Top News : 'મોદી ચીન સામે ઝૂકનારા પ્રથમ વડા પ્રધાન' : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, @INC

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસ મામલે પ્રહાર કર્યા છે.

તેમણે એક ટ્વીટમાં આરોપ લગાવતા કહ્યું, "આપણા વડા પ્રધાનના ઍજન્ડા વગરના ચીન પ્રવાસ પાછળ સ્વાભાવિક રીતે જ એક ચીની ઍજન્ડા હોય છે. જેની હવે ખબર પડી રહી છે."

"ભારતના ઇતિહાસમાં કોઈ વડા પ્રધાન કોઈ વિદેશી તાકત સામે ઝૂક્યા નથી. આ ભાજપનો રાષ્ટ્રવાદ છે, જે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે."

રાહુલ ગાંધીએ આ ટ્વીટ ન્યૂઝ વેબસાઇટ 'ધ પ્રિન્ટ'ના એક સમાચારને ટાંકીને કર્યું હતું.

'પીડીપીને તોડવાની કોશિશ થશે તો બીજા સલાહુદ્દીન પેદા થશે'

ઇમેજ સ્રોત, Getty Images

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકારને ધમકી આપી છે કે જો પીડીપીને તોડવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેના ગંભીર પરિણામ આવશે.

શ્રીનગરમાં પત્રકાર પરિષદમાં તેમણે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે મારો પક્ષ મજબૂત છે.

તેમણે વધુમાં કહ્યું, "મતભેદ છે પણ તેનો ઉકેલ આવી જશે. પરંતુ જો દિલ્હી(કેન્દ્રની મોદી સરકાર) વર્ષ 1987ની જેમ કાશ્મીરી લોકોના મતાધિકાર છીનવી લેવાની કોશિશ કરશે અને પક્ષમાં ભગલા પાડવાની કોશિશ કરશે તો ફરીથી ઉગ્રવાદીઓ પેદા થશે."

"જેમ વર્ષ 1987માં સલાહુદ્દીન અને યાસિન મલિક પેદા થયા હતા તેવું ફરી થશે. પીડીપીને તોડવાનું પરિણામ ભંયકર હશે."

18 વર્ષથી નાના યુવાઓના મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ

ઇમેજ સ્રોત, Getty Images

'દિવ્યભાસ્કર'ના અહેવાલ અનુસાર ગુજરાતના મહેસાણાના લીંચ ગામમાં 18 વર્ષથી નાના યુવાઓના મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અહેવાલ અનુસાર પ્રેમસંબંધો તથા આપઘાતની ઘટનાઓ પર રોક લગાવવા આ નિર્ણય લેવાયો છે.

આપને આ પણ વાંચવું ગમશે

લીંચ ગામમાં મળેલી ગ્રામસભામાં ધોરણ-10, 11 સુધી ભણતા 18 વર્ષથી ઓછી ઉંમરના યુવક-યુવતીઓના મોબાઇલ વાપરવા પર પ્રતિંબધનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

ગામમાં છેલ્લા એક વર્ષથી વધી રહેલી પ્રેમસંબંધમાં ભાગી જવાની અને આપઘાત કરી લેવાની ઘટનાઓનું પ્રમાણ જોતા આ નિર્ણય લેવાયો છે.

'હિંદુ તાલિબાને બાબરી મસ્જિદનો ધ્વંસ કર્યો હતો'

ઇમેજ સ્રોત, AFP GETTY

'ગુજરાત સમાચાર'ના અહેવાલ પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામજન્મભૂમિ વિવાદના કેસની સુનાવણી દરમિયાન સુન્ની વકફ બોર્ડે કહ્યું હતું કે હિંદુ તાલિબાને બાબરી મસ્જિદનો ધ્વંસ કર્યો હતો.

વકફ બોર્ડે કહ્યું કે, જે રીતે અફઘાનિસ્તાનમાં તાલિબાને બુદ્ધની મૂર્તિ તોડી પાડી હતી તે જ રીતે અયોધ્યામાં હિંદુ તાલિબાને બાબરી મસ્જિદનો ધ્વંસ કર્યો છે.

સુપ્રીમ કોર્ટમાં વકફ બોર્ડે વિવાદીત જમીનનો ત્રીજો ભાગ હિંદુઓને રામમંદિર બાંધવા દાન કરવાની તૈયારી પણ બતાવી હતી.

ફેક ન્યૂઝ પોસ્ટ હટાવવા ફેસબુક કેમ ઇન્કાર કર્યો?

ઇમેજ સ્રોત, Reuters

'બીબીસી હિંદી'ના અહેવાલ મુજબ ફેસબુકે કહ્યું છે કે તે તેના પ્લૅટફોર્મ પરથી ફેક ન્યૂઝ નહીં હટાવશે કેમ કે આ પ્રકારની પોસ્ટ તેના કમ્યૂનિટી ધારા-ધોરણોનું ઉલ્લંઘન નથી કરતી.

હાલ ફેસબુક બ્રિટનમાં ફેક ન્યૂઝ સામે એક અભિયાન ચલાવી રહી છે. તેને 'ફેક ન્યૂઝ ઇઝ નોટ અવર ફ્રેન્ડ' નામ આપવામાં આવ્યું છે.

જોકે, ફેસબુકનું કહેવું છે કે આ પ્રકારની પોસ્ટ કરનારાઓનો મોટાભાગે અલગ દૃષ્ટિકોણ હોય છે. તે પોસ્ટને હટાવી દેવું વાણી સ્વાતંત્ર્યના મૂળભૂત સિદ્ધાંતની ઊલટ છે.

સોશિયલ મીડિયા પર સરકારનું મોનિટરીંગ જાસૂસીરાજ લાવશે - સુપ્રીમ

'સંદેશ'ના અહેવાલ મુજબ દેશમાં સોશિયલ મીડિયા પર લોકોની પ્રવૃત્તિ અને ડેટા પર નજર રાખવા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા હબની રચના કરવાના નિર્ણયની સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લીધી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ નિર્ણય દેશને 'સર્વેલન્સ સ્ટેટ' બનાવી દેશે. સોશિયલ મીડિયા પર સરકારી સંકજો દેશમાં જાસૂસીરાજ લાવશે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આ મામલે નોટિસ પાઠવી છે અને બે સપ્તાહમાં જવાબ આપવા નિર્દેશ આપ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો