રીટા ભાદુરી મને સેટ પર ખાવાનું બનાવી આપતાં હતાં : નરેશ કનોડિયા

ફિલ્મ અભિનેત્રી રીટા ભાદુરી. Image copyright Getty Images
ફોટો લાઈન ફિલ્મ અભિનેત્રી રીટા ભાદુરી.

ફિલ્મ અભિનેત્રી રીટા ભાદુરીનું 16મી જુલાઈની રાત્રે 1.30 કલાકે અવસાન થયું. તેમને કિડની બીમારીના કારણે હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. જ્યાં તેમનું અવસાન થયું હતું.

રીટા ભાદુરીનો જન્મ બંગાળી પરિવારમાં થયો હતો. ગુજરાતી બૅકગ્રાઉન્ડ ધરાવતા ન હોવા છતાં તેમણે સફળ ગુજરાતી અભિનેત્રી તરીકે અભિનય કર્યો હતો.

રીટા ભાદુરી અવિવાહીત હતાં અને પરિણામે તેમના ભાણી મિનીએ તેમનાં અંતિમ સંસ્કાર કર્યાં હતા.

રીટા ભાદુરીએ અનેક ગુજરાતી, હિંદી ફિલ્મો અને ટી.વી. સિરીયલોમાં કામ કર્યું હતું.

તેમની સાથે કામ કરનારા કલાકારો અને દિગ્દર્શકોએ તેમના વિશે કેટલીક લાગણી સભર વાતો કરતા તેમને શબ્દાંજલી આપી હતી.


રીટા જમવા અને જમાડવાના શોખીન હતા : કિરણકુમાર

કિરણકુમારે બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું, "રીટા ભાદુરીજી સાથે મારા એક મિત્ર જેવા સબંધો હતા."

"મેં એમની સાથે 10થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. પહેલી ફિલ્મ અમે સાથે કરી તેનું નામ કુળવધૂ હતું."

"આ ફિલ્મ અમે 1977માં કરી હતી ત્યારબાદ તેમની સાથે મેં અન્ય કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું."

તમે આ વાંચ્યું કે નહીં?

તેમણે કહ્યું, "મને તેમની સાથે જમવાના પ્રસંગો યાદ છે. ગુજરાતી ફિલ્મોમાં અભિનય વખતે હું તેમનાં માતાનાં વડોદરાના નિવાસ સ્થાને જતો હતો."

"તેમને જમવાનો જેટલો શોખ હતો તેટલો જ શોખ જમાડવાનો હતો. એકબીજાના ખબરઅંતર પૂછતા રહેતાં હતાં."


મને આરામ મળે તે માટે રીટાજી મોડા તૈયાર થતાં : નરેશ કનોડિયા

Image copyright Getty Images

ગુજરાતી ફિલ્મોના વરિષ્ઠ અભિનેતા નરેશ કનોડિયાએ રીટા ભાદુરીને યાદ કરતા બીબીસી ગુજરાતી સાથે કેટલાક પ્રસંગો વર્ણવ્યાં હતાં.

તેમણે કહ્યું "રીટા ભાદુરી અને મેં 10 જેટલી ફિલ્મોમાં સાથે અભિનય કર્યો હતો."

"તેમનો સ્વભાવ એવો હતો કે કોઈ પણ સહ અભિનેતા, પ્રૉડ્યુસર અથવા ડાયરેક્ટરને તકલીફ થાય નહીં."

"એ જમાનામાં હાલોલના લક્કી સ્ટુડિયોમાં શૂટિંગ થતું હતું. શૂટિંગ પતાવ્યા બાદ મહેશ કુમાર ઍન્ડ પાર્ટીના કાર્યક્રમોમાં મારે રાત્રે ગુજરાતનાં વિવિધ ગામોમાં જવાનું થતું હતું."

"શૂટિંગની શિફ્ટ સવારે 7થી સાંજે 5 વાગ્યા સુધી રહેતી. બાદમાં સાંજે હું નીકળી જતો હતો."

"કોઈ દિવસ રાત્રે 3 થાય તો કોઈ દિવસ 4 વાગે અથવા તો વહેલી સવાર પણ થઈ જતી. એવા કિસ્સામાં હું સમયસર તૈયાર થઈ ન શકું તે સ્વાભાવિક હતું."

"હું એકાદ કલાક વધુ આરામ કરી શકું તેના માટે રીટા ભાદુરી પોતે તૈયાર નથી થયાં તેવું કહી દેતાં. જેથી શિફ્ટ મોડી શરૂ થાય મને આરામ મળે."

નરેશ કનોડીયા વધુમાં જણાવે છે, "સેટ પર જે ભોજન મળતું હતું તે મને ખાસ ફાવતું નહીં."

"તેથી શૂટિંગ પૂરું થાય પછી રીટા ભાદુરી મારા માટે રસોઈ બનાવી આપતાં. એ સમયમાં ગૅસની સુવિધા પણ નહોતી."

"તેથી તેઓ સ્ટવ પર સ્ટુડિયોના રૂમમાં જ મિક્સ સબજી, મસાલા ખિચડી વગેરે બનાવી આપતાં."

"આમ અમે ખૂબ સારી રીતે ફિલ્મો કરી 'અખંડ ચૂડલો', 'અબીલ ગુલાલ', 'હિરલ હમીર', 'રુડો રબારી', 'શેરને માથે સવા શેર' વગેરે યાદગાર ફિલ્મો હતી."


આદર્શ ગુજરાતી ગૃહિણી : આરતી પટેલ

ગુજરાતી ફિલ્મોનાં અભિનેત્રી અને નિર્માત્રી આરતી પટેલે રીટા ભાદુરી વિશે જણાવ્યું "હું નાનપણથી તેમની ફિલ્મો જોતી હતી."

"એક અભિનેત્રી તરીકે અથવા એક પ્રેક્ષક તરીકે તેમની ગુજરાતી ફિલ્મોમાં સફળતાનું સૌથી મોટું કારણ જો તારવીએ તો તેમની ગરવી ગુજરાતણ તરીકેની છબી કહી શકાય."

"તેઓ હિંદી ફિલ્મોનાં અભિનેત્રી હતાં અથવા ટેલિવિઝનની અભિનેત્રી તેવું કોઈ કહે તો જરા માઠું લાગી આવે."

"લાંબા વાળનો ચોટલો, ગુજરાતી સાડી આ પહેરવેશ અને તેમના દેખાવના કારણે ફિલ્મમાં તેઓ આદર્શ ગુજરાતી ગૃહિણી જણાતાં. કાશીનો દિકરો એ તેમની સર્વશ્રેષ્ઠ ફિલ્મ હતી."


રીટાજીની ફિલ્મો મેં ઇન્ટરનેટ પર જોઈ: રોમા માણેક

ગુજરાતી ફિલ્મોનાં અભિનેત્રી રોમા માણેકે જણાવ્યું "મેં જે સમયે ગુજરાતી ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી હતી ત્યારે ઇન્ટરનેટ ન હતું."

"મેં પાછળથી યૂટ્યૂબમાં ઘણીવાર રીટા ભાદુરીની ફિલ્મો જોઈ છે કારણ કે એ સમયે મુંબઈના સિનેમાઘરોમાં ગુજરાતી ફિલ્મો રિલીઝ થતી નહોતી."

"આ ઇન્ડસ્ટ્રીમાં આવતાં પહેલાં મેં કોઈ દિવસ ગુજરાતી ફિલ્મોમાં ઍક્ટિંગ કરી નહોતી."

"તેવી જ રીતે રીટા ભાદુરીએ પણ ગુજરાતી ફિલ્મોમાં ઍક્ટિંગ કરી નહોતી."

"મને ઘણીવાર એવો વિચાર આવતો કે જો મારા અભિનયના શરૂઆતના દિવસોમાં યૂટ્યૂબ હોત તો હું રીટા ભાદુરી, સ્નેહલતા વગેરેની ઍક્ટિંગને નિહાળીને ગુજરાતી ઍક્ટ્રેસના અભિનયને સમજવાનો ચોક્કસ પ્રયાસ કરી શકી હોત."


કિડનીની બિમારી અને કાર્ડિયાક અરેસ્ટના કારણે મૃત્યુ થયું

રીટા ભાદુરીનાં મોટાં બહેનનાં પુત્રી મિનીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે રીટા ભાદુરી તેમનાં માતાનાં નાના બહેન હતાં.

"તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતાં. તેમની કિડની નબળી પડી ગઈ હતી અને પરિણામે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં."

"ત્યારબાદ કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું અવસાન થયું હતું. પરિવારમાં મારા માતા ઉપરાંત મામા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો