મહેબૂબાએ જેનું નામ આગળ કર્યું છે એ સલાહુદ્દીન કોણ છે?

મહેબૂબા મુફ્તી Image copyright Getty Images

કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પીડીપીને તોડવા અને કાશ્મીરીઓના મતાધિકાર મામલે જે ચેતવણી આપી છે તેમાં કાશ્મીરના એ ઉગ્રવાદનો ઉલ્લેખ શું સૂચવે છે?

ખરેખર કેવો હતો એ ઉગ્રવાદ જેની વાત તેઓ ધમકીમાં કરી રહ્યા છે?

મહેબૂબા મુફ્તીએ ચેતવણી આપી કે જો કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરતી રહેશે તો કાશ્મીરમાં 1987નું પુનરાવર્તન થઈ શકે છે.

ત્યારે સલાહુદ્દીન અને યાસિન મલિકનો જન્મ થયો હતો. પીડીપીને તોડવાના પણ આવા પરિણામ આવી શકે છે.

મહેબૂબા મુફ્તીના આ નિવેદનને ભાજપ સામેના પ્રહાર તરીકે જોવામાં આવી રહ્યું છે.

પરંતુ આ ધમકીનો અર્થ શું છે? મહેબૂબા મુફ્તી શું કહેવા માગે છે? એ સમયે કેવી સ્થિતિ હતી જે વિશે તેમણે ધમકીભર્યા વલણ સાથે ઈશારો કર્યો?


1987ની ચૂંટણી અને યુવાઓનો મોહભંગ

Image copyright AFP

વર્ષ 1987માં કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં ત્યાંના યુવાઓએ ઘણા ઉત્સાહ અને ગંભીરતાથી ભાગ લીધો હતો.

આ યુવાઓમાં પાકિસ્તાન સ્થિત હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર સૈયદ સલાહુદ્દીન પણ એક નામ હતું.

સલાહુદ્દીન તેમના સાચા નામ સૈયદ યૂસુફ શાહ નામથી ચૂંટણી લડ્યા હતા.

જ્યારે અલગાવવાદી નેતા યાસિન મલિક આ ચૂંટણીમાં એક ઉત્સાહ પ્રચારક હતા.

આપને આ પણ વાંચવું ગમશે

પરંતુ ચૂંટણી પરિણામોમાં ખૂબ જ ગેરરીતિના આરોપ લાગ્યા હતા. અલગાવવાદી પક્ષોનું ગઠબંધન મુસ્લિમ યુનાઇટેડ ફ્રન્ટ ચૂંટણીમાં આગળ હોવાનું જણાવવામાં આવ્યું હતું.

પછીથી તેમણે હુર્રિયત કૉન્ફરન્સની રચના કરી. કેટલાક જાણકારો અનુસાર ચૂંટણીમાં કથિત ધાંધલ કાશ્મીરના ઇતિહાસની એક મહત્ત્વપૂર્ણ ઘટના પુરવાર થઈ.

યુવાઓએ બંદૂક ઉઠાવી અને હિંસાનો આધાર લઈને લડવાનો નિર્ણય કર્યો.


'એ સમયનું લોકપ્રિય આંદોલન'

Image copyright Getty Images

રાજકીય વિશ્લેષક બશીર મંઝર અનુસાર આ ઘટનાનું પરિણામ એવું આવ્યું કે કાશ્મીરમાં હિંસા શરૂ થઈ ગઈ. હિંસાએ 1989માં સશસ્ત્ર ઉગ્રવાદનું સ્વરૂપ લઈ લીધું.

બશીરે કહ્યું, "1990નો ઉગ્રવાદ આજના ઉગ્રવાદ કરતાં ઘણો અલગ હતો. એ વખતે ઘણા લોકો તેમાં સામેલ હતા. આજે સરકાર અનુસાર 200-250 ઉગ્રવાદીઓ છે."

બશીર મંઝર ખુદ ભારત પ્રશાસિત કાશ્મીરમાં રહે છે. તેઓ કહે છે,"તમે કહી શકો છો કે એ સમયનું આ એક લોકપ્રિય આંદોલન હતું. એ વખતે તમામ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા."


ભારતના પ્રથમ મુસ્લિમ ગૃહ મંત્રી

Image copyright EPA

8 ડિસેબ્મર-1989ના રોજ મહેબૂબા મુફ્તીના બહેન રુબૈયા સઇદનું અપહરણ થયું હતું.

આ ઘટનાના કેટલાક દિવસ પહેલાં તેમના પિતા મુફ્તી મોહમ્મદ સઈદ દેશના પ્રથમ મુસ્લિમ ગૃહ મંત્રી બન્યા હતા.

તેમણે પુત્રીને છોડવવા માટે ઉગ્રવાદીઓની શરતો માની લીધી અને એક ડઝન ઉગ્રવાદીઓને જેલમાંથી મુક્ત કરી દીધા. તેનાથી ઉગ્રવાદને બળ મળ્યું.

બશીર મંઝર કહે છે, "ઉગ્રવાદ એટલી ચરમસીમાએ પહોંચી ગયો હતો કે લોકોને લાગવા લાગ્યું કે કાશ્મીર આજે નહીં તો કાલે ભારતથી આઝાદ થઈ જશે."

વર્ષ 1989માં પાકિસ્તાનથી તાલીમ લઈને પરત આવેલા ઉગ્રવાદીઓમાં એક નામ મોહમ્મદ ફારુક પણ હતું.

તેમણે ગત વર્ષે બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પાકિસ્તાનથી પરત આવ્યા બાદ આ લોકોમાં વધારે જોશ હતું.

મોહમ્મદ ફારુકે કહ્યું હતું,"હું મારી ટીમમાં કાશ્મીરનો કમાન્ડર હતો. એ સમયે મેં ઘણા ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું. હું તેનો ભાગ હતો."

"મને લાગતું હતું કે સામાન્ય લોકો પણ અમારી સાથે હતા."


'ભાગી રહેલા કાશ્મીરી પંડિતો'

Image copyright Getty Images

એ સમયે પોલીસની કમર તૂટી ગઈ હતી અને કાનૂન વ્યવસ્થા અધિકારીઓના હાથમાંથી છુટી રહી હતી.

બશીર મંઝર અનુસાર, એ વખતે ઘણા ઉગ્રવાદી જૂથો હતા અને તેમનું સંપૂર્ણ નિયંત્રણ હતું. સેના અને સુરક્ષા દળોના કર્મીઓ અંદર મહોલ્લામાં આવી શકતા નહોતા.

કાશ્મીરી પંડિતો વિરુદ્ધ હુમલા શરૂ થઈ ગયા હતા. ત્યારબાદ તેમનું પલાયન શરૂ થઈ ગયું.

જે મહોલ્લાથી તેઓ જીવ બચાવીને ભાગી રહ્યા હતા તેમાં શ્રીનગરનો રૈનાવાડી વિસ્તાર પણ સામેલ હતો.

એ સમયે એક રિપોર્ટર તરીકે મેં રૈનાવાડીમાં કાશ્મીરી પંડિતોના ઘરોને અંદરથી જોયા હતા.

એ ઘરોને જોઈને લાગતું કે હમણાં જ ભૂકંપ આવ્યા છે અને લોકો પલાયન કરી ગયા છે.

ઘરોમાં કપડાં, ચપ્પલ સહિતની વસ્તુઓ વિખેરાયેલી પડી હતી. રસોડામાં વાસણો પણ આમતેમ પડ્યાં હતાં.


'આજનો સમય તે સમય કરતાં પણ ખરાબ'

Image copyright EPA

ઉગ્રવાદીઓએ તેમના વિસ્તારમાં એક તાલીમ કેન્દ્ર બનાવ્યું હતું. મારા ત્યાં ગયા પૂર્વે જ કેટલાક સમય પહેલા ઉગ્રવાદીઓની સફાઈ કરવામાં આવી હતી.

એ સમયે તે વિસ્તારમાં ફરજ બજાવતા બીએસએફ કમાન્ડર શિવાજીએ કહ્યું હતું, "રૈનાવાડી ઉગ્રવાદીઓથી મુક્ત કરાવી દીધો છે."

પરિસ્થિતિ સામાન્ય થવામાં ઘણા વર્ષો લાગ્યા. વર્ષ 1996માં આખરે વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી.

મોહમ્મદ અલી વતાની કાશ્મીર પોલીસના એક નિવૃત્ત અધિકારી છે. તેમના અનુસાર કાશ્મીરમાં મુફ્તી સરકારના સમયથી જ સ્થિતિ ખરાબ છે.

તેઓ કહે છે,"પહેલાં ઉગ્રવાદીઓ પાકિસ્તાનથી તાલીમ લઈને આવતા હતા. આજે તેમને પાકિસ્તાન જવાની જરૂર નથી."

"કેમ કે તેમને હવે તાલીમ પણ મળી જાય છે અને હથિયાર પણ મળી જાય છે."


'આજનો ઉગ્રવાદ અરાજક છે'

મોહમ્મદ અલી વતાની કહે છે," મહેબૂબાનું નિવેદન કે ભાજપ પીડીપીને તોડવા માગે છે, તે તદ્દન પાયાવિહોણું છે."

"કેમ કે યુવાનો તો ઉગ્રવાદી બની જ રહ્યા છે. પીડીપી તૂટે કે મજબૂત થાય, તેમને કોઈ રસ નથી."

બશીર મંઝર એક રીતે વતાની સાથે સંમત થાય છે. તેઓ કહે છે કે આજનો ઉગ્રવાદ એક લગામ વગરના ઘોડા જેવો છે.

કોણ કોના માટે લડી રહ્યું છે તે કોઈને ખબર નથી. આજનો ઉગ્રવાદ અરાજક છે. એ સમયે તે આજ કરતાં વધુ આયોજિત હતો.

બન્ને એવું માને છે કે મેહબૂબા મુફ્તીના નિવેદનથી કાશ્મીરના લોકોને કોઈ ફરક નહીં પડે.

પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે પણ ટ્વીટ કરીને કહ્યું કે મેહબૂબા મુફ્તી જ્યારે સત્તામાં હતા, ત્યારે જ યુવાઓ ઉગ્રવાદી બનવાનું શરૂ થઈ ગયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ