Top News : બુરાડી કેસ - પ્રિયંકાના ફિયાન્સ સહિત 130 લોકોની પૂછતાછ

બુરાડીમાં મૃતકો માટે વિલાપ કરી રહેલા લોકોની તસવીર

ઇમેજ સ્રોત, AFP

બુરાડીમાં એક જ પરિવારના 11 સભ્યોનાં એકસાથે મૃતદેહ મળવાની ઘટનાને એક અઠવાડિયા કરતાં વધુ સમય થઈ ગયો છે, ત્યારે પોલીસે 'નક્કર નિષ્કર્ષ' પર આવવા માટે તજવીજ ઝડપી બનાવી છે.

મીડિયા આઉટલેટ આજતકના અહેવાલ પ્રમાણે, દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે અત્યારસુધીમાં 130થી વધુ લોકોની પૂછપરછ કરી છે.

પોલીસે ભાટિયા પરિવારના સંબંધીઓ, પાડોશીઓ, આજુબાજુમાં કામ કરનારા લોકો તથા પ્રિયંકાના ફિયાન્સ સુમિતની પણ પૂછતાછ કરી છે.

જૂન મહિનામાં પ્રિયંકા અને સુમિતની સગાઈ થઈ હતી અને વર્ષના અંત ભાગ સુધીમાં તેઓ લગ્ન કરવાના હતા.

સુમિતની પૂછપરછ દ્વારા પોલીસ પ્રિયંકા અને તેના આધારે સમગ્ર પરિવારની મનોસ્થિતિનો તાગ મેળવવા પ્રયાસ કરશે.

ઉપરાંત પરિવારના મુખ્ય પુરુષ સભ્ય લલિત ભાટિયાના સાસરિયાંઓની પણ પૂછતાછ કરવામાં આવી છે.

અલ્પેશ, હાર્દિક, જિગ્નેશ સામે દારૂ સાથે ઘરમાં ઘૂસવા બદલ ફરિયાદ

'દિવ્યભાસ્કર'ના અહેવાલ અનુસાર કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, પાટીદાર નેતા હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે એક મહિલાએ ફરિયાદ કરી છે.

મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આ ત્રણેયે ઘરમાં ઘૂસીને તેમને ઇરાદાપૂર્વક બદનામ કરવાની કોશિશ કરી છે.

અત્રે નોંધવું રહ્યું કે ગુરુવારે આ ત્રણેય નેતાઓએ દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. ત્યારબાદ તેમની સામે આ ફરિયાદ કરવામાં આવી છે.

મહિલાએ ફરિયાદ લખાવી છે કે ત્રણ નેતા અને તેમના અન્ય સાથીઓ તેમના ઘરમાં ઘૂસ્યા હતા અને બહારથી દારૂ લાવ્યા હતા અને તેમને બદનામ કરવાની કોશિશ કરી.

બીજી તરફ ત્રણેય નેતા આ મામલે પોતે એસપીની કચેરી પહોંચી જઈને પોતાની ધરપકડ કરવાની માગણી સાથે ધરણા પર બેસી ગયા હતા.

તેમણે એવી પણ માગણી કરી હતી મહિલાનો પરિવાર બૂટલેગર હોવાનું પોલીસ મીડિયા સમક્ષ જાહેર કરે.

કોંગ્રેસના નેતાઓનેલોકો 'બેલ ગાડી' કહે છે: મોદી

ઇમેજ સ્રોત, Getty Images

'ગુજરાત સમાચાર'ના અહેવાલ અનુસાર જયપુરમાં વિવિધ યોજનાઓના શિલાન્યાસ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ 'બેઇલ' પર હોવાથી લોકો તેને 'બેલ ગાડી' કહી રહ્યા છે.

મોદીએ કોંગ્રેસની ટીકા કરતા કહ્યું કે કોંગ્રેસના કહેવાતા દિગ્ગજ નેતાઓ અને પૂર્વ મંત્રીઓ આજકાલ જામીન એટલે કે 'બેઇલ' પર ફરી રહ્યા છે.

અહેવાલ અનુસાર તેમણે કહ્યું, "કોંગ્રેસનો હેતુ શું છે તે ખબર હોવાથી જ લોકોને તેને આ નામ આપ્યું છે."

"સર્જિકલ સ્ટ્રાઇકનો મુદ્દો ઉઠાવીને વિપક્ષોએ ભારતીય સેનાની ક્ષમતા સામે સવાલ ઉઠાવવાનું પણ પાપ કર્યું છે."

વળી ભાષણમાં મોદીએ ફરીથી ખેડૂતોની આવક 2022 સુધી બમણી કરવાની વાત કરી હતી.

અમેરિકામાં ભારતીય યુવકની ગોળી મારી હત્યા

ઇમેજ સ્રોત, Getty Images

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર અમેરિકાના કાન્સાસમાં હૈદરાબાદના યુવાનની ગોળી મારીને અજાણ્યા શખ્શોએ હત્યા કરી નાખી હતી.

શુક્રવારે 26 વર્ષીય એન્જિનિયર એક રેસ્ટોરાંમાં હતો ત્યારે તેને એક શખ્સે ગોળી મારી દીધી હતી.

સારવાર માટે તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

આ મામલે હજુ સુધી કોઈ ધરપકડ નથી થઈ અને વધુ તપાસ ચાલુ છે.

પોલીસને આશ્ચર્ય છે કે હથિયારધારી શખ્સ ભાગી કઈ રીતે ગયો અને તેની શોધખોળ પણ ચાલુ છે.

દરમિયાન મૃતકના પરિવારે યુવકના મૃત્યુની પુષ્ટિ કરવા માટે સત્તાધિશો સમક્ષ માગણી કરી છે.

કેમ કે તેમને આ સમાચાર યુવકના મિત્રો અને અમેરિકી મીડિયા પાસેથી મળ્યા છે. હજુ સુધી કોઈ સત્તાવાર સંદેશાવ્યવહાર નથી કરવામાં આવ્યો.

ફિફા : ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા સેમિફાઇનલમાં

ઇમેજ સ્રોત, Getty Images

ફિફા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે ક્વાર્ટરફાઇનલ મેચમાં સ્વિડનને 2-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

ઇંગ્લેન્ડ 1990 બાદ પ્રથમ વખત સેમિફાઇનલમાં પ્રવેશ્યું છે. હવે ક્રોએશિયા સામે તેનો મુકાબલો થશે.

ઇંગ્લેન્ડ તરફથી મેગુઇર અને ડેલે અલીએ 1-1 ગોલ કર્યા હતા. વર્લ્ડ કપના તેના ઇતિહાસમાં તે કુલ ત્રીજી વખત સેમિફાઇનલમાં પ્રવેશ્યું છે.

ક્રોએશિયાએ પણ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. રશિયા સામે રમાયેલી એક રસાકસી ભરી મેચમાં ક્રોએશિયાએ 4-3થી જીત મેળવી હતી.

ક્રોએશિયા પણ 20 વર્ષો બાદ સેમિફાઇનલમાં પ્રવેશ્યું છે. મેચમાં એક્સ્ટ્રા ટાઇમમાં બન્ને ટીમનો સ્કોર 2-2નો થતાં પેનલ્ટી શૂટઆઉટનો વારો આવ્યો હતો.

જેમાં ક્રોએશિયાએ 4 ગોલ કર્યા હતા, જ્યારે રશિયાના ખેલાડી ત્રણ ગોલ કરી શકતા યજમાન ટીમ વર્લ્ડ કપની બહાર ફેંકાઈ ગઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો