કર્ણાટક : પોલીસકર્મીઓ મેદસ્વીપણું ઓછું કરે, નહીં તો જઈ શકે છે નોકરી

યોગ કરી રહેલા સૈનિકો Image copyright KSRP

કર્ણાટક પોલીસ તેમના જવાનોની ફિટનેસને લઈને એટલી ગંભીર છે કે તેમણે તેમના 14 હજાર પોલીસજવાનોને ત્રણ મહિનાનો સમય આપ્યો છે. આ ત્રણ મહિનામાં જવાનોએ તેમનું મેદસ્વીપણું ઘટાડવું પડશે.

જો તેઓ સમય મર્યાદાની અંદર ફિટ નહીં થાય તો તેમને નોકરીમાંથી બરતરફ પણ કરવામાં આવી શકે છે.

કર્ણાટક સ્ટેટ રિઝર્વ પોલીસે(કેએસઆરપી) તેમના પ્લાટૂન કમાન્ડરને એવો આદેશ આપ્યો છે કે જે પોલીસકર્મીઓનું વજન વધારે અને પેટ ફૂલેલાં હોય તેમને અલગ તારવવામાં આવે.

કેએસઆરપીના એડિશનલ મહાનિદેશક ભાસ્કર રાવે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "છ મહિના પહેલાં પોલીસજવાનોની શારીરિક તપાસ કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું કે સૈનિકોને ડાયાબિટિસ અને મેદસ્વીપણાની બીમારી હોવાનું માલૂમ પડ્યું છે."

"જો તેઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નહીં આપે અને ફિટ નહીં થાય તો તેમને બરતરફ કરી દેવામાં આવશે."


સર્ક્યુલર જાહેર કરાયો

Image copyright KSRP

કેએસઆરપીએ સૈનિકોને ફિટ રહેવા માટે સર્ક્યુલર પણ બહાર પાડ્યો છે.

છેલ્લા બે દાયકામાં વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં માલૂમ પડ્યું છે કે વિભાગના જવાનો સ્વસ્થ નથી.

પોલીસકર્મીઓ અને ખાસ કરીને ટ્રાફિક વિભાગમાં કામ કરતા જવાનોને ફેફસાં અને હૃદયની બીમારી થાય છે.

ભાસ્કર રાવે પોલીસકર્મીઓને ફિટ રહેવા પાછળ કારણ પણ દર્શાવ્યું છે. તેમણે કહ્યું, "છેલ્લા 18 મહિનામાં અમારા 153 પોલીસકર્મીઓનાં મૃત્યુ થયાં છે. તેમાંથી 24 રોડ દુર્ઘટનામાં અને 9 લોકોએ આત્મહત્યા કરી લીધી છે."

"અન્યોના મૃત્યુ ડાયાબિટિસ, હૃદયની બીમારી અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓને કારણે થયા છે. આ ગંભીર સ્થિતિ છે."

તમે આ વાંચ્યું કે નહીં?

રાજ્યના વિભિન્ન ક્ષેત્રોમાં સામાજિક તણાવ અને બીજી જરૂરિયાતોમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રહેલા રિઝર્વ પોલીસ જવાનોને મોટાભાગે ચોખાથી બનેલી વાનગીઓ આપવામાં આવે છે.

ભાસ્કર રાવે જણાવે છે, "તે લોકો ચોખાની વાનગીઓ ખાય છે. તેઓ દારૂ અને સિગરેટનું સેવન પણ કરે છે. શારીરિક પરિશ્રમના અભાવને કારણે તેઓ મેદસ્વી થતા જાય છે."

"તેમનો યુનિફોર્મ નાનો પડતો જાય છે. એટલા માટે પ્લાટૂન કમાન્ડરને તેમને ફિટ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે."

એક પ્લાટૂન કમાન્ડરની અંદર 25 રિઝર્વ પોલીસના જવાનો હોય છે. કમાન્ડરને દર અઠવાડિયે આ પોલીસજવાનોનું વજન ચકાસવાનું કહેવામાં આવ્યું છે.


ડૉક્ટરની સલાહ પર સ્વિમિંગ અને યોગ

Image copyright KSRP

જવાનોને ફિટ રાખવા માટે કેઆરપીએ સ્વિંમિંગ અને યોગ ક્લાસની શરૂઆત કરાવી છે.

તેમને વિભિન્ન રમતગમતમાં પણ ભાગ લેવામાં કહેવામાં આવ્યું છે. આ નિર્ણય ડૉક્ટરોની સલાહ બાદ લેવામાં આવ્યો છે.

ભાસ્કર રાવ જણાવે છે, "જો તેઓ સ્વસ્થ રહેશે તો તેમનું જીવન સારું રહેશે અને લાંબું જીવશે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ જ્યારે ઘરે પરત ફરે તો સ્વસ્થ રહે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો