TOP NEWS: હાર્દિક પટેલે ચૂંટણીમાં પાંચ શબ્દો પર પ્રતિબંધની માગ કરી

હાર્દિક પટેલ Image copyright @Facebook

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે બુધવારે બે ટ્વીટ કરીને ભાજપ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે જો પાંચ શબ્દો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે તો ભાજપ માટે 2019ની ચૂંટણી જીતવી મુશ્કેલ બની જશે.

પટેલે લખ્યું, "હું ભાજપ સામે એટલા માટે બોલું છું અને પોસ્ટ્સ મૂકું છું જેથી કરીને આગામી પેઢીના બાળકો મને એમ ન કહે કે જ્યારે દેશ લૂંટાઈ રહ્યો હતો, ત્યારે તમે શું કરી રહ્યા હતા."

વધુ એક ટ્વીટમાં પટેલે લખ્યું, "2019ની ચૂંટણીમાં પાંચ શબ્દો પર પ્રતિબંધ મૂકવામાં આવે. હિંદુ, મુસ્લિમ, મંદિર, મસ્જિદ,પાકિસ્તાન. પછી જુઓ ભાજપના નેતાઓ કયા મુદ્દે વોટ માંગશે? જનતાને કયા વિકાસનો હવાલો આપશે? કઈ નીતિઓ સમજાવશે? કેવી રીતે ભોળવશે?"

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે પાટીદારોને અનામત મળે તે માટે 25મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી છે.

તમે આ વાંચ્યું કે નહીં?


દેશને નવા PMની જરૂર છે: અખિલેશ યાદવ

Image copyright YADAVAKHILESH-TWITTER

'ઇન્ડિયા ટુડે'ની વેબસાઇટના સાથે ઇન્ટર્વ્યૂમાં ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક નેતા તરીકે અસફળ રહ્યા છે, દેશને હવે નવા વડા પ્રધાનની જરૂરિયાત છે."

તેમણે ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું, "ભાજપ દેશમાં ચૂંટણીઓ પહેલાં ધર્મ અને જાતિના નામે લોકોને અલગ કરવાની રાજનીતિ કરે છે અને જ્યારે પરિસ્થિતિ વણસી જાય ત્યારે તેઓ વિરોધ પક્ષ પર દોષનો ટોપલો ઢોળી દે છે."

સમાજવાદી પાર્ટીના વખાણ કરતા તેમણે કહ્યું હતું કે અમારી પાર્ટીએ દેશને સારા વડા પ્રધાન આપવાનું બીડું ઝડપ્યું છે અને 2019ની ચૂંટણી બાદ ખબર પડશે કે નવા વડા પ્રધાન કોણ હશે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીમાં ભાજપને રોકવા માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ હાથ મીલાવ્યા હતા.

અખિલેશે એવું પણ કહ્યું હતું કે સમાજવાદી પાર્ટીનું ગઠબંધન કોંગ્રેસ સાથે છે અને હવે બહુજન સમાજવાદી પાર્ટી પણ આમાં સામેલ થઈ છે, પરંતુ ભાજપ આ ગઠબંધનને તોડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યો છે.


'બે વર્ષમાં ભારતમાં એક લાખથી વધુ દુષ્કર્મના કેસો નોંધાયા'

Image copyright @KIRENRIJIJU

'ધ ઇકોનોમિક ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, કેબિનેટ મંત્રી કિરન રિજિજુએ કહ્યું કે વર્ષ 2014-16 દરમિયાન દેશમાં દુષ્કર્મના 1,10,333 કેસો નોંધાયા છે.

રિજિજુએ રાજ્યસભામાં સંબોધન કરતી વખતે માહિતી આપી કે વર્ષ 2016માં દુષ્કર્મના 38,947 કેસો, જ્યારે વર્ષ 2015માં 34,651 કેસો અને વર્ષ 2014માં 36,735 કેસો નોંધાયા છે.

મહિલાઓ સાથે થતાં અત્યાચાર અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે વર્ષ 2016 દરમિયાન મહિલાઓ સાથે થયેલા ગુનાઓમાં 3,38,954 કેસો નોંધાયા છે.


સબરીમાલા મંદિરમાં પુરુષ જઈ શકે તો મહિલા પણ

Image copyright Getty Images

બુધવારે દેશની સર્વોચ્ચ અદાલતમાં 10 થી 50 વર્ષની મહિલાઓને કેરળના સબરીમાલા મંદિરમાં પ્રવેશ આપવા મુદ્દે દાખલ થયેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં મુખ્ય ન્યાયધીશે ટિપ્પણી કરી હતી કે જ્યાં પુરુષો જઈ શકે, ત્યાં મહિલાઓ પણ જઈ શકે.

અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'ના અહેવાલ પ્રમાણે, કોર્ટે નોંધ્યું હતું કે પીરિયડ્સને મહિલાઓને સબરીમાલા મંદિરમાં ન પ્રવેશવા દેવીએ ગેરવ્યાજબી બાબત છે.

મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ અવલોકન કર્યું હતું કે રજસ્વલા સ્ત્રીને 'અશુદ્ધ' ગણવીએ અસ્પૃશ્યતા બરાબર છે અને એ સમાજિક દૂષણને તિલાંજલિ આપી દેવામાં આવી છે.

મિશ્રાએ ઉમેર્યું હતું કે પૂજાના જે સ્થળે પુરુષ જઈ શકે, ત્યાં મહિલાને પણ પ્રવેશવાનો હક્ક મળવો જોઈએ. એક વખત મંદિરના દ્વાર ખુલ્લે એટલે દરેકને ત્યાં પૂજા કરવાનો હક્ક મળે છે.


લોકસભામાં અમારી પાસે બહુમતી છે: સોનિયા ગાંધી

Image copyright Getty Images

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે, લોકસભામાં નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ કોંગ્રેસ અને ટીડીપી (તેલુગુ દેશમ્ પાર્ટી)ના અવિશ્વાસ પ્રસ્તાવના સ્વીકાર બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દાવો કર્યો છે કે તેમની પાસે લોકસભામાં બહુમતી છે.

20 જુલાઈના રોજ અવિશ્વાસ પ્રસ્તાવ અંગે ચર્ચા શરૂ થવાની છે, પરંતુ એવું માનવામાં આવે છે કે કોંગ્રેસ પાસે સંખ્યાબળ નથી.

યુનાઇટેડ પ્રોગ્રેસિવ ફ્રન્ટ (યુપીએ)ના સભ્ય પક્ષ તૃલમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ આ અંગે કહ્યું કે અમે આ અવિશ્વાસના પ્રસ્તાવને વિરોધપક્ષની એકતાના સ્વરૂપે જોઈએ છીએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો