ઈરાનની એ કળા જેને જિવાડી રહ્યો છે કચ્છનો એક પરિવાર
- દિપ્તી બાથિની
- બીબીસી સંવાદદાતા
જુઓ રોગાન આર્ટનો વીડિયો
ભારતમાં નાશ થવાને આરે આવીને ઊભેલી કળાઓમાં રોગાન આર્ટનો પણ સમાવેશ થાય છે.
વર્ષો પહેલાં ઈરાનથી ભારતમાં આવેલી આ કળાના જાણકારો જૂજ જાણકારો હવે કચ્છમાં બચ્યા છે.
કચ્છના નિરોના ગામમાં રહેતો એક પરિવાર વર્ષોથી આ કળા સાથે જોડાયેલો છે. આ પરિવાર આઠ પેઢીઓથી આ રોગાન પેઇન્ટિંગનું કામ કરે છે.
શું છે આ રોગાન આર્ટ અને કેવી રીતે તૈયાર કરે છે આ પરિવાર આ જાણવા માટે બીબીસી ગુજરાતીએ તેમની મુલાકાત લીધી હતી.
300 વર્ષ પહેલાં આગમન
રોગાન કળાથી તૈયાર કરેલું વસ્ત્ર
ખત્રી સમાજ આ કળાનો જાણકાર હોવાનું મનાય છે. નિરોના ગામમાં અબ્દુલ ગફૂર અને તેમના ભાઈઓનો સમાવેશ આ કળાને જાણનારા ગણતરીના ગુજરાતીઓમાં છે.
ગફૂર જણાવે છે કે રોગાન કળા લગભગ 300 વર્ષ પૂર્વે ઈરાન (તત્કાલીન પર્શિયા)થી કચ્છ પહોંચી હતી.
ફારસી ભાષામાં રોગાનનો અર્થ 'એરંડાનું તેલ' એવો થાય છે.
આ પરિવારે એવો સમય જોયેલો છે કે જ્યારે પરંપરાગત રીતે રોગાન કામ કરેલાં વસ્ત્રો નવવધૂ લગ્નમાં પહેરતી હતી.
આ પરંપરાના કારણે આ કળાને ટકાવી રાખવામાં પાછલી પેઢીને મદદ મળી હતી.
અબ્દુલ ગફૂર ખત્રી કહે છે, "લોકો આ કળા વિશે છેલ્લાં 20 વર્ષથી જ જાણતા થયાં છે.
"પહેલાં આ કળા રોજીનું સાધન હતું. અગાઉ એવી સ્થિતિ હતી કે આ કામ થકી એટલી મજૂરી પણ નહોતી મળતી કે પેટનો ખાડો પૂરી શકાય.
"અગાઉની પેઢીને આ કામમાં અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો."
રોગાન કામ કરી રહેલાં ગફૂરભાઈ
ગફૂરભાઈ કહે છે, 1980ના દાયકામાં દુષ્કાળના કારણે બદલાયેલાં સામાજિક-આર્થિક વાતાવરણના કારણે નવી પેઢી આ કળા શીખવા માટે ન પ્રેરાઈ.
જોકે, ગફુરભાઈએ આ કળાને જીવંત રાખવાની જવાબદારી સ્વીકારી લીધી છે.
તેઓ કહે છે, "પહેલાં જે ડિઝાઇન કરાતી હતી તે લોકસંસ્કૃતિ પ્રમાણેની ડિઝાઇન હતી.
"નવવધૂના વસ્ત્રોમાં આ ડિઝાઇનનો ઉપયોગ થતો હતો. આ કળાને ટકાવી રાખવા અને જીવંત બનાવવા માટે ડિઝાઇન બદલવી જરૂરી હતી, જેનું પરિણામ એટલે 'જિંદગીનું વૃક્ષ.'"
તમે આ વાંચ્યું કે નહીં?
તેમને સુધારેલી 'ટ્રી ઑફ લાઇફ'ની ડિઝાઇન ધરાવતું રોગાન આર્ટવર્ક 2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ભેટ સ્વરૂપે આપ્યું હતું.
જેના કારણે આ કળાનો વિકાસ સાધવામાં આ ખત્રી પરિવારને મદદ મળી હતી. આ પરિવારે રોગાન કળા ગામની 200 મહિલાઓને પણ શિખવાડી છે.
જબ્બાર ખત્રી
તેમના ભાઈ સુમાર ખત્રી કહે છે, "આ કળા પુરુષપ્રધાન કળા બનીને રહી જાય એવું અમે ઇચ્છતા નથી.
"આ કળાથી અન્ય લોકોને પણ અમારી જેમ પ્રેરણા અને જીવંતતા મળે એવું અમે ઇચ્છીએ છીએ."
આજે આ પરિવાર ઈ-કૉમર્સ વેબસાઇટની મદદ લઈ રહ્યો છે.
ખત્રી પરિવારની નવી પેઢી ટેકનૉલૉજી અને ઇ-કૉમર્સના આ યુગમાં રોગાન કળાનો પ્રસાર અને પ્રચાર કરવા માગે છે.
ગફૂરભાઈના સૌથી નાનાભાઈ એમેઝોન પર આ કળાનો પ્રસાર કરી રહ્યા છે.
જબ્બાર ખત્રી કહે છે, "અમે પરિવાર સાથે વાતચીત કરી. બધાને સમજાવ્યું કે કઈ રીતે ઑનલાઇન પૉર્ટલ પર પ્રોડક્ટને મૂકી શકાય.
"બધા સંમત થયા અને ખુશ હતા કે આપણે મોટા બજાર થકી વધારે લોકો સુધી પહોંચી શકીશું."
ખત્રી પરિવારની સફળતા જોઈને અન્ય બે પરિવારો પણ આ કળા જીવંત રાખવા માટે આગળ આવ્યા છે.
આ કલાકારોને આશા છે કે ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ થકી તેઓ ઘરે બેઠાં આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચી શકશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો