સરકારે જિઓ ઇન્સ્ટિટ્યૂટને કેમ આપ્યો ખાસ દરજ્જો

નરેન્દ્ર મોદી અને મુકેશ અંબાણી Image copyright Getty Images
ફોટો લાઈન મુકેશ અંબાણી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે

માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે રવિવારે સાંજે કેટલીક ખાનગી શિક્ષણ સંસ્થાઓને ઇન્સ્ટીટ્યૂટ ઑફ એમિનન્સ (અગ્રણી સંસ્થા) તરીકે પસંદગી પામવા બદલ અભિનંદન પાઠવ્યાં છે.

કેન્દ્રીય મંત્રી જાવડેકરે પોતાના આ ટ્વીટમાં મણિપાલ યુનિવર્સિટી અને બિટ્સ પિલાની યુનિવર્સિટીની સાથે સાથે જિઓ ઇન્સ્ટિટ્યૂટને પણ અભિનંદન પાઠવ્યાં છે.

પણ એમના આ ટ્વીટ બાદ એક નવો વિવાદ ઊભો થઈ ગયો છે કે કેન્દ્ર સરકારે કયા આધારે એક એવી સંસ્થાને ઇંસ્ટીટ્યૂટ ઑફ એક્સેલેંસની યાદીમાં સામેલ કરી છે કે હજી સુધી માત્ર કાગળ પર જ છે.

ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ ટ્વીટ કરીને સવાલ ઊઠાવ્યો હતો કે ઘણી આગળ પડતી પડતી યુનિવર્સિટીઝને કોરાણે મૂકી દઈને અંબાણીની એક યુનિવર્સિટીને આ પ્રકારનો દરજ્જો આપવામાં આવ્યો તે અચંબિત કરી દે તેવી ઘટના છે .

Image copyright Twitter/Ramchandra Guha

રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ અને જિઓ સાથે જોડાયેલા રોહિત બંસલે આ મુદ્દે સરકારનો બચાવ કરતા ટ્વિટર પર યુજીસીનું નોટિફીકેશન (પરિપત્ર) જારી કર્યું છે.

29 ઓગસ્ટ 2017નાં રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલા આ નોટિફીકેશનમાં એ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેના હેઠળ એક ખાનગી સંસ્થાને 'ઇન્સ્ટિટ્યૂટ ઑફ એક્સેલેંસ ડીમ્ડ ટૂ બી યૂનિવર્સિટી ' નો દરજ્જો આપી શકાય છે.

આ મુદ્દે વિવાદ ઊભો થયા બાદ માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પણ ચોખવટ કરવા માટે, આ જ નોટિફીકેશનનો સહારો લીધો છે.


સરકારે કરી ચોખવટ

માનવ સંસાધન મંત્રાલયે કરેલા ટ્વીટમાં એ નિયમોને ટાંકવામાં આવ્યા છે કે જેના હેઠળ કોઈ પણ સંસ્થાને ખાનગી સંસ્થાનો દરજ્જો આપી શકાય છે.

આ નિયમોમાં, સંસ્થા બનાવવા માટે જમીનની ઉપલબ્ધતા, શિક્ષિત અને સક્ષમ ટીમની હાજરી, સંસ્થાને બનાવવા માટે ભંડોળ અને તબક્કાવાર બનેલી સમગ્ર યોજનાની જરૂરિયાતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શું તમે આ વાંચ્યું?

આ ધારાધોરણ મુજબ તૈયાર કરવામાં આવી રહેલી કોઈ પણ સંસ્થાને અરજી દાખલ કરવાનું જણાવવામાં આવી શકે છે.

નોટિફીકેશન અનુસાર આ હોદ્દા માટે અરજી કરનાર ખાનગી સંસ્થા, વર્ષ 2016ના યુજીસી ધારાધોરણ મુજબ તૈયાર કરવામાં આવવી જોઈએ.

મંત્રાલયે જણાવ્યું છે કે એને આ શ્રેણીમાં 11 અરજીઓ મળી હતી. જિઓએ ખાસ હોદ્દાની સંસ્થા બનવા માટેનાં ચારેય ધારાધોરણ પૂરાં કર્યા છે.

ત્યાર બાદ એને લેટર ઑફ ઇન્ટેન્ટ એટલે કે ( સરકારની મંજૂરી વાળો પત્ર) આપવામાં આવ્યો છે.

માનવ સંસાધન વિકાસ મંલાલયના સચિવ આર સુબ્રમણ્યમે આ મુદ્દે પર કહ્યું છે કે જિઓ ઇન્સ્ટીટ્યૂટને હજુ લેટર ઑફ ઇન્ટેન્ટ આપવામાં આવ્યો છે પણ ખાસ હોદ્દાવાળી સંસ્થાનો ટેગ હજી સુધી લગાડવામાં આવ્યો નથી.

એમણે એમ પણ જણાવ્યું કે જિઓએ ત્રણ વર્ષના સમયગાળામાં અંદર આ પ્રકારની સંસ્થા વિકસાવવી પડશે. જો તે એમ કરવામાં સફળ થશે તો એને આ પ્રકારનો દરજ્જો આપવામાં આવશે.


રેસમાં પાછળ રહી ગયેલી સંસ્થાઓ

આ યાદીમાં સામેલ ન કરવામાં આવેલી સંસ્થાઓમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન સેટલમેન્ટ, બેંગલોર અને ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન સેટલમેન્ટ, બેંગલોરના સંસ્થાપક સભ્યોમાં દીપક પારેખ અને નંદન નીલેકણીનો સમાવેશ થાય છે.

જોકે કેટલાક લોકો, જેમ કે એજ્યુકેશન અને કેરિયર પોર્ટલ કેરિયર 360ના પ્રમુખ મહેશ્વર પેરી સરકારનાં આ નિર્ણયનું એમ કહી સમર્થન કરે છે કે આનાથી ભારતમાં વિશ્વના જાણીતા વિશ્વ વિદ્યાલયોનાં પાયા નંખાશે.

મહેશ્વર પેરી તો એટલે સુધી કહે છે, ''રિલાયન્સને અગ્રણી સંસ્થાનો હોદ્દો કઈ રીતે મળ્યો એવું પૂછવાને બદલે એવું પૂછવું જોઈએ કે સરકારે ગાંઠનાં નાણાં ખર્ચ કરવા ના પડતા હોય તો આવી બીજી ખાનગી સંસ્થાઓને આ પ્રકારનો દરજ્જો કેમ ના આપવો જોઈએ?''

એમનાં જણાવ્યા મુજબ વિશ્વ સ્તરની સંસ્થા ઊભી કરવા માટે અબજોનો ખર્ચ થતો હોય છે અને જિઓ પાસે એટલું ધન છે કે તે આ કામ કરી શકે છે.

શિક્ષકોનો વિરોધ

Image copyright Getty Images

પરંતુ એક પ્રેસ નોટમાં કરવામાં આવેલા એક નિવેદનમાં દિલ્હી વિશ્વ વિદ્યાલય શિક્ષક સંઘ (ડૂટા)એ જણાવ્યું, ''એક સરકારી સ્કીમનો એક ખાનગી સંસ્થાનાં પ્રોત્સાહન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે.''

ડૂટાનું કહેવું છે કે આ પ્રકારનાં શરમજનક નિર્ણયો એ શંકાનો પાયો છે કે આ સરકાર ઉચ્ચ શિક્ષણને ધંધામાં ફેરવી નાખવા માંગે છે અને ખાનગીકરણને પ્રોત્સાહન આપવા માટે તે ગમે તે હદ સુધી જઈ શકે છે.

પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપનાં નેતા યશવંત સિન્હાએ સરકારનાં આ નિર્ણય અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, ''આ મુકેશ અંબાણીનાં નામનો જાદુ છે.''

આ ઉપરાંત ઝારખંડમાં વિપક્ષનાં નેતા અને પૂર્વ મુંખ્યમંત્રી હેમંત સોરેને ટ્વીટ કર્યું હતું કે જિઓ ઇન્સ્ટીટ્યૂટ કે જેની સ્થાપના હજી સુધી થઈ નથી એમાં પ્રથમ ભાષણ અમિત શાહજી આપશે અને તે નૈતિકતા, સિદ્ધાંતો અને ભાગીદારી વિશે હશે.

જોકે પેરી મહેશ્વરી જણાવે છે કે શિક્ષણનું ખાનગીકરણની ચર્ચા ભૂલભરેલી છે કારણ કે શિક્ષણનાં ક્ષેત્રમાં એની શરૂઆત ક્યારનીય થઈ ગઈ છે.

તેઓ એ ટ્રેન્ડ વિશે વાત કરતા જણાવે છે કે દર વર્ષે પહેલાં કરતા પણ વધારે વિદ્યાર્થીઓ શિક્ષણ માટે વિદેશ જઈ રહ્યા છે.

આજે દર વર્ષે 1.5 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ માટે બહાર જઈ રહ્યા છે, તેઓ લાખો રૂપિયા વિદેશી સંસ્થાઓમાં ભણતર પાછળ ચૂકવે છે.

તેઓ જણાવે છે, ''રિલાયન્સ જેવી યુનિવર્સિટી બન્યા બાદ આ ટ્રેન્ડ બદલાઈ શકશે અને બની શકે કે વિદેશથી વિદ્યાર્થીઓ ભણતર લેવા ભારત આવવા માંડે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો