Top News: સૌરાષ્ટ્ર સહિત મધ્ય-ઉત્તર ગુજરાતમાં વરસાદ, 100 ગામો સંપર્કવિહોણા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

'દિવ્ય ભાસ્કર'ના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર,મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

વરસાદને પગલે રાજ્યનાં 100 ગામો સંપર્કવિહોણા બની ગયા છે.

વરસાદને પગલે તાપીમાં એક નેશનલ હાઈવે અને નવસારી-ડાંગમાં ત્રણ સ્ટેટ હાઈવેને બંધ કરી દેવામાં આવ્યા છે.

સાથે જ રાજ્યના 217 રસ્તાઓ એવા છે જે વરસાદથી પ્રભાવિત થયા છે, જેને પગલે ત્યાં પણ વાહન વ્યહાર બંધ કરી દેવામાં આવ્યો છે.

બોરસદ ખાતે 8 ઇંચ અને વસો ખાતે 6 ઇંચ વરસાદ નોંધાયો છે. એટલું જ નહીં અત્યાર સુધીમાં 19 લોકોના મૃત્યુ થયું હોવાનું પણ અખબાર નોંધે છે.

સુરત, વેરાવળ, વલસાડમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વઘઈ, વ્યારા અને બોરસદમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે.

ઇન્ડિગો એર લાઇન્સની બે ફ્લાઇટ હવામાં પરસ્પર અથડાતા બચી

ઇમેજ સ્રોત, Getty Images

'ફાઇનાન્સિયલ એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ ઇન્ડિગો એર લાઇન્સની બે ફ્લાઇટ બેંગલુરુ ખાતે હવામાં પરસ્પર અથડાતાં બચી ગયાં હતાં. બન્ને પ્લેનમાં કુલ 330 મુસાફરો સવાર હતા.

આ ઘટના કોઈમ્બતુર-હૈદરાબાદ અને બેંગલુરુ-કોચિન ફ્લાઇટ વચ્ચે બની હતી. પહેલી ફ્લાઇટમાં 162 મુસાફરો હતા અને બીજી ફ્લાઇટમાં 166 મુસાફરો સવાર હતા.

પીટીઆઇને ટાંકતા અખબાર લખે છે કે ટ્રાફિક કોલીઝન અવોઇડન્સ (TCAS) અલાર્મ બંધ થઈ જવાને કારણે આ ઘટના બની હતી. આ બંને પ્લેન માત્ર 200 ફૂટના અંતરથી ટકરાતાં બચ્યાં હતાં.

ઇન્ડિગો એરલાઇન્સના પ્રવક્તાએ કહ્યું હતું કે 10 જુલાઈએ દરિયાઈ સપાટીથી 27 હજાર ફૂટની ઊંચાઈએ આ બનાવ બન્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં સુધારો નહીં, ક્રાંતિની જરૂર છે: જસ્ટિસ ગોગોઈ

ઇમેજ સ્રોત, Getty Images

'ઇન્ડિયન એક્સપ્રેસ'માં છપાયેલા અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ ગુરુવારે કહ્યું કે ન્યાયપાલિકાને સામાન્ય લોકોની સેવાને અનુરૂપ બનાવી રાખવા અને સામાજમાં બદલાવ લાવવા માટે તેમાં 'સુધારો નહીં, ક્રાંતિની જરૂરિયાત છે.'

ન્યાયમૂર્તિ ગોગોઈએ એવું પણ કહ્યું કે ન્યાયપાલિકાએ વધુ સક્રિય બનવાની જરૂર છે.

જસ્ટિસ ગોગોઈએ આ વાત ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા આયોજિત ‘રામ નાથ ગોયેન્કા મેમોરિઅલ લેક્ચર’માં પોતાના ભાષણમાં આ વાત કહી હતી. આ પ્રસંગમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ઘણાં જજ હાજર હતા.

દિલ્હીના ત્રણ મૂર્તિ ભવન ખાતે 'ન્યાય કી દૃષ્ટિ' વિષય પર યોજાયેલા કાર્યક્રમમાં જસ્ટિસ ગોગોઈએ કહ્યું હતું કે ન્યાયપાલિકા 'આશાનું છેલ્લું કીરણ' છે અને તે 'મહાન બંધારણીય દૃષ્ટિનું ગર્વ કરનાર સરંક્ષક છે.' તેમણે એવું પણ કહ્યું હતું કે ન્યાયપાલિકાને વધુ સક્રિય બનવાની જરૂર છે.

18 નવેમ્બર, 1954માં જન્મેલા જસ્ટિસ રંજન ગોગોઈ વર્ષ 1978માં વકીલ બન્યા હતા. ગુવાહાટી હાઈકોર્ટમાં લાંબા સમય સુધી વકીલાત કર્યા બાદ 28 ફેબ્રુઆરી 2001માં તેઓ ગુવાહાટી હાઈકોર્ટમાં સ્થાઈ જજ તરીકે નિયુક્તિ પામ્યા હતા.

ગાંધીનગરમાં 17 કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ

ઇમેજ સ્રોત, Getty Images

'દિવ્ય ભાસ્કર'ના અહેવાલ મુજબ ગાંધીનગરના સાંતેજ ગામે 17 વર્ષની કિશોરી સાથે 3 યુવકો દ્વારા સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે.

વાત એવી છે કે ગાંધીનગર જિલ્લાના એક ગામની 17 વર્ષની કિશોરીને ફોસલાવીને વિપુલ નામનો યુવક તેને મિત્રના ખેતરમાં લઈ ગયા હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવક કિશોરીને રસ્તા પર ઊતારીને જતો રહ્યો હતો.

કિશોરીને રસ્તા પર ઊભેલી જોઈને પાંચ યુવકો મદદને બહાને ત્યાં હતા. તેમાંથી એક યુવકે કિશોરી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કરતા પાંચ પૈકીના બે યુવાનોએ તેમને રોક્યા હતા.

પરંતુ આ બે યુવાનોને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્રણ યુવાનોમાંથી એક યુવાને કિશોરીના હાથ પકડી રાખ્યા હતા અને બાકીને બે યુવાનોએ વારફરતી દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.

વિક્ટોરિયા મેમોરિયલ હોય તો ઝીણાની તસવીર કેમ નહીં?: હામિદ અંસારી

ઇમેજ સ્રોત, Getty Images

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ પૂછ્યું છે કે જો દેશમાં વિક્યોરિયા મેમોરિયલ હોઈ શકે તે ઝીણાની તસવીર કેમ નહીં?

અંસારીએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મોહમ્મદ અલી ઝીણાની તસવીર લગાવવામાં કંઈ ખોટું નથી.

તેમણે કહ્યું, "હવે વિક્ટોરિયા મેમોરિયલ છે તો છે. તસવીરો અને ઇમારતો પર હુમલો કરવો આપણી સંસ્કૃત્તિનો ભાગ નથી."

અંસારીએ એવું પણ જણાવ્યું કે હાલના સમયમાં ભારતમાં અલ્પસંખ્ય સમુદાયના લોકોમાં મુંઝવણ છે જે દૂર થવી જોઈએ.

ત્રણ તલાકના સવાલ પર અંસારીએ કહ્યું હતું કે આ સંપૂર્ણ ગેર-ઇસ્લામિક છે અને એક સામાજિક દુર્ગુણ બની ગયું છે.

જીએસટી બાદ રાજ્યોને ચૂકવાતી મહેસૂલી રકમમાં માત્ર 5 હજાર કરોડનો વધારો

ઇમેજ સ્રોત, TWITTER/ARVIND SUBRAMANIAN

'ધ હિન્દુ'ના અહેવાલ મુજબ ભૂતપૂર્વ ચીફ ઇકોનોમીક એડાઇઝર અરવિંદ સુભ્રમણ્યને કહ્યું છે કે જીએસટીને કારણે રાજ્યોને ચૂકવાતા વળતરમાં માત્ર 5 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે.

તેમણે સરકારમાં થતી સીધી ભરતીને યોગ્ય ઠેરવતા કહ્યું કે સરકારમાં યોગ્ય લોકોની જરૂરિયાતની સામે તેમની ઉપલબ્ધિની માત્રા ઓછી છે.

સાથે જ તેમણે ઉમેર્યું કે બહારથી યોગ્ય લોકોની ભરતી કરવી પૂરતું નથી. સરકારમાં એવા લોકોની જરૂર છે જેઓ સ્વાયત્ત રીતે અને સરકારના ભાગ રૂપ સારું કાર્ય કરવા સમર્થ હોય.

તેમણે કહ્યું "મારા કાર્યકાળ દરમિયાન જીએસટી લાગું કરાયાના એક વર્ષમાં રાજ્યોને ચૂકવવા પડતા વળતરની કિંમત માત્ર 5 હજાર કરોડ હતી.”

“આ વાતનું અમને પણ આશ્ચર્ય હતું કે માત્ર એક વર્ષમાં રેવન્યૂનું પ્રદર્શન આટલું મજબૂત બન્યું હતું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો