બ્લૉગ : ભારતના મુસલમાનોએ આજે શું કરવું જોઈએ?

  • શકીલ અખ્તર
  • બીબીસી ઉર્દૂ સંવાદદાતા
ઇમેજ કૅપ્શન,

કોંગ્રેસના નેતા શશી થરૂર

કેન્દ્રમાં શાસક ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ આજકાલ રાજકીય ચર્ચાને હિંદુત્વ તરફી વળાંક આપ્યો છે.

એક એવો સમય પણ હતો, જ્યારે એ રાજકીય વિરોધીઓ અને તેના વિરુદ્ધની વિચારધારાઓને 'દેશના દુશ્મન' ગણાવતી હતી.

હવે તે વિરોધ પક્ષના નિવેદનોને પણ 'હિંદુવિરોધી' ગણાવવા લાગી છે.

કોંગ્રેસી નેતા શશી થરૂરે ગત દિવસોમાં એક ચર્ચામાં ભાગ લેતાં કહ્યું હતું, "ભાજપ ફરી સત્તા પર આવશે તો તે ભારતને 'હિંદુ પાકિસ્તાન' બનાવી દેશે."

'હિંદુ પાકિસ્તાન' કહેવાનો તેમનો અર્થ એ હતો કે ભાજપ ભારતીય લોકતંત્રને એક હિંદુરાષ્ટ્રમાં પરિવર્તિત કરી દેશે, જેમાં બહુમતી લોકોના ધર્મનું રાજ હશે અને લઘુમતીઓને બરાબરીનો અધિકાર નહીં મળે.

ભાજપે શશી થરૂરના આ નિવેદનને હિંદુઓ પરનો હુમલો ગણાવ્યું હતું અને જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ તથા તેના નેતાઓ હંમેશાં હિંદુવિરોધી રહ્યા છે.

કોંગ્રેસ મુસ્લિમોનો પક્ષ છે?

કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીની તૈયારી સંબંધે અલગ-અલગ સમુદાયના વિચારો જાણવાના પ્રયાસમાં ગત દિવસોમાં મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે મુલાકાત કરી હતી.

ભાજપે એ મુલાકાત બાબતે આકરો પ્રતિભાવ આપતાં સવાલ કર્યો હતો કે કોંગ્રેસ મુસલમાનોનો પક્ષ છે કે નહીં એ અમે જાણવા માગીએ છીએ.

વાસ્તવમાં ભાજપ આગામી ચૂંટણીમાં હિંદુત્વનો સહારો લેવા ઇચ્છે છે અને ધીમે-ધીમે એ તરફ આગળ વધી રહ્યો છે.

ચૂંટણીમાં વિકાસ તથા સરકારના કામના ઍજન્ડાને બદલે હિંદુત્વનો પ્રભાવ વધારે હશે.

તમે આ વાંચ્યું કે નહીં?

બીજેપીની સરકાર મુસલમાનોમાં એક વખતમાં ત્રણ તલાકને ગેરકાયદે ઠરાવ્યા બાદ હવે નિકાહ હલાલા અને એક વખતે એકથી વધુ લગ્ન કરવાને ગેરકાયદે ગણાવવા તરફ આગળ વધી રહી છે.

મુસલમાનોના આ પ્રકારના પારિવારિક કે અંગત મામલાઓની જવાબદારી અગાઉ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની હતી.

પર્સનલ લૉ બોર્ડે આ મુદ્દે અસ્પષ્ટ વલણ દાખવીને આ પરંપરાનું પરોક્ષ રીતે સમર્થન કર્યું છે.

તેના કારણે લગ્ન, તલાક અને ભરણપોષણ જેવા મામલાઓમાં કોઈ મહત્ત્વપૂર્ણ સુધારા થઈ શક્યા નથી.

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની ઘટતી શાખ

સરકારે આ પ્રથાઓને ખતમ કરવા માટે અદાલતમાં અચાનક પ્રયાસ શરૂ કર્યા હોવાથી મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ ગભરાઈ ગયું છે.

તેણે પહેલાં પોતાના ટેકામાં વલણ સર્જવાનો પ્રયાસ કર્યો હતો પણ કાયદામાં ફેરફારની વધતી માગને કારણે તેની હાલત ગૂંચવાડાભરી થઈ ગઈ હતી.

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને એવું લાગવા માંડ્યું છે કે મુસલમાનોમાં તેની હેસિયત નબળી પડવા લાગી છે અને તેના નિર્ણય હવે સરકારો અને અદાલતના હાથમાં સરકી રહ્યા છે.

મુસલમાનોમાં ઘટતી જતી પોતાની શાખને પુનઃસ્થાપિત કરવા માટે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે દેશના તમામ જિલ્લાઓમાં શરિયત અદાલત બનાવવાની જાહેરાત કરી છે.

આ મનોનીત અદાલતોમાં જમાતે ઇસ્લામી, જમીયત ઉલેમા-એ-હિંદ, દેવબંદ અને નદવા ઇસ જેવી સંસ્થાઓના કાઝી તથા મુફ્તીઓ મુસલમાનોના મામલાઓમાં ઇસ્લામી દૃષ્ટિકોણથી નિર્ણય કરશે.

વૈકલ્પિક ન્યાય વ્યવસ્થા

દિલચસ્પ વાત એ છે કે પર્સનલ લૉ બોર્ડ આ પ્રકારની અદાલતોની રચના પહેલાં પણ કરી ચૂક્યું છે, પણ તેનો પ્રયાસ સંપૂર્ણ નિષ્ફળ ગયો હતો.

એક લોકશાહી દેશમાં વૈકલ્પિક ન્યાય વ્યવસ્થા સ્થાપિત કરવાનું કોઈ બંધારણીય ઔચિત્ય નથી.

શરિયત અદાલતોની રચનાની જાહેરાતને ઘણા લોકો લોકશાહીમાં ઇસ્લામી રાષ્ટ્ર સ્થાપિત કરવાની મૌલવીઓની કલ્પના માને છે. બંધારણીય નિષ્ણાતો તેને ખાપ પંચાયત ગણાવી રહ્યા છે.

લોકશાહી લોકોના સ્વાતંત્ર્ય અને સમાનતાના અધિકાર પર આધારિત હોય છે.

લોકોના સ્વાતંત્ર્ય, માનવાધિકાર અને પુરુષો તથા મહિલાઓમાં સમાનતાના વિચાર વિશે ગૂંચવાયેલી હોય તેવા કોઈપણ કાયદા કે પરંપરાને લોકશાહી વ્યવસ્થામાં સ્થાન મળતું નથી.

દેશના ધાર્મિક નેતાઓ શરિયત અદાલતની રચનાને બદલે પોતે ઘડેલા નિયમોને આધુનિક બનાવવાના તથા લોકતંત્ર સાથે મેળવવાના પ્રયાસ કરશે તો તેનાથી દેશના મુસલમાનો અને લોકતંત્ર બન્નેનું વધારે ભલું થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો