TOP NEWS : શંકરસિંહે કહ્યું, '..તો લોકસભાની ચૂંટણીમાં મારા પુત્ર વિરુદ્ધ પ્રચાર કરીશ'

શંકરસિંહ Image copyright Twitter/@ShankersinhBapu

'નવગુજરાત સમય'ના અહેવાલ મુજબ પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા સામે ભાજપમાં જોડાવા અંગે નારાજગી વ્યક્ત કરી છે.

શંકરસિંહે તેમના પુત્રને અલ્ટિમેટમ આપ્યું છે કે તેઓ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરે પછી જ કોઈ નિર્ણય લે અન્યથા ભાજપમાંથી રાજીનામું આપી દે.

શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા બાદ તેમણે આ વાત પત્રકાર પરિષદમાં કહી હતી.

'ગુજરાત સમાચાર'ના અહેવાલ મુજબ શંકરસિંહે તેમના પુત્રને ચેતવણી આપતા કહ્યું કે જો તેઓ કાર્યકર્તાઓનું સંમેલન નહીં બોલાવે તો લોકસભાની ચૂંટણીમાં મહેન્દ્રસિંહ વિરુદ્ધ પ્રચાર કરીશ.


અમદાવાદના બાળકોને ફ્રી હૅર કટ

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન એવી યોજના બનાવી રહી છે કે તેમના અંતર્ગત આવતી પ્રાથમિક શાળાઓમાં બાળકોને મફતમાં હૅર કટ કરી આપવામાં આવશે.

કૉર્પોરેશન 'સ્વચ્છતા અભિયાન'ના ભાગ રૂપે આ યોજના શરૂ કરવા જઈ રહ્યું હોવાનો અહેવાલમાં ઉલ્લેખ છે.

અમદાવાદ શહેરમાં કૉર્પોરેશન અંતર્ગત હાલ 372 પ્રાથમિક શાળાઓ છે. જેમાં 1.24 લાખ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એએમસી સ્કૂલ બૉર્ડે આ માટે પૂણે બેઝ એક બ્યૂટી સ્કૂલ સાથે કરાર કર્યો છે. જેની એક શાખા અમદાવાદમાં પણ છે.


બળાત્કારની ઘટના બાદ પીડિતાને સળગાવી દેવાઈ

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં પાંચ પુરુષોએ કથિત રીતે 35 વર્ષની મહિલા પર ગૅંગરેપ કરીને તેમને જીવતા સળગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ મજૂર પતિએ દાવો કર્યો છે કે સળગાવી દેવાયાની મિનિટો પહેલાં મહિલાએ પોલીસ હૅલ્પલાઇન પર ફોન કર્યો હતો, પરંતુ કોઈ મદદ મળી ન હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે રાજપુરા પોલીસ સ્ટૅશન અંતગર્ત આવતા એક ગામમાં આ ઘટના બની છે.

ઘરમાં મહિલા જ્યારે સૂઈ રહી હતી ત્યારે પાંચ પુરુષો ઘરમાં ઘૂસ્યા હતા અને વારંવાર તેના પર બળાત્કાર કર્યો હતો.

મહિલાના પતિએ જણાવ્યું કે બળાત્કાર બાદ મહિલાએ તેની જાણકારી ફોન પર તેમના ભાઈને આપી હતી.

તેમના ભાઈ પોલીસને જાણ કરે તે પહેલાં જ બળાત્કારીઓ પરત આવ્યા હતા અને મહિલાને ખેંચીને બહાર લઈ ગયા હતા.


બીજા વન ડેમાં ભારત 86 રને હાર્યું

Image copyright Reuters

ત્રણ વન ડે મેચોની શ્રેણીમાં બીજા મેચમાં ઇંગ્લૅન્ડે ભારતને 86 રને હાર આપી હતી.

લંડનના લૉર્ડઝ મેદાન પર રમાયેલી આ મેચમાં ઇંગ્લૅન્ડે મેચ જીતીને શ્રેણીને 1-1થી બરાબર કરી લીધી છે.

હવે ત્રીજી અને નિર્ણાયક વન ડે મેચ 17 જુલાઈના રોજ લીડ્સમાં રમાશે.

ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્યણ કરતા પ્રથમ ઇનિંગમાં 50 ઑવરમાં 7 વિકેટના ભોગે 323 રન બનાવ્યા હતા.

તેના જવાબમાં ભારતની ટીમ 50 ઑવરમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને માત્ર 236 રન જ બનાવી શકી હતી.


વિમ્બલ્ડનમાં સેરેનાની ફાઇનલમાં હાર

Image copyright AFP

વિમ્બલ્ડન 2018નું ટાઇટલ જર્મનીની ખેલાડી એન્જલિક કેર્બરે પોતાનો નામે કરી લીધું છે.

શનિવારે રમાયેલા ફાઇનલમાં તેણે સાત વખતની ચેમ્પિયન સેરેના વિલિયમ્સને હાર આપી હતી.

23 ગ્રાન્ડ સ્લામ જીતી ચૂકેલી સેરેના વિલિયમ્સને કેર્બરે 6-3, 6-3થી હાર આપી હતી.

સેરેનાને કોર્ટમાં ઝડપથી મૂવમેન્ટ કરવામાં મુશ્કેલી પડી રહી હતી અને કેર્બરે તેનો જ ફાયદો ઉઠાવ્યો હતો.

સેરેના અને કેર્બર 2016માં વિમ્બલ્ડનના ફાઇનલમાં સામ સામે આવ્યાં હતાં. જેમાં સેરેનાએ જીત મેળવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો