બ્લૉગ : મોદી હોય કે મનમોહન આ 120 લોકો માટે હંમેશાં 'અચ્છે દિન'

  • રાજેશ પ્રિયદર્શી
  • ડિજિટલ એડિટર, બીબીસી હિન્દી

ભારતમાં હાલમાં એક અબજ ડૉલરથી વધારે સંપત્તિ ધરાવતા 120 લોકો છે. અમેરિકા અને ચીન સિવાય આટલી મોટી સંખ્યામાં અબજપતિ લોકો કોઈ એક દેશમાં નથી, આ બાબત પર ધ્યાન આપવું જોઈએ.

આ લોકો 'ભારત' નહીં, 'ઇન્ડિયા'ની ગ્રોથ સ્ટોરીના બ્રાન્ડ ઍમ્બૅસૅડર છે. ભારતના લોકો પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, અચરજ સાથે આ લોકોના ઠાઠ જોવે, તેમની સફળતાના વખાણ કરે.

તેમના પરિવારમાં થતા લગ્ન પ્રસંગો લાઇવ દેખાડવામાં આવે છે, જેમાં મોટા-મોટા સ્ટાર ઠૂમકા લગાવે છે અને દેશના દિગ્ગજ નેતાઓ વર-વધૂને આશીર્વાદ આપતા જોવા મળે છે.

પૈસાની આવી ચમક જોઈને દેશની જનતા ધન્ય થઈ જાય છે કે આપણે પણ કોઈથી પાછળ નથી.

કેટલાંક લોકોની વ્યક્તિગત સફળતાને સમગ્ર દેશની સફળતામાં તબદીલ કરવાનું કાર્ય ભારતમાં સરળતાથી કરી શકાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

વેપારમાં જ નહીં, દરેક ક્ષેત્રમાં આ પ્રકૃતિ જોવા મળે છે. કંઈ ન મળે તો છેવટે અમેરિકાની ઇન્દિરા નૂયી, બ્રિટનના લક્ષ્મી મિત્તલ કે સિલિકૉન વૅલીના સત્યા નડેલાની સફળતાને દેશની સફળતા તરીકે ચીતરવામાં આવે છે.

આ એક રીતે એ વાતને ભૂલવામાં મદદ કરે છે કે 25 કરોડથી વધારે ગરીબ લોકો ભારતમાં રહે છે.

એવું પણ વ્યક્ત કરવામાં આવે છે કે દેશનો વિકાસ તો થઈ જ રહ્યો છે, જુઓ અંબાણી અથવા અદાણી ગત વર્ષે ટોપ અમીરોની યાદીમાં આ ક્રમે હતા, હવે આટલા ઉપર આવી ગયા છે.

ઇકૉનૉમીમાં સુધારનો ભ્રમ

તાજેતરમાં જ ભારતની ઇકૉનૉમી ફ્રાન્સથી આગળ નીકળી ગઈ છે, હવે દુનિયામાં પાંચમાં ક્રમે પહોંચી ગઈ છે.

સફળતાની આ કહાણી એ 25 કરોડ ગરીબ લોકોને કેવી રીતે સમજાવવી કે જેઓ અન્નના દાણા માટે તરસે છે.

હકીકતમાં આ દેશની સફળતા નથી, પણ પહેલાંથી જ સફળ છે એવા લોકોની સફળતા છે.

આ અતિ-સન્માનિત અબજપતિઓ પૈકી એક વિજય માલ્યા છે. એટલી હદ સુધી કે તેમનું મન થયું ત્યારે સાંસદ બની ગયા, તેમના જેવા અનેક અબજપતિ રાજ્યસભામાં છે.

પૈસા કમાવવું એમના માટે ભલે ગમે તેટલું અઘરું રહ્યું હોય, પણ સંસદમાં પહોંચવું અથવા પોતાની પસંદના લોકોને સંસદમાં મોકલવાનું એમની માટે સરળ છે.

કહેવાનો અર્થ એ નથી કે તમામ અબજપતિ ભ્રષ્ટ છે અથવા 'કિંગ ઑફ ગુડ ટાઇમ્સ' એટલે કે માલ્યાની જેમ નાસી જશે, પણ દેશમાં માંડ એક હજાર લોકો એવા હશે કે જેઓ દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાની લગભગ તમામ હરકતને નિયંત્રિત કરે છે અથવા કરી શકે તેમ છે.

આ એ જ લોકો છે કે જેઓ દરેક રાજકીય પક્ષને ફાળો આપે છે અને કોંગ્રેસ સત્તામાં હોય કે ભાજપ સત્તામાં હોય એ લોકોના કામ થઈ જ જાય છે.

નેતા અને પૈસાદાર લોકોની આ જુગલબંધીને જ 'ક્રોની કૅપિટલિઝ્મ' કહેવાય છે, જ્યાર સુધી આ જુગલબંધી છે ત્યાં સુધી 'સૌનૌ સાથ, સૌનૌ વિકાસ' એક જુમલો જ રહી જશે.

જે રીતે રિલાયન્સને રાફેલને ઇજારો આપવામાં આવ્યો, જે રીતે 'જિઓ' અને પેટીએમને સરકાર પ્રોત્સાહન આપે છે, ગૌતમ અદાણી અને વડા પ્રધાનની નિકટતા પર વિપક્ષ વાતો કરતો રહ્યો, પણ વિપક્ષ દૂધથી ધોવાયેલું નથી.

અંબાણી કોંગ્રેસના રાજમાં જ અંબાણી બન્યા અને વિજય માલ્યા, સુબ્રત રૉય પણ બન્યા.

આખી દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં નેતાઓ આ માહોલ બનાવે છે કે, આ લોકોને સસ્તી લોન, સસ્તી જમીન અને ટૅક્સમાં છૂટ આપવામાં આવે છે કારણકે આ લોકો જ દેશની ઇકૉનૉમીને આગળ વધારશે.

લોકોને રોજગારી પણ આપશે અને એના માટે દેશે તેમનો ઉપકાર માનવો જોઈએ.

અમીર વધારે અમીર થાય છે

એક બાબત તો સ્પષ્ટ છે કે વર્ષોથી ભારતમાં અમીર લોકો વધારે અમીર થાય છે. આર્થિક ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ તેમનો દબદબો વધી રહ્યો છે. અમીર-ગરીબ વચ્ચેની ખાઈ ઘટવાના બદલે વધી જ રહી છે.

દેશના કરોડો લોકો અને થોડાંક અબજપતિ લોકોના હિત એક હોઈ જ ન શકે. બન્ને વર્ગોના હિત વચ્ચે દરેક પગલે અથડામણ થાય છે અને આ સ્થિતિમાં સરકારે બન્નેમાંથી કોઈ એકને પસંદ કરવાનો વારો આવે છે.

જો સરકારે સામાન્ય લોકોના હિત પસંદ કર્યા હોત તો આ ખાઈ વધવાની જગ્યાએ ઘટી હોત.

ભારત જાતિ, ધર્મ, ક્ષેત્ર અને વર્ગોમાં હંમેશાં વહેંચાયેલો રહ્યો છે.

અસમાનતાને લોકો સામાન્ય બાબત ગણે છે, આર્થિક અસમાનતાને પણ લોકોએ સરળતાથી સ્વીકારી લીધી છે અને તેના પર સવાલ ઉઠાવનારને વ્યવસ્થા-વિરોધી અથવા વામપંથી ગણવામાં આવે છે.

જો સરકાર લઘુત્તમ મજૂરી દસ-વીસ રૂપિયા વધારવા સિવાય કોઈ પગલાં નહીં ભરે તો સ્થિતિ નહીં બદલાય.

2004 થી 2014 સુધી દેશના વિકાસના કિસ્સાઓ અને આંકડાઓ આવ્યા છે, કોંગ્રેસ દસ ટકા વિકાસ દરની વાત કરતી હતી તો ભાજપ રેકર્ડ વિદેશી રોકાણની વાત કરે છે, પણ આ એ જ દેશ છે, જ્યાં ભૂખથી લોકોના મરવાના સમાચાર આવે છે.

આંકડા ઘણું કહે છે

'ઇકૉનૉમિક ટાઇમ્સ'માં લેખક જેમ્લ ક્રૅબટ્રીએ લખ્યું છે, "ભારતમાં કમાણીના મામલે ટોચના 10 ટકા લોકોના હાથમાં દેશના 55 લોકોનું ધન છે. 1980માં આ આંકડો 55 ટકા ના બદલે 30 ટકા હતો."

એમાં પણ સૌથી ટોચના જે એક ટકા લોકો છે, તેમની તો બધી જ આંગળીઓ ઘીમાં છે અને માથું કઢાઈમાં છે. ટોચના એક ટકા લોકો પાસે દેશનું 22 ટકા ધન છે.

1991માં અર્થવ્યવસ્થાના દરવાજા ખૂલ્યા બાદ દેશના અમીરોની અમીરી વધી છે, મધ્યમવર્ગની આવકમાં પણ વધારો થયો છે.

એ પણ સત્ય છે કે કરોડો લોકો ગરીબી રેખાથી ઉપર આવી ગયા છે, પણ ચિંતાજનક બાબત એ છે કે સમૃદ્ધિની સાથેસાથે અસમાનતા પણ વધી છે અને તેનો ઉકેલ લાવવા માટેના કોઈ પ્રયત્નો દેખાતા નથી.

'વર્લ્ડ ઇનઇક્વૉલિટી રિપોર્ટ' દર્શાવે છે કે 1950 થી 1980 સુધી દેશના સૌથી અમીર એક ટકા લોકોની આવકમાં ઘટાડો થયો, પણ ત્યારબાદ એ સમય આવ્યો જેને ઉપભોક્તાવાદ કહે છે.

1980 પછી સૌથી અમીર એક ટકા લોકોની આવકમાં ક્યારેય ઘટાડો નોંધાયો નથી.

આ રિપોર્ટ દર્શાવે છે કે 2014 સુધીમાં ભારતના 39 કરોડ નિર્ધન લોકોની કુલ કમાણી એક ટકા સૌથી અમીર લોકોની કમાણીની સરખામણીમાં 33 ટકા ઓછી થઈ ગઈ હતી.

1983 થી 2014 વચ્ચે આ એક ટકા અમીરોમાં પણ જે ટોચ પર હતા તેમની કમાણી ટકામાં નહોતી વધતી, તેમની કમાણી પાંચ ગણી અને દસ ગણી થઈ રહી હતી.

પિકેટી અને ચૅંશલે ગહન અભ્યાસ કરીને બતાવ્યું કે ભારતમાં આર્થિક પિરામિડના સૌથી નીચેના ભાગમાં આવતા લોકોની આવક 1960 થી 70ના સમાજવાદી દસકામાં સૌથી ઝડપથી આગળ વધી હતી.

આ બે દસકામાં ટોચના એક ટકા લોકોની આવકની તુલનામાં સૌથી નિર્ધન લોકોની આવક ઝડપથી વધી રહી હતી. પણ ત્યાર પછી ક્યારેય આવું થયું નથી.

જો આ ટ્રૅન્ડ ચાલું રહ્યો હોત તો આજે ભારતમાં ધારે સમાનતા દેખાતી હોત.

અમીર-ગરીબ વચ્ચેની ખાઈ માત્ર કમાણીના સ્તર પૂરતી સીમિત નથી, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓની બાબતમાં પણ અસમાનતા છે.

ભારત આજે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભલે બની ગઈ હોય, પણ જ્યાં સુધી 120 કરોડ લોકોની આવક અબજપતિ 120 લોકોની આવકની જેમ ઝડપથી નહીં વધે ત્યાં સુધી ભારત ફ્રાન્સ જેવું નહીં દેખાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો