BBC Special : તારક મહેતા... સિરિયલનાં પાત્રોનાં નામોની Real લાઇફ પર અસર

"કોઈ બાળક જન્મે ત્યારે તેનું નામ રાખવામાં આવે છે. મારી સાથે પણ 2008માં આવું થયું. 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'એ છેલ્લા દસ વર્ષથી મારી ઓળખ માસ્તર ભીડે તરીકે દુનિયા સમક્ષ ઊભી કરી છે," આ શબ્દો છે મંદાર ચાંદવલકર ઉર્ફે આત્મારામ તુકારામ ભીડેના.

આ નામ સંભળાય એટલે તરત જ યાદ આવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલની. એ સાથે જેઠાલાલ, દયાભાભી, બબીતાજી, ભીડે, સોઢીનું 'ગોકુલધામ' નજર સામે તરવરી ઉઠે.

જુલાઈ, 2008થી શરૂ થયેલી આ સીટકોમ (પરિસ્થિતિ પર આધારિત કોમેડી) ગુજરાતી લેખક તારક મહેતાની કોલમ 'દુનિયાને ઊંધા ચશ્મા' પરથી બનાવવામાં આવી છે.

બીબીસી સાથેની વાતચીતમાં મંદાર, ગુરુચરણ સિંઘ અને કવિકુમારે આ સિરિયલ વિશેના અને અંગત જિંદગીના અનુભવ શેર કર્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

ભીડેના નામે બિલ

માસ્ટ ભીડેનું પાત્ર ભજવતા મંદાર ચાંદવલકરે કહ્યું હતું, "હું પહેલાં મરાઠી થિયેટર કરતો હતો, પરંતુ આ સિરિયલે મને ઓળખ આપી છે, જે મારા માટે નવા નામકરણ જેવી છે. એટલું જ નહીં મને બીજી સોસાયટીઓમાંથી સેક્રેટરીની ઑફર પણ આવી ચૂકી છે."

માસ્ટર ભીડેના પાત્રનો પ્રભાવ પોતાના અંગત જીવન પર કેવી રીતે અસર કરે છે એવા સવાલના જવાબમાં હસતાં-હસતાં મંદારે કહ્યું હતું, "હાલમાં મારું વીજળીનું બીલ, ધોબીનું બીલ બધું ભીડેના નામથી જ આવે છે.

"જ્યારે કોઈ એવું પૂછે કે 'મંદારજી ક્યાં રહે છે?' તો લોકો કહે છે, 'કોણ મંદારજી?', પરંતુ કોઈ એવું પૂછે કે 'ભીડે' ક્યાં રહે છે, તો લોકો તાત્કાલિક મારા ઘરનો રસ્તો ચીંધી દે છે."

મંદાર ચાંદવલકર મિકૅનિકલ એન્જિનિયર હતા અને દુબઈમાં નોકરી કરતા હતા.

"મારી અંદર થિયેટરનો કીડો પહેલેથી જ છે. મને ઍક્ટિંગ પ્રત્યે લગાવ હોવાથી ત્રણ વર્ષની દુબઈની નોકરી છોડીને સ્વદેશ પરત આવી ગયો. મને ખબર હતી કે મારી પાસે કંઈ નથી, પરંતુ હું મારા પેશનને ફોલો કરતો રહ્યો અને આખરે આ સિરિયલમાં કામ કરવા મળ્યું."

શું કહેવું છે બબીતાજીના મિ. ઐયરનું?

ઇમેજ સ્રોત, Sab Tv

'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા' સિરિયલમાં બબીતાજીના મિસ્ટરનું પાત્ર ભજવતા ઐયર સિરિયલના તેમના મિત્ર રોશન સિંહ સોઢી સાથે અસલ જિંદગીમાં પણ ગાઢ મિત્રો હોય એ રીતે મસ્તી કરતા જોવા મળ્યા હતા.

અંગત જીવન વિશે વાત કરતાં 'મિસ્ટર ઐયરે' બીબીસીને કહ્યું હતું, "મારું સાચું નામ તનુજ મહાશબ્દે છે. હું દક્ષિણ ભારતીય નથી, પરંતુ મધ્યપ્રદેશના ઇન્દોર નજીક દેવાસ શહેરનો છું. હું ઍક્ટિંગ સિવાય મને લખવાનો પણ શોખ છે."

તનુજ મહાશબ્દેએ એવું પણ જણાવ્યું કે તેઓ ખૂબ જ ધાર્મિક વ્યક્તિ છે અને પૂજાપાઠમાં વિશ્વાસ રાખે છે.

બીબીસીની ટીમ સાથે પોતાનો અનુભવ શેર કરતાં તનુજે કહ્યું હતું, "આ સિરિયલના 2,500 એપિસોડ પૂર્ણ થયા છે.

"અમે જ્યારે સેટ પર કામ માટે આવીએ છીએ, ત્યારે એવું લાગે છે કે ઘરે આવ્યા છીએ અને જ્યારે ઘરે જઈએ છીએ, ત્યારે એવું લાગે છે કે કામ પર આવ્યા છીએ."

ઇમેજ સ્રોત, Manish Shukla

'ઓયય... યારો કી હાલ હૈ...' આ શબ્દો સાંભળતા જ જો તમે રોશન સિંઘ સોઢી વિશે અનુમાન લગાવ્યું હોય તો તમે સાચા છો.

સિરિયલમાં સોઢીનું પાત્ર ભજવે છે ગુરુચરણ સિંઘ, જેઓ મૂળ દિલ્હીના છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું, "હું આમ તો ફાર્માસિસ્ટ છું. મેં ચાર મહિના મેડિકલ રિપ્રેઝેન્ટૅટિવ તરીકે નોકરી પણ કરી છે."

મેડિકલ લાઇન છોડીને ઍક્ટિંગ લાઇનમાં આવવાના વિચાર બાબતે ગુરુચરણ સિંઘે કહ્યું હતું, "હું મિત્રો સાથે ફિલ્મો જોવા જતો હતો.

"એ વખતે મને લાગતું કે ઍક્ટિંગ ફિલ્ડ ખૂબ સારું છે, કારણ કે ત્યાં તમે પાઇલટ પણ બની શકો અને ડૉક્ટર પણ બની શકો. તમે વિલનનું પાત્ર ભજવો તો પણ તમને જેલ નથી થતી. એ બાબત મને ખૂબ ગમી હતી."

શું કહ્યું ડૉ. હાથીએ?

ઇમેજ સ્રોત, Manish Shukla

હવે વાત કરીએ ગોકુલધામ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતાં ડૉ. હાથી વિશે. સિરિયલમાં હંમેશા ખાવાની જ વાતો કરતા ડૉ. હાથીનું સાચું નામ કવિ કુમાર આઝાદ છે.

આઝાદે બીબીસીને જણાવ્યું, "લોકો મને 'ડૉ. હાથી'ના નામથી ઓળખે છે અને હું આ નામથી ખુશ પણ છું. સિરિયલની માફક અસલ જિંદગીમાં પણ હું મસ્ત રહું છું."

પોતાની અસલ જિંદગી વિશે વાત કરતાં આઝાદે જણાવ્યું હતું કે તેમને લખવાનો શોખ છે અને તેઓ બે દુકાનના માલિક પણ છે.

સિરિયલમાં જેઠાલાલના જીવનમાં દરરોજ નવી મુસીબત ઊભી કરવામાં જેમનો ફાળો હોય છે તેમાં 'નટુકાકા' અને 'બાઘા'નો પણ સમાવેશ થાય છે.

બીબીસી સાથેની વાતચીતમાં 'બાઘા'એ કહ્યું હતું, "મારું સાચું નામ તન્મય વેકરિયા છે. મને લોકો હવે 'બાઘા'ના નામથી જ ઓળખે છે. મારા પિતા ગુજરાતી થિયેટરના ખૂબ જ સારા ઍક્ટર હતા. તેમને જોઈને મેં પણ વિચાર્યું કે હું પણ ઍક્ટિંગ ફિલ્ડમાં કૅરિયર બનાવીશ."

સિરિયલમાં 'નટુકાકા'નું પાત્ર ભજવતી વ્યક્તિનું નામ છે ઘનશ્યામ નાયક. તેઓ વિખ્યાત ગુજરાતી કલાકાર છે.

ઘનશ્યામ નાયકે બીબીસીને કહ્યું હતું, "મારા પિતા અને દાદા બધા નાટકો સાથે જોડાયેલા હતા. ટીવીની શરૂઆત થઈ ત્યારથી હું આ ફિલ્ડ સાથે જોડાયેલો છું. હું મૂળ તો ભવાઈનો કલાકાર છું અને 'રંગલા'નું પાત્ર ભજવતો હતો."

ઇમેજ સ્રોત, Manish Shukla

જાહેરમાં તેમને જોઈને લોકોની શું પ્રતિક્રિયા હોય છે એવા સવાલનો જવાબ આપતા ઘનશ્યામ નાયકે કહ્યું હતું, "હું બૅન્કમાં જઉં છું ત્યારે લોકો કહે છે 'નટુકાકા તમારી પાસબુક તૈયાર છે, આ લો.'

"હું રેલવે સ્ટેશન જઉં છું તો લોકો કહે છે 'નટુકાકા તમે લાઇનમાં કેમ ઊભા છો?' આ સિરિયલને કારણે લોકો અમારા સાચા નામ ભૂલી ગયા છે."

સિનેમાની દુનિયા સાથેના પોતાના સંબંધ વિશે ઘનશ્યામ નાયકે કહ્યું હતું, "મેં 100 નાટકોમાં, 250 હિન્દી-ગુજરાતી ફિલ્મોમાં અને 350 સિરિયલોમાં કામ કર્યું છે."

તારક મહેતાના આ સિરિયલમાં બીજું એક રસપ્રદ પાત્ર છે 'બાવરી'નું. આ પાત્ર ભજવી રહ્યાં છે મોનિકા ભદોરિયા.

બીબીસી સાથેની વાતચીતમાં મોનિકાએ કહ્યું હતું, "મેં આ પાત્ર માટે ઑડિશન આપ્યું હતું અને સિલેક્ટ પણ થઈ ગઈ હતી, પરંતુ મેં આ પાત્ર ભજવવાની ના પાડી દીધી હતી."

મોનિકાએ ઉમેર્યું હતું, "મેં આ પાત્ર ભજવ્યું ત્યારે ખબર પડી કે લોકોને મારું પાત્ર ખૂબ જ પસંદ પડી રહ્યું છે. એ મારા માટે ખુશીની વાત છે."

ઇમેજ સ્રોત, Manish Shukla

સિરિયલમાં વાતવાતમાં 'દુનિયા હિલા દૂંગા....' નો ડાયલૉગ બોલતા અને લગ્નની તીવ્ર ઇચ્છા ધરાવતા 'પત્રકાર પોપટલાલ' સાથે પણ બીબીસીએ વાતચીત કરીને તેમના જીવનના બીજી બાજુ વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

પત્રકાર પોપટલાલે બીબીસીને કહ્યું હતું, "મારું સાચું નામ શ્યામ પાઠક છે. હું નાટકો સાથે 25થી વધારે વર્ષથી જોડાયેલો છું.

"રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયથી સ્નાતક થયા બાદ મેં ટેલિવિઝનમાં ઘણો સમય કામ કર્યું હતું. "

"સિરિયલનું પાત્ર મારા અસલી જીવનથી ખૂબ જ અલગ છે, પરંતુ સેટ પર પહોંચીને કૉસ્ચ્યુમ પહેરતાની સાથે જ હું 'પત્રકાર પોપટલાલ' બની જઉં છું."

તેમના પાત્ર વિશેની લોકોની પ્રતિક્રિયા બાબતે શ્યામે કહ્યું હતું, "લોકો મને મળે છે ત્યારે કહે છે કે હવે તમારાં લગ્ન થઈ જવાં જોઈએ. આખો દેશ તમારાં લગ્નની રાહ જોઈ રહ્યો છે."

દરેક વ્યવહારમાંથી પૈસા બચાવવા માટે જાણીતા અને વાતવાતમાં પોતાનાં પાપડ-અથાણાનું પ્રમોશન કરતાં 'માધવી ભાભી'નું પાત્ર ભજવી રહેલા સોનાલિકા જોષીએ બીબીસી સાથે પોતાના અનુભવ શેર કર્યા હતા.

તેમણે કહ્યું, "હું આ શૉ સાથે દસ વર્ષથી જોડાયેલી છું. હું મારી જાતને નસીબદાર સમજું છું કે મને લોકોને હસાવવાની આ જવાબદારી મળી છે."

ડૉ. હાથીનાં પત્નીનું પાત્ર ભજવતા 'કોમલે' બીબીસીને જણાવ્યું, "મારું સાચું નામ અંબિકા સોની છે. હું પણ છેલ્લા દસ વર્ષથી આ શૉ સાથે જોડાયેલી છું."

સિરિયલમાં સોઢીનાં પત્ની અને પારસી ભાષા બોલતા 'મિસિસ રોશન'નું સાચું નામ જેનિફર મિસ્ત્રી બંસેવાલ છે.

તેમણે જણાવ્યું હતું કે તેમને જેનિફર કરતાં 'રોશન' નામથી વધુ સંબોધવામાં આવે છે.

તેમણે કહ્યું હતું, "મારા પિતા પારસી છે, મારાં માતા ખ્રિસ્તી, મારા નાની હિન્દુ છે એટલે હું ફુલ 'કોક્ટેલ' છું."

શું કહે છે ટપુસેના?

ઇમેજ સ્રોત, Manish Shukla

'તારક મહેતા.. ' સિરિયલમાં ટપુસેના મોજમસ્તી માટે જાણીતી છે. ઑન સેટ હોય કે ઑફ સેટ, આ ટોળકી બહુ જ મસ્તીખોર છે.

બીબીસી ટપુસેનાના સભ્યોના અંગત જીવન વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

ટપુસેનાના કૅપ્ટન રાજ અનડકટ ઉર્ફે ટપુએ બીબીસીને કહ્યું હતું, "અંગત જીવનમાં મને ખુશ રહેવું અને લોકો સાથે હળીમળીને રહેવું પસંદ છે.

"હું અત્યારે બીએમએમ(બૅચલર ઑફ માસ મીડિયા)નો અભ્યાસ કરી રહ્યો છું. હું બહાર જઉં છું તો લોકો મને 'ટપુ...ટપુ...' કહીને જ બોલાવે છે."

ટપુસેનાના બીજા એક સભ્ય અઝહર શેખ ઉર્ફે પિંકુએ કહ્યું હતું, "હું છેલ્લા દસ વર્ષથી આ શૉ સાથે જોડાયેલો છું. હું મારા જન્મદિવસ 5 જુલાઈએ આ શૉ સાથે જોડાયો હતો. મેં હાલમાં ગ્રૅજ્યુએશન પૂરું કર્યું છે."

વીડિયો કૅપ્શન,

આ રીતે કરાયું ગુફામાં ફસાયેલા બાળકોનું રેસ્ક્યૂ ઑપરેશન

સિરિયલમાં પોતાના પિતાના જેમ ગરમ મિજાજ ધરાવતા અને ટપુસેનાના સભ્ય 'ગોલી'એ તેમનો અનુભવ શેર કર્યો હતો.

'ગોલી'એ કહ્યું હતું, "મારું સાચું નામ સમય શાહ છે. હું લોકોને વધુ ઍન્ટર્ટેન કરવા પંજાબી શીખી રહ્યો છું."

ટપુસેનાના અન્ય સભ્ય અને પોતાના પિતાની જેમ ખાવા પર જ ધ્યાન આપતા ગોલી ઉર્ફે કુશ શાહે કહ્યું હતું, "સિરિયલમાં મારા પાત્ર કરતાં અસલ જિંદગીમાં હું ઘણો અલગ છું. હું બીએમએમનો વિદ્યાર્થી છું."

ઇમેજ સ્રોત, Tarak mehta ka oolta chasma

ટપુસેનામાં એક માત્ર છોકરીનું પાત્ર ભજવતી 'સોનુ'એ બીબીસીને જણાવ્યું, "મારું સાચું નામ નિધિ ભાનુસાળી છે. સિરિયલમાંના મારા પાત્ર કરતાં અસલ જિંદગીમાં હું તદ્દન અલગ છું."

ટપુસેનાનાં બધાં પાત્રો વાસ્તવિક જીવનમાં અભ્યાસ કરી રહ્યાં છે. શૂટિંગમાંથી અભ્યાસ અને પરીક્ષાની તૈયારીના સમયનું આયોજન આ લોકો કેવી રીતે કરે છે?

એ સવાલનો જવાબ આપતાં 'ગોલી'એ કહ્યું હતું, "સામાન્ય રીતે તો શૂટિંગ પરથી આવ્યા બાદ એટલા થાકી જતા હોઈએ છીએ કે અભ્યાસ નથી કરી શકાતો.

"પરીક્ષા વખતે શૂટિંગમાંથી સમય મળે ત્યારે વાંચી લઈએ છીએ, પરંતુ ભગવાનની કૃપાથી અમે સારા એવા નંબર સાથે પાસ થઈ જઈએ છીએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો