શું લાંબી મેટરનિટી લીવ સ્ત્રીઓ માટે આફત બની ગઈ છે?

  • સરોજ સિંહ
  • બીબીસી સંવાદદાતા

ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ ,પ્રૅગ્નન્સીને કારણે જ્યારે 13 મહિના બાદ મેદાન પર પાછી ફર્યાં ત્યારે એને કોઈ ક્રમાંક પ્રાપ્ત નહોતો.

આવું એટલા માટે કે છેલ્લા એક વર્ષથી પ્રૅગ્નન્સીને કારણે તેઓ મેદાનમાંથી બહાર હતાં.

23 ગ્રાન્ડ સ્લેમ જીત્યા બાદ જ્યારે સેરેના સાથે એવું બન્યું કે ઘણી જગ્યાએ એની ટીકા કરવામાં આવી પણ ટેનિસની રમતમાં નિયમો કાંઈક આવા જ છે.

પ્રૅગ્નન્સી બાદ રમતમાં પરત ફર્યા બાદ જે મુશ્કેલીઓ સેરેના સામે આવી તે માત્ર તેમની એકલાની જ નથી.

રશ્મિ વર્મા દિલ્હીની એક હૉસ્પિટલમાં કૉન્ટ્રાક પર રેડિયોલૉજી વિભાગમાં કામ કરતાં હતાં. ગયા ડિસેમ્બરમાં તેઓ માતા બન્યાં.

છ મહિનાની રજા બાદ જ્યારે તેઓ કામ પર પરત ફર્યાં તો એમને એમની જૂની જગ્યા પર નોકરી તો મળી ગઈ, પણ દર વર્ષે મળતું ઇન્ક્રીમેન્ટ એમને ના મળ્યું.

બીબીસી સાથે કરેલી વાતચીતમાં રશ્મિએ જણાવ્યું ,'એક બાજુ જોઈએ તો સરકારે મને છ મહિનાનો પગાર આપ્યો છે. કંપનીએ શું આપ્યું? મને જે મળવાનું હતું એ પણ ના આપ્યું.'

શું તમે આ વાત તમારા મૅનેજમૅન્ટ સામે રજૂ કરી એમ પૂછતાં રશ્મિએ જણાવ્યું, ''સીધી તો નથી જણાવી પણ બીજા કર્મચારીઓ મારફતે આ વાત મારા સુધી પહોંચાડવામાં આવી કે છ મહિનાની સૅલરી સરકારે નહીં પણ કંપનીએ મને આપી છે.''

મૅટરનિટી કાયદાની જોગવાઈઓ

2017 પહેલાં ભારતમાં કામ કરનારી મહિલાઓને 12 અઠવાડિયાઓની મૅટરનિટી લીવ મળતી હતી.

પણ મોટે ભાગે મહિલાઓને ત્રણ મહિનાની રજા બાદ કામ પર પાછા ફરવું અઘરું પડતું હતું અને તે રજાઓને આગળ લંબાવી દેતી હતી.

કેન્દ્ર સરકારે મહિલાઓની આ મુશ્કેલીઓને સમજીને 26 અઠવાડિયાઓની મૅટરનિટી લીવનો કાયદો 2017 માં પસાર કર્યો.

જે કાયદા માટે દેશની મહિલાઓએ આટલી આતુરતાથી રાહ જોઈ તે કાયદો હવે તેમને અણગમતો બની રહ્યો છે.

કર્મચારીઓને મળનારી સગવડો પર કામ કરનારી સંસ્થા ટીમલીઝે હાલમાં જ એક સર્વેક્ષણ કર્યું છે.

આ સર્વેક્ષણમાં કંપની અને તેમાં કામ કરનારી મહિલાઓને પૂછવામાં આવ્યું કે નવી મૅટરનિટી લીવની જોગવાઈ બાદ કામકાજ કરતી મહિલાઓ પર કેટલી સકારાત્મક કે નકારાત્મક અસર પડી છે?

સર્વેક્ષણનું સત્ય

ભારતમાં ચાલતી 300 કંપનીઓ પર સર્વેક્ષણ કરવામાં આવ્યું.

એમાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી કે વર્ષ 2018-19માં 1.6 ટકાથી 2.6 ટકા મહિલાઓની નોકરી જઈ શકે છે.

એટલે કે વર્ષ 2018-19માં 18 લાખ મહિલાઓ નોકરીમાંથી છૂટી થઈ શકે છે.

ભારતમાં મૅટરનિટી કાયદામાં ફેરફાર બાદ આ પ્રકારનો આ પ્રથમ રિપોર્ટ છે.

ટીમલીઝ તરફથી રિપોર્ટ તૈયાર કરનારી ઋતુપર્ણાના જણાવ્યા અનુસાર, " અમે એક વર્ષ સુધી આ સર્વેક્ષણ કર્યું છે. આ તારણો કાઢવા એટલા સરળ નહોતાં. પણ દરેક જગ્યાએ કામ પર રાખતાં પહેલાં આડકતરી રીતે મહિલાઓને એમનાં લગ્ન અને બાળકો વિશે પૂછાવા લાગ્યું."

ઇન્ટરવ્યૂમાં માતૃત્વના સવાલો

ઋતુપર્ણાએ જણાવ્યું કે ખાનગી કૉલેજમાં પ્રોફેસરના પદ પર નિમણૂક માટેના ઇન્ટરવ્યૂ દરમિયાન એક મહિલાને પૂછવામાં આવ્યું કે જો તમે પરણેલા છો તો ફેમિલીની શરૂઆત ક્યારે કરવાના છો?

ઋતુપર્ણા જણાવે છે, ''હવે આવા પ્રકારના સવાલ ઇન્ટરવ્યૂમાં પૂછાવા માંડ્યા છે."

"લેખિતમાં કોઈ કંપની એવો કાયદો નથી બનાવતી કે ગર્ભવતી મહિલાઓને નોકરી પર ન રાખવી કે પછી લગ્ન પછી તરત જ બાળક પેદા કરવાની મંજૂરી નથી."

"કીધા વગર જ એવા નિયમો બની ગયા છે અને એનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે.''

શું દરેક પ્રકારની નોકરીઓમાં મહિલાઓ માટેના દરવાજા બંધ થઈ ગયા છે?

આ અંગે ઋતુપર્ણા જણાવે છે, ''લઘુ અને મધ્યમ ઉદ્યોગ(SMES), શિક્ષણ અને સ્ટાર્ટ-અપમાં આ મુશ્કેલીઓ મહિલાઓને વધારે આવી રહી છે."

"બીજા ક્ષેત્રમાં કામ કરનારી મહિલાઓ પણ આનાથી વણસ્પર્શી તો નથી જ.''

કામ કરનારી મહિલાઓની સ્થિતિ

2017માં બહાર પડેલા વર્લ્ડ બૅન્કના એક અહેવાલ અનુસાર કામ કરનારી મહિલાઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત 131 દેશોમાંથી 120મા ક્રમેક છે.

અહીં માત્ર 27 ટકા મહિલાઓ કામ કરે છે જ્યારે દેશની અડધી વસ્તી તો મહિલાઓની છે.

આવામાં અર્થવ્યવસ્થામાં મહિલાઓની વધારે ભાગીદારીની ખાતરી કેવી રીતે આપી શકાય?

દિલ્હીની અશોકા યુનિવર્સિટીમાં સેન્ટર ફૉર વુમન લીડરશિપનાં ડાયરેક્ટર હરપ્રીત કૌર જણાવે છે કે,''મૅટરનિટી બૅનિફિટ કાયદામાં સુધારો કરીને સરકારે ખૂબ સકારાત્મક પગલું ભર્યું છે."

"કાયદા પાછળનો હેતુ સારો છે. આવનારા દિવસોમાં બની શકે કે આનાં સારાં પરિણામો જોવા મળે."

"વળી એ વાત પણ સાચી છે કે કામ પર રાખનારી સંસ્થા માટે ખર્ચો વધી ગયો છે.''

તેઓ આગળ જણાવે છે,'' ક્રેચ બનાવવા, છ મહિના સુધી પગાર આપવો બન્નેનો બોજો માત્ર કામ પર રાખતી સંસ્થા પર નાખી દેવામાં આવ્યો છે."

"કયાંક ને કયાંક તો આનાથી કંપનીના નફા પર અસર પડતી હોય છે.''

તો ઉપાય શું છે?

હરપ્રીત કૌર જણાવે છે, ''દુનિયામાં ઘણા દેશોમાં મૅટરનિટી લીવની જગ્યાએ પેરેન્ટલ લીવની જોગવાઈ છે."

"એટલે માતૃત્વ અવકાશ માત્ર માતાઓની જવાબદારી નથી, માતાપિતામાંથી કોઈ પણ બાળક પેદા થાય ત્યારે એના ઉછેર માટે રજા લઈ શકે છે."

"ભારતમાં જો આમ બને તો ઘણે અંશે આ સમસ્યાનું સમાધાન આવી શકે છે.''

એમના જણાવ્યા અનુસાર,''સ્ટાર્ટ-અપ અને લઘુ અને મધ્યમ ઉદ્યોગ(SMES) જે મહિલાઓને કામ પર રાખે છે એમની મદદ સરકાર પણ કરે."

"આ લાંબા સમય સુધી ના થઈ શકે તો શરૂઆતનાં વર્ષોમાં તો જરૂર કરવામાં આવે.''

ઋતુપર્ણા પણ મનપ્રીતની વાત સાથે સહમત છે. એમના જમાવ્યા મુજબ જો સરકાર કોઈ સહાયતા રકમ ના આપી શકે તો ઓછામાં ઓછું એવી કંપનીઓને કરમાં રાહત આપીને પણ કામ થઈ શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો