દેશમાં 'મૅરિટલ રેપ' મામલે કેમ થઈ રહ્યો છે હંગામો?

મહિલા Image copyright AFP

'લગ્નનો એવો મતલબ નથી કે પત્ની માત્ર સેક્સ માટે હંમેશાં તૈયાર રહે.' દિલ્હી હાઇકોર્ટમાં એક અરજીની સુનાવણી દરમિયાન કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ગીતા મિત્તલ અને સી. હરિશંકરની પીઠે આ ટિપ્પણી કરી હતી.

દિલ્હી હાઇકોર્ટમાં મૅરિટલ રેપ પરની આ જાહેર હિતની અરજી ઋત ફાઉન્ડેશન અને ઑલ ઇન્ડિયા ડેમૉક્રેટિક વુમન ઍસોસિયેશન દ્વારા કરવામાં આવી છે.

ફાઉન્ડેશનના અધ્યક્ષ ચિત્રા અવસ્થીએ આ મામલે બીબીસી સાથે વાતચીત કરી.

તેમની દલીલ છે કે બળાત્કાર પરિભાષામાં લગ્નેત્તર મહિલાઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે.

તેમનો તર્ક છે કે પતિના પત્ની સાથેના બળાત્કારને પરિભાષિત કરીને તેના પર કાનૂન બનાવવમાં આવે.


મૅરિટલ રેપ પર કાનૂન બનાવવાની શું જરૂર?

આ માટે અરજદારોએ કેટલીક મહિલાઓની આપવીતીને તેમની અરજીનો આધાર બનાવ્યો છે. આ જાહેર હિતની અરજી બે વર્ષ પહેલાં દાખલ કરવામાં આવી હતી.

આ એક જાહેર હિતની અરજી હોવાથી દિલ્હી સ્થિત એનજીઓ, મેન વેલ્ફેર ટ્રસ્ટે પણ તેમાં પોતાનો પક્ષ રજૂ કર્યો છે. મેન વેલ્ફેર ટ્રસ્ટ પુરુષોના અધિકાર માટે કામ કરે છે.

આપને આ પણ વાંચવું ગમશે

આ સંસ્થાના અધ્યક્ષ અમિત લખાની અનુસાર, "પરિણીત મહિલા સાથે તેમના પતિ કોઈ બળજબરી કરે તો કેટલાક કાનૂન છે. મહિલાઓ તેની મદદ લઈ શકે છે."

"તો પછી અલગ અલગ મૅરિટલ રેપ પર કાનૂન બનાવવાની શું જરૂર છે?"

આથી એ સમય વાજબી બને છે કે બળાત્કાર એટલે કે રેપ અને મૅરિટલ રેપ શું છે?


રેપ શું છે?

કોઈ પણ વયની મહિલા સામે તેમની મંજૂરી વગર અથવા બળજબરીથી તેમના શરીરમાં (ગુપ્તાંગમાં) પુરુષના શરીરનો કોઈ પણ અંગ નાખવો બળાત્કાર છે.

મહિલાના પ્રાઇવેટ પાર્ટ્સમાં નુકસાન કરવા માટે કોઈ વસ્તુ નાખવી અથવા તેની કોશિશ કરવી પણ રેપ છે.

વળી તેમના મુખમાં કોઈ ગુપ્ત અંગ નાખવું પણ રેપ છે. મહિલા સાથે ઑરલ સેક્સ પણ રેપ છે.

આઈપીસીની કલમ 365 મુજબ કોઈ મહિલા સાથે કોઈ વ્યક્તિ નિમ્ન લિખિત પરિસ્થિતિમાં શારીરિક સંબંધ બાંધે તો તેને પણ રેપ ગણવામાં આવે છે.

1 - મહિલાની ઇચ્છા વિરુદ્ધ

2 - મહિલાની મરજી વગર

3 - મહિલાની મરજીથી પરંતુ આ સંમતિ મહિલાને હત્યા અથવા નુકસાન પહોંચાડીને અથવા તેની નજીકની વ્યક્તિને આવું નુકસાન કરવાનો ડર બતાવીને આવી મરજી મેળવવામાં આવી હોય.

4 - મહિલાની મરજી હોય, પરંતુ એ સમયે મહિલા માનસિક રીતે સ્વસ્થ ન હોય અથવા મહિલાને કોઈ નશીલો પદાર્થ ખવડાવવામાં આવ્યો હોય અને તે તેની અસરમાં હોય અને સંમતિ સમજવાની સ્થિતિમાં જ ન હોય.

Image copyright Thinkstock

પરંતુ આ બાબતોમાં એક અપવાદ પણ છે. ગત વર્ષે ઑક્ટોબર મહિનામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 18 વર્ષથી ઓછી વયની પત્ની સાથે શારિરીક સંબંધ બાંધવો ગુનો છે અને તેને બળાત્કાર ગણી શકાય છે.

કોર્ટ અનુસાર સગીર પત્ની એક વર્ષની અંદર ફરિયાદ દાખલ કરાવી શકે છે.

આ કાનૂન હેઠળ પરિણીત મહિલા (18 વર્ષથી વધી ઉંમર) સાથે તેમના પતિ દ્વારા આવું કરવામાં આવે તો શું માનવામાં આવશે.

આ મામલે સ્થિતિ સ્પષ્ટ નથી. આથી મૅરિટલ રેપની ચર્ચા શરૂ થઈ છે.


શું છે મૅરિટલ રેપ?

ભારતમાં વૈવાહિક બળાત્કાર એટલે કે મૅરિટલ રેપ કાનૂની રીતે ગુનો નથી.

આથી આઈપીસીની (ભારતીય દંડ સંહિતા)ની કલમોમાં તેની વ્યાખ્યા નથી અને તેના માટો કોઈ સજાની જોગવાઈ પણ નથી.

પરંતુ જાહેર હિતની અરજી કરનારી સંસ્થાના ઋત ફાઉન્ડેશનની ચિત્રા અવસ્થી અનુસાર પતિ તેની પત્નીની મરજીની વિરુદ્ધમાં બળજબરીથી શારીરિક સંબંધ બાંધે તો તેને ગુનો ગણવો જોઈએ.

Image copyright YOUTUBE

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મેનકા ગાંધીએ વર્ષ 2016માં મૅરિટલ રેપ પર ટિપ્પણી કરતા કહ્યું હતું:

"ભલે પશ્ચિમી દેશોમાં મૅરિટલ રેપની અવધારણા પ્રચલિત છે, પરંતુ ભારતમાં ગરીબી, શિક્ષાના સ્તર અને ધાર્મિક માન્યતાઓના કારણે મૅરિટલ રેપની અવધારણા બંધબેસતી નથી."

કેન્દ્ર સરકારે દિલ્હી હાઇકોર્ટમાં મૅરિટલ રેપને કાનૂની ગુનો ઠેરવતી જાહેર હિતની અરજીના જવાબમાં વર્ષ 2017માં કહ્યું કે આનાથી વિવાહની સંસ્થા અસ્થિર થઈ શકે છે.

દિલ્હી હાઇકોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું, "મૅરિટલ રેપને ગુનો ન માની શકાય, કેમ કે આવું કરવાથી વિવાહ સંસ્થા અસ્થિર થઈ શકે છે. પતિઓને પ્રતાડિત કરવા માટે તે એક આસાન હથિયાર બની જશે."


શું કહે છે હિંદુ મૅરેજ એક્ટ?

Image copyright TWITTERMANEKAGANDHI

હિંદુ વિવાહ અધિનિયમ પતિ અને પત્ની એકબીજા માટે એકબીજા પ્રત્યે કેટલીક જવાબદારી નક્કી કરે છે. તેમાં સહવાસનો અધિકાર પણ છે.

કાનૂની રીતે એવું માનવમાં આવે છે કે સેક્સ માટે ઇન્કાર કરવો ક્રૂરતા છે તથા આના આધારે છૂટાછેડા માગી શકાય છે.


વિવાદ શું છે?

એક તરફે રેપનો કાનૂન છે અને બીજી તરફ હિંદુ મૅરેજ એક્ટ - બન્નેમાં પરસ્પર વિરોધી વાતો છે. આથી મૅરિટલ રેપ મામલે અસ્પષ્ટ સ્થિતિ છે.

મેન વેલ્ફેર ટ્રસ્ટના અમિત લખાનીનો તર્ક છે કે રેપ શબ્દનો ઉપયોગ હંમેશાં 'થર્ડ પાર્ટી' મામલે કરવો જોઈએ. વૈવાહિક સંબંધો મામલે તેનો ઉપયોગ ખોટી બાબત છે.

બીજી તરફ ઋત ફાઉન્ડેશનનો તર્ક છે કે કાનૂન ન હોવાના કારણે મહિલાઓ આવા કિસ્સામાં ઘરેલું હિંસા જેવા કાનૂનની મદદ લે છે.

Image copyright Thinkstock

પરંતુ તે તેમના પક્ષને મજબૂત કરવાના બદલે નબળો પાડી દે છે.

નિર્ભયા બળાત્કાર બાદ આ મામલે બનેલી જસ્ટિસ વર્મા સમિતિએ પણ મૅરિટલ રેપ માટે અલગથી કાનૂન બનાવવાની વાત કરી હતી.

સમિતિની દલીલ હતી કે લગ્ન બાદ સેક્સમાં પણ સંમતિ અને અસંમતિને પરિભાષિત કરવી જોઈએ.


તો પછી મહિલાઓની સુનવાણી ક્યાં?

Image copyright SPL

નિષ્ણાતોનું માનવું છે કે મૅરિટલ રેપ મામલે અલગ કાનૂન ન હોવાથી મહિલાઓ પોતાના પર થઈ રહેલી ક્રૂરતા માટે ઘણી વાર 498 (એ)નો આધાર લે છે.

એક રીતે કલમ 498 (એ) કલમમાં પતિ અથવા તેમના સંબંધીના એવા તમામ વ્યવહાર વર્તનને સામેલ કરવામાં આવ્યા છે, જેમાં મહિલાને માનસિક અથવા શારીરિક નુકસાન પહોંચાડવામાં આવે અથવા તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવે.

ગુનેગાર ઠેરવાય તો આ કલમ હેઠળ પતિને મહત્તમ ત્રણ વર્ષ વર્ષની સજાની જોગવાઈ છે.

બળાત્કારના કાનૂનમાં મહત્તમ આજીવન કેદ અને જઘન્ય હિંસા થતાં પર મૃત્યુદંડની સજાની જોગવાઈ છે.

વર્ષ 1983ની આઈપીસી કલમ 498(એ) ના બે દાયકા બાદ વર્ષ 2005માં સરકારે ઘરેલું હિંસાની ફરિયાદો માટે 'પ્રોટેક્શન ઑફ વુમન ફ્રૉમ ડૉમેસ્ટિક વાયોલન્સ' નામનો એક નવો કાનૂન બનાવવામાં આવ્યો.

તેમાં ધરપકડની સજાની જોગવાઈ નથી, પરંતુ દંડ અને સુરક્ષા જેવી મદદની જોગવાઈ છે.


હવે આગળ શું થશે?

મૅરિટલ રેપ પર કેન્દ્ર સરકાર કાયદો બનાવે આ માગને લઈને દિલ્હી હાઈકોર્ટમાં બે વર્ષથી સુનાવણી ચાલી રહી છે.

આ મામલે આગામી સુનાવણી આઠમી ઑગસ્ટના રોજ છે. એ દિવસે બન્ને પક્ષ પોતપોતાની નવી દલીલો રજૂ કરશે.

વળી અન્ય દેશોમાં આ મામલે શું કાયદા છે તે મામલે પણ ચર્ચા થશે.

હાલ તો આ વિશે કોઈ ચુકાદો આવવામાં સમય લાગશે એવું લાગી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો