અમૃતલાલ વેગડઃ શબ્દોના મુલકમાં આવેલો રંગોનો માણસ

  • દિવ્યાંગ શુક્લ
  • બીબીસી ગુજરાતી
અમૃતલાલ વેગડ

ઇમેજ સ્રોત, DEEPAK DOSHI

ઇમેજ કૅપ્શન,

અમૃતલાલ વેગડ

"મારા ગુરુ નંદલાલ બોઝે મને કહ્યું હતું કે જીવનમાં સફળ થતો નહીં, કારણ કે સફળ થનારાઓની કોઈ કમી નથી..તું જીવનને સાર્થક બનાવજે. ગુરુદેવની આ શીખ મારા જીવનનો મંત્ર બની ગઈ. એ શબ્દોએ મને 4,000 કિલોમીટર ચલાવ્યો. નર્મદાની પરિક્રમાનો અદભૂત અનુભવ આપ્યો. નીકળ્યો તો ચિત્રો કરવા માટે, પણ એ પ્રવાસમાં મને શબ્દો જડ્યા. રંગોના દેશનો માણસ શબ્દોના મુલકમાં આવ્યો."

આ શબ્દો વિખ્યાત લેખક, ચિત્રકાર અમૃતલાલ વેગડના છે.

1928ની ત્રીજી ઓક્ટોબરે મધ્ય પ્રદેશના જબલપુરમાં જન્મેલા અમૃતલાલ ગોવાલાલ વેગડનું 90 વર્ષની વયે શુક્રવારે એટલે કે છઠ્ઠી જુલાઈએ અવસાન થયું હતું.

અમૃતલાલ વેગડ ગુજરાતી ઉપરાંત હિન્દી ભાષાના બહુ વંચાયેલા લેખક ઉપરાંત ઉત્તમ ચિત્રકારો પૈકીના એક હતા.

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે સ્થાપેલા શાંતિ નિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીમાં તેમણે અભ્યાસ કર્યો હતો.

વિખ્યાત ચિત્રકાર નંદલાલ બોઝના માર્ગદર્શન હેઠળ તેમણે 1948થી 1953 દરમ્યાન તાલીમ મેળવી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ઇમેજ સ્રોત, Amrutlal Vegad

નંદલાલ બોઝ પાસેથી પ્રકૃતિ તથા સુંદરતાનો આદર કરવાના પાઠ ભણેલા અમૃતલાલ વેગડ શાંતિ નિકેતનથી પાછા ફર્યા બાદ જબલપુરની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાઇન આર્ટ્સમાં શિક્ષક તરીકે જોડાયા હતા.

અમૃતલાલ વેગડનાં સૌથી વધુ વિખ્યાત ગુજરાતી પુસ્તકોમાં 'સૌંદર્યની નદી નર્મદા', 'સ્મૃતિઓનું શાંતિનિકેતન' અને 'થોડું સોનું, થોડું રૂપું'નો સમાવેશ થાય છે.

તેમણ નર્મદા નદીના માર્ગ પર પહેલી પદયાત્રા 1977માં 49 વર્ષની વયે કરી હતી અને છેલ્લી પદયાત્રા 1999માં 71 વર્ષની વયે કરી હતી.

તેમણે તેમનાં પુસ્તકોમાં નર્મદા નદીના મૂળ અમરકંટકથી લઈને ભરૂચ નજીકના દરિયા કિનારા સુધીની પદયાત્રા અનુભવોનું આલેખન કર્યું હતું.

તેમણે એક વખત કહેલું, "નર્મદા નદી અને તેની પરિક્રમા જીવનની સાર્થકતાના પાઠ શીખવે છે. આપણી આસપાસ ડૉક્ટરો અને એન્જિનિયર બનાવવાની કોલેજો છે, પણ સારા માણસ બનાવવાની કોલેજ નથી. એ પ્રશિક્ષણ નર્મદાની પરિક્રમામાં આપોઆપ મળે છે."

તેમણે હિન્દીમાં પણ નર્મદા નદીના સૌંદર્ય વિશે અઢળક લખ્યું હતું. તેમના પુસ્તકોના મરાઠી, બંગાળી અને અંગ્રેજી ભાષામાં અનુવાદ થયા હતા.

'સૌંદર્યની નદી નર્મદા' માટે તેમને ગુજરાત સાહિત્ય અકાદમીએ 2004માં પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અન્ય સર્જનો માટે તેમને મધ્ય પ્રદેશ રાજ્ય સાહિત્ય પુરસ્કાર તથા રાષ્ટ્રપતિ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

'અમૃતસ્ય નર્મદા' નામના હિન્દી પુસ્તક માટે તેમને શરદ જોશી રાષ્ટ્રીય સન્માન, મહાપંડિત રાહુલ સાંકૃત્યન પુરસ્કાર અને હિન્દી ગ્રંથ અકાદમીનું સૃજન સન્માન આપવામાં આવ્યું હતું.

'દિવસે નર્મદા અને રાત્રે રેવા'

ઇમેજ સ્રોત, Amrutlal Vegad

ઇમેજ કૅપ્શન,

નર્મદાને અમૃત વેગડે તસવીરોમાં ઉતારી હતી

અમૃતલાલ વેગડના વ્યક્તિત્વ અને સર્જન વિશે બીબીસી, ગુજરાતીએ ગુજરાતી સાહિત્યસર્જકો રઘુવીર ચૌધરી અને સિતાશું યશશ્ચંદ્ર સાથે વાત કરી હતી.

રઘુવીરભાઈએ કહ્યું હતું, "અમૃતલાલ વેગડનું 'સૌંદર્યની નદી નર્મદા' પુસ્તક ઘણું લોકપ્રિય થયું હતું. એમના હાસ્યપ્રધાન વાર્તાઓના પુસ્તક 'થોડું સોનું, થોડું રૂપું'ની પ્રસ્તાવના મેં લખી હતી.

"તેઓ ચિત્રકાર હતા અને બહુ સારા વક્તા હતા. કાકાસાહેબ કાલેલકરની માફક દેશના દ્વિભાષી લેખકોમાં અમૃતલાલ વેગડનું સ્થાન છે.

"તેઓ 90 વર્ષ જીવ્યા અને બહુ સારું જીવ્યા. છેલ્લા મહિનામાં તેમને થોડી પીડા થઈ હતી. તેઓ છેલ્લે બોલી શકતા ન હતા, પણ જીવ્યા ભરપૂર.

"વર્ષોથી જબલપુરમાં સ્થાયી થયા હતા અને આખા જબલપુરમાં તેમના વ્યક્તિત્વની સુવાસ પ્રસરેલી હતી.

"ગુજરાતી લેખકો સાથે તેમને ઘરોબો હતો. અજાતશત્રુ કહી શકાય તેવી વ્યક્તિ હતા. ચિત્રકારો પણ તેમને ચાહતા હતા.

"મૂળ તો તેઓ ખૂબ ચાલ્યા હતા. નર્મદાના જોખમકારક વિસ્તારોમાં, જ્યાં લોકોને લૂંટી લેવાતા હોય એવા વિસ્તારોમાં પણ તેઓ ફર્યા હતા.

"આપણા વિખ્યાત લેખક ધ્રુવ ભટ્ટે કહ્યું તેમ દિવસે નર્મદા અને રાત્રે રેવા એમ નર્મદાનાં બે સ્વરૂપ અમૃતલાલ વેગડને ગમતાં હતાં.

"નર્મદાના પથમાં જે સુંદર સ્થળો છે, ત્યાંની સંસ્કૃતિ, લોકસંસ્કૃતિ, ત્યાની ગરીબી, ત્યાંના લોકોની ઉદારતાના અનુભવો અમૃતલાલ વેગડે તેમના પુસ્તકોમાં વર્ણવ્યા છે એટલે વિશિષ્ટ લેખક કહેવાય.

"માત્ર લખવા ખાતર નહીં, પણ પ્રકૃતિને, મનુષ્યને જોઈ-ચાહીને એનું નિરુપણ હળવાંફૂલ જેવાં રહીને લખવું એ વિરલ બાબત છે."

સૌંદર્યબોધના લેખક

ઇમેજ સ્રોત, Amrutlal Vegad

ઇમેજ કૅપ્શન,

રેવાના કિનારે વૃક્ષ પર કપિરાજો

સિતાંશુ યશશ્ચંદ્રએ કહ્યું હતું, "અમૃતલાલ વેગડ મારા માનીતા લેખક. અંગત રીતે મળવાનું બહુ ઓછું થયું, પણ એમને ઘણા વાંચ્યા છે.

"ગુજરાતીમાં પ્રવાસવર્ણનોની પરંપરા છેક 19મી સદીથી ચાલી આવે છે. કાકાસાહેબ કાલેલકર, ભોળાભાઈ પટેલ અને પ્રીતિ સેનગુપ્તાની કલમ આપણાં સમયના પ્રવાસવર્ણનોમાં ઝળહળે, પણ અમૃતલાલ વેગડ પ્રવાસનું વર્ણન અન કથા બંને એકસાથે આલેખતા રહ્યા હતા.

"એમનું લખાણ અલગ પ્રકારનું છે. સાહસિક નહીં, સરળ. તેઓ સૌંદર્યબોધના લેખક હતા. તેમની નર્મદાપ્રીતિ અનન્ય હતી.

"અમૃતલાલ વેગડને તેમનાં લેખન અને ચિત્રાંકનમાં મળવાનું વધુ થયું. તેમના શબ્દે-શબ્દે ચિત્રો પ્રગટ થતાં હતાં.

"તેમનાં લખાણમાં નર્મદા, તેની આસપાસનો પ્રદેશ, પશુ-પંખીઓ અને માણસો એમ બધું તાદૃશ્ય થતું હતું.

"અમૃતલાલ વેગડના સર્જનમાં પ્રવાસવર્ણન અને ઉપરાંત તેમના ચિત્રાંકનોનો ત્રિવેણીસંગમ રચાયો હતો."

કઈ રીતે થયું સર્જન?

ઇમેજ સ્રોત, Amrutlal Vegad

પોતાના સર્જનકાર્ય વિશે અમૃતલાલ વેગડ શું માનતા હતા?

2011માં આપેલા એક વકતવ્યમાં તેમણે કહ્યું હતું, "મારા જીવનમાં જે પણ મંગલમય આવ્યું છે એનું શ્રેય હું મારાં પત્ની કાન્તાને આપું છું.

"પાછો વળીને જોઉં છું તો સ્પષ્ટ સમજાય છે કે વિધાતાને મારી પાસે નર્મદા પરિક્રમાનું કાર્ય કરાવવું હતું, પ્રવાસવર્ણનો લખાવવાં હતાં, ચિત્રો બનાવડાવવાં હતાં.

"આ કામ સારી રીતે થઈ શકે એ માટે મારું શાંતિ નિકેતન જવું જરૂરી હતું. પરિક્રમા માટેનું પાથેય મને ત્યાંથી મળવાનું હતું.

"મારા ગુરુ આચાર્ય નંદલાલ બોઝ પાસેથી મને સૌંદર્ય જોવાની દૃષ્ટિ મળી. જો એમની પાસેથી શિક્ષણ ન મળ્યું હોત તો કદાચ મેં પરિક્રમા ન કરી હોત."

એ વકતવ્યમાં અમૃતલાલ વેગડે એમ પણ કહ્યું હતું, "આ નર્મદા ઊંચા પર્વત શિખરેથી ઊતરીને, મીઠાં જળની લહાણ કરતી, મેદાનોને ધાન્યથી હર્યાભર્યાં કરતી અને પોતાનું સર્વસ્વ લૂંટાવતી સમુદ્રમાં મળે છે.

"જે દિવસે આ નર્મદા આપણી ભીતર પ્રવાહિત થશે તે દિવસ આપણો દૃષ્ટિકોણ જ બદલાઈ જશે. આપણે લેવા નહીં, દેવા ઇચ્છીશું. જીવવા નહીં, જિવાડવા ચાહીશું.

"પારકાને માટે જીવવું સહેલું નથી. એમાં બહુ કષ્ટ છે, પણ સ્વૈચ્છાએ આપણે જે કષ્ટ વેઠીએ છીએ એ પણ મધુર લાગે છે. આપણે આવું જીવન જીવી શકીએ તો આપણું જીવન સાર્થક થયું ગણાય."

"ચિત્રોના વિષય શોધવા પદયાત્રા કરી"

વીડિયો કૅપ્શન,

ઘરે બેઠા આ રીતે ભરી શકાય છે ઇન્કમટૅક્સ રિટર્ન

અમૃતલાલ વેગડે ઉમેર્યું હતું, "આ પદયાત્રા મેં સળંગ નહીં, કટકે કટકે કરેલી છે. આ પદયાત્રા મેં મારા ચિત્રોના વિષય શોધવા માટે કરી હતી. ચિત્રો થયાં જ, પુસ્તકો પણ થયાં.

"નર્મદાએ એક ચિત્રકારને લેખક પણ બનાવી દીધો. આમ તો હું રહેવાવાળો રંગોના દેશનો છું. શબ્દોના મલકમાં બસ, આવી ગયો છું.

"જ્યારે આવી જ ગયો છું ત્યારે એ પણ કહી દઉં કે કઈ દૃષ્ટિ લઈને આવ્યો છું. જુઓ, એક વન છે, બીજું ઉપવન અને ત્રીજું છે તપોવન.

"વન-ઉપવન પ્રકૃતિનાં બાહ્ય સૌંદર્યનાં પ્રતિક છે. તપોવન મનુષ્યના હ્રદયના આંતરિક સૌંદર્યનું પરિચાયક છે. મારી કોશિશ રહી છે કે મારા લેખનમાં આ બંને સૌંદર્યને દર્શાવી શકું.

"હું ક્યાં સુધી સફળ થયો છું એ નથી જાણતો, પણ એક વાત સારી રીતે જાણું છું કે સારા કાર્યમાં અસફળ રહેવું પણ સારું છે."

વકતવ્યના અંતે અમૃતલાલ વેગડે કહ્યું હતું, "પાછલાં 33 વર્ષથી હું નર્મદા-સૌંદર્યની છડી મુબારક લઈને ઘૂમી રહ્યો છું અને ભવિષ્યમાં પણ આ જ કરતો રહીશ....મરતાંની સાથે જ હું નહીં મરું.

"કેલેન્ડરમાં ભલે મરી જાઉં, પણ મારાં પરિક્રમા પુસ્તકોમાં જીવતો રહીશ. કમસે કમ થોડાં વર્ષ તો રહીશ જ. એમ પણ બની શકે છે કે જ્યાં સુધી નર્મદા રહે, ત્યાં સુધી હું પણ રહું.

"મસાણે જવાના દિવસો આવી ગયા છે, પણ એ નર્મદાના કાંઠેનું હોવું જોઈએ. બીજી જગ્યાનું મસાણ મને નહીં ફાવે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો