દૂધ મુદ્દે મુંબઈમાં આંદોલન, હાર્દિકે કહ્યું ગુજરાતથી સપ્લાય અટકાવાશે

હાર્દિક પટેલ Image copyright Getty Images

'જન્મભૂમિ' અખબાર પોતાના અહેવાલમાં લખે છે કે 16 જુલાઈથી મહારાષ્ટ્રમાં દૂધના ભાવ મુદ્દે સ્વાભિમાની શેતકરી સંગઠને આંદોલન કરવાની જાહેરાત કરી છે. આંદોલનને પગલે મુંબઈમાં દૂધની સપ્લાય રોકવામાં આવશે, જેથી ત્યાં દૂધના ભાવ વધવાની શક્યતા છે. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે પણ આ આંદોલનમાં જંપલાવી પોતાનો ટેકો જાહેર કર્યો છે.

સ્વાભિમાની શેતકરી સંગઠનના પ્રમુખ રાજુ શેટ્ટીએ કહ્યું હતું કે આ આંદોલનને ઓલ ઇન્ડિયા કિસાન સભા, કર્ણાટકના એનસીપીના રાયાતુ પરિશાદ, કોંગ્રેસ નેતા સતેજ પાટીલ સહિત દૂધ એકત્ર કરનારી એજન્સીઓએ ટેકો જાહેર કર્યો છે.

શેટ્ટીના કહેવા પ્રમાણે, હાર્દિક પટેલે તેમના આંદોલનને ટેકો જાહેર કરતા એવી ખાતરી આપી છે કે ગુજરાત તરફથી પણ મુંબઈને દૂધની સપ્લાયને અટકાવવામાં આવશે.

સંગઠનની માગણી છે કે દૂધનું ઉત્પાદન કરતા ખેડૂતોને પ્રતિ લીટર પાંચ રૂપિયા ઇન્સેન્ટિવ મળે. રાજ્યમાં દૂધનું ઉત્પાદન વધુ પ્રમાણ થતું હોવાથી ખેડૂતોને નુકસાન વેઠવું પડી રહ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે મહારાષ્ટ્રની સરકારી ડેરી મહાનંદાએ ખેડૂતો પાસેથી 27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે દૂધ ખરીદવું જોઈએ, જેથી કરીને ખેડૂતોને થોડો લાભ થાય.

જો સરકારી ડેરી આવું કરશે તો અન્ય ડેરીઓએ પણ આ માળખાને અનુસરવું પડશે.

તમે આ વાંચ્યું કે નહીં?


સન્ની લિયોની બાયોપિકનો શીખ સંગઠન દ્વારા વિરોધ

Image copyright PETA INDIA

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ, સન્ની લિયોનીના જીવન પર બનનારી વેબ સિરીઝ 'કરણજીત કોર: ધ અનટોલ્ડ સ્ટોરી'ને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હી શીખ ગુરદ્વારા મેનેજમેન્ટ કમિટી (ડીએસજીએમસી) એ વિરોધ કરતા કહ્યું છે કે ફિલ્ના ટાઇટલમાંથી 'કૌર' શબ્દ દૂર કરવો જોઈએ.

ડીએસજીએમસીના જનરલ સેક્રેટરી મનજિંદર સિંઘ સિરસાએ કહ્યું કે શીખ ધર્મમાં મહિલાઓને અટક માટે કૌરનો ઉપયોગ કરવામાં આવે, છે જે શીખ ગુરુ દ્વારા આપવામાં આવે છે.

પબ્લિસિટી સ્ટંટ અને પ્રસિદ્ધિ માટે તેનો ઉપયોગ કરવો શીખ સમુદાયનું અપમાન કરવા સમાન છે.

સિરસાએ ચેતવણી આપી છે કે જો સિરીઝનું ટાઇટલ બદલવામાં નહીં આવે તો ડીએસજીએમસી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. સાથે જે વેબ સિરીઝની ટીમ વિરુદ્ધ પણ પગલાં ભરવામાં આવશે.


ભારતમાં મંદિર અને ધર્મથી રોજગારી નહીં આવે: સામ પિત્રોડા

Image copyright Getty Images

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ, ભારતમાં ટેલિકૉમ ક્રાંતિના જનક સામ પિત્રોડાએ રવિવારે ગાંધીનગર સ્થિત કર્ણાવતી યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

જેમાં પિત્રોડાએ જણાવ્યું કે ભારતમાં રોજગારી ધર્મ કે મંદિરના માધ્યમથી નહીં, પરંતુ વિજ્ઞાનના માધ્યમથી ઊભી થશે.

તેમણે કહ્યું, "દેશમાં મંદિર, ધર્મ અને જાતિ મુદ્દે થતી ચર્ચાઓથી મને દુખ થાય છે, જ્યારે તમે રોજગારીની વાત કરો, ત્યારે હંમેશા તેમાં રાજકીય હસ્તક્ષેપ છુપાયેલો જોવા મળશે."

લોકોને પોતાની માનસિકતામાં બદલાવ કરવાની વાત કરતા તેમણે જણાવ્યું, "મંદિરો યુવાનો માટે રોજગારી ઊભી નથી કરવાના. સમાજમાં માતાપિતા, શિક્ષકો અને રાજકારણીઓ આ ત્રણ વ્યક્તિ એવી છે જેઓ આજના યુવાનોને ભ્રમિત કરે છે કારણ કે તેમને ટેક્નૉલૉજીની મદદથી દુનિયામાં બદલાવ લાવવાનું પૂરતું જ્ઞાન નથી. યુવાનોએ તેમની વાત સાંભળવી ના જોઈએ."

તેમણે એવું પણ જણાવ્યું કે આવનારા પાંચ વર્ષમાં સેલ્ફ-ડ્રિવન કારોનું વર્ચસ્વ વધી જશે જેને કારણે તમારે કાર વિમો, લાઇસન્સ, ગેરેજ અને પાર્કિંગની જરૂર નહીં પડે.

ભવિષ્યમાં ઓફિસની જરૂરિયાત પણ નહીં રહે કારણ કે લોકો ઘરેથી કામ કરી શકશે.


'આધાર ડેટાને હેક કરવો અશક્ય છે'

Image copyright Getty Images

'ધ હિન્દુ'ના અહેવાલ મુજબ ઇલેક્ટ્રૉનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી મિનિસ્ટર રવિ શંકર પ્રસાદે રવિવારે યોજાયેલા 'ગોવા આઈટી ડે' કાર્યક્રમ નિમિત્તે કહ્યું કે આધારકાર્ડમાં ફિંગરપ્રિન્ટ અને આઇરિશ રેકોર્ડ (આંખની કીકીનો ડેટા)ની માહિતી સ્ટોર કરવામાં આવી છે.

જો કોઈ વ્યક્તિ એક અબજ વખત કોશિશ કરે તો પણ તેનો ડેટા હેક નહીં કરી શકે.

તેમણે કહ્યું કે અમે ત્રણ સેકેન્ડમાં ત્રણ કરોડ વખત આધાર સાથે જોડાયેલી માહિતીને પ્રમાણભૂત કરીએ છીએ એટલા માટે તે સંપૂર્ણ સુરક્ષિત છે.

પ્રસાદે એવું પણ કહ્યું કે ભવિષ્યમાં ભારત ડેટા એનાલિસિસનું કેન્દ્ર સાબિત થશે અને ખેતી અને શિક્ષણ ક્ષેત્રે તેનો ઉપયોગ લાભદાયક રહેશે.

ડિજિટલ ઇન્ડિયાની છબી રજૂ કરતા પ્રસાદે કહ્યું કે 130 કરોડની ભારતની વસતીમાં 121 કરોડ માબાઇલ ફોન, 45 કરોડ સ્માર્ટ ફોન છે જેમાં 50 કરોડથી વધુ ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે. સાથે જ 122 કરોડ આધારકાર્ડ વપરાશકર્તાઓ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.