Top News: ગુજરાતની સ્કૂલોમાં યુનિફોર્મ કે ઇતર પ્રવૃત્તિની ફી ફરજિયાત નહીં: સુપ્રીમ કોર્ટ

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

‘દિવ્ય ભાસ્કર’ના અહેવાલ મુજબ ગુજરાતમાં શાળાઓ દ્વારા યુનિફોર્મ ફી કે અન્ય પ્રવૃત્તિઓ માટે ફી નહીં વસૂલી શકાય એવો મહત્ત્વપૂર્ણ નિર્ણય સુપ્રીમ કોર્ટે આપ્યો છે.

સાથે જ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે તમામ શાળાઓએ બે સપ્તાહમાં તેમની ફીની દરખાસ્ત એફઆરસી સમક્ષ રજૂ કરી દેવી પડશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના ફી નિર્ધારણના કાયદાને હાઈ કોર્ટે યોગ્ય ઠેરવ્યો હતો. ત્યારબાદ રાજ્યભરની 1800 શાળાઓએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટની એક કલાકની સુનાવણીમાં સરકારના એટર્ની જનરલ એન. એમ. સુંદરમે રજૂઆત કરી હતી કે ટ્રાન્સપોર્ટેશન, ખોરાક, યુનિફોર્મ, પુસ્તકો અને પ્રવાસોને ફરજિયાત બનાવી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગુજરાત સરકાર આ તમામ શાળાઓને પત્ર પાઠવીને જણાવશે કે કઈ ફી ફરજિયાત લેવી અને કઈ ફી મરજિયાત ગણવી.


ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સે બધી જ વેબસાઇટને સમાન મહત્ત્વ આપવું પડશે

Image copyright Getty Images

વેબસાઇટ ‘લાઇવ મિન્ટ’માં છપાયેલા અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકૉમ રેગ્યુલેટરની ભલામણો સ્વીકાર્યા બાદ ઇન્ટરનેટ ગ્રાહકોને 'નેટ ન્યુટ્રાલિટી'નો ફાયદો મળશે.

નેટ ન્યુટ્રાલિટી મતલબ કે ઇન્ટરનેટ પર તમામ કન્ટેન્ટને એકસમાન દરજ્જો આપવો.

'નેટ ન્યુટ્રાલિટી' અંતર્ગત ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરને ઇન્ટરનેટ ટ્રાફિકને સમાન રીતે ન્યાય આપવો પડશે. એટલે કે તેઓ કોઈ કન્ટેન્ટને વધારે પડતી હાઇલાઇટ નહીં કરી શકે કે કોઈ કન્ટેન્ટને દબાવી નહીં શકે.

ટેલિકૉમ મંત્રાલય દ્વારા આ પોલિસી સ્વીકાર્યા કર્યા બાદ બુધવારના રોજ ટેલિકૉમ સેક્રેટરી અરુણા સુંદરરાજને પત્રકારોને જણાવ્યું હતું કે સર્વિસ પ્રોવાઇડરોને લાઇસન્સ એગ્રીમેન્ટ અંતર્ગત નેટ ન્યુટ્રાલિટીના કાયદાને અનુસરવું પડશે.


સરકાર તાજમહેલની જાળવણી કરે અથવા તો તોડી પાડે : સુપ્રીમ કોર્ટ

Image copyright Getty Images

‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ તાજમહેલના રક્ષણ પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને ઠપકો આપતા જણાવ્યું છે કે, તે તાજમહેલની જાળવણી કરે અથવા તો તેને તોડી પાડે.

ઉલ્લેખનીય છે કે વિશ્વના સાત અજાયબીઓમાંથી એક મનાતો તાજમહેલ પ્રદૂષણને કારણે પોતાનો રંગ ખોઈ રહ્યો છે અને તે પીળો પડી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટ છેલ્લાં 31 વર્ષથી વર્લ્ડ હેરીટેજ સાઇટમાં સ્થાન પામેલ આ સ્મારકના જતન પર નજર રાખી રહી છે.

તાજ મુદ્દે સુનાવણી કરતા જસ્ટીસ મદન લોકુર અને દીપક ગુપ્તાની બેન્ચે કહ્યું, "સરકારની ઉદાસીનતા છે કે તે આ સ્મારકની જાણવણી નથી કરી શકી."


ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાની કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત

Image copyright FACEBOOK/ Kanubhai Kalsaria

‘સંદેશ’ના અહેવાલ મુજબ ભાજપના મહુવાના પૂર્વ ધારસભ્ય ડૉ. કનુ કલસરિયાએ બુધવારના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક કરી હતી ત્યારબાદ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે.

રાહુલ ગાંધી આગામી 16-17 જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના છે ત્યારે કલસરિયા સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાશે.

અખબાર એવું પણ લખે છે કે રાહુલ ગાંધીના નિવાસ સ્થાને મળેલી બેઠક બાદ એવી ચર્ચાઓ વહેતી થઈ કે કનુ કલસરિયા ભાવનગર બેઠકથી લોકસભાની ચૂંટણી લડી શકે છે.

ડૉ. કનુભાઈ કલસરિયા ભારતીય જનતા પક્ષમાથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

તેમણે ભાજપમાં રહીને પણ જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્ય સરકાર સામે નિરમા કંપનીને સિમેન્ટ ફેક્ટરીની જમીન નહીં આપવા માટે મહુવા વિસ્તારના ખેડૂતોનું આંદોલન સફળતાપૂર્વક ચલાવ્યું હતું.

ત્યારબાદ તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને રાજ્ય એકમના વડાની જવાબદારી સંભાળી હતી.

હવે તેઓ કોંગ્રેસમાં જોડાશે.


યોગેન્દ્ર યાદવના બહેનને ત્યાં રેડમાં 20 લાખની બિનહિસાબી રોકડ કબજે

Image copyright Getty Images

‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં છપાયેલા સમાચાર મુજબ ઇન્કમ ટૅક્સ વિભાગે બુધવારના રોજ સ્વરાજ ઇન્ડિયાના સ્થાપક સભ્ય યોગેન્દ્ર યાદવના બહેનની હોસ્પિટલ અને નર્સિંગ હોમ સહિત અન્ય 3 જગ્યાએ દરોડા પાડ્યા હતા.

જેમા 20 લાખની રોકડ અને પંજાબ નેશનલ બૅન્કના કૌભાંડી નીરવ મોદીને ત્યાંથી ખરીદેલી જ્વેલરી કબજે કરી હોવાનો દાવો કર્યો છે.

યોગેન્દ્ર યાદવને ટાંકતા અખબારે લખ્યું, "હોસ્પિટલમાંથી જે પણ મળ્યું તે અંગે હોસ્પિટલની ઓથોરિટી માહિતી આપશે."

ઉલ્લેખનીય છે કે કલાવતી હોસ્પિટલ યોગેન્દ્ર યાદવના બહેન નીલમ યાદવ અને નર્સિંગ હોમ પૂનમ યાદવ ચલાવે છે. પૂનમ યાદવનાં પતિ ચાઇલ્ડ સ્પેશ્યાલિસ્ટ છે.

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ સાથેની વાતચીતમાં યોગેન્દ્ર યાદવના બહેને જણાવ્યું કે ‘આ મુદ્દાને રાજકારણ સાથે જોડવામાં ના આવે. મારા પતિ અને મારો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી.’

આઇટી વિભાગના અધિકારીનું કહેવું છે કે અમારી પાસે આ અંગેના પુરાવા છે કે યોગેન્દ્ર યાદવના બહેન પાસે 20 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ છે.

એટલુ જ નહીં તેમની પાસે નીરવ મોદીની દુકાનેથી ખરીદેલી પણ જ્વેલરી છે જેની ચૂકવણી રોકડમાં કરવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ