BBC SPECIAL: દિલ્હીમાં સારવાર કરાવી રહેલા યમન યુદ્ધના 74 ઘાયલોની કહાણી

ઝૈદ

ચૉકલેટનો એ ડબ્બો દૂરથી ચમકી રહ્યો હતો, અથવા કંઈક રમકડું હતું! દસ વર્ષનો ઝૈદ તેની નજીક ગયો.

તેની પાછળ નાના પગલાં ભરતાં-ભરતાં તેનો છ વર્ષનો ભાઈ સલેમ પણ ગયો.

જોકે, સૌથી પહેલાં ઝૈદ એ ડબ્બા પાસે પહોંચ્યો અને તેને સ્પર્શ કર્યો અને હાથમાં લઈ લીધો. પરંતુ તરત જ...

સેંકડો બલ્બ જેવો પ્રકાશ થયો અને આસપાસની જમીન પણ ધ્રુજી ઉઠી.

ઝૈદના બન્ને પગ માંસ અને કેટલાક તૂટેલા હાડકાં સાથે લટકતા તેમના શરીર પર લબડી રહ્યું હતું.

વિસ્ફોટમાંથી છુટેલી તીક્ષ્ણ વસ્તુઓ તેના માંસમાં ફસાઈ ગઈ હતી અને આસપાસ માત્ર લોહી જ લોહી હતું.


યમનમાં ચાલી રહેલું યુદ્ધ

ઝૈદના જખમો બે વર્ષમાં સારા થઈ ગયા પરંતુ તેનાં નિશાન રહી ગયાં.

ઝૈદનો ડાબો પગ ડૉક્ટરે કાપવો પડ્યો અને જમણો પગ કોઈક રીતે શરીર સાથે જોડાયેલ છે. તેમની સર્જરી માટે તેઓ ગત મહિને જ દિલ્હી આવ્યા હતા.

ઝૈદ યમનના યુદ્ધમાં ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય 74 દર્દી સાથે સારવાર માટે દિલ્હી લાવવામાં આવ્યા છે.

અરબ દેશમાં લગભગ ચાર વર્ષોથી ચાલી રહેલા જંગમાં સંયુક્ત રાષ્ટ્ર અનુસાર એકંદરે દસ હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

આપને આ પણ વાંચવું ગમશે

વળી 55 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે અને બેઘર થયા છે.

ઝૈદના પિતા સલેમ મોહમ્મદ કહે છે, "અમારું શહેર હૂથી વિદ્રોહીઓના કબજામાં આવી ગયું હતું. જ્યારે તેઓ હારીને ત્યાંથી જવા લાગ્યા ત્યારે જગ્યાએ જગ્યાએ બારુદની સુરંગો લગાવતા ગયા."

સલેમ મોહમ્મદ શિક્ષક છે તેમણે કહ્યું કે કુદરતની કૃપાથી સલેમને કોઈ ઈજા ન થઈ. તેની સ્થિતિ હાલ ફિઝીયોથેરપીથી સુધરી રહી છે."


હૂથી વિદ્રોહીઓનો ઇન્કાર

બીજી તરફ હૂથી વિદ્રોહીઓ આ આરોપનો ઇન્કાર કરી રહ્યા છે. તેમનો દાવો છે કે આ કામ સરકારના લશ્કરી દળોનું જ છે.

યમનના યુદ્ધમાં એક તરફ શિયા હૂથી વિદ્રોહીઓ અને સરકાર સમર્થિત દળો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.

વિદ્રોહીઓને ઈરાનનું સમર્થન પ્રાપ્ત છે અને યમનના દળોને સાઉદી અરબના નેતૃત્વવાળા નવ દેશોના ગઠબંધનનું સમર્થન છે.

રૉકલૅન્ડ હૉસ્પિટલના ઇમરજન્સી મેડિસીન્સ વિભાગના પ્રોફેસર તમોરીશ કોલે કહે છે કે ઝૈદના જમણા પગને કોઈક રીતે શરીર સાથે જોડવામાં આવ્યો હતો અને તેની ફરીથી સર્જરી કરીને ઠીક કરવાની કોશિશ કરવામાં આવશે.

તમોરીશ કોલે જણાવે છે કે યુદ્ધ જેવી સ્થિતિમાં સ્વાસ્થ્ય સેવાઓ ધરાવતા મળભૂત માળખા જેમ કે હૉસ્પિટલ તેનો શિકાર બનતા હોય છે.

ઇમારતો ધ્વસ્ત થઈ જાય છે અને ઑપરેશન થિયેટરનો પણ એવા જ હાલ થાય છે. દવાઓની સપ્લાય અટકી જાય છે.

બીજી તરફ ઘાયલોની સંખ્યા વધી જાય છે. આથી આવી સ્થિતિમાં લોકોના જીવ બચાવવાને પ્રાથમિકતા આપવામાં આવતી હોય છે.

ઝૈદને છેલ્લા ચાર પાંચ કલાકથી જમવાનું નથી મળ્યું અને તે પિતા પાસે વારંવાર જમવાનું માગી રહ્યો છે.

દરમિયાન એક્સ-રે માટે ઝૈદને વ્હિલચેરમાં લઈ જવામાં આવે છે.


'હિંદને અમે ઓળખીએ છીએ'

ઝૈદના રૂમની બીજી તરફ એક બીજો રૂમ છે. તેમાં ખુરશી બેઠેલા 56 વર્ષીય મોહમ્મદ અલી પહેલી વખત ભારત આવ્યા છે.

પરંતુ તેઓ ઇન્દિરા ગાંધી, રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રને કારણે ભારતને ઓળખે છે.

તેઓ સ્મિત સાથે કહે છે, "ધરમિંદર ઘણા સારા કલાકાર છે."

આવું કહ્યા બાદ તેઓ દર્દીઓની સારસંભાળ રાખતા અધિકારી જસ્સાર સાલેહને ફરિયાદ કરતા કહે છે કે ટીવીમાં હિંદી ફિલ્મોની ચેનલ નથી આવતી.

જસ્સાર કહે છે કે એક વ્યક્તિની હિંદી ચેનલોની માગ પૂરી કરવામાં આવશે તો બધા જ તેની માગ કરશે.

ફોટો લાઈન મોહમ્મદ અલી

વળી મુશ્કેલી એ છે કે અરબી અને હિંદી ચેનલ એક જ પેકેજમાં ઉપલબ્ધ નથી.

પહાડી વિસ્તારમાં રહેતા રદફાન નિવાસી નાસિર કહે છે કે યમનમાં જો હિંદી ફિલ્મોની ચેનલ લગાવી દઈએ તો કોઈ બંધ નહીં કરવા દે.

અડેન પોર્ટ પર ક્લાર્કનું કામ કરતા નાસિર બે વાર રોકેટ લૉન્ચરથી ઘાયલ થયા છે.

તેઓ શર્ટ ઉતારીને તેના જખમના નિશાન બતાવે છે. બીજા હુમલામાં તો તેમનો પગ એકદમ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો.

મજૂરી કામ છોડીને હથિયાર ઉઠાવનારા મોહમ્મદ અલીને પ્રતિક્ષા છે કે એક નવા પ્રોસ્થેટિક પગ લગાવવામાં આવ્યા બાદ તેઓ ફરીથી લડી શકવા માટે સક્ષમ થઈ જશે.

તેમણો હોદૈદાના યુદ્ધમાં સરકાર તરફથી લડાઈ લડી હતી.


'ડૉક્ટર છું પણ હવે શરણાર્થી કૅમ્મમાં...'

મોહમ્મદ અલી કહે છે કે સામાન્ય નાગરિક તરીકે મળેલી આર્મીની તાલીમ અને ત્યાર પછી આર્મીમાં કામ કરવાથી તેમને ઘણી મદદ મળી.

હવે તેઓ મશીનગન ચલાવવામાં મહારત મેળવી ચૂક્યા છે.

મોહમ્મદ અબ્દુલને લોકોનો ઇલાજ કરવામાં મહારત હતી પરંતુ તેમનું દવાખાનું નષ્ટ થઈ ચૂક્યું હતું.

તેમની સાથે કામ કરતા બે સર્જન ઉલ્ફત અને મોનાએ જીવ બચાવવા માટે ભાગી જવું પડ્યું.

પગમાં જખમ બતાવતી વખતે વાત કરતાં કરતાં તેમનું શરીર કંપી ઉઠે છે અને અવાજ પણ ધ્રુજવા લાગે છે.

તેઓ દુખી અવાજ સાથે કહે છે,"હું ડૉક્ટર છું પણ શરણાર્થી કૅમ્પમાં દિવસો વિતાવવા પડી રહ્યા છે."

તેમનું કહેવું છે કે, "ત્યાં જાનવરોથી પણ ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. હૂથી આઈએસ અને અલ-કાયદા કરતાં પણ નિર્મમ છે. તેઓ બાળકો પર પણ દયા નથી કરતા."

અમે તેમને પૂછ્યું કે સાધારણ હૂથી લોકોનું શું તેઓ પણ તો યુદ્ધ ઝેલી રહ્યા છે.

તેમના પર પણ તો સાઉદીના ગઠબંધન દ્વારા બોંબમારો કરવામાં આવે છે.

જવાબમાં તેઓ કહે છે કે જો હૂથી લોકો ઘાયલ થાય અને હૉસ્પિટલમાં આવે તો તેઓ તેમની સારવાર કરવાનો ઇન્કાર કરી દે છે.

એક માત્ર દીકરાની તસવીર જોતાં તેમણે મને કહ્યું કે તેમની કહાણી કોઈને ન કહીએ અને તસવીરનો ઉપયોગ પણ ન કરીએ.

પરંતુ થોડીક જ ક્ષણોમાં તેમનો વિચાર બદલાઈ જાય છે અને તેઓ કહે છે કે તેમની કહાણી કહી શકીએ છીએ.

યમનથી આવેલા ઘાયલ દર્દીઓમાં મહિલાઓ પણ સામેલ છે. પરંતુ તેઓ વાત કરવાનો ઇન્કાર કરે છે.

કેટલાક દર્દીઓ તેમના દેશમાં પ્રવર્તી રહેલી સ્થિતિના ડરને કારણે અમારી સાથે વાત નથી કરતા.

તેઓ રૂમમાં બેઠા બેઠા કુરાન વાંચે છે અથવા યમનની કરન્સીને જુએ છે અથવા મોબાઇલમાં યમનની ભવ્ય ઇમારતોની તસવીરો જુએ છે.

યુદ્ધ પહેલાંની ઇમારતો અને યુદ્ધ બાદ તેની ખરાબ થયેલી હાલતની તસવીરો જુએ છે.

એ યમન જે હંમેશને માટે કદાચ ગુમ થઈ ગયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો