સોનાલી બેન્દ્રે પુત્રને પોતાના કૅન્સરની વાત જણાવી ત્યારે...

સોનાલી બેન્દ્રે

ઇમેજ સ્રોત, SONALI BENDRE/INSTAGRAM

કૅન્સરની સારવાર લઈ રહેલાં બોલીવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ તેમના પુત્ર વિશે સોશિયલ મીડિયામાં એક લાગણીસભર પોસ્ટ કરી છે.

તેમણે ઇન્સ્ટાગ્રામ પર એ વાત શેર કરી છે કે બાળકોને માતાપિતાની બીમારી વિશે જણાવવું કેટલું મુશ્કેલ હોય છે.

પરંતુ તેમાં તેમણે એ વાત પણ લખી છે કે તેમનો પરિવાર તેમને આ સ્થિતિમાં કઈ રીતે હિંમત આપી રહ્યો છે.

અત્રે નોંધવુ રહ્યું કે તાજેતરમાં બોલીવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ કૅન્સર તેમને હોવાની જાહેરાત કરી હતી.

સોનાલી બેન્દ્રે બાળકોને આવી ગંભીર બીમારીના વાત જણાવવી જોઈએ કે નહીં અને જો જણાવવી હોય તો કેમ જણાવવી તેનું કારણ આપ્યું છે.

બાળક સાથે કોઈ ગંભીર બીમારી વિશે વાત શેર કરવી એક મુશ્કેલ બાબત માનવામાં આવે છે. પરંતુ સોનાલી બેન્દ્રેએ કઈ રીતે પુત્રને આ વાત જણાવી તે રસપ્રદ છે.

પોસ્ટમાં શું લખ્યું?

ઇમેજ સ્રોત, INSTAGRAM/BBC

ઇન્સ્ટાગ્રામ પર તેમણે પોસ્ટ લખી કે, "આજથી 12 વર્ષ, 11 મહિના અને 8 દિવસ પહેલાં મારા પુત્રનો જન્મ થયો હતો. તે મારા હૃદયનો માલિક બની ગયો."

"ત્યારથી તેની ખુશી અમારા માટે સૌથી મહત્ત્વની બાબત બની ગઈ. આથી જ્યારે કૅન્સર હોવાનું જાણ થઈ ત્યારે સૌથી મોટી દુવિધા એ હતી કે અમે તેને આ વાત કઈ રીતે જણાવીએ."

આમ સોનાલી બેન્દ્રેએ પણ માન્યું કે બાળકને આવી વાત કહેવું માતાપિતા માટે કેટલું મુશ્કેલ હોઈ શકે છે.

આપને આ પણ વાંચવું ગમશે

તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, "અમે તેની ખૂબ જ કાળજી લીધી છે પણ તેને મારી બીમારી વિશેની વાસ્તવિકતા જણાવવી જરૂરી હતી."

"પુત્રએ મારી બીમારીના સમાચાર સાંભળ્યા બાદ ખૂબ જ પરિપક્વતા દાખવી અને મારા માટે તરત ઊર્જાનો એક સ્ત્રોત બની ગયો."

"કેટલીક વખત તો તેણે મારા માતાપિતાની જેમ મારી સંભાળ રાખી અને મને યાદ કરાવ્યું કે મારે શું કરવું અને શું નહી."

બાળકને આવી વાત કહેવી કે નહીં તે મામલે તેમણે પોસ્ટમાં એક વાત લખી છે કે બાળકોને આ બાબતોમાં સામેલ કરવાં જરૂરી છે અને તેમના મનોબળ મજબૂત હોય છે.

"તેમનાથી વધું છુપાવવા કરતાં તેમની સાથે સમય પસાર કરીને ખુલ્લાં મનથી વાતચીત કરવી જોઈએ."

"આપણે તેમને દુખ અને જીવનની વાસ્તવિકતાથી બચાવવા જે કંઈ કરવાનું હોય તેના કરતાં કદાચ ઊલટું કરતા હોઈએ છીએ."

"હાલ હું રણવીર સાથે સમય ગાળી રહી છું. હાલ તેની ઉનાળાની રજાઓ ચાલી રહી છે."

"તેની મસ્તી અને શરારતે મને મનોબળ મજબૂત બનાવવા મદદ કરી છે. આજે અમે બન્ને એકબીજાને હિંમત આપી રહ્યા છીએ."

આ નવી પોસ્ટમાં સોનાલી તેમના પુત્ર સાથે સ્મિત કરતાં જોવા મળે છે. અને તેમના વાળ પહેલાં કરતાં વધું ટૂંકા છે.

સોનાલી બેન્દ્રેએ આખરે એ વાત કહી કે તેઓ પોતે અને તેમનાં પતિ ગોલ્ડી બહલ પુત્રને માનસિક રીતે આઘાત કે આંચકો ન લાગે એટલા માટે પુત્રને તમામ વાત જણાવી દેવાનું જરૂરી સમજે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો