બ્લૉગ : કાગડો કાપી ગયો કાન, હવે રાહુલ ગાંધી ભલે પંપાળતા રહે
- રાજેશ જોશી
- સંપાદક, બીબીસી હિંદી રેડિયો

ઇમેજ સ્રોત, PTI
રાહુલ ગાંધી હવે સ્પષ્ટતા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમણે મુસલમાનોને ન્યાય અપાવવાની વાત જ કહી હતી. કહે છે કે તેમની વાતને ઉર્દૂ અખબાર 'ઇન્કિલાબ'એ તોડી-મરોડીને રજૂ કરી છે...પણ કૌવા તો કાન લે ઉડા.
પહેલાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણે દિલ્હીમાં કહ્યું હતું, કૌવા કાન લે ઉડા. બીજા દિવસે ઉંચા અવાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝમગઢમાં કહ્યું હતું, ભાઈઓ-બહેનો, કૌવા કાન લે ઉડા હૈ.
કાગડો કાન શા માટે કાપી ગયો એ શોધવાની અને કાન કાપીને ઉડી ગયો છે તો કઈ ડાળે જઈને બેઠો છે એ શોધવાની જવાબદારી હવે આપણા બધાની છે.
હવે બધા એ કાગડાની શોધમાં નીકળ્યા છે, જે કાન કાપીને ઉડી ગયો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
લોકસભાની ચૂંટણી ભલે એક વર્ષ બાદ યોજાવાની હોય, પણ નરેન્દ્ર મોદી અને તેમના પક્ષના વડા અમિત શાહે રણશિંગુ ફૂંકી દીધું છે.
વડાપ્રધાને પોતાના ભાષણોમાં રાહુલ ગાંધીને તેમના નામથી સંબોધવાનું ફરી એકવાર બંધ કરી દીધું છે.
નરેન્દ્ર મોદી હવે રાહુલ ગાંધીને યુવરાજ નહીં, પણ એક નવા નામ - શ્રીમાન નામદાર કહીને સંબોધે છે.
આ બધું આગામી ચૂંટણી પહેલાંનો અણસાર છે. અણસાર નહીં, પણ ગડગડાટ છે.
ગડબડની જવાબદારી કોંગ્રેસની
ઇમેજ સ્રોત, PTI
કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષ(ભાજપ)ની સરકાર છે. દેશનાં 22 રાજ્યોમાં ભાજપ (એનડીએ) સત્તા પર છે. પોલીસ, સૈન્ય, ગુપ્તચર એજન્સીઓ ભાજપ સરકારના નિયંત્રણ હેઠળ છે.
તેમ છતાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણે આ દેશમાં 2019માં સુધીમાં થનારા કોઈ પણ સંભવીત કોમી હુલ્લડ માટે કોંગ્રેસને એડવાન્સમાં જવાબદાર ઠરાવી દીધો છે.
તેમણે કહ્યું હતું, "કોંગ્રેસ પાર્ટી 2019ની ચૂંટણી ધર્મના આધારે લડવા ઇચ્છતી હોય તો અમને ડર છે કે હવેથી કોમી દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં તંગદિલી સર્જાશે તો તેની જવાબદારી કોંગ્રેસની હશે."
નિર્મલા સિતારમણની શુક્રવારની પત્રકાર પરિષદ અને શનિવારે આઝમગઢમાં નરેન્દ્ર મોદીના પ્રવચનથી એ વાતનો અંદાજ મેળવી શકાય છે કે 2019ની લોકસભા ચૂંટણીનો ઘોષિત મુદ્દો ભલે વિકાસ હોય, પણ વાસ્તવમાં ચૂંટણી હિંદુ-મુસલમાન ધ્રુવીકરણના મુદ્દે જ લડાશે.
ભાજપે તેની શરૂઆત ખુલ્લેઆમ કરી દીધી છે અને કોંગ્રેસથી એક ચાલ આગળ ચાલીને તેના પર આરોપ મૂક્યો છે કે વાસ્તવમાં કોંગ્રેસ આગામી ચૂંટણી ધર્મના આધારે લડવા ઇચ્છે છે.
કોંગ્રેસ મુસલમાનોનો પક્ષ છે?
ઇમેજ સ્રોત, PTI
આ કિસ્સાના શરૂઆત 'દૈનિક જાગરણ' જૂથના ઉર્દૂ અખબાર 'ડેઇલી ઇન્કિલાબ'ની હેડલાઈનથી થઈ હતી.
રાહુલ ગાંધી દિલ્હીમાં મુસ્લિમ બુદ્ધિજીવીઓને મળ્યા એ પછીના દિવસે 'ઇન્કિલાબ' દૈનિકે તેમને ટાંકીને એવી હેડલાઇન પ્રકાશિત કરી હતી કે 'હાં, કોંગ્રેસ મુસલમાનોનો પક્ષ છે.'
આ સમાચાર કોઈ ટીવી ચેનલ કે રાષ્ટ્રીય અખબારમાં ભલે પ્રસારિત-પ્રકાશિત ન થયા હોય, પણ રાજકીય રસથી ભરપૂર 'ઇન્કિલાબ'ની એ હેડલાઈનમાંથી કસ કાઢવાની તક ભાજપ શા માટે છોડે?
નરેન્દ્ર મોદી બ્રાન્ડના રાજકારણમાં એ શક્ય છે કે આવા રસભર્યા સમાચાર છપાય અને ભાજપ તેને નજરઅંદાજ કરે?
સવાલ એ છે કે રાહુલ ગાંધીએ મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથેની મુલાકાતમાં કોંગ્રેસને મુસલમાનોનો પક્ષ ગણાવ્યો હતો?
કોંગ્રેસ આ મામલાને સમજે એ પહેલાં દિલ્હીમાં નિર્મલા સિતારમણે 'ઇન્કિલાબ'ના પાનાને ભાલો બનાવીને કોંગ્રેસની છાતીમાં ઘૂસાડી દીધો હતો.
બીજા દિવસે નરેન્દ્ર મોદીએ તે ભાલાને વધારે ધારદાર બનાવ્યો હતો.
નરેન્દ્ર મોદીએ માર્યો ટોણો
ઇમેજ સ્રોત, PTI
આઝમગઢમાં શનિવારે એક જાહેરસભામાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, "શ્રીમાન નામદારે કહ્યું કે કોંગ્રેસ મુસલમાનોનો પક્ષ છે. મને આશ્ચર્ય થતું નથી.
"અગાઉ મનમોહન સિંઘની સરકાર હતી ત્યારે ખુદ વડાપ્રધાન મનમોહન સિંઘે કહ્યું હતું કે કુદરતી સંસાધનો પર પહેલો અધિકાર મુસલમાનોનો છે.
"હું કોંગ્રેસ પક્ષના નામદારને પૂછવા ઇચ્છું છું કે કોંગ્રેસ મુસલમાનોનો પક્ષ છે. આપને યોગ્ય લાગે છે તો આપને મુબારક, પણ આપ એ જણાવો કે (કોંગ્રેસ પક્ષ મુસલમાન) પુરુષોને છે કે સ્ત્રીઓનો?"
ભારતના ઇતિહાસમાં કદાચ પહેલીવાર કોઈ વડા પ્રધાને મુસલમાનો પ્રત્યેની કથિત હમદર્દીને એક આરોપના સ્વરૂપમાં પ્રસ્તુત કરી હતી અને સ્પષ્ટ જાહેર કર્યું હતું કે કોંગ્રેસ મુસલમાનોનો પક્ષ હોવાનું યોગ્ય માનતો હોય તો તેને મુબારક.
એ પહેલાં નિર્મલા સિતારમણે પણ દિલ્હીમાં સવાલ ઉઠાવ્યો હતો કે કોંગ્રેસ મુસલમાનોનો પક્ષ છે? રાહુલ ગાંધી આવું કહેતા હોય તો એ બંધારણ વિરુદ્ધનું છે.
નરેન્દ્ર મોદી તો પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોના સવાલોનો સામનો કરવાથી અત્યાર સુધી બચતા રહ્યા છે, પણ નિર્મલા સિતારમણને કોઈ પત્રકારે સવાલ કર્યો ન હતો કે ભાજપ હિંદુ હિતનું સમર્થન કરે છે?
પોતે હિંદુ સમર્થક પક્ષ નથી એવું ભાજપ કહી શકે?
ખુદ કોંગ્રેસ અત્યાર સુધી નરેન્દ્ર મોદીના ભાજપ સામે ડગલેને પગલે માર ખાતો રહ્યો છે તેમ આ મુદ્દે પણ પાછળ રહી ગયો છે.
રાહુલ ગાંધી કોઈને કોઈ કારણે મૂંઝાઈ જાય કે તેમણે સ્પષ્ટતા કરવી પડે તેવી એકેય તક ભાજપ છોડતો નથી. એ ભાજપની સફળતા છે.
કોંગ્રેસે શું કર્યું?
ઇમેજ સ્રોત, TWITTER@SHAKTISINHGOHIL
દિલ્હી અને આઝમગઢમાં ભાજપ ઢોલ-નગારા બજાવીને કાગડો કાન કાપી ગયો એવું જોરશોરથી કહેતી હતી ત્યારે કોંગ્રેસે શું કર્યું?
કોંગ્રેસે ટ્વીટ કરી હતી કે "વડાપ્રધાન ભારતની જનતા સમક્ષ સતત ખોટું બોલી રહ્યા છે. અસલામતીની ભાવના તેમના પર હાવી થઈ રહી છે. તમે કઈ વાતથી ભયભીત છો, મોદીજી?"
કોંગ્રેસે તેના એક પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ મારફત એવું કહેવડાવ્યું,"કોઈ નાના અખબારના ખૂણામાં કંઈ પણ પ્રકાશિત કરાવો અને પ્રકાશિત કરાવ્યા બાદ એ સમાચારની સચ્ચાઈ જાણ્યા વિના વડા પ્રધાન આવું નિવેદન કરે એ આપણા માટે શરમની વાત છે.
"આવતીકાલે હું પણ તેમના અંગત જીવન બાબતે કંઈક પ્રકાશિત કરાવું અને એમ કહું કે આ તો અખબારમાં છપાયું છે?"
એક તરફ બીજેપીના સૌથી કદાવર નેતા-ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણ કોંગ્રેસ પર મુસ્લિમોનું રાજકારણ રમવાનો આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસની તરફથી શક્તિસિંહ ગોહિલ વામણા લાગી રહ્યા છે.
ખૈર જવા દો. કોંગ્રેસમાં આમ પણ કદાવર નેતા છે કોણ?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો