થરૂરના ‘હિંદુ પાકિસ્તાન’ નિવેદન સાથે કોંગ્રેસે ફાડ્યો છેડો

કોંગ્રેસના નેતા શશી થરૂરે જણાવ્યું છે કે ભારતીય જનતા પક્ષ (ભાજપ) 2019માં લોકસભાની ચૂંટણી જીતી જશે તો ભારત 'હિંદુ પાકિસ્તાન' બની જશે. જોકે, કોંગ્રેસે આ નિવેદન સાથે છેડો ફાડી નાખ્યો છે.
શશી થરૂરે તિરુઅનંતપુરમમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું, "ભાજપ લોકસભાની ચૂંટણી બીજીવાર જીતશે તો આપણું લોકતાંત્રિક બંધારણ નહીં બચે એવું અમને લાગે છે.
"તેઓ બંધારણના પાયાના સિદ્ધાંતોને રફેદફે કરીને એક નવું બંધારણ લખશે. તેમનું નવું બંધારણ 'હિંદુ રાષ્ટ્ર'ના સિદ્ધાંતો પર આધારિત હશે.
"લઘુમતીઓને મળતી સમાનતા ખતમ થઈ જશે અને ભારત 'હિંદુ પાકિસ્તાન' બની જશે."
બુધવારે શશી થરૂરે કરેલા નિવેદન બાદ ગુરુવારે વિવાદ ઊભો થયો હતો, પરંતુ થરૂર તેમના નિવેદન પર અફર રહ્યા હતા.
શશી થરૂરે જણાવ્યું હતું કે ભારત એ નહીં હોય, જેના માટે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, મૌલાના અબુલ કલામ આઝાદ અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંઘર્ષ કર્યો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
- તાજમહેલ આખરે છે કોનો, શું તે શિવ મંદિર છે?
- જેના કારણે પાપા જોનના સ્થાપકે આપ્યું રાજીનામું, એ N-વર્ડ શું છે?
- જ્યારે આસામની જેલમાંથી છૂટ્યા 102 વર્ષના 'વિદેશી' દાદા
'પાકિસ્તાનને ખુશ કરવાની કોંગ્રેસની નીતિ'
શશી થરૂરના નિવેદનના પ્રતિભાવમાં ભાજપના સંબીત પાત્રાએ એક ટ્વીટ કર્યું હતું.
એ ટ્વીટમાં સંબીત પાત્રાએ લખ્યું હતું, "શશી થરૂર કહે છે કે ભાજપ 2019માં ફરી સત્તા પર આવશે તો ભારત 'હિંદુ પાકિસ્તાન' બની જશે.
"બેશરમ કોંગ્રેસ ભારતને નીચું દેખાડવાની અને હિંદુઓને બદનામ કરવાની એકેય તક છોડતો નથી.
'હિંદુ આતંકવાદીઓ'થી માંડીને 'હિંદુ પાકિસ્તાન' સુધી, પાકિસ્તાનને ખુશ કરવાની કોંગ્રેસની નીતિ લાજવાબ છે."
ભાજપે રાહુલ ગાંધી પાસે માફીની માગણી કરી છે.
- ડૉ. હાથીને કઈ રીતે મળ્યો હતો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોલ?
- વિશ્વ કપ ફાઇનલમાં રમનારા ક્રોએશિયા વિશે તમે શું જાણો છો?
કોંગ્રેસે નિવેદન સાથે છેડો ફાડ્યો
બીજી બાજુ, કોંગ્રેસે થરૂરના નિવેદનને 'અંગત' જણાવીને તેનાથી છેડો ફાડી નાખ્યો છે.
પાર્ટીનાં પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું, "શશી થરૂરે જે કાંઈ કહ્યું તે 'વ્યક્તિગત' રીતે કહ્યું છે અને તે પાર્ટીનો ઔપચારિક મત નથી.
થરૂરે જે કાંઈ કહ્યું એ તેમનો 'વ્યક્તિગત' અભિપ્રાય છે."
બીજી બાજુ, ડાબેરી નેતા સિતારામ યેચુરીના કહેવા પ્રમાણે, 'હિંદુ પાકિસ્તાન'નો સૌપ્રથમ વખત તેમણે પ્રયોગ કર્યો હતો.
યેચુરીના કહેવા પ્રમાણે, રાજ્યસભામાં વિદાય વેળાએ ભાષણ આપતી વખતે તેમણે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો