'ના તો મારા પર બળાત્કાર થયો કે ના તો મારો પતિ બળાત્કારી છે'

  • ભૂમિકા રાય
  • બીબીસી સંવાદદાતા
ઇમેજ કૅપ્શન,

પોતાની બે મહિનાની બાળકી સાથે સુખજિંદર

પંજાબમાં એક સગીરા પર બળાત્કાર ગુજરાયો. બળાત્કારાના આરોપમાં એક છોકરાની ધરપકડ કરાઈ. બે વર્ષ બાદ એ જેલમાંથી બહાર આવ્યો. છોકરીને મળ્યો અને બન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો. બન્ને પરણી પણ ગયાં.

વાત કંઈક એવી છે કે પંજાબનાં મોગામાં સગીર વયની એક છોકરી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. છોકરીના પિતાએ છોકરા સામે ફરિયાદ નોંધાવી હતી અને છોકરાની ધરપકડ કરવામાં આવી હતી.

લગભગ બે વર્ષ પછી છોકરો જામીન પર મુક્ત થઈને જેલમાંથી બહાર આવ્યો હતો અને છોકરીને મળ્યો હતો. બન્ને પ્રેમમાં પડીને પરણી ગયાં હતાં.

તેમને ત્યાં એક બાળકીનો જન્મ થયો, પણ કોર્ટે છોકરાને બળાત્કાર બદલ દોષી ઠરાવ્યો હતો. હવે છોકરી ઈચ્છે છે કે તેના પતિને મુક્ત કરવામાં આવે, કારણ કે એ તેની દીકરીના પિતા છે.

પહેલી નજરે આ વાત ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી લાગે. સર્જકોએ આ સત્યકથામાં મોટાપાયે છેડછાડ કરી છે, પણ અસલ કથા આ સ્ક્રિપ્ટ કરતાં પણ વધારે દિલચસ્પ છે.

આ એક એવી કથા છે, જેમાં અપરાધ છે, પ્રેમ છે, જુદાઈ છે, નફરત છે અને કાયદાકીય દાવપેચ પણ છે.

વાર્તા આવી છે...

ઇમેજ કૅપ્શન,

સુખજિંદર અને પલવિંદર

મૌજગઢની સુખજિંદર અને નૂરપુરના પલવિંદર અલગ-અલગ ગામોમાં મોટાં થયાં હતાં, પણ તેઓ એક જ સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં. એ સ્કૂલમાં જ તેમણે એકમેકને કેટલાંક વચનો આપ્યાં હતાં.

સુખજિંદર કહે છે, "એ મને સ્કૂલના સમયથી જ પ્રેમ કરતો હતો. શરૂઆતમાં હું પ્રેમ કરતી ન હતી, પણ એ એટલો પ્રેમ કરતો હતો કે ધીમે-ધીમે મને પણ તેની સાથે પ્રેમ થઈ ગયો હતો."

બે મહિનાની બાળકીની માતા સુખજિંદર એ વખતે નવમા ધોરણમાં અને પલવિંદર અગિયારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો.

સગીર વયનાં આ બન્નેને પ્રેમમાં ભરોસો હતો. એ પ્રેમના સહારે જ સુખજિંદરે બધું પાછળ છોડીને પલવિંદરનો હાથ પકડી લીધો હતો.

સુખજિંદર જાટ શીખ છે, જ્યારે પલવિંદર મજહબી શીખ પરિવારનું સંતાન છે.

સુખજિંદર કહે છે, "મારો ભર્યોભાદર્યો પરિવાર હતો. માતા-પિતા અને મોટાભાઈ સાથેનો પરિવાર, પણ મને પ્રેમ મળ્યો ન હતો. મારપીટ, ગાળાગાળી એ બધું થતું હતું એ ઘરમાં.

"એક પલવિંદર હતો, જે મને પ્રેમ કરતો હતો. તેથી મેં તેનો હાથ પકડી લીધો હતો. તેની સાથે ભાગી ગઈ હતી. મારી મરજીથી."

સુખજિંદર અને પલવિંદર જે વખતે ઘરેથી ભાગ્યાં ત્યારે સગીર વયનાં હતાં. એ બન્ને 2013માં મોગામાંના તેમનાં ઘરેથી ભાગીને દિલ્હી પહોંચ્યાં હતાં.

દિલ્હીમાં બે મહિના સાથે રહ્યાં હતાં. બીજી તરફ સુખજિંદરના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી એટલે પોલીસ એ બન્નેને શોધી રહી હતી.

સગીર વયના આ યુગલની ભાળ દિલ્હી પોલીસને બે મહિના પછી મળી હતી અને પોલીસ તેમને લઈને મોગા પહોંચી હતી.

સુખજિંદરના પિતાએ પુલવિંદર સામે ફરિયાદ નોંધાવી હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી.

સુખજિંદર કહે છે, "હું બહુ રડતી હતી, કારણ કે એ પછી જે થવાનું હતું તેનો મને અંદાજ હતો. મારા પરિવારની લોકો મને બળજબરીથી તેમની સાથે લઈ ગયા હતા."

"હું તેમની સાથે જવા ઈચ્છતી ન હતી, પલવિંદર સાથે રહેવા ઈચ્છતી હતી, પણ મારા પરિવારના લોકોએ પલવિંદર સામે ફરિયાદ નોંધાવી હતી.''

"મારા પરિવારના લોકોએ મને માર માર્યો હતો, ધમકાવી હતી, કોર્ટમાં બળજબરીથી એવું નિવેદન અપાવ્યું હતું કે પલવિંદર મને ભગાડી ગયો હતો અને તેણે મારા પર બળાત્કાર કર્યો હતો."

કહાનીમેં ટ્વિસ્ટ

ઇમેજ કૅપ્શન,

પોલીસ ફરિયાદની નકલ

વાસ્તવમાં પલવિંદર અને સુખજિંદર ઘરેથી ભાગ્યાં ત્યારે સગીર વયનાં હતાં, પણ 2013ના ડિસેમ્બરમાં પોલીસે તેમને પકડી પાડ્યાં ત્યારે પલવિંદર સગીર વયનો ન હતો. તેની વય 18 વર્ષ અને એક મહિનાની થઈ ગઈ હતી.

પોલીસ સ્ટેશનમાંથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને પલવિંદરને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

સુખજિંદર કહે છે, "પોલીસને તો મેં સાચુ હતું એ જ કહ્યું હતું, પણ લગભગ પાંચ મહિના પછી સેશન્સ કોર્ટમાં કાર્યવાહી શરૂ થઈ ત્યારે દરરોજ સુનાવણી પહેલાં મને માર મારવામાં આવતો હતો."

"મને ધમકાવવામાં આવતી હતી અને મારે કોર્ટમાં શું કહેવાનું છે એ જણાવવામાં આવતું હતું."

22 મહિના પછી 2016માં પલવિંદરને હાઈ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. પલવિંદર જેલમાંથી બહાર આવ્યાની ખબર સુખજિંદરને પડી હતી. તેથી તેણે તેનો સંપર્ક સાધ્યો હતો.

સુખજિંદર કહે છે, "મારી પાસે પલવિંદરના પરિવારજનોનો ફોન નંબર હતો. મેં તેને ફોન કર્યો અને અમારી વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ ગઈ હતી."

"અમે એકમેકની સાથે પરણવાનો નિર્ણય કરી લીધો હતો. હું ફરી એકવાર મારા ઘરેથી ભાગી ગઈ હતી, પણ એ વખતે હું પુખ્ત વયની થઈ ગઈ હતી."

સુખજિંદરે ઘરેથી ભાગીને એક સ્થાનિક ગુરૂદ્વારામાં 2017ની ચોથી જુલાઈએ પલવિંદર સાથે લગ્ન કરી લીધાં હતાં.

બન્નેએ લગ્ન તો કરી લીધાં, પણ સુખજિંદરના પરિવારે તેની સાથેનો સંબંધ કાયમ માટે કાપી નાખ્યો હતો.

એ પછી લાંબો સમય વીતી ગયો છે, પણ સુખજિંદરની તેના પરિવાર સાથે કોઈ વાત થઈ નથી કે પરિવારજનોએ સુખજિંદરના સમાચાર જાણવાનો કોઈ પ્રયાસ કર્યો નથી.

સુસજિંદરના ઘરમા પતિ ઉપરાંત સાસુ અને નણંદ જ હતાં. એના સસરા આ દુનિયામાં નહોતા. સુરજિંદર નવા પરિવારમાં ખુશ હતી.

બે મહિના પહેલાં સુખજિંદર માતા બની હતી. પરિવાર વિસ્તર્યો, પણ સુખજિંદરના પિતા વીર સિંહે દાખલ કરેલા કેસનો ચુકાદો ગત 11 જુલાઈએ સેશન્શ કોર્ટે આપ્યો હતો.

સેશન્સ કોર્ટે પલવિંદરને સાત વર્ષની સજા ફરમાવી હતી અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ ચુકાદો પલવિંદરને પુખ્ત વયનો ગણીને આપવામાં આવ્યો છે.

સુખજિંદરને ચુકાદો અસ્વીકાર્ય

ઇમેજ કૅપ્શન,

સુખજિંદર અને પલવિંદરના લગ્નનું સર્ટિફિકેટ

માનવીય મૂલ્યોની દુહાઈ આપતાં સુખજિંદર કહે છે, "હવે તેને શા માટે જેલમાં મોકલી રહ્યા છો? હવે તો એ મારો પતિ છે. મારી બે મહિનાની દીકરીનો પિતા છે. તેના વિના અમારું ગુજરાન કેમ ચાલશે?

"કોર્ટ એ શા માટે નથી વિચારતી કે પલવિંદર સારો માણસ છે. એટલે તો તેણે આટલું બધું થવા છતાં મારી સાથે લગ્ન કર્યાં છે.

"એ મને પ્રેમ કરે છે અને તેણે ક્યારેય બળજબરી નથી કરી. અમે બન્ને એકમેકને પ્રેમ કરીએ છીએ. હું પહેલીવાર ઘરેથી ભાગી ત્યારે પણ તેને પ્રેમ કરતી હતી."

પલવિંદરના વકીલ એસ.એસ. રામૂવાલિયા કહે છે, "સુખવિંદરના પિતા વીર સિંહે 2013ની ચોથી ડિસેમ્બરે પલવિંદર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

"પલવિંદર સામે ભારતીય દંડ સંહિતાની કલમક્રમાંક 363, 366એ, 380 અને 411 હેઠળ ધર્મકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

"વીર સિંહે ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે તેમની દીકરીને પલવિંદર ભગાડીને લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર કર્યો હતો. એ વખતે બન્ને સગીર વયનાં હતાં."

પલવિંદરની સાથે તેના માતા, પિતા અને બહેનને પણ આરોપી બનાવવામાં આવ્યાં હતાં.

રામૂવાલિયાના જણાવ્યા મુજબ, સેશન્સ કોર્ટે પહેલાં તો પલવિંદરને સગીર વયનો ગણ્યો હતો.

જોકે, બાદમાં ફેંસલો ઉલટાવતાં જણાવ્યું હતું કે પલવિંદરની ધરપકડ કરવામાં આવી ત્યારે એ 18 વર્ષ અને એક મહિનાનો હતો. તેથી તેને પુખ્ત વયનો ગણીને કેસ ચલાવવામાં આવશે.

આ દરમ્યાન પલવિંદરની બહેનને સગીર વયની ગણીને કોર્ટે છોડી મૂકી હતી. કેસની કાર્યવાહી દરમ્યાન પલવિંદરના પિતાનું મૃત્યુ થયું હતું.

11 જુલાઈએ ચુકાદો આવ્યો ત્યારે પલવિંદરનાં માતાને પણ દોષમુક્ત જાહેર કરવામાં આવ્યાં હતાં.

પરિવાર માટે પરેશાની

રામૂવાલિયાના જણાવ્યા અનુસાર, પરિવારની દૃષ્ટિથી વિચારીએ તો કોર્ટનો ચુકાદો તેમના માટે પરેશાનીભર્યો છે.

હાલ જે ચુકાદો આપવામાં આવ્યો છે તેમાં સુખવિંદરને સગીર વયની, જ્યારે પલવિંદરને પુખ્ત વયનો ગણવામાં આવ્યો છે.

સુખજિંદર કહે છે, "મારા માટે તો દરેક રીતે મુશ્કેલી છે. અમારી સારસંભાળ રાખે તેવું મારા ઘરમાં કોઈ નથી."

સુખજિંદરને તેના પિતા વીર સિંહ વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું હતું, "હું તમને પપ્પાનો મોબાઈલ નંબર આપીશ, પણ વાત હું નહીં તમે જ કરજો."

વીર સિંહની નારાજગી તેમના શબ્દોમાં ઝલકે છે. તેઓ તેમની દીકરીને આજે પણ માફ કરી શક્યા નથી.

વીર સિંહ કહે છે, "લગ્ન અમે કરાવ્યાં ન હતાં. તેથી અમે તે લગ્નનો સ્વીકાર કરતા નથી."

જોકે, હવે તો એ વાત જૂની થઈ ગઈ. હવે તમારી દીકરીનો પરિવાર છે ત્યારે તમે કેસ પાછો ખેંચશો કે કેમ, એવા સવાલના જવાબમાં વીર સિંહ કહે છે, "અમે કેસ પાછો નહીં ખેંચીએ."

બીજી તરફ સુખજિંદર એક જ વાત કહે છે, "મારા પર બળાત્કાર થયો નથી, એવું હું કહું છું. હું તેની સાથે મારી મરજીથી ગઈ હતી ત્યારે કોઈ એવું કઈ રીતે કહી શકે કે મારા પર બળાત્કાર થયો છે. આ ખોટું નથી?''

"મને પરાણે બળાત્કાર પીડિતા બનાવવામાં આવી રહી છે અને મને પ્રેમ કરતા મારા પતિને બળાત્કારી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો