7 વર્ષની બાળકી પર પર બળાત્કારના આરોપીઓને કોર્ટમાં માર પડ્યો

પ્રતિકાત્મક તસવીર

'જનસત્તા'નાં અહેલાલ મુજબ ચૈન્નઈમાં બળાત્કારના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા ત્યારે વકીલોએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.

અહેવાલ અનુસાર 12 વર્ષની એક બાળકી સાથે 22 લોકોએ બળાત્કાર કર્યો હતો. જેમા 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા ત્યારે આ ઘટના બની હતી. આરોપીઓ બાળકીની સોસાયટીમાં જ રહેતા હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.

આરોપીમાં સોસાયટીના ગાર્ડ, પ્લમ્બર, લિફ્ટ ઑપરેટર વગેરે સામેલ છે.

સાત મહિના સુધી આ કૃત્ય આચરાયું હોવાનું જણાવાયું છે. દિલ્હીમાં ભણતી બાળકીને બહેન ઘર પરત ફરી ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી હતી.

યૌન હિંસાને અટકાવવા માટે હવે ટ્રાન્સજેન્ડર ગાર્ડ

'ઇન્ડિય એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર બિહારનાં મહિલા આશ્રય ગૃહોમાં ટ્રાન્સજેન્ડરને સુરક્ષાકર્મી નિમણુક કરવાનું નક્કી કરાયું છે.

આશ્રયગૃહોમાં યૌન યૌન હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને બિહાર સરકારે આ નિર્ણય લીધો છે.

બિહારના સમાજ કલ્યાણ વિભાગે સંબંધીત આશ્રય ગૃહોનું ઑડિટ કરવાનું કામ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સને સોંપ્યું હતું.

આ અંગેના રિપોર્ટમાં આશ્રય ગૃહોમાં ચાલી રહેલાં યૌન ઉત્પીડનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફોર્મેશન) હેઠળ દાખલ કરવામાં આવેલી એક અરજીના જવાબમાં પંજાબ નેશનલ બૅન્કે જણાવ્યું છે કે ગત નાણાંકીય વર્ષ દરમિયાન બૅન્કે ગ્રાહકો પાસેથી રૂ. 151.66 કરોડનો દંડ વસૂલ કર્યો હતો.

ખાતામાં મિનિમમ બૅલેન્સ નહીં રાખવા બદલ આ રકમ વસૂલવામાં આવી હતી.

અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, ઇન્દોરના આરટીઆઈ ઍક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌડે દાખલ કરેલી અરજીના જવાબમાં બૅન્કેએ આ માહિતી આપી હતી.

બૅન્કના જણાવ્યા પ્રમાણે, કુલ 1,22,98,748 ખાતા મિનિમમ બૅલેન્સ જાળવવામાં નિષ્ફળ રહ્યાં હતાં.

અર્થશાસ્ત્રી જયંતિલાલ ભંડારીના કહેવા પ્રમાણે, "રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ દંડની રકમ અંગે પુનરવલકોન કરવાની જરૂર છે.

"એક તરફ સરકાર વધુ અને વધુ લોકોને બૅન્કિંગ વ્યવસ્થા સાથે જોડવા માગે છે. બીજી બાજુ, ખાતામાં સરેરાશ રકમ નહીં જાળવી શકતા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે, જે ગરીબ કે મધ્યમ વર્ગના હોય છે."

અત્રે એ નોંધવું ઘટે કે જ્વેલર નીરવ મોદી સામે બૅન્કે કેસ દાખલ કરાવ્યો છે. બૅન્કનાં જણાવ્યા પ્રમાણે, તેની સાથે લગભગ 13 હજાર કરોડની છેતરપિંડી કરવામાં આવી છે.

ત્રણ તલાકનો વિરોધ કરનારાં નિદા ખાન વિરુદ્ધ ફતવો, ઇસ્લામમાંથી બહિષ્કૃત

'એનડીટીવી'ની વબેસાઇટના જણાવ્યા અનુસાર, ઉત્તરપ્રદેશમાં ત્રણ તલાક અને નિકાહ હલાલા વિરુદ્ધ અભિયાન ચલાવનારાં નિદા ખાન વિરુદ્ધ ફતવો જાહેર કરવામાં આવ્યો છે.

બરેલીના શાહ ઇમામ મુફ્તી ખુર્શીદ આલમે એક પત્રકાર પરિષદ ભરી નિદાને ઇસ્લામમાંથી બહિષ્કૃત જાહેર કર્યા છે.

ફતવો જાહેર કરતા આલમે કહ્યું, ''તેઓ (નિદા) બિમાર પડે તો કોઈ તેમને દવા નહીં આપે. તેમનું મૃત્યુ થાય ત્યારે જનાજામાં કોઈ નમાઝ અદા નહીં કરે અને મર્યા બાદ તેમને કબ્રસ્તાનમાં પણ જગ્યા નહીં આપવામાં આવે.''

ફતવામાં એવું પણ જણાવાયું છે કે નિદાની મદદ કરનારા કે તેમને સમર્થન આપવનારા સાથે પણ આવું જ કરવામાં આવશે.

ફતવા વિરુદ્ધ નિદાએ જણાવ્યું, 'ભારત એક લોકતાંત્રિક દેશ છે અને મને કોઈ ઇસ્લામમાંથી બહિષ્કૃત ના કરી શકે.'

સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં વરસાદી આફત : 30નાં મોત

'નવગુજરાત સમય'ના અહેવાલ અનુસાર, સૌરાષ્ટ્રના સાગરકાંઠાના જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ હવે વરસાદ આફતનું રૂપ લઈ રહ્યો છે.

વરસાદને પગલે રાજ્યમાં અત્યાર સુધી 30 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં વીજળી પડવાથી 10, પાણીમાં ડૂબી જવાથી 11 તેમજ અન્ય કારણથી નવ લોકોનાં મૃત્યુ થયા છે.

અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે લગાતાર વરસી રહેલા વરસાદને પગલે ગીર સોમનાથ જિલ્લામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સની ટીમોને ઉતારાઈ છે.

આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વરસાદથી અતિપ્રભાવિત ગીર સોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં એરફોર્સના હેલિકૉપ્ટરથી હવાઈ નિરીક્ષણ કર્યું હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.

લગ્નનો અર્થ એવો નથી કે પત્ની હંમેશાં સેક્સ માટે તૈયાર રહે : દિલ્હી હાઈ કોર્ટ

'ઇન્ડિયન એક્સ્પ્રેસ'ના એક અહેવાલ અનુસાર, દિલ્હી હાઈ કોર્ટે અવલોકન કર્યું કે લગ્નનો અર્થ એવો ના કરી શકાય કે પત્ની હંમેશાં સેક્સ માટે તૈયાર જ રહે.

ઍક્ટિંગ ચીફ જસ્ટિસ ગીતા મિત્તલ અને સી. હરિશંકરની ખંડપીઠે એવું પણ કહ્યું કે લગ્ન જેવા સંબંધમાં સ્ત્રી અને પુરુષ, બન્નેને અધિકાર છે કે તેઓ શારીરિક સંબંધ માટે 'ના' પાડી શકે.

લગ્નના સંબંધ દરમિયાન કરાતા બળાત્કારને ગુનો ગણવા અંગેની અરજી પર સુનાવણી કરતા ખંડપીઠે સંબધિત વાત નોંધી હતી.

'મૅન વૅલફેર ટ્રસ્ટ' નામનું એનજીઓ આ અરજીનો એવું કહીને વિરોધ કરી રહ્યું છે કે મહિલાઓ માટે લગ્નમાં જાતીય હિંસા વિરુદ્ધ રક્ષણ આપતા કાયદા પહેલાંથી જ ઉપલબ્ધ છે.

ગ્રેટર નોઇડા : બે ઇમારત ધ્વસ્ત, કાટમાળમાંથી બે મૃતદેહો બહાર કઢાયા

દિલ્હીને અડીને આવેલાં નોઇડામાં બે ઇમારતો ધરાશાઈ થતાં કાટમાળમાં દસથી વધુ લોકો દબાયેલાં હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

અત્યારસુધીમાં બે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે બચાવકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.

જોકે, અહીં કેટલા લોકો રહેતા હતા અને કાટમાળમાં કેટલાક લોકો દબાયેલાં હોઈ શકે એ અંગે હજુ સુધી અધિકૃત આંકડા મેળવી શકાયા નથી.

ઘટનાસ્થળે હાજર અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાટમાળ હેઠળ દબાયેલા લોકોની સંખ્યા દસ કરતા ઓછી હોઈ શકે છે.

જ્યારે પ્રત્યક્ષદર્શીઓનાં જણાવ્યા પ્રમાણે, દસથી વધુ લોકો ઇમારતોમાં હતા.

શાહ બેરી ગામમાં થયેલી આ દુર્ઘટના મંગળવારે સાંજે સાડા આઠ વાગ્યે ઘટી હતી. બે ઇમારતોમાંથી એક નિર્માણાધીન હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો