યુવાનોને મિલિટરી ટ્રેનિંગ આપવાનો મોદી સરકારનો વિચાર

નરેન્દ્ર મોદીની તસવીર

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ અનુસાર, રાષ્ટ્રમાં 'શિસ્તબદ્ધ' અને રાષ્ટ્રવાદી 'યુવાનોની સેના' ઊભી કરવા કેન્દ્રની મોદી સરકારે વિચારણા હાથ ધરી છે.

દર વર્ષે દસ લાખ યુવક-યુવતીઓને સૈન્ય તાલીમ આપવાના એક પ્રસ્તાવ પર ચર્ચા કરવા સંબંધિત બેઠકનું આયોજન કરાયું હોવાનું અખબાર જણાવે છે.

'નેશનલ યૂથ ઍમ્પ્લૉયમૅન્ટ સ્કીમ' કે 'એન-યસ'ના નામે આ કાર્યક્રમનો હેતુ ભારતના યુવાવર્ગનો લાભ લેવાનું હોવાનું અખબારનું માનવું છે.

આ અંગે કરાયેલા પ્રસ્તાવમાં ધોરણ 10, ધોરણ 12 તેમજ કૉલેજના વિદ્યાર્થીઓને સંબંધિત તાલીમ આપવાનો પ્રસ્તાવ છે.

પ્રસ્તાવ અનુસાર, તાલીમ મેળવનારા યુવાનોને 12 મહિના માટે સ્ટાઇપૅન્ડ આપવાનો પણ વિચાર છે. સંરક્ષણ ક્ષેત્ર, અર્ધ લશ્કરી દળો અને પોલીસમાં નોકરી માટે આ તાલીમ ફરજિયાત ગણાશે.

આ બેઠક વડા પ્રધાન કાર્યાલય દ્વારા બોલાવાઈ હોવાનું પણ અખબારનું જણાવવું છે.

'હૅટ ક્રાઇમ' મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે : ઍમ્નિસ્ટી રિપોર્ટ

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર, માનવાધિકારની વાત કરતી સંસ્થા ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલ મુજબ ભારતમાં દલિત, આદિવાસીઓ તેમજ લઘુમતી સમુદાયના લોકો વિરુદ્ધ ચાલું વર્ષે આચરવામાં આવેલા 'હેટ ક્રાઇમ'(જાતિ કે ધાર્મિક આધારે આચરવામાં આવતો ગુનો) મામલે ગુજરાત દેશમાં બીજા નંબરે છે.

અહેવાલમાં જણાવાયું છે કે વર્ષ 2018ના પ્રથમ છ મહિના દરમિયાન દેશમાં આવા કુલ 100 ગુના નોંધાયા છે, જેમાં 18 અપરાધો સાથે ઉત્તર પ્રદેશ પ્રથમ છે, જ્યારે 13 ગુનાઓ સાથે ગુજરાત બીજા ક્રમે છે.

આ મામલે રાજસ્થાન, તામિલનાડુ તેમજ બિહાર અનુક્રમે ત્રીજાથી પાંચમા ક્રમે છે.

ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલનો આ અહેવાલ એવા સમયે જાહેર કરાયો છે કે જ્યારે હાપુરમાં ટોળાએ કરેલી હત્યાની તપાસ ચાલી રહી છે.

જૂન મહિના દરમિયાન હાપુરમાં ગૌહત્યાની શંકાના આધારે મોહમ્મદ કાસિમ નામની વ્યક્તિની ટોળાએ હત્યા કરી નાખી હતી.

વર્ષ 2015ના સપ્ટૅમ્બર મહિનામાં મોહમ્મદ અખલાકની ઉત્તર પ્રદેશના દાદરીમાં ટોળાએ ગૌમાંસની શંકાના આધારે કરેલી હત્યા બાદ માનવાધિકર સંસ્થાએ દેશમાં હેટ ક્રાઇમનું દસ્તાવેજીકરણ કરવાનું શરૂ કર્યું હતું.

રાજકારણીઓથી ચાલના રહેવાસી સુધી, કોર્ટમાં પનામા કેસ

'ઇન્ડિયન એક્સપ્રેસ'એ નાણા મંત્રાલયને ટાંકીને જણાવ્યું છે કે પનામા પેપર્સ મામલે રૂ.1,140 કરોડના સગડ મેળવી લેવાયા છે.

પનામાની લૉ ફર્મ મૉસ્સાક ફૉન્સૅકા દ્વારા ઑફશૉર કંપનીઓમાં ભારતીયોએ કરાયેલા રોકાણનો મામલો સામે આવ્યાના બે વર્ષ બાદ વિવિધ લોકો વિરુદ્ધ દેશના વિવિધ શહેરોમાં કેસ દાખલ કરાયા હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.

આ મામલે અત્યાર સુધી 16 કેસ દાખલ કરાયા છે. દાખલ કરાયેલા કેસમાં રાજકારણીઓથી લઈને મુંબઈની ચાલના રહેવાસી સામેલ છે.

અખબાર એવું પણ જણાવે છે કે આ મામલે પ્રથમ કેસ નવમી ડિસેમ્બરે કોલકાતામાં દાખલ કરાયો હતો.

અમદાવાદ, બેંગલુરુ તેમજ મુંબઈમાં પણ આ મામલે કેસ દાખલ કરાયા હોવાનું અખબારનું નોંધવું છે.

દાખલ કરવામાં આવેલા મોટાભાગના કેસ ધારા 277 (ખરાઈ વખતે ખોટું નિવેદન આપવું) અને ધારા 276 (આવકવેરો ના ભરવો પડે એ માટે સંપત્તિને છૂપાવવી કે અન્ય સ્થળે મોકલી દેવી) હેઠળ નોંધાયા છે.

ઘોડી ચડ્યા બાદ દલિત પરિવાર પર જોખમ

ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લાના નિઝામપુર ખાતે ત્રણ મહિનાની મહેનત બાદ રવિવારે દલિત યુવકના લગ્ન શક્ય બન્યા હતા.

સંજય જાટવ ઘોડી ઉપર જાન લઈને દુલ્હન શીતલસિંહને લેવા માટે પહોંચ્યા હતા.

પરંતુ 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ, બધુંય થાળે પડી ગયું હોય તેમ નથી લાગી રહ્યું.

જાન નીકળી ત્યારે કોઈ ઠાકૂર પરિવારે ઘરનો દરવાજો ખુલ્લો નહોતો રાખ્યો અને લગ્ન સમારંભમાં ભાગ પણ નહોતો લીધો.

ગામના સરપંચ કાંતિ દેવીના કહેવા પ્રમાણે, "લગ્ન સમારંભ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયો, પરંતુ મીડિયામાં ચર્ચા તથા પોલીસની હાજરીને કારણે અમારું ગામ ખાસ્સું બદનામ થયું છે.''

"આ ઘટનાક્રમ બાદ દલિત તથા ઠાકુર પરિવારો વચ્ચે મોટી ખાઈ જોવા મળી રહી છે. આગામી સમયમાં શાંતિ જળવાય રહેશે કે કેમ તે અંગે હું કંઈ પણ ખાતરીપૂર્વક કહી શકું તેમ નથી."

દલિત વરરાજા સંજય જાટવે જિલ્લા વહીવટીતંત્રને અરજી આપી છે કે તેમના સાસરિયાંઓને સુરક્ષા આપવામાં આવે.

સંજયે આશંકા વ્યક્ત કરી છે કે ઠાકૂર સમુદાયના લોકો તેમના ઉપર હુમલો કરી શકે છે.

જોકે, ઠાકૂરોનું કહેવું છે કે ઇરાદાપૂર્વક આ મુદ્દો ઉછાળવામાં આવી રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો