બીજા માટે ડ્રીમ બની જાય એવી અદાકારી કરવી છે : નવાઝુદ્દીન

  • સમીર હાશ્મી
  • બીબીસી સંવાદદાતા, મુંબઈ
નવાઝુદ્દીન
ઇમેજ કૅપ્શન,

નવાઝુદ્દીન

નેટફ્લિક્સ પર છ જુલાઈથી આઠ એપિસોડની વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ ' લૉન્ચ થઈ છે, જેમાં બોલીવુડનાં કલાકાર નવાઝુદ્દીન સિદ્દીકી મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.

નવાઝુદ્દીન સિદ્દીકી ઉપરાંત તેમાં સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે પણ 'સેક્રેડ ગેમ્સ'માં છે. સિરીઝ વિક્રમાદિત્ય મોટવાની અને અનુરાગ કશ્યપે નિર્દેશિત કરી છે.

બીબીસીએ નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ખાસ વાતચીત કરી અને ઑનલાઇન પ્લૅટફૉર્મ માટે ભજવવામાં આવેલી એમની પ્રથમ ભૂમિકાની સાથે સાથે એમની આવનારી ફિલ્મો 'મંટો' અને 'ઠાકરે' અંગે પણ વાતચીત કરી.

વાંચો નવાઝુદ્દીનો બીબીસી સાથેનો ખાસ ઇન્ટરવ્યૂ...

ઇમેજ સ્રોત, SACRED GAMES @FB

તમારી છબી મોટી ભૂમિકા ભજવનાર કલાકાર તરીકેની છે. તમે આ વેબ સિરીઝ કરવાનું શા માટે વિચાર્યું? એવું પૂછતાં નવાઝે કહ્યું કે નેટફ્લિક્સની સિરીઝમાં પશ્ચિમનાં મોટા કલાકારો કામ કરી ચૂક્યા છે. તેમનો પોતાનો એક અલગ જ માપદંડ છે.

તેમણે કહ્યું, "આ સિરીઝ ઘણી વખતે ફિલ્મો કરતાં પણ સુંદર હોય છે, કારણ કે તેમાં કન્ટેન્ટ હોય છે.

"બીજું કારણ છે અનુરાગ કશ્યપ અને તેમનું દિગ્દર્શન. આ વિક્રમ ચંદ્રાની નવલકથા પર આધારિત છે.."

આપને આ પણ વાંચવું ગમશે

વેબ સિરીઝનો ટ્રૅન્ડ

વેબ સિરીઝનો ટ્રૅન્ડ ખૂબ ચાલી રહ્યો છે. શું તેમાં તમને એક અભિનેતા તરીકેની સ્વતંત્રતા મળે છે ખરી? આ વિશે તેમણે પ્રત્યુત્તરમાં કહ્યું કે ફિલ્મો અઢી કલાકની હોય છે, તેમાં કલાકારને મોકળાશ દર્શાવવાની તક મળી શકતી નથી. બસ એમનાં કેટલાક પાસાંઓને અડીને જ અમે પાછા ફરી જતાં હોઈએ છીએ.

"'સેક્રેડ ગેમ્સ'માં દરેક કલાકારનાં તમામ પાસાંઓને સ્પર્શ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

"હું આમાંથી સરદાર ગણેશ ગાયતોંડેની ભૂમિકામાં છું. એમની જટિલતા, આદતો, સ્વભાવ અને ઘણી ખાસિયતો છે. આઠ એપિસોડ દરમ્યાન એમને સંપૂર્ણપણે જીવી જવાની તક સાંપડી છે."

'મંટોની જેમ જ ઠાકરેમાં ભૂમિકા નિભાવી છે'

ઇમેજ સ્રોત, SACRED GAMES @FB

જ્યારે તેમને પૂછ્યું કે, મંટો અને બાલ ઠાકરે પર તમારી ફિલ્મો આવી રહી છે. રાજનીતિના હિસાબે વિવાદિત ભૂમિકા ભજવી રહ્યા છે, જેની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. એ ભજવવામાં કોઈ અડચણ આવી ખરી?

આ વિશે નવાઝે જણાવ્યું, " બિલકુલ નહીં. જે સહજતા, વિશ્વાસ અને નિષ્ઠા સાથે મેં મંટોને ભજવ્યા એ જ રીતે મેં ઠાકરેની ભૂમિકા પણ નિભાવી."

"હું એક કલાકાર છું. મને દરેક પ્રકારનાં રોલ નિભાવવા ગમે છે. ભલે પછી તે મંટો હોય, ઠાકરે કે પછી ગાયતોંડે. (નેટફ્લિક્સમાં તેમનું પાત્ર) "

હૉલીવુડમાં બાયોપિક વિવેચનાત્મક હોય છે એટલે કે એમનાં દરેક પાસાંઓને ચકાસવામાં આવે છે જ્યારે અહીંયા એમની પ્રશંસા કરવામાં આવે છે. મંટો અને ઠાકરેમાં તમે ભૂમિકા ભજવી છે .શું એ સાચું છે કે ભારતની બાયૉપિકમાં કેરેક્ટરની પ્રસંશા કરવામાં આવે છે?

નવાઝ કહે છે, "ના, મંટો અને ઠાકરેમાં અમે તથ્યને જ દેખાડ્યાં છે."

કાકા-ભત્રીજાવાદ પર શું કહ્યું?

વીડિયો કૅપ્શન,

નવાઝુદ્દીન સિદ્દિકીની મમ્મીને ભણવું છે

બોલીવૂડમાં નવાઝે એક નવુ મુકામ હાંસલ કર્યું છે અને કેટલીક સ્ટીરિયોટાઇપ બાબતોને તોડી છે.

વધુમાં તેમને જ્યારે પૂછ્યું કે, તમે કોઈ ફિલ્મી પૃષ્ઠભૂમિ ધરાવતા નથી અને તમારું હાથ ઝાલનાર પણ કોઈ નહોતું છતાં તમે એક અલગ જગ્યા ઊભી કરી છે. કહેવામાં આવે છે કે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં કાકા-ભત્રીજાવાદની બોલબાલા છે. શું આ સાચું છે?

આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે તમારું કામ જ બોલતું હોય છે. શરૂઆતમાં નાના નાના કામ મળતા હતા. કારણ કે તમે પોતે જ વિચાર્યું છે કે તમારે અભિનેતા, નિર્દેશક કે કંઈક અલગ જ બનવું છે. તમે જાતે જ આની પસંદગી કરી છે.

"તમારા પર કોઈએ દબાણ તો કર્યું નથી કે તમારે આ બનવાનું છે. આ મારી મરજીનું પ્રોફેશન હતું ."

"જે પણ અડચણ આવી એ મારે જાતે જ સહન કરવાની હતી અને મને એ અંગે કોઈ ફરિયાદ પણ નહોતી."

"હવે રહી વાત કાકા-ભત્રીજાવાદની તો એમના માટે પહેલી ફિલ્મ મળવી તો સરળ છે પણ આગળ એમને મહેનત તો કરવી જ પડે છે."

"તેઓ કરે પણ છે. આજનાં જે કલાકાર અને સ્ટાર છે તેઓ પણ મહેનત કરે છે."

આખરમાં તમારો ડ્રીમ રોલ શું છે? તેના જવાબમાં નવાઝે કહ્યું, "મેં એ અંગે ક્યારેય વિચાર્યું નથી. હું એવો રોલ કરવા માંગું છું જે બીજાઓ માટે સપનું બની જાય."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો