહીં?

સમીર સક્સેના તેમની ઓફિસમાં બૉસ છે પણ તેમના હાવભાવથી એવું લાગતું નથી. તેઓ ઘણાં ઇનફૉર્મલ છે.

અલગ મિજાજ ધરાવતા લોકો, અલગ પ્રકારનું કન્ટેન્ટ. ટીવીએફનો 'પરમેનન્ટ રૂમમેટ્સ' પ્રોગ્રામ યુવાવર્ગમાં ઘણો લોકપ્રિય સાબિત થયો હતો.

આ જ રીતે હૉટસ્ટારે એઆઈબીથી કૉમેડી "ઑન એર એઆઈબી" દેખાડ્યું જેને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

સમીર કહે છે, "અમે લવ સ્ટોરી બનાવીએ છીએ ત્યારે તેને રિયલ રાખીએ છીએ."

"ટીવીની જેમ વધારી-વધારીને રજૂ નથી કરતા એટલે જ યુવા વર્ગ અમારી કહાણીઓ સાથે રિલેટ કરી શકે છે."

કેટલી અલગ છે આ દુનિયા

સમીરના કહેવા પ્રમાણે બે માળની આ ઓફિસમાં 200 જેટલા લોકો કામ કરે છે. જે પૈકી 45 સ્ક્રિપ્ટ રાઇટર્સ છે.

અહીંનું વાતાવરણ ફ્રૅન્ડલી અને અનૌપચારિક છે. અહીં કામ કરતા લોકોને ખ્યાલ છે કે તેઓ ડિજિટલ ક્રાંતિનો ભાગ છે.

ઓફિસના એક રૂમમાં આઇડિયાઝની મીટિંગ ચાલી રહી છે. બીજા રૂમમાં આગામી વેબ સિરીઝનું શૂટિંગ થઈ રહ્યું છે.

કોઈ ટેબલ ઉપર બન્ને પગ મૂકીને મીટિંગમાં બેઠું છે, તો કોઈ શૉર્ટ્સ અને ટીશર્ટ પહેરીને સ્ટ્રૅટેજી મીટિંગ કરે છે.

અહીં કોઈ ટાઈ અને સૂટ પહેરીને આવતું નથી, સમીર પણ કૅઝ્યુઅલ પોશાક પહેરીને ઓફિસમાં આવ્યા છે.

આ ઓફિસ કૉર્પોરેટ જગતથી તદ્દન અલગ છે, પણ કમાણી કરવામાં કૉર્પોરેટ વર્લ્ડથી પાછળ નથી.

તેમની મીડિયા કંપની પૈસા કંઈ રીતે કમાય છે એ અંગે સમીર કહે છે, "જુઓ અમે ઇન્ડિયાના સૌથી મોટા ઑડિયન્સ બેઝમાંથી એક છીએ."

"હવે કંપનીઓ ટીવી છોડીને માર્કેટિંગ માટે ડિજિટલ પ્લેટફૉર્મ તરફ જઈ રહી છે કારણકે તેમને ખ્યાલ છે કે આ માધ્યમમાં ઘણા લોકો છે."

"સ્વાભાવિક છે કે તેઓ અમારી પાસે આવે છે અને કહે છે કે અમારા માટે કંઈક કન્ટેન્ટ બનાવી આપો."

સમીરની કંપની તો માત્ર કન્ટેન્ટ બનાવે છે, પણ છેલ્લા થોડાંક વર્ષો દરમિયાન જોતજોતામાં અનેક ડિજિટલ વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફૉર્મ દેશના ડિજિટલ માર્કેટમાં આવી ચૂક્યા છે, જેમાં સ્ટાર ગ્રૂપનું 'હૉટસ્ટાર' અન્ય હરીફોની તુલનામાં આગળ છે.

કેટલાંક સફળ પ્લેટફૉર્મ્સમાં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વીડિયો, સોની લિવ અને વૂટ પણ સામેલ છે.

આ પ્લેટફૉર્મ્સ પૈકી કેટલાંક સબ્સક્રિપ્શનથી, કેટલાંક સબ્સક્રિપ્શન-વિજ્ઞાપનથી અને કેટલાંક મફતમાં ચાલે છે.

મફતમાં ચાલતાં પ્લેટફૉર્મ એવી આશા રાખે છે કે ભવિષ્યમાં કમાણી થશે.

દેશના દરેક ખૂણામાં સામાન્ય લોકો મોબાઇલ પર વીડિયો કન્ટેન્ટ જોતા જોવા મળશે.

જેમાંથી મોટાભાગના લોકો રિલાયન્સની જિઓ ટીવી ઍપની મદદથી મફતમાં પોતાના મનપસંદ પ્રોગ્રામ જુએ છે.

સામાન્ય લોકોમાં આ સૌથી લોકપ્રિય પ્લેટફૉર્મ છે.

કેવી રીતે બદલાઈ રહ્યું છે બજાર

ઇમેજ કૅપ્શન,

કેબલ ટીવી ઇન્ડસ્ટ્રીના અશોક મનસુખાની

આખરે આ ક્રાંતિ કેવી રીતે થઈ? તજજ્ઞો પ્રમાણે એની પાછળ અનેક કારણો છે.

મોબાઇલ ડેટાની સસ્તી કિંમત, સ્માર્ટફોનની સંખ્યામાં વધારો (દેશમાં ત્રીજા ભાગના લોકો પાસે સ્માર્ટફોન છે).

ઑનલાઇન પ્લેટફૉર્મમાં સરકારના સેન્સર બોર્ડનું અસ્તિત્વ ન હોવું, ટીવી મનોરંજન અને ન્યૂઝ પ્રોગ્રામથી લોકોનું કંટાળી જવું, વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મો અને ડૉક્યુમેન્ટ્રિઓની ઓનલાઇન ઉપલબ્ધતા તથા દેશની 60 ટકા યુવા વસતિ મહત્તમ સમય મોબાઇલ ફોન પર પસાર કરે છે.

ડિજિટલ પ્લેટફૉર્મ આગળ વધ્યું એનું અન્ય એક કારણ પણ છે. અશોક મનસુખાની કેબલ ટીવી ઇન્ડસ્ટ્રીના એક સ્તંભ ગણાય છે અને આ હાલમાં તેઓ હિંદુજા ગ્રુપના "ઇન કેબલ"ના પ્રમુખ છે.

તેઓ કહે છે કે ટીવી પ્રોગ્રામ્સ ચલાવતી કંપનીઓએ યુવા વર્ગની અવગણના કરી છે.

તેઓ કહે છે, "મોટાભાગના લોકો એક્સાઇટમેન્ટ ઇચ્છે છે. અમે ગ્રાહકોને 800 ચેનલ આપીએ છીએ અને વેરાયટી પણ આપીએ છીએ પણ ચેનલવાળાઓ 25 થી 35 વર્ષના યુવાનોના વર્ગને નજરઅંદાજ કરે છે."

જ્યારે ડિજિટલ પ્લેટફૉર્મ આ વર્ગને તેમના મનપસંદ પ્રોગ્રામ આપે છે.

માર્કેટ લીડર 'હૉટસ્ટાર'એ આઈપીએલ અને યૂરોપીય ફુટબૉલનું લાઇવ ટેલિકાસ્ટ કરીને યુવા પ્રેક્ષકોને પોતાની તરફ કરી લીધા છે.

તેઓ દર મહિને 15 કરોડ પ્રેક્ષકોને આ પ્લેટફૉર્મ પર આકર્ષિત કરે છે.

ક્રિકેટ સિઝન વખતે આઈપીએલની મૅચ લાઇવ કવર કરવાથી પ્રેક્ષકોની સંખ્યામાં અનેક ગણો વધારો થઈ જાય છે.

કરોડો રૂપિયાનું રોકાણ

તેના સીઈઓ અજિત મોહન કહે છે કે તેમના પ્લેટફૉર્મની સફળતા પાછળ પણ રહસ્ય છે.

તેઓ કહે છે, "અમે અન્ય પ્લેટફૉર્મથી અલગ છીએ. એ એવી રીતે કે અમે એક પ્લેટફૉર્મ પર બધું જ લઈ આવીએ છીએ."

"ફિલ્મ, સ્પોર્ટ્સ, ટીવી ચૅનલ અને ન્યૂઝ, એમ છતાં પ્રેક્ષકને એવું અનુભવાય છે કે આ પ્રોગ્રામ એમની માટે જ બનાવાયો છે."

હૉટસ્ટારની આધુનિક ઓફિસ વિકસિત દેશ અમેરિકાની કોઈ પણ ઓફિસને ટક્કર આપે એવી છે. આ વાઇરલ ફીવરની ઓફિસથી તદ્દન અલગ છે.

અહીં કૉર્પોરેટની ચમકતી દુનિયા છે, અહીં ડિજિટલ મીડિયા માર્કેટના વિકાસ માટે મોટા-મોટા નિર્ણય લેવામાં આવે છે અને અહીં એક પ્રોગ્રામ માટે કરોડોનું રોકાણ કરાય છે.

મોટા સ્ટાર પણ સામેલ

ડિજિટલ પ્લેટફૉર્મની ઝડપી પ્રગતિ જોતાં બૉલીવુડના ચાર મોટા ડાયરેક્ટર અને નવાઝુદ્દીન સિદ્દીકી જેવા અભિનેતા પણ ડિજિટલ પ્લેટફૉર્મ સાથે જોડાયા છે.

કરણ જોહર, ઝોયા અખ્તર, અનુરાગ કશ્યપ અને દિબાકર બેનર્જીએ થોડાંક વર્ષ પહેલાં ચાર કહાણીઓ ધરાવતી ફિલ્મ 'બૉમ્બે ટૉકીઝ' બનાવી હતી.

હવે તેમણે સાથે મળીને લસ્ટ સ્ટોરીઝ નામની ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ બૉલીવૂડ માટે નહીં પણ નેટફ્લિક્સ ડિજિટલ પ્લેટફૉર્મ માટે છે.

કરણ જોહરે ડિજિટલ પ્લેટફૉર્મનું મહત્ત્વ સમજતા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, "હું મોટા પડદા પરની ફિલ્મોનો ભક્ત છું. પણ આજની વાસ્તવિકતા ડિજિટલ પ્લેટફૉર્મ છે, જેની અવગણના કરી ન શકાય."

આ પ્લેટફૉર્મની વધી રહેલી લોકપ્રિયતાને ધ્યાને રાખીને તજજ્ઞો કહે છે કે એ દિવસ દૂર નથી જ્યારે શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન અને ઋતિક રોશન જેવા બૉલીવુડ સ્ટાર પણ જલ્દી જ ડિજિટલ પ્લેટફૉર્મ સાથે જોડાઈ જશે.

ડીટીએચ, કેબલ ટીવી અને બ્રૉડકાસ્ટર માટે ચિંતાની વાત એ હોવી જોઈએ કે વિજ્ઞાપન આપતી કંપનીઓનો ઝુકાવ પણ ડિજિટલ પ્લેટફૉર્મ તરફ ઝડપથી વધી રહ્યો છે.

ડિજિટલ પ્લેટફૉર્મની કમાણી પર નજર કરીએ તો ગયા વર્ષે વિજ્ઞાપનોથી લગભગ 115 અબજ રૂપિયાની કમાણી કરી હતી.

સબ્સક્રિપ્શનથી થતી કમાણી લગભગ 4 અબજ રૂપિયા હતી. વર્ષ 2020માં આ કમાણી બેગણી થવાની આશા છે.

ડિજિટલ પ્લેટફૉર્મ હજુ પણ ટીવી સાથે મુકાબલો કરી શકતું નથી, પણ તેમના પ્રેક્ષકો જે ઝડપથી વધી રહ્યા છે એ પ્રમાણે ભવિષ્યમાં આ પ્લેટફૉર્મ્સનો ઉપયોગ કરનારાઓની સંખ્યા ખૂબ વધી શકે છે.

કારણકે સ્માર્ટફોન્સ ઝડપથી દેશના દરેક ભાગમાં પોતાની જગ્યા કરી રહ્યા છે અને સ્માર્ટફોન પર ઇન્ટરનેટની સુવિધા પણ સરળ અને સસ્તી રીતે મળી રહી છે.

કેટલું મોટું છે બજાર

મીડિયા ઇન્ડસ્ટ્રીના રિપોર્ટ પ્રમાણે 2018ના અંત સુધી દોઢ અબજ રૂપિયાથી વધારે રૂપિયાનો ભારતીય મીડિયાનો ઉદ્યોગ થઈ જશે.

જેમાં ટીવી 734 અબજ રૂપિયા સાથે હજુ પણ સૌથી મોટું પ્લેયર રહે એવી શક્યતા છે.

જ્યારે માત્ર પાંચ વર્ષ જૂનો ડિજિટલ મીડિયાનો ઉદ્યોગ 151 અબજ રૂપિયાના સ્તરે પહોંચી ગયો હશે.

જો એમાં એનીમેશન અને ઑનલાઇન ગેમિંગને જોડી દઈએ તો 120 અબજ રૂપિયાનો એમાં વધારો થઈ જાય.

વર્ષ 2020ના પ્રોજેક્શન પર નજર કરીએ તો ડિજિટલ મીડિયાનો વિકાસ દર 25 ટકા હશે, જ્યારે ટીવી આશરે 10 ટકાના દરથી આગળ વધશે.

રસપ્રદ બાબત એ છે કે ડિજિટલ પ્લેટફૉર્મ અને ડિજિટલ કન્ટેન્ટવાળા કહે છે કે ગેમ તો હજુ શરૂ જ થઈ છે.

સમીર સક્સેના કહે છે, "હજું તો આ માધ્યમ ઇન્ડિયામાં શરૂ થયું છે, હજુ તો શરૂઆત છે. હજુ તો ઘણું થવાનું બાકી છે."

ટીવી ટકી શકશે કે નહીં?

ઇમેજ કૅપ્શન,

ટાટા સ્કાઈના મુખ્ય કાર્યકારી અધિકારી હરિત નાગપાલ

ડિજિટલ પ્લેટફૉર્મ્સને રાતોરાત મળેલી સફળતા જોતાં, કેબલ અને ડીટીએચ કંપનીઓએ તેમનો સામનો કરવા માટે તૈયારી કરશે અથવા તેમની સાથે હાથ મિલાવવાનો નિર્ણય કરવા વિચારતી હશે.

સૌથી મોટી ડીટીએચ કંપનીઓમાંથી એક, ટાટા સ્કાઈના સીઈઓ હરિત નાગપાલ કહે છે કે ભારત જેવા મીડિયા માર્કેટમાં જો બન્ને હાથ મિલાવી લે તો બન્નેનો વિકાસ શક્ય છે.

ટાટા સ્કાઈએ હાથ મિલાવી લીધા છે. નાગપાલ કહે છે, "જલ્દી જ તમે અમારા પ્લેટફૉર્મ પર લાઇવ ટીવી ચૅનલો સિવાય 'નેટફ્લિક્સ' અને 'હૉટસ્ટાર' જેવા ઘણાં પ્લેટફૉર્મ જોઈ શકશો."

"અમે તમને નવા પ્રકારનું એક સ્માર્ટ સેટટૉપ બૉક્સ આપીશું, જેનાથી તમે ટીવી પણ જોઈ શકશો અને ડિજિટલ પ્લેટફૉર્મ પણ જોઈ શકશો."

દેશના 80 કરોડ લોકો ટીવી જુએ છે જેનો અર્થ એ થયો કે 50 કરોડ લોકો પાસે આજે પણ ટીવી નથી એટલે ટીવી પ્રસારણના વિકાસની હજુ પણ શક્યતા છે.

બીજી તરફ દેશમાં 50 કરોડ લોકો ઇન્ટરનેટથી જોડાયેલા છે અને 34 કરોડ લોકો પાસે સ્માર્ટફોન છે. એટલે કે ડિજિટલ પ્લેટફૉર્મની પ્રગતિની ભરપૂર શક્યતા છે.

ટીવી બનાવતી કંપનીઓએ સ્માર્ટ ટીવી સેટ બનાવવાનું શરૂ કર્યું છે. જેની મદદથી એક પેન ડ્રાઇવ લગાવીને તમે ઇન્ટરનેટની મદદથી કોઈ પણ ડિજિટલ પ્લેટફૉર્મની વેબસાઇટ પર ડિજિટલ વીડિયોના પ્રોગ્રામ જોઈ શકો છો.

આવતા પાંચ વર્ષમાં કોનો વિકાસ વધારે થશે? 'હૉટસ્ટાર'ના અજિત મોહન કહે છે, "આવનારા પાંચ વર્ષોમાં આપણે ઘણાં વિનર્સ જોઈશું.", એનો એક અર્થ એવો પણ છે કે ટીવી અને ડિજિટલ મીડિયા બન્ને આગળ વધશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો