સેક્રેડ ગેમ્સને સિમ્બૉલ્સથી સજાવનારા ગુજરાતીને ઓળખો

સેક્રેડ ગેમ્સ સિરીઝનું પોસ્ટર Image copyright SACRED GAMES/FACEBOOK

નેટફ્લિક્સ પર રજૂ થયેલી ભારતની પહેલી વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ'માં એક માસૂમ બાળકના બાળપણની હત્યાથી લઈને સમાજમાં સાંપ્રદાયિકતાનું ઝેર ભળતા જ મરતી માનવતાની વાત પડદા પર દર્શાવામાં આવી છે.

સાથે જ તેમાં લવ, સેક્સ ઔર ધોખાના તડકાથી લઈને ક્યારેય ન સૂતા શહેર તરીકે ઓળખાતા મુંબઈને ધ્વસ્ત કરી દેવાના કાવતરાની વાત દર્શાવવામાં આવી છે.

આ સિરીઝના દરેક એપિસોડના નામમાં હિંદુ માઇથૉલૉજીની છાપ જોવા મળે છે.

એટલું જ નહીં દરેક એપિસોડની શરૂઆતમાં તેનું નામ દર્શાવતા રંગોળી જેવાં સિમ્બૉલ્સ પણ તેને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવ્યાં છે.

આ સિમ્બૉલ્સ તૈયાર કરનાર ગુજરાતી યુવક અનિરુદ્ધ મહેતા છે.


કોણ છે અનિરુદ્ધ મહેતા?

Image copyright Aniruddh Mehta/Instagram
ફોટો લાઈન મૂળ ગુજરાતી અનિરુદ્ધ મહેતાએ મુંબઈને કર્મભૂમિ બનાવી છે

28 વર્ષના અનિરુદ્ધ ડિઝાઇનિંગ આર્ટિસ્ટ છે જેમનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો છે, પરંતુ પરિવારના મૂળિયા ગુજરાતમાં છે.

ગુજરાત સાથેના સંબંધ અંગે અનિરુદ્ધે જણાવ્યું હતું કે વર્ષોથી મુંબઈ જ તેમની કર્મભૂમિ છે, પરંતુ પરિવાર મૂળ ગુજરાતની મુલાકાતો થતી રહે છે.

બે વર્ષ યુકેની લંડન કૉલેજ ઑફ કૉમ્યુનિકેશનમાં ડિઝાઇન ફૉર ગ્રાફિક કૉમ્યુનિકેશનનો અભ્યાસ કર્યા બાદ તેઓ કારકિર્દી બનાવવા માટે સ્વદેશ પરત ફર્યા.

તમે આ વાંચ્યું કે નહીં?

કારકિર્દીના સોપાન તરીકે અનિરુદ્ધ મહેતા દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકમાં પણ પોતાનો હુન્નર બતાવી ચૂક્યા છે.

તેમણે બીબીસીને જણાવ્યું, " ભારત સહિત વિશ્વની અન્ય ફેસબુક ઓફિસ દ્વારા 'ફેસબુક આર્ટિસ્ટ ઇન રેસિડન્સ' નામનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં મને પણ સામેલ કરવામાં આવ્યો હતો.

"મેં ત્યાં સમકાલીન ભારતનાં ડિઝાઇનિંગ વર્કને મોર્ડન ટચ આપી એક ડિઝાઇન તૈયાર કરી હતી."


સેક્રેડ ગેમ્સમાં કેવી રીતે મળ્યું કામ?

Image copyright Netflix

અનિરુદ્ધે જણાવ્યું, "મુંબઈ સ્થિત પ્લૅક્સિસ મોશન સ્ટુડિયો છે જે ડિઝાઇનિંગ, એનિમેશન અને અન્ય ક્રિએટિવ કામ કરે છે તેમના ડિરેક્ટર વિજેશ રાજન અને યશોદાએ મારો સંપર્ક કર્યો હતો."

પ્લૅક્સિસ મોશનની વેબસાઇટ પરથી મળતી માહિતી મુજબ તેમણે બોલીવૂડમાં યશરાજ પ્રોડક્શન, દિબાકર બેનર્જી ફિલ્મ્સ, ફેન્ટમ ફિલ્મ્સ, મદ્રાસ ટૉકિઝ વગેરે સાથે કામ કર્યું છે.

અનિરુદ્ધ ઉમેરે છે, "મેં જિઓમિટ્રી (ભૂમિતિ) ડિઝાઇનિંગ પર ઘણું કામ કર્યું છે એટલા માટે વિજેશે મને આ કામ માટે પસંદ કર્યો.”

"હું વિક્રમાદિત્ય મોટવાનીને મળ્યો હતો. લેખક વરુણ ગ્રોવર દ્વારા સીરિઝના એપિસોડના ટાઇટલ નક્કી કર્યા બાદ અમારી ચર્ચામાં મંડલને કેન્દ્રમાં રાખીને દરેક ડિઝાઇન તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું."


શું છે મંડલ?

Image copyright Aniruddh Mehta/Studio Plexus

પ્લૅક્સિસ સ્ટુડિઓના ડિરેક્ટર યશોદાએ બીબીસીને જણાવ્યું કે મંડલ હિંદુ અને બૌદ્ધ ધર્મનું ધાર્મિક ચિહ્ન છે જે બ્રહ્માંડને દર્શાવે છે.

"હિંદુ ધર્મમાં શુભ પ્રસંગ દરમિયાન આ મંડલને દોરવામાં આવે છે. એવું મનાય છે કે કોઈ ઇચ્છા પૂરી કરવા કે પરિવારની સુખ અને સમૃદ્ધિ માટે મંડલનો ઉપયોગ થાય છે જે એક પવિત્ર ચિહ્ન છે."

એવું કહેવાય છે કે બહ્માંડની ચિત્રાકૃતિના ડાયાગ્રામ, ચાર્ટ કે ભૂમિતિને વાસ્તવિક અને પ્રતીકાત્મક કૃતિરૂપે દર્શાવવા માટે મંડલનો ઉપયોગ કરવામાં આવે છે.


શરૂઆતમાં આવતા મંડલનો અર્થ શું છે?

Image copyright Aniruddh Mehta/Instagram
ફોટો લાઈન મૂળ ગુજરાતી અનિરુદ્ધ મહેતાએ મુંબઈને કર્મભૂમિ બનાવી છે

સિરીઝની શરૂઆતમાં એક કલરફૂલ આકૃતિ જોવા મળે છે જે મંડલાને દર્શાવે છે.

અહીં જે મંડલ બતાવવામાં આવ્યું છે તેની આકૃતિમાં વિશિષ્ટ રીતે લાઇન્સ અને પેટર્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે હિંદુ અને ઇસ્લામ બન્ને ધર્મને રજૂ કરે છે.

સેક્રેડ ગેમ્સનું મંડલ પોતાની રીતે સમગ્ર ભારતનું પ્રતિબિંબ રજૂ કરે છે.

મંડલમાં ઉપયોગમાં લેવાયેલ કેસરી અને લાલ રંગ હિંદુ ધર્મને રજૂ કરે છે, જ્યારે લીલો અને બ્લૂ રંગ ઇસ્લામ અને અન્ય ધર્મોને રજૂ કરે છે.


શરૂઆતમાં બતાવવામાં આવતા વીડિયોનો શું મતલબ છે?

Image copyright Aniruddh Mehta/Studio Plexus
ફોટો લાઈન આ સિમ્બૉલમાં દરેક એપિસોડના ટાઇટલના લોગોને રજૂ કરવામાં આવ્યા છે.

શરૂઆતમાં બ્લૅક ઍન્ડ વ્હાઇટ કલરમાં આવતા વીડિયોમાં રાજીવ ગાંધીથી લઈને બાબરી ધ્વંસ અને સાંપ્રદાયિક હુલ્લડોથી લઈને પ્રાચીન ભારતની શકલ રજૂ કરવામાં આવી છે તે ગાયતોન્ડે (નવાઝુદ્દિની સીદ્દિકી)ના દિમાગમાં બની રહેલા ભારતની તસવીર રજૂ કરે છે.

સાથે ગાયતોન્ડેના દિમાગમાં ભારતમાં ચાલી રહેલું રાજકારણ અને બદલાતાં ભારત પ્રત્યે અત્યંત ગુસ્સો અને પૂર્વાગ્રહોનું પ્રતિબિંબ રજૂ કરે છે.

વીડિયોના માધ્યમથી એવું બતાવવામાં આવ્યું છે કે ગાયતોન્ડેનું દિમાગ એવું માની બેઠું છે કે હિંસાના મૂળમાં ધર્મ રહેલો છે.

સાથે જ પ્રાચીન સ્થાપત્યોની જે ઝલક રજૂ કરવામાં આવી છે તે એવું દર્શાવે છે કે ભારતીય માઇથૉલૉજીમાં યુદ્ધ અને હિંસાને હંમેશાં વીરતાના સ્વરૂપે જોવામાં આવે છે.

આ સીરિઝ વિક્રમ ચંદ્રાની થ્રીલર નૉવેલ પર આધારિત છે જેનું નિર્દેશન અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાનીએ કર્યું છે.


એપિસોડ-1: અશ્વત્થામા

Image copyright Aniruddh Mehta/Studio Plexus

મહાભારતના યુદ્ધમાં અશ્વત્થામા કૌરવો તરફથી લડ્યા હતા.

એમ મનાય છે કે અશ્વત્થામા ભગવાન શિવના અવતાર હતા અને તેમનો જન્મ કપાળ પર રત્ન સાથે થયો હતો અને તે અમર છે.

આ એપિસોડમાં ગાયતોન્ડેની કહાણી બતાવી છે, જે પોતે અમર હોવાનું રટણ કરતો રહે છે.

અશ્વત્થામા યુદ્ધના મેદાનમાં શસ્ત્ર તરીકે 'નારાયણાસ્ત્ર'નો ઉપયોગ કરતા હતા, જે અત્યંત શક્તિશાળી હતું અને તેમાંથી એકસાથે લાખોની સંખ્યામાં તીર નીકળી શકતા હતા.

આ લોગોમાં વચ્ચે એક રત્ન છે જે અશ્વત્થામાના કપાળનાં રત્નને રજૂ કરે છે. બીજી તરફ તે રત્નની ચારેતરફ તીર નીકળતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે જે અશ્વત્થામાના શક્તિશાળી શસ્ત્ર હોવાનું રજૂ કરે છે.


એપિસોડ-2: હલાહલા

Image copyright Aniruddh Mehta/Studio Plexus

આ શબ્દનો ઉલ્લેખ હિંદુ માઇથૉલૉજીમાં વિષ્ણુ પુરાણ, ભગવદ્ પુરાણ અને મહાભારતમાં જોવા મળે છે.

દુર્વાસા નામના ઋષીએ ઇંદ્રને શ્રાપ આપ્યો હતો કે તેઓ પોતાની વિશિષ્ટ અને અસાધારણ શક્તિઓ ખોઈ બેસશે.

આ શ્રાપથી બચવા માટે દેવોએ વિષ્ણુની સલાહ પર સમુદ્રમંથન કર્યું જેમાંથી અત્યંત ઘાતક ઝેર નીકળ્યું તે હતું હળાહળ (હલાહલા).

અહીં લોગોમાં એક ગોળાકાર આકૃત્તિ જોઈ સમુદ્રમંથન સૂચવે છે, જ્યારે વચ્ચે શંખની આકૃતિ છે જે હલાહલા ઝેરના પ્રતિબિંબ તરીકે રજૂ કરાઈ છે.


એપિસોડ-3: અતાપી-વતાપી

Image copyright Aniruddh Mehta/Studio Plexus

હિંદુ પૌરાણિકશાસ્ત્ર મુજબ અતાપી-વતાપી નામના બે દાનવો હતા. તેઓ નિર્દોષ ભાવ સાથે ભૂખ્યા અતિથિઓને તેમના ઘરે જમવા માટે આમંત્રણ આપતા હતા.

ત્યારબાદ અતાપી એ અતિથિઓને ભોજન માટે બકરાનું રૂપ ધારણ કરી ચૂકેલા વતાપીને મારી તેનું માંસ પીરસતો હતો.

અતિથિ ભોજન આરોગી થોડે દૂર જતા ત્યારે અતાપી તેના ભાઈ વતાપીને બોલાવતો એટલે વતાપી એ અતિથિનું પેટ ચીરીને બહાર આવી જતો.

સેક્રેડ ગેમ્સના આ એપિસોડનું નામ અતાપી-વતાપી છે જેના સિમ્બૉલના મધ્યમાં બે દાનવોની કૃતિ રજૂ કરવામાં આવી જે અતાપી-વતાપી છે.

આ એપિસોડમાં બદ્રી બ્રધર્સની વાત કરવામાં આવી છે, જે ગાયતોન્ડે સાથે કામ કરે છે અને લોકોની હત્યા કરવામાં તેમનો મોટો ફાળો હોય છે.


એપિસોડ-4: બ્રહ્મહત્યા

Image copyright Aniruddh Mehta/Studio Plexus

વિશ્વાપુરા નામના બ્રાહ્મણ, દૈત્યો તરફથી આપવામાં આવેલું દાન/યજ્ઞબલિ દેવોને ધરી દેતા હતા આ વાતથી ગુસ્સે થઈ ઇંદ્રએ તેની હત્યા કરી નાખી હતી.

પરંતુ આ ઘટના ઇંદ્રને કોરી ખાતી હતી. આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે ઇંદ્રએ વિષ્ણુની સલાહ પર ત્રણ નારી જાતિ, પૃથ્વી, મહિલા અને વૃક્ષને પસંદ કરી તેના આ પાપમાં ભાગીદારી કરાવી.

આ વાતને કેન્દ્રમાં રાખી આ લોગો ડિઝાઇન કરવામાં આવ્યો છે જેમાં સર્કલની અંદર ત્રિકોણ દોરવામાં આવ્યું છે જેની ત્રણેય બાજુએ પૃથ્વી, નારી અને વૃક્ષને રજૂ કરવામાં આવ્યા છે.

અહીં બતાવવામાં આવ્યું છે કે ગાયતોન્ડે પોતે બ્રાહ્મણ હોવા છતાં લોકોની હત્યા કરી સાંપ્રદાયિક તણાવ ઊભા કરે છે.


એપિસોડ-5: સરમા

Image copyright Aniruddh Mehta/Studio Plexus

હિંદુ માઇથૉલૉજી મુજબ સરમાનો ઉલ્લેખ ઋગવેદમાં દેવોની કૂતરી તરીકે કરેલો છે જેણે પાનીની (દાનવોની જાતી)થી ગાયોની રક્ષા કરવા માટે ઇંદ્રને મદદ કરી હતી.

આ સિમ્બૉલના કેન્દ્રમાં એક કૂતરાની આકૃતિ દર્શાવામાં આવી છે જે સરમાને રજૂ કરે છે.

સાથે જે આ એપિસોડમાં સરતાજ (સૈફ અલી ખાન)ના માતા તેને પારસીનાં કૂતરાની વાત કહે છે જે તેના પિતાએ શોધવામાં મદદ કરી હતી.


એપિસોડ-6: પ્રેતકલ્પ

Image copyright Aniruddh Mehta/Studio Plexus

પ્રેતકલ્પ હિંદુ ધર્મના 18 પુરાણોમાંથી એક ગરુડ પુરાણનો ભાગ છે. જેમાં જીવન ચક્ર અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેની સાથે મૃત્યુ અને મૃત્યુ પછી શું થાય છે તે વાત કરવામાં આવી છે.

આ સિમ્બૉલની મધ્યમાં એક ચિતા છે જે માણસોના મૃત્ય સાથે સંબંધ ધરાવે છે સાથે જ આસપાસની ડિઝાઇન આત્માને દર્શાવે છે જે ઉપર અને નીચે તરફ જાય છે.

અહીં એવું બતાવવામાં આવ્યું છે કે ઉપર જતી ઊર્જા સ્વર્ગ તરફ જાય છે અને નીચ તરફ જતી નરક તરફ. આ એપિસોડનો સંબંધ પોલીસ કોન્સ્ટેબલ કાટેકરના મૃત્યુ સાથે જોડાયેલો છે.


એપિસોડ-7: રુદ્ર

Image copyright Aniruddh Mehta/Studio Plexus

ઋગ્વેદ મુજબ હવા, તોફાન અને શિકારના દેવ તરીકે રુદ્રને ઓળખવામાં આવે છે અને તેમને હિંદુ દેવતા શિવના અંશ માનવામાં આવે છે.

આ સિમ્બૉલમાં વચ્ચેની ડિઝાઇન તોફાન દર્શાવે છે જ્યારે આસપાસની આકૃતિ તેની પ્રચંડ તાકતને રજૂ કરે છે.

આ એપિસોડમાં ગાયતોન્ડેની પત્નીની હત્યા થાય છે, તે ખુદ પોતે જેલમાં જાય છે આ બધી બાબતોથી તેની અંદર ગુસ્સો વધે છે. અહીં ગાયતોન્ડેનું રૌદ્ર સ્વરૂપ બતાવવામાં આવ્યું છે જેનો સંબંધ એપિસોડના નામ સાથે છે.


એપિસોડ-8: યયાતિ

Image copyright Aniruddh Mehta/Studio Plexus

યયાતિના લગ્ન અસુરોના પુરોહિત શુક્રાચાર્યની દીકરી દેવયાની સાથે થયા હતા. આદિ પુરાણ અને ભગવદ્ પુરાણ મુજબ શુક્રાચાર્યે યયાતિને યુવાનીમાં જ વૃદ્ધાવસ્થાનો શ્રાપ આપ્યો.

આ શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે યયાતિએ તેનું પાપ તેના દીકરા પર નાખી દીધું હતું.

આ એપિસોડમાં પિતા-પુત્રના સંબંધની વાત કરવામાં આવી છે જેની પર લોગો ડિઝાઇન કરાયો છે, જેમાં મંડલાનાં કેન્દ્રમાં એક ત્રાજવું બતાવ્યું છે જે પિતા-પુત્રના સંબંધના સંતુલનને દર્શાવે છે.

આ એપિસોડમાં સરતાજ અને તેમના પિતાના સંબંધ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

સરતાજ વારંવાર એ જ જાણવાના પ્રયત્નો કરે છે કે ગાયતોન્ડે અને તેમના પિતા વચ્ચે શું સંબંધ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ