ગુજરાતના એક નિકાહ જેમાં ગણેશ સ્થાપના બાદ કહેવાયું ‘કબૂલ હૈ’

  • જય મિશ્રા
  • બીબીસી ગુજરાતી
વેરાવળ લગ્ન

ઇમેજ સ્રોત, Ravi khakhar

ગુજરાતના સોમનાથ પંથકમાં હિંદુ-મુસ્લિમ એકતા અને પ્રેમનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું, જ્યાં એક હિંદુ પરિવાર દ્વારા ઉછેરાયેલી મુસ્લિમ 'દીકરી'ના નિકાહ હિંદુ-મુસ્લિમ પરંપરા મુજબ થયા છે.

આ લગ્ન અનોખું હતું, જેમાં પહેલાં ગણેશ પૂજન થયું અને બાદમાં નિકાહ થયા.

બાળપણમાં જ માતાને ગુમાવી ચૂકેલાં શબનબ શેખનાં નસીબમાં પિતાની છત્રછાયા ગુમાવવાનું પણ લખાયેલું હતું.

તે 14 વર્ષનાં હતાં, ત્યારે તેમના પિતા તેમને છોડીને ક્યાંક જતાં રહ્યાં અને પછી ક્યારેય પરત ન આવ્યા.

શબનમનાં માતાનાં અવસાન બાદ તેમનો ઉછેર તેમના પિતાના હિંદુ મિત્ર મેરામણ જોરા અને તેમના પરિવારે લીધી હતી.

આ પરિવારે 15 વર્ષ સુધી શબમન શેખની સંભાળ પોતાના સંતાનની જેમ રાખી હતી.

ઇમેજ સ્રોત, Ravi khakhar

હિંદુ કોળી સમુદાયના મેરામણભાઈ જોરા સોમનાથ મંદિરમાં ફૂલ વેચવાનો વ્યવસાય કરે છે અને વેરાવળના ભાલકા વિસ્તારમાં રહે છે.

પંદર વર્ષ પહેલાં મેરામણ ભાઈના નાના ભાઈના મિત્ર અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા અમદાવાદના કમરૂદ્દીન શેખનાં પત્નીનું અવસાન થયું, ત્યારે તેમની પાંચ વર્ષના દીકરી શબનમને તેઓ મેરામણ ભાઈના ઘરે ઉછેરવા માટે મૂકી ગયા હતા.

તેઓ સમયાંતરે દીકરીને મળવા માટે મેરામણ ભાઈના ઘરે જતા હતા. પરંતુ 2013માં છેલ્લી વાર સોમનાથથી મળીને ગયા બાદ કમરુદ્દીન શેખ ક્યારેય પરત ન આવ્યા.

તમે આ વાંચ્યું કે નહીં?

હિંદુ પરિવાર દ્વારા શબનમનું સંતાનની જેમ પાલન પોષણ કરવામાં આવ્યુ હતું. તેમને ઉર્દૂ ભાષાના શિક્ષણ સાથે કુરાનનું શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું.

શબનમને આ હિંદુ પરિવારમાં તમામ મુસ્લિમ રિવાજોને અનુસરવાની અને મુસ્લિમ તહેવારો ઊજવવાની છૂટ હતી.

શબમન જ્યારે 20 વર્ષનાં થયાં, ત્યારે તેમનાં લગ્ન કરાવવા માટે જોરા પરિવારે વિચાર કર્યો અને તેમનાં માટે યોગ્ય વ્યક્તિની શોધ શરૂ કરી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

જોરા પરિવારે સ્થાનિક મુસ્લિમ આગેવાનોની મદદ લીધી અને ગીર સોમનાથના તાલાલા તાલુકાના જાવંત્રી ગામમાં રહેતા અબ્બાસ બલોચ સાથે લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું.

મેરામણ જોરાના દિકરા ગોપાલ જોરાએ જણાવ્યું હતું, "અમે 15 વર્ષથી શબનમને દીકરીની જેમ જ ઉછેરી છે. 2013માં મારું લગ્ન થયાં ત્યારબાદ તેમના પિતા અમદાવાદથી અહીંયા આવ્યા નથી."

"તેથી અમારી ફરજ હતી કે અમે તેનાં લગ્ન મુસ્લિમ પરિવારમાં કરાવીએ. અમે સ્થાનિક મુસ્લિમ આગેવાનોની મદદ લીધી અને તેમણે અમારી બહેન માટે યોગ્ય પાત્ર શોધી આપ્યું."

"પરિવાર અને શબનમની ઇચ્છા એવી હતી કે, લગ્ન હિંદુ અને મુસ્લિમ બન્ને ધર્મના રિવાજ પ્રમાણે થાય. તેથી અમે પહેલાં હિંદુ રિવાજની વિધિ કરાવી અને બાદમાં મુસ્લિમ રિત રિવાજથી નિકાહ કરાયા."

આ લગ્ન પ્રસંગ 2 દિવસનો યોજવામાં આવ્યો હતો. પહેલા દિવસે હિંદુ પરંપરા પ્રમાણે મહેંદી, મંડપમુહૂર્ત, ગણેશ પૂજન સહિતની વિધિઓ કરાઈ હતી.

જ્યારે બીજા દિવસે મુસ્લિમ ઘર્મના રિવાજ પ્રમાણે નિકાહ પઢવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Ravi khakhar

આ લગ્ન વિશે વાત કરતા શબનમે જણાવ્યું, "મેં નાનપણમાં માતા ગુમાવ્યાં અને પિતા છોડીને ચાલ્યા ગયા, પરંતુ મેરામણ ભાઈ અને રાજીબહેને એ મારા માતાપિતા નથી એવો અનુભવ ક્યારેય નથી થવા દીધો."

"હું મુસ્લિમ ઘરમાં જન્મી હતી તેથી મને મારા ધર્મનાં તમામ રિવાજ પાળવાની છૂટ હતી. હું મદરેસામાં ભણી કુરાન પણ શીખી અને 7 ધોરણ સુધીનું શિક્ષણ લીધું. જોરા પરિવાર જ મારો પરિવારે છે હું તેવું માનું છું."

આ લગ્ન વિશે શબનમ શેખના પતિ અબ્સાસ ભાઈ બલોચે જણાવ્યું હતું, "અમારા સબંધીઓએ અમને જાણ કરવામાં આવી હતી કે વેરાવળમાં એક યુવતી છે, જેને હિંદુ પરિવારે ઉછેરીને મોટી કરી છે અને તેમના માટે મુસ્લિમ યુવકની શોધ થઈ રહી છે."

"મેં શબનમ સાથે મુલાકાત કરી અને જ્યારે જાણ્યું કે તેના માતાપિતા નથી, ત્યારે જ નક્કી કરી લીધુ હતુ કે હું તેમની સાથે લગ્ન કરીશ."

"તેમને હિંદુ પરિવારે ઉછેર્યા હોવા છતાં તમામ મુસ્લિમ રિવાજો પાળવાની છૂટ હતી, જે ખરેખર આજના સમયમાં પ્રેરણારૂપ સાબિત થાય તેવું છે."

હિંદુ ઘરમાં ઉછરેલા મુસ્લિમ યુવતીના આ લગ્નમાં વેરાવળના મુસ્લિમ સીદી બિલાલ સમાજના આગેવાનો જોડાયા હતા અને તેમણે આ પ્રસંગને કોમી એખલાસનું ઉદાહરણ ગણાવ્યું હતું.

હિંદુ અને મુસ્લિમ ધર્મના લોકોએ આ લગ્નને વધાવી લીધાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો