મુંબઈ : લોકોના જીવ બચાવવા આખો દિવસ વરસાદમાં ઊભો રહ્યો

મુંબઈ વરસાદ Image copyright PRASHANT NANAWARE/BBC
ફોટો લાઈન ગટરના ઢાંકણા પાસે ફરજ બજાવતા કાશીરામ.

"મુંબઈના વરસાદમાં ભરાયેલાં પાણીમાં ઊભું રહેવું મારા માટે કોઈ નવી વાત નથી. કોઈ અકસ્માત ન થાય એ માટે મેં વરસતા વરસાદમાં ગટરના ઢાંકણાની આખો દિવસ ચોકીદારી કરી" આ શબ્દો હસતાં મોઢે કાશીરામ તળેકરે કહ્યા.

કાશીરામ તળેકર 31મી જુલાઈના રોજ બીએમસીમાંથી નિવૃત થશે પણ, બીએમસી કે અન્ય મુંબઈવાસીઓએ તેમની નિવૃત્તિની નોંધ કેમ લેવી જોઈએ?

કારણ કે કાશીરામ જેવા કર્મચારીઓ મુંબઈના વરસાદમાં ગટરના ઢાંકણાને કારણે અકસ્માત ન થાય તેના માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે.


ગટરનાં ઢાંકણાની સુરક્ષા કરવાની જરૂર કેમ પડી?

Image copyright PRASHANT NANAWARE/BBC

કાશીરામે બીબીસી સાથેની વાતચીતમાં 9મી જુલાઈના જે થયું એ અંગે જણાવ્યું, "હું હિંદમાતા ફ્લાઇઓવર પાસેના પેટ્રોલ પંપ પાસે આવ્યો હતો."

"પેટ્રોલ પંપની સામેની તરફના ગટરના ઢાંકણા પાસે પાણી ભરાયું ન હતું. પરંતુ એક કલાકની અંદર ભારે વરસાદ પડ્યો જેના કારણે રાબેતા મુજબ અમે પાણીના નિકાલ માટે ગટરનું ઢાંકણું ખોલી નાખ્યું."

"અમે 'ખતરો' દર્શાવતું સાઇન બોર્ડ પણ લગાવ્યું હતું, પરંતુ સતત વરસેલા વરસાદના પગલે પાણીનું સ્તર વધી રહ્યું હતું."

કાશીરામ કહે છે, "જૂનમાં ભારે વરસાદ પડ્યો ત્યારે પણ ગટરના ઢાંકણાની સુરક્ષા કરી હતી. વરસાદમાં ઊભા રહીને ગટરના ઢાંકણાની સુરક્ષા કરવી મારા માટે નવું નથી."

"ગત વર્ષે ગટરના ઢાંકણાના કારણે સર્જાયેલા અકસ્માતમાં ડૉક્ટર દિપક અમરાપુરકરનું મૃત્યુ થયું હતું."


6 કલાક ગટરનાં ઢાંકણાની સુરક્ષા

Image copyright PRASHANT NANAWARE/BBC

છેલ્લાં 37 વર્ષથી આ કામ કરતા કાશીરામનું કહે છે, "હાફ પૅન્ટ, રેઇન-કોટ, અને પ્લાસ્ટિકના સ્લીપર પહેરીને હું પાણી ભરાયેલી શેરીમાં આખો દિવસ ઊભો રહ્યો હતો. આ પ્રકારની સ્થિતીમાં બીએમસી અમારા માટે ભોજનની વ્યવસ્થા કરે છે."

"પાણીમાં ઊભા રહીને જ મેં બપોરનું ભોજન લીધું હતું. ત્યાનાં રહેવાસીઓ અમને મદદ કરવા માટે નથી આવતાં. બીજી બાજુ આવા સમયે બાળકોને પાણીમાં ગટરના ઢાંકણા નજીક રમતાં પણ રોકવા પડે છે"

"અમને સુરક્ષા કરતાં જોઈને લોકો સમજી જાય છે કે કોઈ જોખમ છે, તેથી તેઓ અમારાથી અંતર રાખીને વાહન ચલાવે છે."

"ટીવી માધ્યમો આવે છે અને પાણી ભરાઈ જવાના સમાચારો દર્શાવે છે, પરંતુ અમારી સાથે કોઈ વાત કરતું નથી. જોકે, ટ્રાફિક પોલીસ અમારી સાથે સારો વ્યવહાર કરે છે, અમને કોઈ જરૂરિયાત હોય તો મદદ પણ કરે છે."

Image copyright PRASHANT NANAWARE/BBC

તેઓ કહે છે, "સારું કામ કરવા બદલ અમને કોઈ ખાસ વળતર નથી જોઈતું. અધિકારીઓ બીએમસીની કામગીરીની પ્રશંસા કરે છે, પરંતુ વ્યક્તિગત રીતે અમારી સાથે કોઈ વાત કરતું નથી."

"અમારો વિશેષ ઉલ્લેખ થાય તેવી અપેક્ષા અમે રાખતાં પણ નથી, અમે અમારું કામ કરીએ છે અને નીકળી જઈએ છીએ."

"અમે ગટરના ઢાંકણા ખોલી દઈએ છીએ, જેથી પાણીનો તુરંત નિકાલ થઈ શકે. અમે ભરાયેલા પાણીમાંથી મૅટલની નેટ પણ દૂર કરીએ છીએ. જે અમારા કામ કાજનો જ ભાગ છે."

"જાન્યુઆરી અને મે માસ દરમિયાન અમે ગટરમાં એકઠો થયેલો કાદવ પણ સાફ કરીએ છીએ."

"આ વિસ્તારમાં ફ્લાઈ-ઓવર નહોતો, ત્યારે પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવતી ન હતી. પરંતુ ફ્લાઈ-ઓવર બન્યા બાદ પાણી ભરાઈ જવાના કેટલાય બનાવો બન્યા છે અને પાણીનો ઝડપથી નિકાલ પણ થઈ શકતો નથી."


શા માટે આ વિસ્તારમાં અવારનવાર પાણી ભરાઈ જાય છે?

Image copyright PRASHANT NANAWARE/BBC

કાશીરામ કહે છે "દાદર અને વડાલા એ નીચાણવાળા વિસ્તારો છે. એટલે ત્યાં અવારનવાર પાણી ભરાઈ જાય છે. આ વિસ્તારમાં મોટા પાયે બાંધકામ થયું છે, તેથી ખુલ્લી જગ્યા ઓછી થતી જાય છે. વધતી જતી વસ્તીના પ્રમાણમાં ગટરનું પ્રમાણ પણ પૂરતું નથી."

"એક સમયે અમારી પાસે 30-40 લોકોનો સ્ટાફ હતો, પરંતુ વર્તમાનમાં અમે માત્ર 6-7 જણ જ છીએ. બીએમસી નવા સ્ટાફની ભરતી કરતું નથી. તેઓ ફક્ત કૉન્ટ્રેક્ટ કર્મચારી જ રાખે છે, જેના કારણે અમારે ઓવર-ટાઇમ કરવો પડે છે."

"સોમવારે(જે દિવસે વરસાદ પડ્યો) મેં સવારે 8.30 વાગ્યે કામની શરૂઆત કરી હતી અને રાત્રે 9 વાગ્યા બાદ જ ઘરે જઈ શક્યો."

તેઓ એવું પણ ઉમેરે છે, "વરસતા વરસાદમાં 12 કલાક ઊભું રહેવું સરળ હોતું નથી. ફક્ત નિવૃત્તી જ મને રાહત આપી શકશે."

કાશીરામ 1976માં મુંબઈ આવ્યા હતા અને 1981માં બીએમસી જોઇન કર્યું હતું. ત્યારથી તેઓ સતત આ જ કામ કરી રહ્યાં છે. તેઓ એંટૉપ હિલ એરીયામાં ભાડાની ઓરડીમાં પોતાનાં પત્ની સાથે રહે છે.

તેમનાં દીકરી પરણિત છે અને પુત્ર વતનમાં ખેતીવાડી કરે છે. નિવૃત્ત થયા બાદ કાશીરામ 6 મહિના મુંબઈ અને 6 મહિના ગામડે વિતાવવાનું વિચારી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ