સારણ ગેંગરેપ ગ્રાઉન્ડ રિપોર્ટઃ નવ મહિના તેણે સહ્યો જુલમ

પીડિતાનો ફોટોગ્રાફ Image copyright SEETU TIWARI/BBC

"મારા પર સ્કૂલમાં બળાત્કાર થતો હતો...સ્કૂલના છોકરાઓ, ટીચર, પ્રિન્સિપાલ..બધા રેપ કરતા હતા અને હું ઘરે આવીને અવાચક થઈ જતી હતી."

15 વર્ષની વયની, શ્યામ વર્ણની દુબળી-પાતળી અંકિતા (નામ બદલ્યું છે)ની આ વાતો કોઈને પણ ખળભળાવી શકે છે.

આ ઘટના જ્યાં બની હતી એ વિસ્તાર બિહારના સારણ જિલ્લાના એકમા થાણા હેઠળનો છે.

પરસાગઢ પ્રાઇવેટ સ્કૂલની દસમા ધોરણની વિદ્યાર્થિની અંકિતાના કહેવા મુજબ, તેના પર છેલ્લા નવ મહિનાથી બળાત્કાર કરવામાં આવતો હતો.

અંકિતાએ બીબીસીને કહ્યું હતું, "એ નવ મહિનામાં એક મહિનો સ્કૂલ બંધ રહી ત્યારે મારા પર રેપ કરવામાં આવ્યો ન હતો..."

આ મામલામાં અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ અને એક શિક્ષકનો સમાવેશ થાય છે.

સારણના પોલીસ વડા હરકિશોર રાયે બીબીસીને કહ્યું હતું, "પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે.

તેનું તબીબી પરિક્ષણ કરાવવામાં આવ્યું છે. અમે રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. છ લોકોની ધરપકડ કરવામાં આવી છે."


પીડિતા ચૂપ શા માટે રહી?

Image copyright SEETU TIWARI/BBC
ફોટો લાઈન પીડિતાને સધિયારો આપી રહેલા તેના પિતા

આ કિસ્સામાં એક વીડિયો (કથિત સામૂહિક બળાત્કારનો) વાઇરલ થયાની વાત વારંવાર કહેવામાં આવી રહી છે, પણ અંકિતાએ આવો કોઈ વીડિયો બન્યાનો ઇન્કાર કર્યો છે.

એ સાથે એ સવાલ વારંવાર કરવામાં આવી રહ્યો છે કે અંકિતા નવ મહિના સુધી ચૂપ શા માટે રહી હતી?

શું તમે આ વાંચ્યું?

બીબીસીએ આ સવાલ અંકિતાના પિતાને પૂછ્યો હતો. તેમણે કહ્યું હતું, "અંકિતાની માતા માનસિક રીતે કમજોર છે.”

"પરસા બજાર બોમ્બકાંડમાં થયેલી સજા હેઠળ છેલ્લાં બે વર્ષથી હું જેલમાં હતો. થોડા મહિના પહેલાં જેલમાંથી જામીન પર છૂટીને ઘરે આવ્યો ત્યારે મને આ વાત જાણવા મળી હતી."

કથિત રીતે નવ મહિનાથી ચાલી રહેલો આ કાંડ પાંચમી જુલાઈએ બહાર આવ્યો હતો.

પાંચમી જુલાઈએ સ્કૂલમાં લંચ બ્રેક દરમ્યાન અંકિતા ઘરે પાછી આવી ગઈ હતી.

અંકિતાના કાકાએ કહ્યું હતું, "એ વખતે અંકિતાના કપડામાં લોહીના ડાઘ હતા. તેની માતાએ આ વાત તેના પિતાને કહી ત્યારે પિતાએ અંકિતાને તેનું કારણ પૂછ્યું હતું.”

"એ પછી અમને સમગ્ર ઘટનાની ખબર પડી હતી અને અમે પોલીસમાં ફરિયાદ કરી હતી."


મહિલા પંચે લીધી નોંધ

Image copyright SEETU TIWARI/BBC
ફોટો લાઈન આ સ્કૂલમાં કથિત ઘટના બની હતી

આ મામલે સ્કૂલના 15 વિદ્યાર્થીઓ, પ્રિન્સિપલ અને બે શિક્ષકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

રાજ્યના મહિલા પંચે પણ આ ઘટનાની નોંધ લીધી છે.

મહિલા પંચનાં સભ્ય ઉષા વિદ્યાર્થીએ બીબીસીને કહ્યું હતું, "અમે આ ઘટનાનો રિપોર્ટ માગ્યો છે. ઘટના સાચી હોવાનું જાણવા મળશે તો પંચની સર્વોચ્ચ અગ્રતા દોષી લોકોને ઝડપથી સજા કરાવવાની હશે."


પ્રિન્સિપાલનો પરિવાર

Image copyright SEETU TIWARI/BBC
ફોટો લાઈન આરોપી પ્રિન્સિપલનો પરિવાર

અંકિતાના ઘરે મીડિયાના લોકો સતત આવતા-જતા રહે છે ત્યારે તેના ઘરથી થોડે દૂર આવેલા તેની સ્કૂલના પ્રિન્સિપાલના ઘરે પણ તેમના શુભેચ્છકોની ભીડ જોવા મળે છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, પરસાગઢ નામની ઇમારત પ્રિન્સિપાલની જ પ્રોપર્ટી છે અને તે અહીંના સમૃદ્ધ જમીનદાર છે.

18 વર્ષ પહેલાં તેમણે શરૂ કરેલી આ ખાનગી સ્કૂલ તેમના ઘરથી થોડાં ડગલાં દૂર આવેલી છે.

સ્કૂલના પ્રિન્સિપાલ ઉપરાંત તેમના સગીર વયના છોકરાની પણ પોલીસે ધરપકડ કરી છે. અંકિતા પર બળાત્કારમાં પિતા-પુત્ર બન્ને સંડોવાયા હોવાનો આક્ષેપ છે.

ચાર બાળકોના પિતા અને આરોપી પ્રિન્સિપાલનાં મોટાં પુત્રીએ કહ્યું હતું, "સ્કૂલમાં 450 બાળકો અભ્યાસ કરે છે. એ બધાં આજુબાજુના વિસ્તારમાંથી આવે છે.”

"સ્કૂલની પ્રતિષ્ઠા ખરડવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે. છેલ્લાં 18 વર્ષમાં આવી કોઈ ઘટના બની નથી."

પ્રિન્સિપાલનાં પત્ની સ્કૂલ અને તેમની દીકરીઓની સલામતી પર જોખમ હોવાની લાગણી અનુભવી રહ્યાં છે.

તેમણે કહ્યું હતું, "સ્કૂલ સળગાવી નાખવાની ધમકી વારંવાર આપવામાં આવી રહી છે. મને અને મારી દીકરીઓને સલામતી જોઈએ છે."


શું કહે છે પીડિતાને જાણતા લોકો?

Image copyright SEETU TIWARI/BBC

અંકિતાની સાથે ભણતા અને સ્કૂલમાં ભણેલા અનેક વિદ્યાર્થીઓ સાથે પણ બીબીસીએ આ ઘટના બાબતે વાત કરી હતી.

એ વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમને સ્કૂલમાં કોઈ શિક્ષક કે પ્રિન્સિપાલનું વર્તન ક્યારેય વાંધાજનક લાગ્યું ન હતું.

અંકિતા સાથે ભણતી અને રમતી છોકરીઓના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક મહિનાથી અંકિતાનું વર્તન બદલાઈ ગયું હતું. તેણે બીજી છોકરીઓ સાથે રમવાનું બંધ કરી દીધું હતું.

અંકિતાના પિતાને ન્યાય મળવાની આશા છે. તેમણે કહ્યું હતું, "મારી દીકરી સાથે જે થયું એવું કોઈ અન્યની બહેન-દીકરી સાથે ન થાય એટલે અમે ન્યાય માગી રહ્યા છીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ