TOP NEWS : રામાયણ વિરુદ્ધ ટિપ્પણી કરનારા ફિલ્મ ક્રિટિકને શહેરવટો

મહેશ કાથીની તસવીર Image copyright Mahesh Kath/FB

એક ટીવી શૉ દરમિયાન રામાયણને લઈને વિવાદાસ્પદ નિવેદન કરનારા તેલુગુ ફિલ્મ ક્રિટિક કાથી મહેશને છ મહિના સુધી સુધી હૈદરાબાદમાંથી બહાર ધકેલી દેવાયા હોવાનું 'ઇન્ડિયન એક્સપ્રેસ' જણાવે છે.

'શહેરનું વાતાવરણ ખરાબ કરવા બદલ' તેલંગણા પોલીસે સંબંધિત પગલું ભર્યું હોવાનું અખબાર નોંધે છે.

મહેશના નિવેદનના વિરુદ્ધ સ્વામી પરિપૂર્ણનંદ સરસ્વતી ધાર્મિક યાત્રા પણ યોજવાના હતા. જોકે, પોલીસે તેમને પણ નજરકેદ કરી લીધા છે.

વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ મહેશને હિંદુવાદી સંગઠનનો ટીકાનો સામનો કરવો પડ્યો હતો. બજરંગ દળ અને અન્ય હિંદુ સંગઠનો તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.

મહેશ વિરુદ્ધ લેવાયેલા આ પોલીસ પગલાને નાગરિક અધિકાર સંગઠનોએ વાણી સ્વાતંત્ર્ય પર હુમલો ગણાવ્યો છે.


તાતા સન્સ વિરુદ્ધ સાયરસ મિસ્ત્રીની અરજીને ફગાવાઈ

Image copyright AFP

'ધ ઇકૉનૉમિક ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)એ તાતા સન્સના પક્ષમાં નિર્ણય લેતા સાયરસ મિસ્ત્રીની અરજીને ફગાવી દીધી છે.

એનસીએલટીએ પોતાના આદેશમાં જણાવ્યું છે કે તાપા ગ્રૂપના મૅનેજમૅન્ટમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું નથી.

બી.એસ.વી. પ્રકાશકુમાર અને વી. નલ્લાસેનાપતિની બેન્ચે નોંધ્યું કે તાતા ટ્રસ્ટના ચૅરમૅન રતન તાતા અને ટ્રસ્ટી એન. સુનાવાલાએ 'સુપર ડિરેક્ટર' તરીકે વર્તન કર્યું હોવાના કોઈ જ પુરાવા મળી શક્યા નથી.

રતન તાતા વિરુદ્ધ લગાવાયેલા આરોપોને ફગાવી દેતા ટ્રિબ્યૂનલે એવું પણ નોંધ્યું છે કે બૉર્ડ પાસે મિસ્ત્રીને હટાવવાનો પણ અધિકાર છે.

નોંધનીય છે કે વર્ષ 2012માં રતન તાતાની નિવૃતિ બાદ સાયરસ મિસ્ત્રીને તાતા સન્સના ચૅરમૅન બનાવાયા હતા. જોકે, બાદમાં તેમને હટાવી દેવાયા હતા.


સજાતીય સંબંધ અંગેના કાયદાને પડકારી અરજીની સુનાવણી

Image copyright Getty Images

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર સજાતીય સંબંધોને ગેરકાયદેસર ઠરાવતી ઇન્ડિયન પીનલ કોડની કલમ 377ને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

મુખ્ય ન્યાયાધિશ દિપક મિશ્રાના વડપણ હેઠળની પાંચ ન્યાયાધિશોની ખંડપીઠ સમક્ષ આ સુનાવણી યોજાશે.

ખંડપીઠ સમક્ષ છ અરજીઓ અને હસ્તક્ષેપ પર સુનાવણી કરાશે. જે નાઝ ફાઉન્ડેશન નામના એનજીઓ, સંબંધિત વ્યક્તિઓ વાલીઓ તેમજ માનવાધિકાર સંગઠન દ્વારા દાખલ કરવામાં આવી છે.

દાખલ કરાયેલી અરજીઓ પાછળ 35 વ્યક્તિ હોવાનું પણ અખબાર નોંધે છે.

આ રીતે 35 વ્યક્તિઓનું ખુલ્લી સામે આવીને અરજી કરવું એ સંબંધિત વ્યક્તિઓમાં જાતિયતા અંગે આવેલો આત્મવિશ્વાસ દર્શાવતું હોવાનું પણ અખબાર નોંધે છે.


રાજ્યમાં 61.98 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર જ નથી થયું

Image copyright Getty Images

'નવગુજરાત સમય'ના અહેવાલ અનુસાર નૈઋત્યનું ચોમાસું મોડું સક્રિય થતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પૂરતો વરસાદ ના પડવાને કારણે ખેડૂતો અને સરકારમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.

અહેવાલમાં જણાવાયું છે કે જો સંતોષકારક વરસાદ નહીં પડે તો ખરીફ વાવેતરને બદલે રોકડીયો પાક લેવો પડશે.

અખબાર નોંધે છે કે હાલમાં 85.65 લાખ હેક્ટર એટલે કે રાજ્યના 27.64 ટકા વિસ્તારમાં જ વાવેતર થઈ શક્યું છે.

જ્યારે 61.98 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર શક્ય બની શક્યું નથી.

વરસાદનું ખેંચાવું ચિંતાજનક બાબત હોવા છતાં કૃષિમંત્રી આર.સી. ફળદુ આ મામલે આશાવાદી હોવાનું પણ અખબાર ઉમેરે છે.


રિલાયન્સના પ્રસ્તાવિત ઇન્સ્ટિટ્યૂટને IIT, IISc જેવો દરજ્જો

Image copyright Getty Images

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ત્રણ સરકારી અને ત્રણ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને સરકારે 'ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍમિનન્સ'નો દરજ્જો આપ્યો છે, જેમાં હજુ પ્રસ્તાવિત રિલાયન્સ ફાઉન્ડેશનનું 'જિયો ઇન્સ્ટિટ્યૂટ' પણ સામેલ છે.

અખબારના જણાવ્યા અનુસાર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ 20 નામોના સ્લૉટ સામે છ નામોને સંબંધિત દરજ્જો આપ્યો છે.

અખબાર એવું પણ નોંધે છે કે જિયો ઇન્સ્ટિટ્યૂટ હજુ પેપર પર જ છે. ઇન્સ્ટિટ્યૂટમાં વિવિધ 10 સ્કૂલ શરૂ કરાશે. જેમાં, ઇજનેરી, વિજ્ઞાન, રમતગમત, કાયદો, કળા, તબીબી વિજ્ઞાન વગેરેનો પ્રવાહ સામેલ છે.

સરકારે જે છ સંસ્થાઓને સંબંધિત દરજ્જો આપ્યો છે તેમા 'જિયો' ઉપરાંત આઈઆઈટી-દિલ્હી, આઈઆઈટી-બૉમ્બે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, BITs પિલાની, મનિપાલ એકૅડમી ઑફ હાયર ઍજ્યુકેશનનો સમાવેશ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો