'ડૉ. હાથી'ને આ રીતે મળ્યો હતો 'તારક મહેતા...'માં રોલ

ડૉ. હાથીની અમદાવાદ મુલાકાત સમયની તસવીર Image copyright Kalpit Bhachech

ટેલિવિઝન સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'ડૉ. હાથી' એટલે કવિ કુમાર આઝાદનું સોમવારે સવારે નિધન થયું. જે સેટ પર હંમેશા મસ્તી-મજાક ચાલતી હોય, ત્યાં આ સમાચારને કારણે માતમ છવાઈ ગયો હતો.

આ અંગે બીબીસી ગુજરાતીએ સિરિયલના નિર્માતા આશિત મોદી સાથે વાત કરી હતી.

મોદીના કહેવા પ્રમાણે, અંગત જીવનમાં કવિ કુમાર 'સરળ અને પ્રેમાળ' હતા.

આઝાદને અંજલિ આપતાં 'તારક મહેતા...'ના ફેસબુક પેજ પર પોસ્ટ મૂકવામાં આવી, 'કવિ કુમાર, આપના વગર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ક્યારેય અગાઉ જેવી નહીં રહે. આનંદ અને હાસ્યથી ભરપૂર યાદો માટે આભાર. આપના આત્માને શાંતિ મળે.'

તાજેતરમાં જ સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ 2500 એપિસોડ પૂર્ણ કર્યા હતા.


'સેટ ઉપર માતમ છવાઈ ગયો'

વોરાએ બીબીસી ગુજરાતી સાથે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું, "સિરિયલમાં ગોકુલધામ સોસાયટી પરિવાર જેવી છે, એવું જ વાતાવરણ રિયલ લાઇફમાં પણ છે.

"સેટ પર તમામ કલાકારો હળીમળીને કામ કરે છે અને એકબીજાના ટિફિન ખાઈ લે અને મોજ મસ્તી કરે છે."

"સેટ પર તેઓ આવે એટલે હસી મજાકનો નવો ક્રમ શરૂ થાય. તેઓ ખુદ પણ મસ્ત રહે અને બીજાને પણ હસાવે."

"સવારે કવિ કુમારનો ફોન આવ્યો હતો કે તબિયત સારી નથી એટલે નહીં આવી શકે. નાની-મોટી બીમારી હોય તો પણ તેઓ સેટ પર આવી જતા."

તમે આ વાંચ્યું કે નહીં?

"જ્યારે કવિ કુમારના નિધન સમાચાર આવ્યા તો સેટ પર માતમ છવાઈ ગયો હતો. બધા કલાકરો ભાવશૂન્ય બની ગયા હતા. કોઈને કશું બોલવાની શુદ્ધ ન હતી."

મેદસ્વિતાને કારણે કવિ કુમારની તબિયત નાદુરસ્ત રહેતી હતી. 2010માં તેમણે મોટી સર્જરી કરવામાં આવી હતી.

કવિ કુમાર કહેતા, 'એ ઓપરેશન બાદ મારી જિંદગી હંમેશાને માટે બદલાઈ ગઈ.'


કઈ રીતે થઈ પસંદગી?

Image copyright MANISH SHUKLA
ફોટો લાઈન સેટ પર કવિ કુમાર આઝાદ

આશિત મોદીએ કહ્યું, "કવિ કુમાર આઝાદે પીરિયડ ફિલ્મ 'જોધા અકબર'માં મીઠાઈવાળાની ભૂમિકા ભજવી હતી."

"અમે નવા ડૉ. હાથીની શોધમાં હતા, ત્યારે મને મારા મિત્ર દયાશંકર પાંડેએ કવિ કુમારના નામની ભલામણ કરી હતી."

"આગળ જતાં કવિ કુમાર સિરિયલનો અનિવાર્ય હિસ્સો બની ગયા. તેઓ આ સિરિયલને ખૂબ જ પ્રેમ કરતા હતા."

ઉલ્લેખનીય છે કે 2008માં સિરિયલની શરૂઆત થઈ, ત્યારે બીજા કલાકાર 'ડૉ. હાથી'નું પાત્ર ભજવવામાં આવતું હતું. બાદમાં કવિ કુમાર આઝાદનો પ્રવેશ થયો હતો.


સેટ પર વિશેષ સવલતો

વોરાએ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહ્યું, "કવિ કુમાર અંગત જીવનમાં એકદમ સહજ અને નિખાલસ હતા.

"સેટ પર કોઈ જાતના નખરા નહીં, કોઈ જાતની માગણીઓ નહીં કે કોઈ પણ પ્રકારની ફરિયાદ નહીં."

"તેઓ મોજમાં હોય એટલે 'આશિતભાઈ કી જય' કે 'આશિતભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હે' એવા નારા લગાવતા."

કવિ કુમાર માટે સેટ પર અલગ મેકઅપ રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેમના બેસવા માટે ખાસ ખુરશી રાખવામાં આવી હતી.


લોકો ડૉ. હાથી તરીકે ઓળખતા

આઝાદના નિધન અંગે આશિત મોદીએ કહ્યું, "આઝાદ અનોખી પ્રતિભા ધરાવતા હતા અને ખૂબ જ સકારાત્મક વ્યક્તિ હતા."

તાજેતરમાં જ બીબીસી ગુજરાતી સાથે ઇન્ટર્વ્યૂમાં કવિ કુમાર આઝાદે કહ્યું હતું, "લોકો મને 'ડૉ. હાથી'ના નામથી ઓળખે છે અને હું આ નામથી ખુશ પણ છું."

"સિરિયલની માફક અસલ જિંદગીમાં પણ હું મસ્ત રહું છું."

કવિ કુમાર ઍક્ટર હોવા ઉપરાંત ઍન્ટરપ્રેન્યૉર પણ હતા. તેઓ બે દુકાન ધરાવતા હતા. કવિ કુમાર શાયર પણ હતા અને મુશાયરાઓમાં પણ ભાગ લેતા.


સિરિયલમાં ડૉ. હાથીનું પાત્ર

Image copyright Kalpit Bhachech
ફોટો લાઈન અમદાવાદની મુલાકાત સમયે ડૉ. હાથી અને ઑન સ્ક્રીન પત્ની કોમલ

ગુજરાતના હાસ્ય લેખક તારક મહેતાની કોલમ 'દુનિયાને ઊંધા ચશ્મા' પરથી જુલાઈ-2008માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલ શરૂ થઈ હતી.

ગુજરાતી પૃષ્ઠભૂમિ ધરાવતી આ સિરિયલ સીટકોમ (પરિસ્થિતિ પર આધારિત કોમેડી) છે.

સિરિયલમાં ગુજરાતી દંપતી જેઠાલાલ, બબિતા અને પરિવારના વડીલ ચંપકકાકા 'ગોકુલધામ સોસાયટી'માં પહેલા માળે રહે.

જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર ડૉ. હંસરાજ હાથી તેમના પત્ની કોમલ તથા પુત્ર ગોલી સાથે રહે છે.

ડૉ. હાથી ખાવા પીવાના શોખીન છે અને તેમની વાતો પણ ખાવાપીવા વિશે જ હોય. ડૉ. હાથી હંમેશા બેફિકર હોય અને મોજમાં રહે.

યોગાનુયોગ શનિવારે જ સિરિયલમાં તેમના પત્નીનું કોમલ એટલે કે અંબિકા સોનીનો શનિવારે જન્મદિવસ હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ